- અમેરિકાએ પોતે જ બનાવેલા કાયદાના કારણે ટ્રમ્પ 75 વર્ષ જૂના આ ગઠબંધનથી છેડો ફાડી શકે તેમ નથી
- 28 ફેબ્રુઆરીએ જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે જ ફ્રાન્સ, જર્મની, ઈટાલી, બ્રિટન જેવા નાટો સભ્ય દેશોએ આ યુદ્ધથી અંતર જાળવ્યું હતું. તેમણે ખાડી દેશોમાં પોતાના યુદ્ધ જહાજ મોકલવાની પણ મનાઈ કરી દીધી હતી. થોડા સમય પહેલા જ જાપાન અને કેનેડા સાથે યુરોપીયન યુનિયનના દેશોએ પણ હોર્મુઝની ખાડી ખોલવા માટે સંયુક્ત નિવેદન આપ્યા હતા : બીજા વિશ્વ યુદ્ધ બાદ એટલે કે અંદાજે 75 વર્ષ પહેલાં અમેરિકાના પૈસા અને પાવરની મદદથી આ સંગઠનની રચના કરવામાં આવી હતી. તેમાં અમેરિકા સૌથી મોટું સભ્ય છે. અમેરિકા ખસી જાય તો આ સંગઠન પાયમાલ થઈ જાય તેવું દેખાઈ રહ્યું છે. તેના કારણે નાટો ઉપર જ નહીં પણ વૈશ્વિક ધોરણે સમસ્યાઓ સર્જાય તેમ છે : ટ્રમ્પ કદાચ જો અમેરિકી કાયદાની ચુંગાલમાં ફસાઈ જશે તો તેઓ નાટોને છોડવાનો વિચાર માંડી વાળશે. બીજી તરફ તેઓ નાટોને અંદરથી ખોખલું કરી દેવાની કામગીરી શરૂ કરશે. તેના માટે તેમને કોઈની પણ મંજૂરી લેવાની જરૂર નથી. તેઓ નાટોના બજેટમાં અમેરિકાનો ભાગ બંધ કરી દેશે
ઈરાન સામેના યુદ્ધમાં તમામ મોરચે ભીંસમાં આવેલા અમેરિકી પ્રમુખ હવે બીજી બાબતો અને મુદ્દા તરફ હવાતિયા મારી રહ્યા છે. ઈરાનને આક્રમક હુમલા પછી પણ કાબુ ન કરી શકનારા ટ્રમ્પ હવે નાટો સંગઠનને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોર્થ એટલેન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે કે નાટો સભ્ય દેશો અમેરિકાને મદદ નથી કરી રહ્યા હોવાની ટ્રમ્પની પીપુડી હજી બંધ થઈ નથી. તેઓ આરોપ મુકી રહ્યા છે કે, હોર્મુઝની ખાડી ખોલવા માટે અમેરિકા ઈરાન ઉપર દબાણ બનાવવા માગે છે પણ નાટો દેશો તેમને મદદ કરી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો પણ આ અંગે આક્રમક થઈ રહ્યા છે. તેમણે પણ ટ્રમ્પના પગલે જણાવ્યું કે, અમેરિકાએ હવે નાટો સાથેના સંબંધો અંગે ફેરવિચાર કરવાનો સમય પાકી ગયો છે. તેમણે મોઘમ રીતે અમેરિકી પ્રમુખની ઈચ્છાને સમર્થન આપ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ જાણકારો માને છે કે, અમેરિકા અને ટ્રમ્પ ગમે તેટલા ધમપછાડા કરી લે પણ તેઓ સરળતાથી નાટોથી જુદા પડી શકે તેમ નથી. અમેરિકાના પોતાના જ કાયદા તેને આ પગલું ભરતા રોકી શકે છે.
મહત્ત્વની વાત એ છે કે, અમેરિકા જ્યારે ઈરાન સામે આક્રમક નિવેદનો કરી રહ્યું હતું અને ૨૮ ફેબ્રુઆરીએ જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે જ ફ્રાન્સ, જર્મની, ઈટાલી, બ્રિટન જેવા નાટો સભ્ય દેશોએ આ યુદ્ધથી અંતર જાળવ્યું હતું. તેમણે ખાડી દેશોમાં પોતાના યુદ્ધ જહાજ મોકલવાની પણ મનાઈ કરી દીધી હતી. થોડા સમય પહેલા જ જાપાન અને કેનેડા સાથે યુરોપીયન યુનિયનના દેશોએ પણ હોર્મુઝની ખાડી ખોલવા માટે સંયુક્ત રીતે જે પ્રયાસ કરવામાં આવ્યા તે અંગે કેટલાક નિવેદન જારી કર્યા હતા. સ્પેનિશ વડા પ્રધાન પેડ્રો સાન્ચેઝે જણાવ્યું હતું કે, આ યુદ્ધ અયોગ્ય છે અને અન્યાયપૂર્ણ છે. તેના કારણે ટ્રમ્પ ગિન્નાયા હતા. આ ઉપરાંત સ્પેને ઈરાન ઉપર હુમલા કરવા માટે અમેરિકી એરક્રાફ્ટ્સ અને ફાઈટર જેટ્સ માટે પોતાની એરસ્પેસ પણ બંધ કરી દીધી હતી.
બીજી તરફ ઈટાલીના જ્યોર્જિયા મેલોનીએ પણ આ યુદ્ધને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ ગણાવ્યું હતું. તેમણે અમેરિકા અને ઈઝરાયેલના પગલા અને કામગીરીને આત્યાંતિક ગણાવ્યા હતા. તે ઉપરાંત ઈટાલીએ સિસિલી ખાતેના સિગોનેલા એરબેઝનો ઉપયોગ કરવાની પણ અમેરિકાને મનાઈ કરી હોવાના અહેવાલો આવ્યા હતા. બ્રિટન સરકારે પણ થોડા સમય માટે અમેરિકાને તેનો એરબેઝ ઉપયોગ માટે આપ્યો પણ ત્યારબાદ અમેરિકી મનસુબા જાણીને તેના ઉપર મનાઈ કરી દીધી છે. બ્રિટને સખત શબ્દોમાં જણાવ્યું કે, આ અમારું યુદ્ધ નથી અને અમે તેમાં સંડોવણી થાય તેમ ઈચ્છતા નથી. ફ્રાન્સે પણ આ યુદ્ધમાં પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવા સામે વાંધો લીધો હતો. તેમણે ઈઝરાયેલ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. પોલેન્ડે પણ પોતાની એર ડિફેન્સ સિસ્ટમ મોકલવાની મનાઈ કરી દીધી હતી. નાટો દેશના આ વલણને કારણે જ અમેરિકા રોષે ભરાયું છે અને નાટો સંગઠન છોડવા ધમકી આપી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન એટલે કે નાટો ૩૨ દેશોનો એક સમૂહ છે. તેની સૌથી મોટી તાકાત તેનો આર્ટિકલ પણ છે. આ આર્ટિકલમાં એવું કહેવાયું છે કે, ગઠબંધનના કોઈપણ સભ્ય દેશ પર હુમલો થાય તો તે સંગઠન ઉપર હુમલો થયેલો ગણાશે અને તેનો આકરો જવાબ આપવામાં આવશે. બીજા વિશ્વ યુદ્ધ બાદ એટલે કે અંદાજે ૭૫ વર્ષ પહેલાં અમેરિકાના પૈસા અને પાવરની મદદથી આ સંગઠનની રચના કરવામાં આવી હતી. તેમાં અમેરિકાનું સૌથી મોટું સભ્ય છે. અમેરિકા ખસી જાય તો આ સંગઠન પાયમાલ થઈ જાય તેવું દેખાઈ રહ્યું છે. તેના કારણે નાટો ઉપર જ નહીં પણ વૈશ્વિક ધોરણે સમસ્યાઓ સર્જાય તેમ છે.
જાણકારો માને છે કે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ભલે એવું માનતા કે તેઓ કહેશે એટલે અમેરિકા નાટોમાંથી છૂટું થઈ જશે. હકિકતે તેવું શક્ય નથી. અમેરિકામાં તેના પ્રમુખ કરતા પણ કાયદા વધારે મહત્ત્વના છે.
ટ્રમ્પના આ બદઈરાદાને રોકવા માટે અમેરિકી સંસદ પહેલેથી જ કિલ્લાબંદી કરીને બેઠી છે. ઉલ્લેખનીય છે કે, નાટોની સ્થાપના ૧૯૪૯માં એક સંધી થકી કરવામાં આવી હતી. આ સંધિ દરમિયાન જે બંધારણ રચાયું તેના આર્ટિકલ ૧૩ હેઠળ દરેક સભ્ય દેશને આ સંગઠન છોડવાનો અધિકાર મળે છે. જે દેશ સંગઠન છોડવા માગે તેણે અમેરિકાની સરકારને એક નોટિસ પાઠવવાની હોય છે. આ નોટિસ આપ્યાના એક વર્ષ બાદ જે-તે દેશ આ સંગઠન છોડી શકે છે. આ એક વર્ષમાં તે દેશે ફરજિયાત રીતે નાટોની તમામ શરતોનું પાલન કરવું પડે છે. આ કેસમાં ટ્રમ્પ તે કરી શકે તેમ જ નથી.
ટ્રમ્પ કોઈપણ પ્રકારના કાયદામાં બંધાય કે તેને આધિન રહીને કામગીરી કરે તેવા છે નહીં. તેઓ ગમે ત્યારે ગમે તે આદેશ જારી કરીને પગલાં લઈ શકે છે. તેઓ કદાચ જો અમેરિકી કાયદાની ચુંગાલમાં ફસાઈ જશે તો તેઓ નાટોને છોડવાનો વિચાર માંડી વાળશે. બીજી તરફ તેઓ નાટોને અંદરથી ખોખલું કરી દેવાની કામગીરી શરૂ કરશે. તેના માટે તેમને કોઈની પણ મંજૂરી લેવાની જરૂર નથી. તેઓ નાટોના બજેટમાં અમેરિકાનો ભાગ બંધ કરી દેશે. યૂરોપ અને ખાસ કરીને જર્મની અને પોલેન્ડમાં સજ્જ અમેરિકી સૈનિકો પરત બોલાવી શકે છે. તે જાહેરમાં પણ કહી શકે છે કે, હવે કોઈ નાટો દેશ ઉપર હુમલા થયા કે રશિયાએ કંઈ કર્યું તો અમેરિકા તેને બચાવવા નહીં આવે. આ રીતે ટ્રમ્પ નાટોને તોડયા વગર જ અંદરથી ખોખલું કરી નાખશે.
બીજી વાત એ છે કે, અમેરિકાની આ આડોડાઈમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો પણ રસપ્રદ રીતે કામ કરી રહ્યા છે.
૨૦૨૩માં નાટો અંગે જ્યારે અમેરિકી કાયદો તૈયાર થયો ત્યારે તેના સર્જનમાં જે ટીમ હતી તેમાં માર્કો રૂબિયો પણ જોડાયેલા હતા. તેમણે આ કાયદાને અમેરિકાની સુરક્ષા માટે અત્યંત જરૂરી કાયદો જણાવ્યો હતો. ટ્રમ્પ સરકારમાં વિદેશ મંત્રી બનતાની સાથે જ રૂબિયોના નિવેદનો અને ઈરાદા બદલાવા લાગ્યા છે. તેમણે નાટોને એકતરફ સંગઠન હોવાનો ટોણો માર્યો હતો. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે, અમેરિકાએ નાટો સંગઠનમાં જોડાયેલા રહેવા અંગે ફેરવિચાર કરવો જોઈએ.
જાણકારો માને છે કે, ટ્રમ્પની આ ધમકીઓ હાલમાં તો દબાણ બનાવવાની ટેકનિક હોય તેમ લાગી રહ્યું છે. તેઓ ભય અને દબાણની રાજનીતિ અમલમાં મૂકી રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે.
તેઓ ઈચ્છે છે કે, યૂરોપના દેશો પોતાની સુરક્ષા માટે હવે આત્મનિર્ભરતા કેળવે અને અમેરિકા ઉપર ઓછો આધાર રાખે. ૨૦૨૩ના કાયદાએ ટ્રમ્પને મર્યાદાની મજબૂત સાંકળોથી બાંધી રાખ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે.
જ્યાં સુધી ટ્રમ્પની ઈચ્છાને અમેરિકી સંસદની મંજૂરી નહીં મળે અને ટ્રમ્પના વિચારો સંસદમાં પસાર નહીં થાય ત્યાં સુધી અમેરિકા નાટોનું સભ્ય રહેવાનું જ છે.
2023માં બનેલો અમેરિકી કાયદો જ ટ્રમ્પના ઈરાદાઓની સાંકળ બની ગયો છે
ઉલ્લેખનીય છે કે, આ કોઈ પહેલી વખત નથી કે ટ્રમ્પ દ્વારા નાટો છોડવા માટે ધમકીઓ આપવામાં આવી હોય કે ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હોય. ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન પણ અવારનવાર આવી ધમકીઓ આપી હતી. તેના પગલે જ અમેરિકી કોંગ્રેસ સાવચેત થઈ ગઈ હતી. વર્ષ ૨૦૨૩માં અમેરિકી કોંગ્રેસે ડિસેમ્બર મહિનામાં એક સખત કાયદો પસાર કરી દીધો હતો.
તેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, કોઈપણ અમેરિકી પ્રમુખ ઈચ્છે ત્યારે અને ઈચ્છે તે રીતે નાટો છોડી શકે નહીં. તે પોતાની રીતે એક તરફી નિર્ણય કરીને નાટોમાંથી બહાર નીકળી શકે નહીં. ટ્રમ્પ જો હાલમાં નાટોમાંથી બહાર નીકળવા માગતા હોય તો તેમણે અમેરિકી સેનેટના ૧૦૦ સભ્યોમાંથી ૬૭ સભ્યોનું સમર્થન મેળવવું પડે. વર્તમાન સમયમાં અમેરિકી રાજકારણમાં ટ્રમ્પ માટે આ વોટ ભેગા કરવા અશક્ય છે. આ ઉપરાંત તેમણે અમેરિકી સેનેટના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવીને વિશેષ બિલ પસાર કરવું પડે જેમાં તેઓ નાટોમાંથી બહાર નીકળવાનો પ્રસ્તાવ મુકે. અમેરિકાના કોઈપણ પ્રમુખ માટે હાલના સમયમાં આ કરવું લગભગ અશક્ય છે, કારણ કે અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખ પાસે તમામ સત્તા હોતી નથી.
ટ્રમ્પ આ નિયમને બાયપાસ કરવા મથશે તો મોટો કાયદાકીય જંગ થશે
ટ્રમ્પના તુંડમિજાજ અને અવિચારી નિર્ણયો અંગે પણ જાણકારો અસમંજસમાં છે. તેઓ માને છે કે, ટ્રમ્પ ગમે ત્યારે અને ગમે તે નિર્ણય કરવા માટે જાણીતા છે. તેઓ અવિચારી પગલાં ભરે છે. તેઓ આ નિયમને બાયપાસ કરવા માટે ગમે તેવા ગતકડાં કરી શકે છે અને કાયદાકિય રણનીતિઓનો ઉપયોગ કરી શકે છે. ટ્રમ્પ આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકે છે.
ત્યાં તેઓ વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંધિઓ ઉપર અંતિમ નિર્ણય લેવાનો વિશેષાધિકાર રાષ્ટ્રપ્રમુખ પાસે હોવો જોઈએ તેવી દલીલો કરી શકે છે. આ રીતે તે સંસદનો એકડો કાઢવા મથે તેમ દેખાઈ રહ્યું છે. આ મુદ્દે તેઓ સંસદના ૨૦૨૩ના કાયદાને ગેરલાયક અને ગેરબંધારણીયા જાહેર કરાવી શકે છે. સુપ્રીમ કોર્ટમાં રહેલા તેમની પસંદગીના જજની પેનલ ટ્રમ્પની તરફેણમાં ચુકાદો આપી શકે છે. ટ્રમ્પ આ બધા વચ્ચે જો એક નોટિસ જારી કરીને એક્શન લેવાના આદેશ આપી દે તો મોટું બંધારણીય સંકટ સર્જાય તેમ છે. ત્યારબાદ અમેરિકી સેનેટ અને સુપ્રીમ વચ્ચે લાંબો કાયદાકીય સંઘર્ષ ચાલે તેમ લાગી રહ્યું છે.


