For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાંગ્લાદેશ 'ઈંડિયા આઉટ'ના રવાડે ચડે તો ભિખારી થઈ જાય

Updated: Apr 3rd, 2024

Article Content Image

- બાંગ્લાદેશમાં ફરી 'ઈંડિયા આઉટ'નું તૂત શરૂ થયું છે. અમેરિકા સહિતના દેશો શેખ હસીનાની વિરૂધ્ધ છે પણ ભારતના પીઠબળથી હસીના ટકી ગયાં છે એવું માનતા વિરોધીઓએ ભારત વિરોધી માહોલ ઉભો કરીને હસીનાને નબળાં પાડી શકાશે એવું માને છે. પાકિસ્તાન-ચીન તેમને ટેકો આપી રહ્યાં છે પણ આ તૂત બાંગ્લાદેશના અર્થતંત્રને ખતમ કરી નાંખશે કેમ કે  ભારત સાથે આર્થિક વ્યવહાર વિના બાંગ્લાદેશ ટકી શકે તેમ નથી. ભારતની ચીજો ના મળે તો બાંગ્લાદેશીઓને ખાવાનાં ફાંફાં પડી જાય. 

માલદીવ્સમાં પીપલ્સ નેશનલ કોંગ્રેસના મોહમ્મદ મૂઈજ્જુએ ગયા વરસે થયેલી ચૂંટણીમાં 'ઈંડિયા આઉટ'નો નારો આપેલો. માલદીવ્સમાં ભારતની કહેવાતી દખલગીરી દૂર કરવાનનું વચન આપીને મૂઈજ્જુ ચૂંટણી જીતી ગયેલા. હવે ભારતના બીજા પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ 'ઈંડિયા આઉટ'નો નારો અપાયો છે અને ભારતીય ચીજોનો બહિષ્કાર કરવાની હાકલ કરાઈ છે. 

બાંગ્લાદેશમાં માલદીવ્સની જેમ રાજકીય પક્ષો સીધા ભારતીય ચીજોના બહિષ્કારની હાકલમાં જોડાયા નથી પણ પાછલા બારણે મદદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કહેવાતા કેટલાક ચુલિયા ચળવળકારો અને ઈફ્લુઅન્સર્સે બાંગ્લાદેશમાં બે મહિના પહેલાં જાન્યુઆરીમાં સંસદની ચૂંટણી પહેલાં 'ઈંડિયા આઉટ' ઝુંબેશ શરૂ કરેલી. ચૂંટણીમાં તેની કોઈ અસર ના થઈ ને અવામી લીગનાં શેખ હસીના સરળતાથી ભવ્ય બહુમતીથી જીતી ગયાં પછી એ બધા ઠંડા પડી ગયેલા. 

છેલ્લા પંદરેક દિવસથી આ ચુલિયા પાછા 'ઈંડિયા આઉટ'ના નારા સાથે સક્રિય થયા છે. તેનું કારણ બાંગ્લાદેશી વિપક્ષોનો ટેકો હોવાનું કહેવાય છે. બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી) અને મુસ્લિમ કટ્ટરવાદી પાર્ટી જમાત-એ-ઈસ્લામીનું જોડાણ સત્તાવાર રીતે 'ઈંડિયા આઉટ'ના નારાને સમર્થન નથી આપતું પણ અંદરખાને ભારત વિરોધી ચળવળને પોષી રહ્યું છે. બીએનપીના ટોચના નેતા રાહુલ કબીર રીઝવી અહમદે પોતાની કાશ્મીરી શાલ રસ્તા પર ફેંકીને સળગાવીને 'ઈંડિયા આઉટ' ઝુંબેશને ટેકો જાહેર કર્યો પછી આ તૂત કોના ઈશારે ચાલી રહ્યું છે એ કહેવાની જરૂર જ નથી રહી. 

બાંગ્લાદેશમાં 'ઈંડિયા આઉટ'નું તૂત શરૂ કરનારાઓની હાલત દુઃખે છે પેટ ને કૂટે છે માથું જેવી છે. તેમને વિરોધ હસીના સામે છે પણ હસીનાને હટાવી શકાતાં નથી તેથી  ભારત પર ખાર કાઢી રહ્યા છે. ભારત અને બાંગ્લાદેશના ગાઢ આર્થિક સંબંધોથી બળેલા ચીન-પાકિસ્તાન મોકાનો ફાયદો ઉઠાવીને બળતામાં ઘી હોમી રહ્યા છે. 

હસીના ૨૦૦૯થી બાંગ્લાદેશમાં સત્તાવાર રીતે કરાતી ચૂંટણી દ્વારા ચૂંટાતાં વડાપ્રધાન છે પણ તેમણે લોકશાહીની હત્યા કરી  નાંખી હોવાનો આક્ષેપ તેમના વિરોધીઓ કરે છે.  હસીના  બાંગ્લાદેશનો વહીવટ એક સરમુખત્યારની જેમ ચલાવે છે, પોતાની સામેના તમામ વિરોધને કચડી નાંખે છે,  માનવાધિકારોનો ભંગ કરે છે એવા આક્ષેપો લાંબા સમયથી થાય છે. વિપક્ષોના આક્ષેપમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ અમેરિકાના ઈશારે સૂર પુરાવી રહી છે. હસીનાને હટાવવા અમેરિકા જમાત-એ-ઈસ્લામી અને બીએનપી જેવાં કટ્ટરવાદી પરિબળોને પોષી રહ્યું છે. 

હસીનાના વિરોધીઓ આ આક્ષેપોમાં ભારતને પણ ઢસડે છે. હસીનાના ભારત સાથેના ગાઢ સંબધો જગજાહેર છે. હસીનાના પરિવાર પર ભારતે કરેલા ઉપકારોના બદલામાં હસીના ભારતને ફાયદો થાય એવા નિર્ણયો લે છે અને બદલામાં ભારત હસીનાને સત્તામાં ટકી રહેવામાં મદદ કરે છે એવો વિપક્ષોનો દાવો છે. અમેરિકા સહિતના દેશો હસીનાની વિરૂધ્ધ છે પણ ભારતના પીઠબળથી હસીના ટકી ગયાં છે એવું તેમને લાગે છે તેથી ભારત વિરોધી માહોલ ઉભો કરીને હસીનાને નબળાં પાડી શકાશે એવું તેમને લાગે છે. 

આ હરકતો બાલિશ છે કેમ કે ભારત બીજા દેશની આંતરિક બાબતોમાં દખલ કરતું નથી. બાંગ્લાદેશના હસીના ના હોય તો કટ્ટરવાદીઓનો પ્રભાવ વધે તેથી ભારત હસીનાને સત્તામાં ઈચ્છે છે એ વાસ્તવિકતા છે પણ હસીના ના હોય તો પણ ભારતને કોઈ ફરક પડવાનો નથી પણ ભારત સાથે આર્થિક વ્યવહાર વિના બાંગ્લાદેશ ટકી શકે તેમ નથી. ભારતની ચીજો ના મળે તો બાંગ્લાદેશીઓને ખાવાનાં ફાંફાં પડી જાય. 

બાંગ્લાદેશ એશિયામાં ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. ભારત બાંગ્લાદેશમા વરસે ૧૪ અબજ ડોલરની આસપાસ નિકાસ કરે છે અને લગભગ ૨ અબજ ડોલરની આયાત કરે છે.  ભારત બાંગ્લાદેશ સાથેના વેપારમાં ફાયદામાં છે એવું પહેલી નજરે લાગે પણ વાસ્તવમાં બાંગ્લાદેશ ફાયદામાં છે કેમ કે ભારતથી જતી ચીજો પર બાંગ્લાદેશનું અર્થતંત્ર ચાલે છે. 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છ હજારથી વધારે ચીજોનો વેપાર થાય છે પણ મુખ્ય વેપાર કોટન, પેટ્રોલીયમ અને કઠોળ-દાળનો છે. બાંગ્લાદેશ છેલ્લાં કેટલાંક વરસોમાં હોઝિયરીના ગ્લોબલ હબ તરીકે ઉભર્યું છે. એ માટેનો કાચો માલ ભારતથી જાય છે. ભારતમાંથી દર વરસે લગભગ ૩ અબજ ડોલર કોટન યાર્ન, કાચું રૂ સહિતની ચીજો બાંગ્લાદેશમાં ઠલવાય છે. તેમાંથી શર્ટ, પેન્ટ સહિતનાં રેડીમેડ ગાર્મેન્ટ્સ બનાવીને બાંગ્લાદેશ અમેરિકા અને યુરોપના દેશોમાં ઠાલવે છે અને ચીનને હંફાવી રહ્યું છે. લગભગ બે કરોડ લોકો આ ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે કે જેમાં મોટા ભાગની મહિલાઓ છે. ભારતના માલનો બહિષ્કાર કરવાના ચક્કરમાં આ આખો ઉદ્યોગ ઠપ્પ થઈ જાય ને કરોડો લોકો રસ્તા પર આવી જાય. 

ભારતની નિકાસમાં દાળ-કઠોળ પણ દોઢ અબજ ડોલરની આસપાસ છે જ્યારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પણ દોઢ અબજ ડોલર જેટલી છે. બાંગ્લાદેશીઓનાં ઘરોમાં ચૂલા ભારતનાં કઠોળ-દાળના કારણે સળગે છે ને વાહનો ભારતનાં પેટ્રોલ-ડીઝલથી ચાલે છે. ભારત પેટ્રોલ-ડીઝલ આપવાનું બંધ કરે તો બાંગ્લાદેશની આખી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ થઈ જાય. 

માલદીવ્સે 'ઈંડિયા આઉટ'નો નારો આપીને શું કાંદા કાઢયા એ નજર સામે છે. ભારતને તરછોડીને ચીનના ખોળામાં માલદીવ્સ બેઠું પછી છ મહિનામાં તો ફીણ પડી ગયું છે. માલદીવ્સના નેતા ભારતને આજીજી કરતા થઈ ગયા છે. માલદીવ્સ તો બહુ નાનો દેશ છે તેથી ગમે તે રીતે પોતાનું ગાડું ગબડાવી લે પણ બાંગ્લાદેશ તો ૧૮ કરોડની વસતી ધરાવતો દેશ છે. 'ઈંડિયા આઉટ'ના ચાળે ચડવા જશે તો સાવ ભિખારી થઈને ઉભું રહી જશે. 

હસીનાના પરિવારને ભારતે બચાવેલો, છ વર્ષ સાચવેલો

શેખ હસીના ભારત તરફ કૂણું વલણ ધરાવે છે તેનું કારણ એ છે કે, હસીનાના આખા પરિવારને ભારતે રાજ્યાશ્રય આપીને બચાવ્યો જ નહોતો પણ છ વર્ષ સુધી રાજ્યાશ્રય આપીને દિલ્હીમાં રાખેલો. બાકી બાંગ્લાદેશના લશ્કરે તો ૧૯૭૪મા જ સાફ કરી નાંખ્યું હોત. 

હસીના બંગબંધુ તરીકે ઓળખાતા શેખ મુજીબુર રહેમાનનાં દીકરી છે. બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ કરવા માટે સફળ આંદોલન ચલાવનારા મુજીબુર રહેમાન બાંગ્લાદેશનું ૧૯૭૧માં સર્જન થયું ત્યારે મુજીબુર રહેમાન બાંગ્લાદેશના પહેલા પ્રમુખ બન્યા હતા ને પછી પહેલા વડાપ્રધાન બન્યા હતા. 

બાંગ્લાદેશ પણ પાકિસ્તાનનો ભાગ જ હતું તેથી પહેલેથી લશ્કર સત્તાલાલસુ હતું. રહેમાને લશ્કરને કાબૂમાં રાખવા સશસ્ત્ર સંગઠન જતિયા રખ્ખી બાહિની બનાવેલું. બાંગ્લાદેશની સ્થાપનાના પછી તરત જ લશ્કર અને જતિયા રખ્ખી બાહિની વચ્ચે સંઘર્ષ શરૂ થઈ ગયેલો પણ શેખ મુજીબની લોકપ્રિયતાના કારણે લશ્કરી વડા શફીકુલ્લાહ મુજીબ સામે બગાવત કરતાં ડરતા હતા. 

મુજીબના વિરોધીએએ નાયબ લશ્કરી વડા ઝીયા ઉર રહેમાનને સાધીને ૧૯૭૫માં લશ્કરી બળવો કરાવી દીધો. લશ્કરના જુનિયર લેવલના ૧૫ અધિકારી હથિયારો સાથે મુજીબના ઘરમાં ઘૂસી ગયા. શેખ મુજીબ, તેમનાં પત્નિ, ત્રણ દીકરા, બે પૂત્રવધૂ ઉપરાંત ભાઈઓના પરિવારો, પર્સનલ સ્ટાફ વગેરે સહિત ૩૫ લોકોની હત્યા કરી દેવાયેલી. 

હસીનાએ ૧૯૬૭માં ૨૦ વર્ષની ઉંમરે  ન્યુક્લીયર સાયન્ટિસ્ટ એમ.એ. વાઝિદ મિયાં સાથે લગ્ન કરેલાં.  બળવા વખતે હસીના, વાઝિદ, હસીનાની શેખ રેહાના તેમજ હસીનાનાં બે સંતાન સજીબ અને સાઈમા યુરોપ ફરવા ગયેલાં તેથી બચી ગયેલાં. હત્યાના સમાચાર મળ્યા પછી હસીનાએ પરિવાર સાથે પશ્ચિમ જર્મનીમાં બાંગ્લાદેશી રાજદૂતના ઘરમાં આશ્રય લીધેલો. હસીનાએ જર્મનીથી ઈન્દિરા ગાંધીને ફોન કર્યો. ઈન્દિરા ગાંધીએ રાજકીય આશ્રયની ઓફર કરતાં હસીનાનો આખો પરિવાર છ વર્ષ સુધી દિલ્હીમાં રહેલો. ૧૯૮૧માં ઝિયા ઉર રહેમાનની હત્યા પછી હસીના અવામી પાર્ટીનાં પ્રમુખ બન્યાં અને આખો પરિવાર બાંગ્લાદેશ પાછો જઈ શકેલો.

હસીનાની ચેલેન્જ, પહેલાં પત્નિઓની ભારતીય સાડીઓ સળગાવો

શેખ હસીનાએ 'ઈંડિયા આઉટ'ની ઝુંબેશને હાસ્યાસ્પદ ગણાવી છે. હસીનાએ કટાક્ષ પણ કર્યો કે, કાશ્મીરી શાલ રસ્તા પર ફેંકીને સળગાવવાથી કઈ નહીં થાય, વિપક્ષના નેતાઓએ પોતાની પત્નિઓના વોર્ડરોબમાં કેટલી ભારતીય સાડીઓ છે એ જાહેર કરવું જોઈએ. આ નેતાઓ પોતાની પત્નિઓની ભારતીય સાડીઓની જાહેરમાં કેમ હોળી કરતા નથી ? 

હસીનાએ તો એમ પણ કહ્યું કે, ગરમ મસાલા, ડુંગળી, તેજાના, લસણ, આદુ, મીઠું-મરચું સહિતના બધા મસાલા ભારતથી જ આવે છે. વિપક્ષના નેતા અને 'ઈંડિયા આઉટ'નો નારો આપનારાં લોકોએ પોતાનાં ઘરોમાંથી આ બઘી ચીજો પણ બહાર કાઢીને રસ્તા પર ફેંકી દેવી જોઈએ અને ભવિષ્યમાં ના ખરીદવી જોઈએ. 

બીએનપીના નેતાઓનું કહેવું છે કે, 'ઈંડિયા આઉટ' સાથે વિપક્ષોને કોઈ લેવાદેવા નથી પણ હસીના પોતાના રાજકીય ફાયદા માટે વિપક્ષોને આ ઝુંબેશ સાથે જોડી રહ્યાં છે.

Gujarat