સુનિતા-વિલ્મોરને પાછા લાવવાના મિશનમાં અમેરિકા-રશિયા સાથે
- સુનિતા-વિલ્મોરની પૃથ્વી પર વાપસીમાં સૌથી મહત્વનો તબક્કો ફેબ્રુઆરીમાં સ્પેસક્રાફ્ટ પૃથ્વી પર પાછું ફરશે ત્યારે આવશે કેમ કે ભૂતકાળમાં પૃથ્વી પર પાછા ફરતી વખતે કોલંબિયા સ્પેસ શટલ તૂટી પડેલું. 16 જાન્યુઆરી, 2003ના કોલંબિયા શટલે ઉડાન ભરી ત્યારે કોઈને કલ્પના નહોતી કે આ મિશન સફળ નહીં થાય. 1 ફેબ્રુઆરી, 2023ના રોજ ભારતીય મૂળનાં કલ્પના ચાવલા સહિત 7 એસ્ટ્રોનોટને લઈને આવતું સ્પેસક્રાફ્ટ કોલંબિયા તૂટી પડતાં 7 એસ્ટ્રોનોટનાં મોત થયેલાં. કોલંબિયાને પૃથ્વી પર પહોંચવામાં 16 મિનિટથી પણ ઓછો સમય બાકી હતો. 1986માં નાસાના સ્પેસક્રાફ્ટ ચેલેન્જરના ઉડાન ભર્યાની 73 સેકન્ડમાં જ અવકાશમાં જ ટુકડે ટુકડા થઈ ગયેલા અને 7 અવકાશયાત્રીનાં મોત થયેલાં. કોલંબિયા દુર્ઘટના એવી જ હાહાકાર મચાવનારી દુર્ઘટના હતી.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી ફસાયેલાં ભારતીય મૂળનાં એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પૃથ્વી પર પાછા લાવવાના મિશનનો પ્રારંભ થઈ ગયો છે.
સુનિતા-વિલ્મોરને લાવવા માટે મોકલાયેલું ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનું સ્પેસક્રાફ્ટ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ સ્પેસ સ્ટેશન સાથે ડોક થઈ ગયું છે, મતલબ કે તેની સાથે જોડાઈ ગયું છે. તેના કારણે એસ્ટ્રોનોટ સ્પેસ સેન્ટરમાંથી ડ્રેગન કેપ્સૂલમાં અવરજવર કરી શકે છે.
સુનિતા-વિલ્મોર ૬ જૂને બોઈંગના સ્પેસક્રાફ્ટ સ્ટારલાઈનરમાં અવકાશની યાત્રાએ ગયાં પછી ૮ દિવસમાં તો પાછાં ફરવાનાં હતાં પણ સ્ટારલાઈનરમાં ખામી સર્જાતાં તેમાં જ બંનેને પાછાં મોકલવાનું સલામત ના લાગતાં બંનેએ સ્પેસ સ્ટેશનમાં જ રોકાઈ જવું પડેલું. સ્ટારલાઈનર બંનેને લીધા વિના સફળતાપૂર્વક પાછું આવી ગયું છે પણ તેની ટેકનિકલ ખામીને રીપેર કરવાનું કામ ચાલી રહ્યું છે તેથી તેને પાછું મોકલવાનું જોખમ લેવાય એમ નહોતું. આ કારણે મસ્કની કંપનીના સ્પેસક્રાફ્ટને મોકલવું પડયું છે.
સુનિતા-વિલ્મોરની ઘરવાપસી એટલે કે પૃથ્વી પર પાછા લાવવાના મિશનનો પહેલો તબક્કો સફળતાપૂર્વક પાર પડતાં સ્પેસ મિશન સાથે સંકળાયેલીં તમામ સંસ્થાઓને રાહત થઈ છે કેમ કે સ્પેસક્રાફ્ટમાં ડોકિંગ સૌથી મહત્વનો તબક્કો હોય છે. ડોકિંગ સફળતાપૂર્વક થાય એટલે અડધું મિશન પાર પડી ગયું.
સુનિતા-વિલ્મોરને પાછાં લાવવાનું મિશન હાથ ધરાયું ત્યારે સૌને એમ હતું કે, સ્પેસક્રાફ્ટ જશે ને બંનેને લઈને તરત પાછું આવી જશે પણ એવું થયું નથી, બલ્કે ડ્રેગન કેપ્સૂલ ચાર મહિના પછી એટલે કે ૨૦૨૫ના ફેબ્રુઆરીમાં પાછું ફરવાનું છે કેમ ક કે, છેલ્લા ત્રણ મહિનાથી સ્પેસ સ્ટેશન પર રોકાયેલાં સુનિતા અને વિલ્મોરને રીસર્ચના કામમાં લગાવી દેવાયાં છે.
સુનિતા-વિલ્મોરને તાત્કાલિક પાછાં મોકલી દેવાય તો તેમને સોંપાયેલાં ટાસ્ક અધૂરાં રહે એટલે આ કામ પૂરું થાય પછી બંને પાછાં ફરી શકશે. બીજું એ કે, સ્પેસક્રાફ્ટ શટલ રીક્ષા નથી કે જાય ને માણસોને લઈને પાછું આવી જાય. સ્પેસક્રાફ્ટને મોકલવા પાછળ કરોડો ડોલરનો ધુમાડો થાય છે તેથી રીસર્ચ સંસ્થાઓ પૈસા વસૂલ થાય એ પણ જુએ છે. અત્યારે પણ એવું જ આયોજન કરાયું છે. સ્પેસક્રાફ્ટમાં ગયેલા બંને એસ્ટ્રોનોટ પણ ચાર મહિના લગી કામ કરશે ને સંશોધનમાં મદદ કરશે.
અત્યારે સ્પેસએક્સ ડ્રેગન એન્ડેવ્યોર, નોર્થગ્રુપ ગ્રુમાન રીસપ્લાય શિપ, સોયુઝ એમએસ-૨૫ ક્રુ શિપ, પ્રોગ્રેસ ૮૮ અને ૮૯ રીસપ્લાય શિપ્સ, સોયુઝ એમએસ-૨૬ સ્પેસક્રાફ્ટ એમ ૬ સ્પેસક્રાફ્ટ સ્પેસ સ્ટેશન સાથે જોડાયેલાં છે. તેમાં ગયેલા અવકાશયાત્રીઓ કામ કરી જ રહ્યા છે. ડ્રેગન કેપ્સૂલના અવકાશયાત્રીઓ પણ તેમની સાથે જોડાઈને પોતાના કૌશલ્યનો લાભ આપશે.
સુનિતા-વિલ્મોરની પૃથ્વી પર વાપસીમાં સૌથી મહત્વનો તબક્કો ફેબ્રુઆરીમાં સ્પેસક્રાફ્ટ પૃથ્વી પર પાછું ફરશે ત્યારે આવશે. સ્પેસક્રાફ્ટ ડ્રેગન કેપ્સૂલ પહેલાં પણ સ્પેસમાંથી સફળતાપૂર્વક પાછું ફરી ચૂક્યું છે અને મસ્કની કંપની સ્પેસ મિશનમાં સૌથી સફળ છે છતાં વિજ્ઞાાનીઓ સ્પેસક્રાફ્ટના લેન્ડિંગ વખતના ભૂતકાળના ખરાબ અનુભવોના કારણે ચિંતિત છે. ૧૯૬૭માં રશિયન સ્પેસક્રાફ્ટ સોયુઝ-૧ પૃથ્વી પર પાછું ફરતી વખતે સ્પીડને કંટ્રોલ ના કરી શકતાં વ્લાદિમિર કોમારોવ ગુજરી ગયેલા. ૧૯૬૭માં જ અમેરિકન સ્પેસક્રાફ્ટ ઈલેક્ટ્રિકલ પ્રોબ્લેમના કારણે તૂટી પડતાં એસ્ટ્રોનોટ માઈકલ જે. આદમ્સનું મોત થયેલું.
ભારતીય મૂળની અવકાશયાત્રી કલ્પના ચાવલા સહિત ૭ અવકાશયાત્રીનાં મોત થયાં એ કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટના તો દુઃસ્વપ્ન સમાન હતી. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ કલ્પના ચાવલા બીજી વાર અવકાશ યાત્રા માટે ગયાં અને કોલંબિયા શટલે ઉડાન ભરી ત્યારે કોઈને કલ્પના નહોતી કે આ મિશન સફળ નહીં થાય.
૧૫ દિવસના મિશન પછી ૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ કલ્પના ચાવલા સહિત ૭ એસ્ટ્રોનોટને લઈને આવતું સ્પેસક્રાફ્ટ કોલંબિયા તૂટી પડયું હતું. કોલંબિયા પૃથ્વીથી લગભગ ૨ લાખ ફૂટની ઉંચાઈ પર હતું અને પૃથ્વી પર પહોંચવામાં ૧૬ મિનિટથી પણ ઓછો સમય લાગવાનો હતો પણ અચાનક સ્પેસક્રાફ્ટ સાથે નાસાનો સંપર્ક તૂટી ગયો અને કોલંબિયા પણ તૂટી ગયું.
કલ્પના ચાવલા એ વખતે માત્ર ૪૧ વર્ષનાં હતાં. ૧૯૮૬માં નાસાના સ્પેસક્રાફ્ટ ચેલેન્જરના ઉડાન ભર્યાની ૭૩ સેકન્ડમાં જ અવકાશમાં જ ટુકડે ટુકડા થઈ ગયેલા અને ૭ અવકાશયાત્રીનાં મોત થયેલાં. કોલંબિયા દુર્ઘટના એવી જ હાહાકાર મચાવનારી દુર્ઘટના હતી.
કોલંબિયા તૂટી પડયું એ વાતને ૨૧ વર્ષ થઈ ગયાં છે. ૨૧ વર્ષમાં ટેકનોલોજી બહેતર થઈ છે અને વિજ્ઞાાનીઓ વધારે સતર્ક થયા છે તેથી એ પછી એવી કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. ડ્રેગન કેપ્સૂલના કિસ્સામાં પણ એવી સાવચેતી રખાઈ જ છે. ડ્રેગન કેપ્સૂલની ક્ષમતા ૭ એસ્ટ્રોનોટની છે પણ સાવચેતીને ખાતર બે જ એસ્ટ્રોનોટને મોકલાયા છે. વળતી વખતે સુનિતા-વિલ્મોર સાથે મળીને ૪ એસ્ટ્રોનોટ થશે તેથી વધારે વજનના કારણે સર્જાતી સમસ્યાઓ પેદા નહીં થાય ને સેફ લેન્ડિંગ થશે એવો નાસાને વિશ્વાસ છે.
છેલ્લે આ મિશન સાથે સંકળાયેલી ને કોઈના ધ્યાન પર નહીં આવેલી મહત્વની વાત કરી લઈએ.
સુનિતા-વિલ્મોરને પાછાં લાવવા માટે ડ્રેગન કેપ્સૂલમાં ગયેલા બે એસ્ટ્રોનોટનાં નામ નિક હેગ અને એલેક્સાન્ડ્ર ગોર્બુનોવ છે.
હેગ અમેરિકાની સ્પેસ રીસર્ચ સંસ્થા નાસાના છે જ્યારે ગોર્બુનોવ રશિયાની સ્પેસ રીસર્ચ સંસ્થા રોસકોસમોસના છે. રશિયા અને અમેરિકા પૃથ્વી પર એકબીજા સામે લડયા કરે છે પણ સ્પેસ મિશનમાં બંને સાથે છે. નાસાને પોતાના એસ્ટ્રોનોટને પાછા લાવવા રશિયાની જરૂર છે જ.
નાસા અને રોસકોસમોસનું સ્પેસ રીસર્ચમાં જોડાણ વરસો જૂનું છે. આ જોડાણ બીજાં ક્ષેત્રોમાં પણ થાય તો દુનિયાની કાયાપલટ થઈ જાય પણ કમનસીબે રાજકારણીઓ આ વાત સમજતા નથી. તેના કારણે દુનિયાના બે મહાશક્તિશાળી દેશોની તાકાત એકબીજાને પછાડવામાં જ વપરાયા કરે છે.
સુનિતાના પિતા ડો. દીપક પંડયા મહેસાણાના ઝુલાસણના, જૂનાગઢમાં ડોક્ટર હતા
સુનિતા વિલિયમ્સ મૂળ ગુજરાતી છે. સુનિતાના પિતા દીપક પંડયા મહેસાણા જિલ્લાના ઝુલાસણમાં જન્મ્યા અને ગુજરાતમાં જ મેડિકલની ડીગ્રી લીધી અને જૂનાગઢમાં ઈન્ટર્નશિપ પછી અમેરિકા ગયા હતા. અમેરિકામાં ઓહાયોમાં મેડિસિનમાં ઈન્ટર્નશિપ અને રેસિડેન્સી કરનારા ડો. પંડયાએ અમેરિકામાં ન્યુરોએનેટોમિસ્ટ તરીકે નામના પ્રાપ્ત કરી. સુનિતાનાં માતા ઉર્સુલાઈન બોની પંડયા સ્લોવેનિયન મૂળનાં છે. ડો. પંડયા અને બોનીને ત્રણ સંતાન છે કે જેમાં સુનિતા સૌથી મોટાં છે. સુનિતા જન્મ્યાં ત્યારે તેમનું નામ સુનિતા લીન પંડયા રખાયેલું. સુનિતા ભારતીય જ્યારે લીન સ્લોવેનિયન નામ છે. સુનિતાનો જન્મ ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫ના રોજ ઓહાયોના યુક્લિડ શહેરમાં થયો હતો. સુનિતાને દીના આનંદ નામે બહેન અને જય થોમસ નામે ભાઈ છે. દીના સુનિતાથી ૩ વર્ષ અને જય ચાર વર્ષ નાનો છે. સુનિતા વિલિયમ્સ પહેલાં યુએસ નેવીમાં હતાં. સુનિતા યુએસ નેવીમાં કેપ્ટનના હોદ્દા પર હતાં. આર્મીમાં કર્નલને સમકક્ષ કેપ્ટનના હોદ્દા પર પહોંચ્યાં ત્યાં સુધીમાં સુનિતાએ યુએસ નેવીમાં ૩૦થી વધુ અલગ-અલગ એરક્રાફ્ટમાં ૩૦૦૦ ફ્લાઈંગ કલાકની ઉડાન કરી હતી. અમેરિકાની નેવલ એકેડેમીમાંથી ફિજિક્સનાં ગ્રેજ્યુએટ સુનિતાએ પછી ૧૯૯૫માં ફ્લોરિડા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી મેળવીને નાસામાં જોડાયાં. સુનિતાના પતિ માઈકલ જે. વિલિયમ્સ ટેક્સાસમાં ફેડરલ માર્શલ છે. બંને નેવીમાં સાથે હતાં ને તેમાંથી પ્રેમ થયો હતો. બંનેનાં લગ્નને ૨૦ વર્ષથી વધારે સમય થઈ ગયો. સુનિતા-માઈકલને કોઈ સંતાન નથી.
સુનિતાની ત્રીજી અવકાશયાત્રા, સુનિતાએ બનાવેલા બધા રેકોર્ડ પેગ્ગીએ તોડયા
સુનિતા વિલિયમ્સની આ ત્રીજી અવકાશયાત્રા છે. આ પહેલાં સુનિતા ૨૦૦૬ અને ૨૦૧૨માં સફળતાપૂર્વક અવકાશમાં જઈને પાછાં આવ્યાં છે. સુનિતા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસઅસ)નાં કમાન્ડર પણ રહી ચૂક્યા છે.
સુનિતાની જૂન ૧૯૯૮માં અમેરિકાની સ્પેસ એજન્સી નાસામાં પસંદગી થઈ હતી. સુનિતા ૯ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ પહેલી વાર અવકાશમાં ગયાં ત્યારે ફ્લાઇટ એન્જિનિયર તરીકે ગયેલાં. સુનિતાએ ચાર સ્પેસવોકમાં ૨૯ કલાક અને ૧૭ મિનિટ ગાળીને મહિલા દ્વારા સૌથી વધુ સમય સ્પેસ વોકનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સુનિતા જૂન ૨૦૦૭માં પૃથ્વી પર પાછાં આવ્યાં હતાં.
સુનિતાએ બીજી અવકાશ યાત્રા વખતે રશિયન રોકેટ સોયુઝ ્સ્છ-૦૫સ્માં કઝાકિસ્તાનના બાયકોનુરથી ઉડાન ભરી હતી. સુનિતા જુલાઈ ૨૦૧૨થી નવેમ્બર ૨૦૧૨ સુધી અવકાશમાં રહ્યાં. સુનિતાએ ૫૦ કલાક ૪૦ મિનિટની સ્પેસવોકનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. સુનિતા ૧૨૭ દિવસ સુધી અવકાશમાં રહ્યા પછી ૧૮ નવેમ્બર ૨૦૧૨ના રોજ કઝાખસ્તાનમાં ફરી લેન્ડ થયા હતા. ત્રીજી અવકાશ યાત્રામાં સુનિતાને ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ સાથે સુનિતા કુલ ૪૪૦ દિવસ અવકાશમાં રહ્યાં છે.
અમેરિકનોમાં અવકાશમાં સૌથી વધારે રહેવાનો રેકોર્ડ બાયોકેમિસ્ટ અને એસ્ટ્રોનોટ પેગ્ગી વ્હીટસનના નામે છે. હાલમાં ૬૪ વર્ષનાં પેગ્ગી ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૬ એમ ત્રણ વાર સ્પેસમાં ગયાં અને કુલ ૬૬૬ દિવસ અવકાશમાં ગાળી ચૂકયાં છે. પેગ્ગીએ ૧૦ સ્પેસ વોકમાં ૬૦ કલાક ૨૧ મિનિટ ગાળી છે. આ બધા રેકોર્ડ પહેલાં સુનિતાના નામે હતા.