પાક.ને પાઠ ભણાવવા ચીન, અમેરિકાને વિશ્વાસમાં લેવા જોઈએ
- પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો પાકિસ્તાન પ્રેરિત હોવાથી
- આતંકવાદનો અંત લાવવા માટે પાકિસ્તાન માટે જેટલા પગલાં જરૂરી છે તેનાથી સવિશેષ પગલાં ભારતે આંતરિક આતંકવાદને નાથવા માટે પણ લેવા પડશે : કાશ્મીરમાં મોટી સંખ્યામાં આર્મીના જવાનો તહેનાત છે, બીએસએફ છે, લોકલ પોલીસ છે, પેરા મિલિટરી છે, આઈબીનું નેટવર્ક છે તો કોઈની પાસેથી હુમલાનું ઈન્ટેલ મળ્યું કેમ નહીં
પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાએ અનેક સવાલો ઊભા કરેલા છે. ચાર આતંકવાદીઓ કાશ્મીરના સુંદર અને સ્વર્ગ સમાન પહલગામ વિસ્તારમાં ઘુસી આવે, લોકોને તેમના આઈડી બતાવવાનું કહે, ધર્મ વિશે સવાલો કરે, કલમા પઢવાનું કહે અને બાદમાં ગોળીઓ મારીને નાસી જાય. ૨૮ લોકોની જઘન્ય હત્યા થઈ જાય અને તેની જવાબદારી લેવા કોઈ તૈયાર જ નહીં. આ હુમલો સ્પષ્ટ પણે જણાવે છે કે, સરકાર ઉંઘતી ઝડપાઈ છે. કાશ્મીર જેવા સેન્સિટિવ વિસ્તારમાં સુરક્ષાની આટલી મોટી ચુક થાય તે સ્વીકારી શકાય જ તેમ નથી. આ કોઈ પહેલી ઘટના નથી. કાશ્મીરમાં પ્રવાસીઓ ઉપર ભૂતકાળમાં પણ ઘણા હુમલા થયા છે અને છતાંય આ રીતે કાચુ કપાઈ જાય તે કેવી રીતે ચલાવી લેવાય.
પાકિસ્તાની સૈન્યવડો આસિફ મુનિર ધમકીઓ આપે છે કે, અમે કાશ્મીરમાં શાંતિ ડહોળી નાખીશું અને ભારતને હેરાન કરી નાખીશું છતાં આપણે કોઈ પગલાં લેતા જ નથી. દેશનો રાજા અને દેશની પ્રજા માત્ર ઉત્સવ અને ઉન્માદમાં જ ફર્યા કરે છે. આ હુમલાએ સ્પષ્ટ કરી દીધું છે કે, છેલ્લાં પાંચ દાયકાથી આતંકવાદની પીડાને લઈને આપણે જીવી રહ્યા છીએ તેનો જડમૂળમાંથી નિકાલ કરવાનો સમય પાકી ગયો છે. આતંકવાદીઓ અને આતંકવાદના સફાયા માટે મોટાપાયે કામ કરવું જ પડશે.
આપણે આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનનું નામ લઈને તેની સામે પગલાં લેવાની વાતો કરીએ તે ક્યાંક વિચારવા જેવું છે. આતંકવાદીઓ ક્યાંથી આવ્યા, ક્યાં ગયા, કોણ હતા, કોની મદદથી આવ્યા હતા, ક્યાં રોકાયા હતા એવી કોઈ જ માહિતી આપણી પાસે નથી. કદાચ એમ કહીએ કે માહિતી છે તો તેની ખરાઈ થઈ નથી અથવા આપણી પાસે પૂરતા પુરાવા નથી. ખરેખર આપણી પાસે પુરાવા અને ઓળખ બધું જ ભેગું થઈ ગયું છે તો હવે તેના આધારે નક્કર પગલાં કેમ નથી લેવાઈ રહ્યા.
પાકિસ્તાન સામે પગલાં લેવાનો કે પાકિસ્તાન સામે યુદ્ધ કરવાનો ઉન્માદ ઊભો કરવો ખોટો છે. પાકિસ્તાનને અચૂક પાઠ ભણાવવો જોઈએ અને તે આજીવન યાદ રાખે તેવો પાઠ ભણાવવો જોઈએ પણ તેના માટે ઉન્માદ નહીં પણ આયોજનની જરૂર છે. આ આયોજન કરતાં પહેલાં ભારતે આંતરિક સાફસફાઈ પણ કરવાની જરૂર છે.
આ હુમલા વિશે માત્ર એટલું જ વિચારીએ કે, ૨૦ એપ્રિલે આ જગ્યા પ્રવાસીઓ માટે ખોલવામાં આવી હતી. ૨૨ એપ્રિલે આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો. સામાન્ય રીતે વિચારો કે બે જ દિવસમાં પાકિસ્તાને પ્લાનિંગ કરી નાખ્યું, આતંકવાદીઓને મોકલી દીધા, પેલા લોકોએ હુમલો કરી દીધો અને તેઓ પાછા પણ નાસી ગયા. આ વાત કોઈપણ રીતે ગળે ઉતરે તેમ છે.
બીજા બાબત એવી છે કે, પહલગામમાં બીએસએફ, આર્મી, સ્થાનિક પોલીસના મોટા બેઝ કેમ્પ છે. આ બધા જ કેમ્પ જ્યાં આતંકી હુમલો થયો તેનાથી બે કલાકના રસ્તે દૂર છે. આતંકવાદીઓને ખબર હતી કે, અમે હુમલો કરીને નાસી જઈશું ત્યાં સુધી અહીંયા કોઈ આવવાનું નથી. સુરક્ષા એજન્સીઓ, ગુપ્તચર એજન્સીઓ, સ્થાનિક પોલીસની એજન્સીઓ બધા જ ઉંઘતા ઝડપાયા છે. તેમની પાસે હાઈલી સેન્સિટિવ ઝોનમાં થનારા હુમલા વિશે એકપણ ઈન્ટેલ ન હોય તે કેવી રીતે શક્ય બને. સરકાર અને તંત્ર બચાવ કરે છે કે, આ જગ્યા તો અમરનાથયાત્રા દરમિયાન ખોલવામાં આવે છે.
પ્રવાસીઓ માટે આ જગ્યા અત્યારે કેવી રીતે ખોલવામાં આવી અને કોના આદેશ દ્વારા ખોલવામાં આવી તેની કોઈને જાણ જ નથી. કાશ્મીરથી પંદરસો અને બે હજાર કિ.મી દૂર આવેલા રાજ્યોના નાનકડા ટૂર ઓપરેટરોને ખબર છે કે પહલગામની જગ્યા પ્રવાસીઓ માટે ખોલવામાં આવી છે પણ પહલગામની પોલીસ, સેના, બીએસએફ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રવાસન વિભાગને આના વિશે ખબર જ નથી. આવી બેદરકારી અથવા તો સુરક્ષાની ગરબડ દેશ અને દેશવાસીઓ માટે કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે તે ફરીથી જોઈ જ શકાય છે. પુલવામા હુમલા વખતે જવાનોના કાફલા ઉપર હુમલો કરવાની આતંકીઓની હિંમત જોયા બાદ સ્થાનિકોને નિશાન બનાવવાની તેમની મેલી મુરાદ આપણે સમજી ન શકીએ અથવા તો માપી ન શકીએ તો તેન નિષ્ફળતા જ ગણાય.
જાણકારોમાં ચર્ચા છે કે, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પૂણે વગેરે જગ્યાએથી આવતા ટૂર ઓપરેટર્સને ખબર હતી કે, આ જગ્યા ૨૦ એપ્રિલથી ખોલી દેવાઈ છે અને ત્યાં દરરોજ બે થી ત્રણ હજાર લોકો ફરવા માટે આવતા હતા.
આ જગ્યાએ સ્થાનિક પોલીસની કોઈ ચોકી નથી, સેના અથવા તો બીએસએફની કોઈ ચોકી નથી. પહલગામમાં જ્યારે નીચેથી બસો ઉપર જતી હતી ત્યારે પણ કોઈએ સુરક્ષાના કારણોસર તપાસ કરવાની તસદી લીધી નહીં. જાણકારો માને છે કે, સ્થાનિક નેતાઓ અને મળતીયાઓ દ્વારા પૈસા કમાવવાની લાલચે આ પટ્ટો ખોલી દેવામાં આવ્યો હશે. તેઓ ઓપરેટર્સને સાધીને મોટી સંખ્યામાં લોકોને અહીંયા લાવવાની ફિરાકમાં હતા. તેના કારણે કાશ્મીરની આવક વધે અને નેતાઓ અને આ સુવિધા આપનારાઓના પણ ખિસ્સા ભરાય તેમ હતું. આ બધા વચ્ચે આતંકીઓ જે રેકી કરતા હતા તેમને માહિતી મળી ગઈ અને તેમણે મેલા મનસુબા પાર પાડી દીધા.
સિંધુ જળ સંધિ સ્થગિત કરવાથી કે પાકિસ્તાન જતું પાણી ખરેખર રોકવાથી કામચલાઉ નુકસાન કરી શકાશે. વેપાર બંધ કરવાથી કે એર સ્પેસ બંધ કરવાથી પણ પાકિસ્તાન સુધરવાનું નથી. પાકિસ્તાનને આડકતરી રીતે ચીનનો મોટો સપોર્ટ છે. તે ઉપરાંત અમેરિકા પણ આ સ્થિતિનો લાભ લેવાનું ચુકશે નહીં તે વાત વિસરવી ન જોઈએ.
ભારતે રાજદ્વારી પગલાં લેવાની સાથે સાથે મહાસત્તાઓ અને વિશ્વના તમામ મોટા દેશોને વિશ્વાસમાં લેવાની જરૂર છે. પાકિસ્તાનની કાળી કરતૂતોને ખુલ્લી પાડવાના પુરાવા આપીને તેને આતંકવાદ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાનું છે.
તે ઉપરાંત ભારતે કોઈ ઉન્માદી પગલું ભર્યું તો ચીન પીઠ પાછળ વાર કરતા મોડું નહીં કરે. તે બ્રહ્મપુત્રા અને અન્ય નદીઓના પાણી બંધ કરી શકે છે. ભારતે જો ખરેખર પાકિસ્તાન સામે યુદ્ધ શરૂ કર્યું તો ખંધુ ચીન તેનો લાભ લઈને પૂર્વી સરહદે હુમલો કરી જ દેશે. આ સિવાય બાંગ્લાદેશ પણ ગમે ત્યારે આડોડાઈ કરીને કંઈપણ કરી શકે તેવું છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીન સાથે ત્રણ મોરચે યુદ્ધ કરવાનું હાલના સંજોગે આપણે જોખમ ન લેવું જોઈએ. તેના બદલે ચીનને જ સાથે રાખીને આ મુદ્દાનો ઉકેલ લાવવાનું વિચારવું જોઈએ. ચીનને વિશ્વાસમાં લઈને પાકિસ્તાન વિરુદ્ધના પુરાવા આપીને આતંકવાદનો ચહેરો ઉઘાડો પાડવો જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે જો ભારત આ પગલું ભરશે તો પાકિસ્તાન તો ફિક્સમાં મુકાશે જ પણ સાથે સાથે ચીન પણ કંઈક અંશે દ્વિધામાં આવી જશે અને પાકિસ્તાન કે આતંકવાદ મુદ્દે વિટો વાપરવાની ભુલ નહીં કરે. તેમાંય અમેરિકા સાથે હાલમાં વેપાર મુદ્દે શિંગડા ભરાવી ચુકેલા ભારતે થોડી મદદ કરી તો ભારતને મોટો લાભ થઈ શકે તેમ છે. ભારત જો ચીન પાસે જાય છે તેવા અણસાર અમેરિકાને આવી જશે તો તે પણ ભારતની મદદ માટે કંઈપણ કરી છુટવા તૈયાર થઈ જશે.
ભારતે સૌથી પહેલાં આંતરિક આતંકવાદનો સફાયો કરવો પડશે
સ્થાનિક સૂત્રોમાં ચર્ચા છે કે, ભારતમાં આતંકવાદીઓ મદદ કરવા માટે સ્થાનિક નેટવર્ક મોટાપાયે વિકસેલું છે અને આજે પાંચ દાયકાના સંઘર્ષ પછી પણ કાશ્મીરમાં સ્થાનિક સ્તરે આતંકવાદીઓને ઓળખી શકાતા નથી કે તેમનો સફાયો કરી શકાતો નથી. ભારતે હવે સૌથી પહેલાં જમ્મુ-કાશ્મીર જ નહીં સમગ્ર દેશમાં જેટલા પણ સ્લીપર સેલ ચાલે છે, આતંકીઓને મદદ કરતા સ્થાનિક લોકો છે તેમને શોધી શોધીની ન્યૂટ્રલાઈઝ કરવા જોઈએ. આતંકીઓને આટલો મોટો હુમલો કરવા માટે રેકી કરવી, હથિયારો લાવવા, સંતાવવું, હુમલા પછી ભાગી જવંું, જંગલમાં ક્યાં જવું, જંગલના રસ્તે પીઓકે જવું અથવા તો પાકિસ્તાન જવું જેવી તમામ મદદ સ્થાનિક સ્તરે અપાઈ જ હોય તો જ આ કામ થઈ શકે. બીજો તર્ક એવો પણ આવે છે કે, આ હુમલો પાકિસ્તાને ભારતમાં જ આતંકીઓને તૈયાર કરાવીને કર્યો હોવો જોઈએ. સ્થાનિક સ્તરે ધાર્મિક કટ્ટરતનો ભોગ બનેલા, સરળતાથી ટ્રેપમાં આવી જાય અને જેહાદના નામે ઉન્માદમાં રહીને કામ કરી શકે તેવા યુવાનોને શોધીને ભારતમાં જ તાલિમ અપાવીને ત્યાં જ હુમલો કરાવ્યો હોવો જોઈએ.
પીઓકેનો ઝડપી ઉકેલ લાવીને અમેરિકાને સોંપી દેવું
જીયોપોલિટિક્સના જાણકારો માને છે કે, આઝાદીના સમયથી પીઓકે અને કાશ્મીરનો મુદ્દો ભારત તથા પાકિસ્તાનના ગળામાં ફસાયેલો છે.
તેનો ક્યારેય નિકાલ આવી શકે તેમ જ નથી. તેના માટે વારંવાર યુદ્ધ કરવાનું પણ બંને દેશોનો પોસાય તેમ નથી. ખાસ કરીને પાકિસ્તાનને તો જરાય નહીં. હાલના તબક્કે જો પીઓકે ભારતમાં લઈ લેવામાં આવે તો મોટાપાયે યુદ્ધ થાય તેમ છે. આ સ્થિતિમાં પડવા કરતા ભારતે અમેરિકાની મદદ લેવી જોઈએ. અમેરિકાની મદદથી ભારતે સૌથી પહેલાં પીઓકેને મુક્ત કરાવવું જોઈએ. ત્યારબાદ પોતાના કાશ્મીરનો કેટલોક ભાગ અને પીઓકે બધું જ ભેગા કરીને એક નવા જ નાનકડા રાષ્ટ્રનું નિર્માણ કરવું જોઈએ અને તેની તમામ જવાબદારી અમેરિકાને સોંપી દેવી જોઈએ. અમેરિકાને હસ્તક આ પ્રદેશ આવી ગયો તો ત્યાં ઘુસણખોરી કરવાની હિંમત પાકિસ્તાન ક્યારેય નહીં કરે. એક વખત આ પ્રદેશ અમેરિકાએ લઈ લીધો પછી આતંકવાદ અને આતંકવાદીઓનો સફાયો તે જ કરી નાખશે અને ભારત માટે ટાઢા પાણીએ ખસ નીકળી જશે.