આર્થિક લેવડદેવડના મોટોભાગના કામ મોબાઈલ અને ડિજિટલ માધ્યમો દ્વારા થતા હોવાથી લોકોને છેતરવાનું સરળ બન્યું હોવાનું ચિંતાનજક છે
- ૨૦૧૭થી ૨૦૨૩ વચ્ચે રિટેલ ડિજિટલ પેમેન્ટમાં ૫૧ ટકા જેટલો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪માં ડિજિટલ પેમેન્ટનું દેશની જીડીપીમાં ૪.૫ ટકા યોગદાન હતું. જાણકારો માને છે કે, આ વર્ષના અંત સુધીમાં આ આંકડો ૨૦ ટકા સુધી પહોંચવાની શક્યતાઓ છે. દેશમાં ૯૦ કરોડ કરતા વધારે લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થઈ ગયા છે. તેના કારણે દરરોજ અબજો રૂપિયાની ઓનલાઈન લેવડદેવડ થઈ રહી છે ઃ ૨૦૨૧થી અત્યાર સુધીમાં સાઈબર ગુનાખોરીમાં ૪૦૦ ટકાનો અધધ વધારો થયો છે. તેમાંય ગ્રામ્ય વિસ્તારો અને નાના શહેરો ડિજિટલ છેતરપિંડીના મોટા કેન્દ્ર બની રહ્યા છે. ઘણા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સાઈબર સુરક્ષા નબળી હોવાના કારણે ત્યાં આ પ્રકારના ગુનામાં વ્યાપક વધારો થયો છે ઃ પાંચ વર્ષમાં ૧૮ લાખ ફરિયાદોમાં સરકારે કામ કર્યું અને અંદાજે ૫૫૦૦ કરોડની રકમનું ફ્રોડ થતું અટકાવ્યું. બીજી તરફ ૨૦૨૪માં જ ૨૩,૦૦૦ કરોડનું ફ્રોડ થઈ ગયું. તે ઉપરાંત ગત વર્ષે પણ અંદાજે ૨૦ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ
ભારતમાં ઘણા સમયથી ડિજિટલ ઈન્ડિયા મિશન હાથ ધરવામાં આવેલું છે. તેના પગલે સ્થિતિ એવી થઈ છે કે, હાલમાં કરોડો લોકો સતત ઈન્ટરનેટ અને ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ કરતા થઈ ગયા છે. અહેવાલો જણાવે છે કે, દેશમાં ૯૦ કરોડ કરતા વધારે લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થઈ ગયા છે. તેના કારણે કરોડો રૂપિયાનું દરરોજ ડિજિટલ પેમેન્ટ થાય છે. દરરોજ અબજો રૂપિયાની ઓનલાઈન લેવડદેવડ થઈ રહી છે. જાણકારોના મતે તેના કારણે જ ભારત રિયલ ટાઈમ પેમેન્ટ માર્કેટ તરીકે મોટાપાયે વિકસિત થયું છે. ખાસ કરીને ૨૦૧૭થી ૨૦૨૩ વચ્ચે રિડેલ ડિજિટલ પેમેન્ટમાં ૫૧ ટકા જેટલો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪માં ડિજિટલ પેમેન્ટનું દેશની જીડીપીમાં ૪.૫ ટકા યોગદાન હતું. જાણકારો માને છે કે, આ વર્ષના અંત સુધીમાં આ આંકડો ૨૦ ટકા સુધી પહોંચવાની શક્યતાઓ છે. ડિજિટલ ક્રાંતિ અને સુવિધાની સાથે સાથે સાઈબર ક્રાઈમની શક્યતાઓ પણ એટલા જ પ્રમાણમાં વધી છે.
ચિંતાજનક બાબત એ છે કે, વર્તમાન સમયમાં સાઈબર ક્રાઈમ અને છેતરપિંડીના અઢળક કેસ સામે આવી રહ્યા છે. સમગ્ર દેશમાં ડિજિટલ ક્રાંતિ થઈ હોવાનો આનંદ કરાઈ રહ્યો છે, વિકાસ થયાના ઢોલ પીટાઈ રહ્યા છે પણ સાથે સાથે ગુનાખોરી વધી છે અને ડિજિટલ પડકારો પણ એટલા જ વધ્યા છે. ટેક્નોલોજીના દુરુપયોગનું પ્રમાણ મોટાપાયે વધ્યું છે અને આ ગુનાખોરી ઉપર લગામ લગાવવાનું સુરક્ષા એજન્સીઓ માટે મુશ્કેલ બની રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા જ થોડા સમય પહેલાં જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવાયું હતું કે, ૨૦૨૧થી અત્યાર સુધીમાં સાઈબર ગુનાખોરીમાં ૪૦૦ ટકાનો અધધ વધારો થયો છે. તેમાંય ગ્રામ્ય વિસ્તારો અને નાના શહેરો ડિજિટલ છેતરપિંડીના મોટા કેન્દ્ર બની રહ્યા છે. ઘણા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સાઈબર સુરક્ષા નબળી હોવાના કારણે ત્યાં આ પ્રકારના ગુનામાં વ્યાપક વધારો થયો છે.
જાણકારો માને છે કે, જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિના પગલે સામાજિક અને ટેકનિકલ પરિવર્તન આવ્યું છે તેના કારણે સ્થિતિ બદલાઈ છે. લોકો ઓનલાઈન માધ્યમોનો વધારે ઉપયોગ કરતા થયા છે અને તેના કારણે સાઈબર ગુનાખોરી પણ વધી છે. અહેવાલો પ્રમાણે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા રાજ્યોમાં સસ્તા સ્માર્ટફોન અને સસ્તી ઈન્ટરનેટ સેવાઓના કારણે ડિજિટલ કામગીરી વધી છે પણ લોકોમાં આ ડિજિટલ વિશ્વની સમજ વધી નથી. તેના કારણે જ આ વિસ્તારના લોકો સટ્ટાબાજી, ઓનલાઈન રમતો અને મનોરંજન તરીકે રજૂ કરવામાં આવતી વિવિધ ગેમ્સમાં ફસાઈ જાય છે. આવા લોકો સાઈબર ગુનેગારો માટે સરળ શિકાર હોય છે. તેના કારણે જ છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં ભારતમાં ઓનલાઈન છેતરપિંડાના કારણે ભારતીયોને ૫૨,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડયું છે.
થોડા સમય પહેલાં જ આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, ૨૦૨૫માં જ ભારતીયોને સાઈબર ગુનાખોરીને કારણે ૧૯,૮૧૩ કરોડ રૂપિયા ગુમાવવા પડયા હતા. આ દરમિયાન ૨૧ લાખથી વધારે સાઈબર છેતરપિંડીની ફરિયાદો દેશભરમાં દાખલ કરવામાં આવી હતી. તેની પહેલાની વાત કરીએ તો ૨૦૨૪માં સાઈબર છેતરપિંડીની ૧૯ લાખ ફરિયાદો સામે આવી હતી. આ ગુનાઓમાં લોકોના ૨૨,૮૪૯ કરોડ રૂપિયા લુંટી લેવાયા હોવાની માહિતી સામે આવી હતી.
ઉલ્લેખનીય છે કે, મોટાભાગે હવે ઘણા બધા કામ મોબાઈલ ઉપર અને ઈન્ટરનેટ ઉપર કરી શકાય તેમ છે. તેના કારણે સાઈબર ગુનેગારો માત્ર કોઈપણ વ્યક્તિ દ્વારા ગફલત કરવામાં આવે તેની જ રાહ જોવામાં આવે છે. લોકો અજાણતા એકાદ ભુલ કરી બેસે અને તેમના ખાતા ખાલી કરી દેવાય છે. લોકો પાસે મોબાઈલના ઉપયોગોની પૂરતી સમજ નથી અને તેના કારણે તેઓ વધારે નુકસાન ભોગવી રહ્યા છે. લોકોને ડિજિટલ આર્થિક ઉપયોગો અંગે યોગ્ય રીતે જાગ્રત કરવાની વધારે જરૂર છે. સાઈબર ગુનેગારો દ્વારા લોકોને છેતરવા માટે વિવિધ પેંતરા અપનાવવામાં આવે છે. સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સરકારોને ડિજિટલ ગુનાખોરી ડામવા માટે યોગ્ય પગલાં લેવાની તાકીદ કરવામાં આવી છે. સરકાર દ્વારા આ દિશામાં નક્કર કામ કરાતું હોય તેવું લાગતું નથી.
ઉલ્લેખનીય છે કે, એડવાન્સ ટેક્નોલોજી અને સરકારના કહેવાતા સબળ પ્રયાસ છતાં લોકો સાથે કરોડોના સાઈબર ફ્રોડ થાય છે. તેમના ખાતાઓ અને કાર્ડમાંથી લાખોની રકમની તફડંચી થઈ જાય છે. તેમની સાથે છેતરપિંડી થઈ જાય છે. ભારતમાં તો આ સ્થિતિ અંત્યત ખરાબ છે. ગત વર્ષે જુલાઈમાં જ સંસદના સત્ર દરમિયાન કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં નાગરિકોના અંદાજે ૨૨,૯૦૦ કરોડ રૂપિયા સાઈબર ફ્રોડ દ્વારા પચાવી પાડવામાં આવ્યા છે. લોકો સાથે ૨૩ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી થાય અને સરકારને ખબર જ ન હોય કે કોણ કરે છે અને કોના દ્વારા થાય છે. જાણકારો માને છે કે, સરકારની આળસ, બેદરકારી અને લોકોના રક્ષણ પ્રત્યેના આંખ મિચામણાં જવાબદાર છે. કેન્દ્ર સરકાર અને બેન્કોની ઢીલી નીતિ અને લોકોને અંધારામાં રાખવાની જે ભાવના છે તેના કારણે જ લોકોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. મહત્ત્વનું એ છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે સાઈબર ગુનાખોરીનું પણ સ્તર વધારી દીધું છે. એક સમય હતો જ્યારે સાઈબર ગુનેગારો ફિશિંગ માટે ઈમેલ અથવા મેસેજનો ઉપયોગ કરતા હતા. હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે સાઈબર હુમલા અને ગુનાખોરીને અત્યંત ભયાનક બનાવી દીધા છે. નકલી માહિતી થકી નકલી મેસેજ, વોટ્સએપ ચેટ, સોશિયલ મીડિયા મેસેજ કે પોસ્ટ ઊભી કરીને છેતરપિંડી કરવામાં આવે છે. આ મેસેજની સાથે લિંક મોકલવામાં આવે છે જેને ઘણા લોકો સાચી સમજી લે છે અને સાઈબર ક્રાઈમનો ભોગ બને છે.
સાઈબર ગુનેગારો દ્વારા વિવિધ રસ્તે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. ખાસ વાત એવી છે કે, એઆઈ દ્વારા માત્ર ક્લોનિંગ કે અન્ય રીતે છેતરપિંડી કરાય છે તેમ નથી. એઆઈની મદદથી ડેટા ચોરી અને પાસવર્ડ ચોરી પણ મોટાપાયે કરવામાં આવે છે. એઆઈ મોટા જથ્થામાં રહેલા ડેટાને સરળતાથી સમજી શકે છે અને તેના ઉપર પ્રોસેસ કરી શકે છે. તે પાસવર્ડના નંબર, આલ્ફાબેટ્સ અને પાસવર્ડ પેટર્ન પણ સમજી શકે છે અને તેને યાદ રાખઈ શકે છે. તેના કારણે જ પાસવર્ડ ગેસિંગ ખૂબ જ ઝડપી અને સરળ થઈ જાય છે. સાઈબર ગુનેકારો એઆઈ દ્વારા પાસવર્ડ તોડવા માટે એઆઈનો ઉપયોગ કરવા લાગ્યા છે. તેના કારણે જ પારંપરિક પાસવર્ડ એઆઈ સામે ખૂબ જ નબળા સાબિત થઈ રહ્યા છે.
બીજી તરફ ચિંતાજનક બાબત એવી પણ વધી છે કે, હવે એઆઈની મદદથી વધારે મજબૂત અને આકરા માલવેર બનાવાઈ રહ્યા છે. સાઈબર ગુનેગારો સ્માર્ટ માલવેર બનાવવા લાગ્યા છે જે જાતે જ સ્થિતિ પ્રમાણે શીખીને સિક્યોરિટી સિસ્ટમને તોડી કાઢે છે અથવા તો તેને છેતરીને ડેટા ચોરી લે છે. તે સિક્યોરિટી સિસ્ટમ પ્રમાણે પોતાની રણનીતિ બદલે છે અને સ્થિતિ પ્રમાણે કામ કરે છે. આવા એડવાન્સ માલવેર ઓળખવા અને તેને અટકાવવાનું કામ સામાન્ય એન્ટિવાઈરસ સિસ્ટમ દ્વારા થઈ શકે તેમ નથી. તેના માટે એડવાન્સ લેવલની સિસ્ટમ જરૂરી છે. આ ઉપરાંત એઆઈ દ્વારા ઓપરેટ કરવામાં આવતા બોટ્સ પણ હજારો સિસ્ટમને એકસાથે ટાર્ગેટ કરી શકે છે.
આવા બોટ્સ દ્વારા ડિજિટલ ટ્રાફિકમાં તોતિંગ વધારો કરી શકાય છે અને તેને અટકાવી પણ શકાય છે આવી ઉથલ પાથલ સર્વર પામી શકતું નથી અને સિસ્ટમ ક્રેશ થઈ જાય છે. આ બધું જ એટલી ઝડપથી થાય છે સિક્યોરિટી સિસ્ટમને પ્રતિક્રિયા આપવાનો સમય જ મળતો નથી. ત્યારબાદ સિસ્ટમ સિસ્ટોર કરવા માટે હેકર્સ મોટાપાયે ખંડણીની માગણી કરતા હોય છે.
- ઈ-સુરક્ષાની કથળેલી હાલત : પાંચ વર્ષમાં માત્ર 5500 કરોડનું કૌભાંડ અટકાવી શકાયું
સરકારી આંકડા ઉપર નજર કરીએ તો ૨૦૨૪માં લોકો સાથે આર્થિક ગોટાળાના સાઈબર ગુનામાં અધધ વધારો થયો છે. ગત વર્ષે લોકો સાથે સાઈબર ઈકોનોમિક ફ્રોડની ૩૬,૩૭,૨૮૮ ઓફિશિયલ ફરિયાદો આવી છે. તેમાં લોકોના અંદાજે ૨૩,૦૦૦ કરોડ રૂપિયા સલવાઈ ગયા. તેની પહેલાં ૨૦૨૩માં ૧૫,૯૬,૪૯૩ ફરિયાદો નોંધાઈ હતી. આ ઉપરાંત ૨૦૨૨માં ૧૦,૨૯,૦૨૬ ફરિયાદો નોંધવામાં આવી હતી. છેલ્લાં ત્રણ વર્ષથી આ ફરિયાદોમાં અને ઘટનાઓમાં ૫૫ ટકાથી વધુનો વધારો થયો છે. આ આંકડા ચિંતા જન્માવે તેવા છે પણ સરકારના પેટનું પાણીય હાલતું નથી. સેવાઓ અને સુરક્ષાઓના નામે નવા નવા ગતકડાં કરવામાં આવે છે પણ કોઈ ધાર્યું પરિણામ મળતું નથી.
લોકોને સુરક્ષામાં ચૂક માટે પણ જાતે જ જવાબદાર ઠેરવી દેવાય છે. સરકાર અને બેન્કો હાથ ખંખેરી લે છે.
સામાન્ય વિચાર કરીએ તો છેલ્લાં પાંચ વર્ષમાં અંદાજે ૮૫ લાખથી વધારે સાઈબર ફ્રોડની અધિકારીક ફરિયાદો નોંધાઈ છે. તેની સામે સરકારે તપાસ શરૂ કરી અને તેને ડામવાના પ્રયાસ કર્યા તેની સરેરાશ જોઈએ તો સાવ નહીવત કહેવાય તેમ છે. પાંચ વર્ષમાં ૧૮ લાખ ફરિયાદોમાં સરકારે કામ કર્યું અને અંદાજે ૫૫૦૦ કરોડની રકમનું ફ્રોડ થતું અટકાવ્યું. પાંચ વર્ષમાં માત્ર ૫૫૦૦ કરોડનું ફ્રોડ અટકાવ્યું અને ૨૦૨૪માં જ ૨૩,૦૦૦ કરોડનું ફ્રોડ થઈ ગયું તેનો કોઈ હિસાબ આપવા કે તેના વિશે જવાબ આપવા જ કોઈ તૈયાર નથી. ગત વર્ષે પણ અંદાજે ૨૦ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ.


