- માનવ અંગોને સમયાંતરે અને સતત બદલતા રહીને તેની યુવાની ટકાવી રાખવા અને ઉંમર વધારવાના પ્રયોગો, પુતિનનું ૨ લાખ કરોડનું રોકાણ
- ન્યૂ હેલ્થ પ્રિઝર્વેશન ટેક્નોલોજીના નામે આ સંશોધન કરાઈ રહ્યું છે. અહેવાલો પ્રમાણે રશિયાએ બે વર્ષ પહેલાં એટલે કે 2024માં આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. 2030 સુધીમાં અંદાજે 1.75 લાખ લોકોની જિંદગી બચાવવાનું કે તેમને નવજીવન આપવાનું કામ આ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે: ગત વર્ષે બેઈજિંગ ખાતે મિલિટરી પરેડમાં પુતિન, જિનપિંગ અને કિમ જોંગ ઉને આ ટેક્નોલોજી અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. જિનપિંગ અને કિમ જોંગ ઉને પુતિનના પ્રયોગોને સમર્થન પણ આપ્યું હતું. માણસોને સ્વસ્થ રીતે 150 વર્ષ જીવાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું અનુમાન. પુતિનની અંગત આગેવાની અને રોકાણમાં જ પ્રયોગો થઈ રહ્યા છે: સંશોધકોએ જણાવ્યું કે, આ બાયોટેક્નોલોજી ચાર સ્તરે કામ કરશે. જેનથેરાપી દ્વારા ડીએનએ બદલીને એજિંગ રોકી શકાશે. બાયોપ્રિન્ટિંગ દ્વારા નાના અંગે નવેસરથી બનાવાશે. જેનોટ્રાન્સપ્લાન્ટ દ્વારા મિનિ પિગમાં માનવ અંગોનું સર્જન અને સ્ટોરેજ કરી શકાશે.
યુવાની વિશે કાયમ એવું કહેવાય છે કે, જવાની તો જવાની છે. માણસની યુવાની કાયમ રહેતી નથી. તેને વૃદ્ધાવસ્થા આવે જ છે. સંશોધકો દ્વારા હવે આ વૃદ્ધાવસ્થાને દૂર કરવા અને યુવાની ટકાવી રાખવા માટે સંશોધન કરવામાં આવી રહ્યા છે. માણસને લાંબી ઉંમર આપવા, સ્વસ્થ રાખવા અને અમર બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ અંગે અનેક દેશોમાં ઘણા વર્ષોથી સંશોધન થઈ રહ્યા છે. તાજેતરમાં રશિયા દ્વારા જે સંશોધન કરાઈ રહ્યું છે તેણે દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. જાણકારોના મતે રશિયાએ ઘડપણને દૂર કરીને યુવાની ટકાવી રાખવાનું અને યુવાની પાછી મેળવવાનું કામ શરૂ કરી દીધું છે. આ પ્રયાસમાં રશિયન સંશોધકો સફળ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન પોતે અંગત રીતે આ પ્રોજેક્ટમાં રસ લઈ રહ્યા છે અને તેણે અબજો ડોલરનું તેમાં રોકાણ કર્યું છે. ન્યૂ હેલ્થ પ્રિઝર્વેશન ટેક્નોલોજીના નામે આ સંશોધન કરાઈ રહ્યું છે. તેમાં અંદાજે ૨૬ અબજ ડોલર એટલે કે સરેરાશ ૨ લાખ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવામાં આવશે. અહેવાલો પ્રમાણે રશિયાએ બે વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૪માં આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ૨૦૩૦ સુધીમાં અંદાજે ૧.૭૫ લાખ લોકોની જિંદગી બચાવવાનું કે તેમને નવજીવન આપવાનું કામ આ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પુતિને આ વિશે એક મોઘમ ઉલ્લેખ કર્યો હતો. જાણકારો માને છે કે, પુતિન, જિનપિંગ અને કિમ જોંગ ઉન વચ્ચે થયેલી વાતચીતમાં આ બાબતની જ ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે જિનપિંગ અને કિમ જોંગ ઉન દ્વારા આ સંશોધન અને ટેક્નોલોજી અંગે આશ્ચર્ય પણ વ્યક્ત કરવામાં આવ્યું હતું. વાત એવી છે કે, ગત વર્ષે સપ્ટેબરમાં બેઈજિંગ ખાતે બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિના ૮૦ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ચીને વિશાળ સૈન્ય પરેડનું આયોજન કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમાં મુખ્ય મહેમાન તરીકે પુતિનને બોલાવાયા હતા. તે ઉપરાંત ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પણ તેમાં જોડાયા હતા.
જાણકારોના મતે તિયાનમેન સ્ક્વેર ખાતે જ્યારે પરેડનું નિરિક્ષણ કરવા દરમિયાન ત્રણેય વાતો કરતા હતા ત્યારે તેમની વચ્ચે આ ટેક્નોલોજી અંગે વાત થઈ હતી. તે સમયે એક માઈક્રોફોનમાં આ વાત રેકોર્ડ થવા લાગી હતી. પુતિને ત્યારે જિનપિંગને જણાવ્યું હતું કે, જો માનવ અંગોનો સતત ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો આપણે ધારીએ તેટલા લાંબા સમય સુધી માણસને જીવતો રાખી શકીએ છીએ અને સ્વસ્થ રાખી શકીએ છીએ. વારંવાર આવું કરવામાં આવે તો માણસ અમર પણ થઈ શકે છે. જિનપિંગે ત્યારે જવાબમાં જણાવ્યું હતું કે, હાલમાં માણસને ૧૫૦ વર્ષ સુધી જીવાડવા માટેના પ્રયોગો થઈ જ રહ્યા છે. અમે તેનું સમર્થન કરીએ છીએ. જો કે, રશિયન પ્રમુખે માણસને અમર કરવાની વાત કરી હતી.
પુતિને આ પ્રોજેક્ટ પોતાની દીકરી મારિયા વારોત્સેવાની આગેવાનીમાં શરૂ કર્યો છે. તે એન્ડોક્રાયોનોલોજિસ્ટ છે અને નેશનલ જેનેટિકલ કાર્યક્રમોની આગેવાની પણ કરે છે. તે ઉપરાંત કુર્ચાતોવ ઈન્સ્ટિટયૂટના પ્રમુખ અને ભૌતિક વિજ્ઞાની મિખાઈલ કોવાલ્ચુકનો પણ આ ટીમમાં સમાવેશ કરાયો છે. તેઓ પુતિનના ખૂબ જ જુના અને વિશ્વાસપાત્ર સાથી માનવામાં આવે છે. તેમણે પણ થોડા સમય પહેલાં જણાવ્યું હતું કે, વિજ્ઞાન દ્વારા થોડા જ સમયમાં મનુષ્યોને અનિશ્ચિત કાળ સુધી ખરાબ અંગો બદલવા અને તેને સાજા કરવા માટે સક્ષમ બની જશે. તેમણે એમ પણ દાવો કર્યો હતો કે, મનુષ્યને અમર બનાવવો હાલમાં મુશ્કેલ જણાઈ રહ્યો છે પણ તે અશક્ય નથી. માણસના શરીરના આંતરિક ખરાબ અંગોને સતત બદલીને તેને લાંબા સમય સુધી જીવીત અને સ્વસ્થ રાખી શકાય છે.
મૂળ વાત એવી છે કે, રશિયામાં લોકોની સરેરાશ ઉંમર ઘટી રહી છે. ૨૦૨૪માં રશિયનોની સરેરાશ જિંદગી ૭૩.૪૪ વર્ષ હતી. તેમાં મહિલાઓની જીવનની સરેરાશ ૭૮.૮૮ જ્યારે પુરુષોની માત્ર ૬૮.૨૬ વર્ષ હતી. અમેરિકાની સાથે તેની સરખામણી કરવામાં આવે તો મહિલાઓની સરેરાશ જિંદગી ૮૦ વર્ષથી વધારે જ્યારે પુરુષોની ૭૪ વર્ષથી વધુ છે. રશિયામાં પુરુષોનું સરેરાશ જીવન ઘણું ઓછું છે. પશ્ચિમી દેશોની સરખામણીમાં તો ઘણું ઓછું છે. તેના કારણે જ રશિયાના અધિકારીઓ અને પુતિન ચિંતામાં છે. ઘટતી જનસંખ્યા અને સરેરાશ જીવનને વધારવા માટે અને પુરુષોની જિંદગી વધારવા માટે તેમણે આ પ્રયોગો શરૂ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઉંમર વધારવા માટે આ અખતરો બીજે પણ થયો છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પ્રોફેસર ડેવિડ સિક્લેરે પણ એન્ટી એજિંગ અંગે સંશોધન કર્યું હતું. તેમણએ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં જણાવ્યું હતું કે, અમે પહેલી વખત પરિક્ષણ કરવાના છીએ કે વૃદ્ધાવસ્થાને અટકાવીને યુવાનીમાં ફેરવી શકાય છે કે નહીં. તેમનું સંશોધન એપિજેનેટિક પ્રોગ્રામિંગ થેરાપી ઉપર આધારિત હતું. તેઓ ખરાબ કોશિકાઓને યુવાવસ્થામાં જ પૂનઃસ્થાપિત કરીને વધતી ઉંમર અટકાવી દે છે. તેના દ્વારા ઉંમરને રિવર્સ કરી શકાય છે.
ચાર સ્તરની બાયોટેક્નોલોજી અને માણસનું સરેરાશ જીવન વધી જશે
રશિયાના અધિકારીઓ દ્વારા જ આ ટેક્નોલોજી અને સંશોધનને પ્રમાણિત કરવામાં આવેલું છે. રશિયાના ઉચ્ચ અધિકારીઓએ તેને ન્યૂ ટેક્નોલોજીઝ ફોર હેલ્થ પ્રિઝર્વેશન નેશનલ પ્રોજેક્ટ નામ આપ્યું છે. આ એક સરકારી કાર્યક્રમ છે. ગત મહિને રશિયાની સરકારે આ મુદ્દે અધિકારિક જાહેરત પણ કરી હતી. જેન થેરાપી દ્વારા વધી ઉંમરને રોકવામાં આવશે અને માણસની ઉંમર રિવર્સ કરવાનો પ્રયાસ થશે. રશિયાના ડેપ્યુટિ સાયન્સ મિનિસ્ટર ડેનિસે પણ આ ટેક્નોલોજીના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વૃદ્ધાવસ્થા સામેની લડાઈમાં આ એક મોટું હથિયાર સાબિત થશે. તેનાથી સમગ્ર માનવજાતને ફાયદો થશે. સંશોધકોએ જણાવ્યું કે, આ બાયોટેક્નોલોજી ચાર સ્તરે કામ કરશે. રશિયન વૈજ્ઞાનિકોએ જેન થેરાપી વિકસિત કરી છે. જે સેલ્યુલર એજિંગને ધીમી પાડવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ થેરાપી ડીએનએના સ્તરે જ વૃદ્ધાવસ્થાને આગળ વધતા રોકવા માટે અસરકારક કામગીરી કરશે. તે ઉપરાંત સંશોધકોએ બાયોપ્રિંટિંગ ટેક્નોલોજી વિકસાવી છે. તેમણે ઉંદરોની થાઈરોડ ગ્રંથી અને અન્ય કેટલાક ચેતાઓને બાયોપ્રિંટિંગ દ્વારા વિકસિત કર્યા છે. તેઓ ૨૦૩૦ સુધીમાં બાયોપ્રિંટ થકી અંગો બનાવીને તેને પ્રત્યારોપિત કરવામાં સફળતા મેળવી લેશે તેવો દાવો કરાઈ રહ્યો છે. તેના દ્વારા માણસમાં ગમે ત્યારે ગમે તે અંગ બદલી શકાશે. તે સિવાય જેનોટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવાઈ છે. મિની પીગમાં માણસોની સારવાર માટેના અંગો તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે આ અંગોને કાઢીને માણસોમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. તેમાં મિનિ પિગમાં જેનેટિક એડિટિંગ કરવામાં આવ્યું છે. તેના દ્વારા તેનું શરીર માણસોના શરીર સાથે મેચિંગ કરી શકે અને તે અંગોને સાચવી શકે તેવી પદ્ધતિ વિકસાવાઈ છે. તેમાં કિડની, હાર્ટ, લિવર જેવા અંગોનો સમાવેશ થાય છે. ચોથો અને મહત્ત્વનો તબક્કો છે ક્રાયોથેરાપી. તેમાં ખૂબ જ નીચે તાપમાને સારવાર કરવામાં આવે છે. ખાસ કરીને કોઈ પણ ઈજા થાય ત્યારબાદ તે ટિશ્યૂને રાહત આપવા અને સારવાર માટે કે પછી કેન્સર સેલ અથવા તો એબનોર્મલ ટિશ્યૂને પ્રીઝ કરવા માટે જે તાપમાન જોઈએ તે તાપમાન રાખવામાં આવે છે. તેના દ્વારા રોગના ટિશ્યૂનો નાશ કરાશે અને ખોડ ખાપણને દૂર કરી શકાશે.
પુતિન પોતાની ઉંમર વધારવા અખતરા કરાવતા હોવાના દાવા
આંતરરાષ્ટ્રીય સ્તરે આ સંશોધનના ઘણા મોટા પ્રત્યાઘાત પડયા છે. ઘણા લોકો અને જાણકારો માની રહ્યા છે કે, રશિયામાં આ પ્રયોગો થવા પાછળ મોટું કારણ પુતિન પોતે જ છે. તેઓ આ પ્રોજેક્ટમાં અંગત રસ લઈ રહ્યા છે કારણ કે તેઓ પોતાનું જીવન સ્વસ્થ બનાવવા અને ઉંમર વધારવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેના કારણે જ તેઓ એન્ટી એજિંગ રિવર્સલ રિસર્ચ કરાવી રહ્યા છે. તેઓ લાંબા સમય સુધી શાસન કરવા માગે છે તેથી આ સંશોધનનો ભાગ બન્યા છે. બીજી તરફ એવો પણ અહેવાલ છે કે, પુતિનના અંગત અને વિશ્વાસુ સાથીઓની ઉંમર પણ વધી ગઈ છે અને તેનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પણ તેઓ પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પુતિન પહેલાં આવા નેતા નથી જેમને અસાધારણ વૈજ્ઞાનિક સંશોધનમાં રસ પડયો છે. ૧૯૨૦માં એલેક્ઝાન્ડર ઓગ્દાનોવે પણ રિજુવેનેટિંગ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવ્યું હતું. તેઓ પોતે જ ૫૫ વર્ષની ઉંમરે પોતાના ઉપર પ્રયોગ કરાવવા દરમિયાન મૃત્યુ પામ્યા હતા.


