Get The App

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ : અમલીકરણ ટાણે ડખો થાય જ છે!

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ : અમલીકરણ ટાણે ડખો થાય જ છે! 1 - image


- મહારાષ્ટ્રમાં ત્રિભાષી ફાર્મ્યુલા ફુસ થઈ, આ પહેલાં દક્ષિણ ભારતમાં પણ હિન્દીનો વ્યાપક વિરોધ થયો જ છે

- આઝાદીની લડત સમયે દેશને એકજૂથ કરનારી અને સર્વસ્વિકૃત ભાષા હિન્દી આઝાદી બાદ ભારતમાં દાયકાઓથી વિવાદની ભાષા બની ગઈ છે : એજ્યુકેશન પોલિસીમાં હિન્દીનો સમાવેશ કરાયો ત્યારથી દક્ષિણ ભારતમાં ભાષાનો દાવાનળ સળગતો જ રહ્યો છે : ભારતમાં બંધારણ હેઠળ 22 ભાષાઓ સ્વીકારવામાં આવી છે. 2011ની વસતી ગણતરી પ્રમાણે દેશમાં 19,500 ભાષાઓને માતૃભાષાનો દરજ્જો અપાયેલો છે : આઝાદી બાદ હિન્દીને રાષ્ટ્ર ભાષા બનાવવાની વાત આવી પણ સાઉથ ઈન્ડિયાના રાજ્યો દ્વારા તેનો ખૂબ જ વિરોધ કરાયો : બંધારણના આર્ટિકલ ૩૪૩ હેઠળ હિન્દીને દેવનાગરી લિપીમાં ભારતની માન્ય ભાષા ગણવામાં આવે છે, બંધારણ દ્વારા માન્ય ૨૨ ભાષાઓમાં તેનું સ્થાન છે 

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં હિન્દી ભાષા મુદ્દે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાંય રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ સાથે સાથે હિન્દીને દેશભરની શાળાઓમાં લાગુ કરવા અંગે પણ કામગીરી કરાઈ રહી છે. આ મુદ્દે ભાજપ શાસિત મહારાષ્ટ્રમાં જ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. રાજકીય વંટોળ વચ્ચે મહારાષ્ટ્રની યુતિ સરકારે રાજ્યની તમામ સ્કૂલોમાં હિન્દીનો ત્રીજી ભાષા તરીકે ઉપયોગ કરવાના નિર્ણય ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે આ મુદ્દે જારી કરેલા બંને જીઆર પાછા ખેંચી લીધા છે. આ મુદ્દે રાજ્યમાં રાજકીય ઘમાસાણ પણ વધી ગયું છે. મહત્ત્વની વાત એ છે કે, આ પહેલી વખત બન્યું નથી કે, હિન્દી મુદ્દે કોઈ રાજ્યમાં રાજકીય વિવાદ ઊભો થયો હોય. દક્ષિણ ભારતના રાજ્યોમાં, પૂર્વના રાજ્યોમાં દાયકાઓથી હિન્દી મુદ્દે વિવાદ ચાલે જ છે. આ રાજ્યોનો આરોપ રહ્યો જ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા હિન્દી ભાષા તેમના ઉપર પરાણે લાગુ કરવા દબાણ કરવામાં આવે છે. આમ તો ભાષાનો વિવાદ ભારત જ નહીં દુનિયાભરમાં અત્યંત સંવેદનશિલ મુદ્દો બની રહ્યા છે.  

મહારાષ્ટ્ર સરકારે ૧૬ એપ્રિલ ૨૦૨૫ના રોજ આદેશ જાહેર કર્યો હતો જેમાં ધોરણ ૧ થી ૫ સુધી સ્કૂલોમાં હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા તરીકે સ્વીકારવાનો નિર્ણય હતો. ત્યારબાદ વિપક્ષો અને મરાઠી સંગઠનો દ્વારા તેનો વ્યાપક વિરોધ શરૂ કરવામાં આવ્યો. તેઓ તેને મરાઠી અસ્મિતા ઉપર હુમલા સમાન ગણાવા લાગ્યા. હિન્દીને ફરજિયાત કરીને મરાઠી ભાષા અને સંસ્કૃતિને નબળી બનાવવાની રાજકીય ચાલ ગણાવવા લાગ્યા. રાજકીય વિરોધીઓએ જણાવ્યું કે, સરકાર દ્વારા હિન્દી થોપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેના દ્વારા સ્થાનિક ભાષાઓ પાછી ધકેલાશે અને પ્રાદેશિકતા અને તેના વૈવિધ્યને નુકસાન થશે. મરાઠી સમર્થકો અને વિપક્ષોના અતિશય દબાણને કારણે સરકારે બેકફૂટ ઉપર જઈને પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડયો છે. હકિકતે મહારાષ્ટ્ર સરકારની જ આ સ્થિતિ નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બની ત્યારથી તેનો વિવાદ દેશભરમાં ચાલ્યો જ છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને તેની ત્રણ ભાષાની ફોર્મ્યુલાએ જૂના ભાષા વિવાદને નવેસરથી ઈંધણ પૂરું પાડયું છે અને આ ભડકો હવે વધારે મોટો થયો છે. જાણકારો માને છે કે, શરૂઆતમાં દક્ષિણ ભારત અને પૂર્વ ભારત સુધી સિમિત રહેલો આ વિવાદ હવે મધ્ય ભારતમાં પહોંચી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા હિન્દી થોપવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. સાઉથ ઈન્ડિયામાં તો રાજ્યો અને કેન્દ્રનો વિવાદ ચાલુ જ છે કે, રાજ્યો ભાષા અમલમાં મુકતા નથી અને કેન્દ્ર ભંડોળ આપતું નથી. હવે મહારાષ્ટ્રમાં પણ આ વિવાદ આકાર લઈ રહ્યો છે.

સમજવા જેવી બાબત એ છે કે, દેશભરમાં ભાષાનો વિવાદ જ તમિલનાડુથી શરૂ થયો હતો. ૧૯૬૦માં તમિલનાડુ દ્વારા કેન્દ્ર સરકારે સામે ભાષા મુદ્દે બાંયો ચડાવવામાં આવી હતી. તેણે હિન્દીને પરાણે લાગુ કરવાનો વિરોધ કર્યો હતો અને ત્યારથી વિરોધ કરતું જ આવ્યું છે. કેન્દ્રનો દાવો છે કે, આમ કરવાથી બહુભાષાવાદ લાગુ થશે જેનાથી દેશના લોકોને જ ફાયદો થવાનો છે. બીજી તરફ પ્રાદેશિક ભાષા માટે કટ્ટરતા સુધી પહોંચી ગયેલા રાજ્યો એમ માને છે કે, હિન્દીનું ચલણ વધવાથી પ્રાદેશિકતાને મોટો ફટકો પડશે. 

નેશનલ એજ્યુકેશન પોલિસી અને નવી શિક્ષણ નીતિ જે પણ કહેવામાં આવે તે ૧૯૬૦થી ચાલ્યા આવ્યા છે. સરકારો દ્વારા તેમાં સમયાંતરે ફેરફાર કરાયા છે. આમ તો ત્રણ ભાષાના ફોર્મ્યુલાની વાત કરીએ તો પહેલા શિક્ષણ આયોગ દ્વારા તેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેને કોઠારી આયોગ પણ કહેવામાં આવતું હતું. તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૬૮માં અધિકારિક રીતે લાગુ કરી દીધી હતી. ત્યારબાદ તત્કાલિન વડા પ્રધાન રાજીવ ગાંધીએ એનપીઈ ૧૯૮૬માં તેની પુષ્ટી કરી અને વધારો કર્યો હતો. તેમાં ભાષાકિય વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે નરસિમ્હારાવની કોંગ્રેસ સરકારે ૧૯૯૨માં તેમાં ફરીથી સુધારા કર્યા હતા. ભૌતિક વિજ્ઞાાની ડો. દૌલત સિંહ કોઠારીની અધ્યક્ષતા ધરાવતા કમિશન દ્વારા ત્રણ ભાષા શિખવવાની ભલામણ કરવામાં આવી હતી. તેમાં માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં શિક્ષણ, બીજું કેન્દ્ર દ્વારા લાગુ અધિકારિક ભાષામાં શિક્ષણ અને ત્રીજું પહેલી બંને ભાષાઓ ઉપરાંત આધુનિક ભારતીય અથવા યૂરોપીયન ભાષામાં શિક્ષણ આપવાની નીતિ બનાવાઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, ૧૯૬૮માં માધ્યમિક સ્તરે રાજ્ય સરકારો દ્વારા એનઈપીને સ્વીકારવાની હતી. તેમાં હિન્દી ભાષી રાજ્યોમાં હિન્દી અને અંગ્રેજી ઉપરાંત એક આધુનિક ભાષા શિખવવાની હતી. દક્ષિણ ભારતમાં ત્યાંની ભાષાઓનું અધ્યયન પણ જોડવામાં આવેલું હતું. બિન હિન્દી રાજ્યોમાં સ્થાનિક ભાષા, પ્રાદેશિક ભાષા અને અંગ્રેજીની સાથે હિન્દીનો પણ અભ્યાસ જોડાયેલો હતો. એનપીઈ ૧૯૮૬ અને ૧૯૯૨માં તેમાં સુધારા કરીને શિક્ષણ નીતિને વધારે મજબૂત કરાઈ. તેમાં હિન્દીને સંપર્ક ભાષા તરીકે ઉપયોગમાં લેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો જેના કારણે રાજ્યોમાં સહમતી સ્થાપી શકાય. તેના કારણે ત્રણ ભાષાની ફોર્મ્યુલાને તબક્કાવાર અને સુધારા સાથે લાગુ કરવામાં આવી. 

એનઈપી ૨૦૨૦માં આ વિવાદ વકરવા લાગ્યો. કેટલાક રાજ્યો માને છે કે, કેન્દ્ર સરકાર દ્વારા હિન્દી થોપવામાં આવી રહી છે. હકિકત એવી છે કે, આ એજ્યુકેશન પોલિસી એવી છે કે, જેમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, કોઈ એક ભાષા પરાણે લાગુ ન થઈ જાય. તેમાં કહેવાયું છે કે, બંધારણીય જોગવાઈઓ, બહુભાષિતાને પ્રોત્સાહન આપવાની સાથે સાથે રાષ્ટ્રીય એકતાને મહત્ત્વ આપવા માટે ત્રણ ભાષાની ફોર્મ્યુલા રાખવામાં આવી છે. તેનાથી કોઈપણ રાજ્યને ભાર નહીં પડે. તેમાં સ્પષ્ટ કરાયું છે કે, વિદ્યાર્થીઓ દ્વારા શિખવામાં આવનારી ત્રણેય ભાષાઓ રાજ્યો, પ્રદેશોના વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરાયેલી જ હશે તેમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય હશે. આ ભાષાકિય વિવિધતા જ રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપશે અને રાજ્યોની પોતાની સ્વાયત્તતાને અકબંધ રાખશે. એનઈપી ૨૦૨૦માં વૈશ્વિક અનુભવને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, મૂળ ભાષા જ શિક્ષણને સમજવામાં મદદ કરે છે અને સંસ્કૃતિનું રક્ષણ કરે છે. તે વિદ્યાર્થીઓને સારું પ્રદર્શન કરવામાં મદદ કરે છે. 

બાળકો પોતાની માતૃભાષામાં અથવા તો પ્રાદેશિક ભાષામાં શિક્ષણ મેળવે તો ઝડપથી શીખી શકે છે. 

યૂનેસ્કો દ્વારા બહુભાષી શિક્ષણમાં જણાવાયું છે કે, પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં મળે તે જરૂરી છે અને તેને શિક્ષણના અંતિમ તબક્કા સુધી લઈ જવું જોઈએ.

આ દિશામાં જોઈએ તો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે એનસીએફ અને લેન્ગવેજ એજ્યુકેશન દ્વારા પણ ત્રણ ભાષાના ફોર્મ્યુલાને સમર્થન આપવામાં આવ્યું છે. એનસીએફ ૨૦૨૩માં બંધારણિય જોગવાઈઓ, બહુભાષાવાદ અને રાષ્ટ્રીય એકતાને ધ્યાનમાં રાખીને ત્રણ ભાષાના સૂત્રને લાગુ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે તેની પહેલાં એનસીએફ ૨૦૦૫માં ભારતીય સમાજની બહુભાષી વિશેષતાને સ્કૂલ જીવન સમૃદ્ધ બનાવવા માટે એક સંસાધન તરીકે જોવામાં આવતું હતું. આ ઉપરાંત ત્રણ ભાષાનું સૂત્ર જે રાષ્ટ્રીય સહમતિનું પરિણાણ છે, તેને બહુભાષાવાદ અને રાષ્ટ્રીય સદભાવને વધારવા માટે સાચી ભાવના સાથે લાગુ કરવું જોઈએ તેવું એનસીએફ ૨૦૦૦માં પણ કહેવાયું હતું.

ભાષા મુદ્દે તમિલનાડુ દ્વારા વિરોધની શરૂઆત કરવામાં આવી હતી

તમિલનાડુ દ્વારા ઐતિહાસિક રીતે વિરોધની શરૂઆત કરવામાં આવી હતી. ત્રણ ભાષાની ફોર્મ્યુલાને તેણે જ પડકારી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૯૩૭માં સી રાજગોપાલાચારીની કોંગ્રેસ સરકાર હતી ત્યારે સ્કૂલોમાં હિન્દી લાગુ કરાયેલી હતી. ત્યારબાદ જસ્સિટ પાર્ટી અને પેરિયાર જેવા દ્રવિડ નેતઓના નેતૃત્વમાં મોટાપાયે વિરોધ શરૂ થયો. ૧૯૪૦માં આ નીતિ રદ કરવામાં આવી. 

ત્યારબાદ સ્વતંત્રા પછી વિરોધ વધારે આક્રમક થયો અને હિન્દી વિરોધી ભાવના વધી ગઈ. જ્યારે ૧૯૬૮માં ત્રણ ભાષાની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી તો તમિલનાડુએ તેને પરાણે લાગુ કરાતી ભાષા ગણાવીને મોટાપાયે વિરોધ કર્યો. તેને સ્વીકારવાનો પણ નનૈયો ભણ્યો. 

મુખ્યમંત્રી સી એન અન્નાદુરાઈના નેતૃત્વમાં રાજ્યને બે ભાષા નીતિ (તમિલ અને અંગ્રેજી) આપવામાં આવી. તમિલનાડુ એકમાત્ર એવું રાજ્ય છે જેણે ક્યારેય ત્રણ ભાષાની ફોર્મ્યુલા લાગુ કરી નથી. તેણે હિન્દીની જગ્યાએ અંગ્રેજીને વધારે પ્રાધાન્ય આપ્યું. તમિલનાડુનો આ વિરોધ ૨૦૨૦ સુધી પણ અકબંધ જ રહ્યો. તેના કારણે ૨૦૨૦માં કેન્દ્ર સરકાર સાથે ચકમક વધારે ઝરી અને વિવાદ વકર્યો. તેણે ત્રણ ભાષાની ફોર્મ્યુલા લાગુ કરી નહીં. તેના પરિણામે કેન્દ્ર સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ ૫૭૩ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય કરી નહીં. સરકારે ભંડોળ મોકલાવવાની ના પાડીને જણાવી દીધું કે, એનઈપીના નિયમોનું પાલન થતું હશે તેને જ ભંડોળ મળશે. તમિનલાડુ જેવા રાજ્યોમાં ૬૦ ટકા કેન્દ્રીય ભંડોળ મળે છે જે ભાષાના વિવાદમાં અટકી ગયું. કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલી નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ સર્વ શિક્ષા અભિયાન ૨૦૧૮થી લાગુ છે. તેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તેમની કેટેગરી પ્રમાણે ભંડોળ મળે છે. સામાન્ય રાજ્ય અને વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ૬૦ ટકા ફંડિગ જારી કરવામાં આવે છે. પૂર્વોત્તર અને હિમાલયના રાજ્યોને ૯૦ ટકા ફંડ આપવામાં આવે છે. વિધાસભા વગરના કેન્દ્ર શાસિત પ્રદેશોને ૧૦૦ ટકા ફંડ કેન્દ્ર દ્વારા જ અપાય છે.

ભારતમાં બંધારણ હેઠળ ૨૨ ભાષાઓ સ્વીકારવામાં આવી છે

ભારતમાં બંધારણ હેઠળ ૨૨ ભાષાઓ સ્વીકારવામાં આવી છે. ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે દેશમાં ૧૯,૫૦૦ ભાષાઓને માતૃભાષાનો દરજ્જો અપાયેલો છે. આઝાદી બાદ હિન્દીને રાષ્ટ્ર ભાષા બનાવવાની વાત આવી પણ સાઉથ ઈન્ડિયાના રાજ્યો દ્વારા તેનો ખૂબ જ વિરોધ કરાયો. તેમણે હિન્દી થોપવાની દલીલો કરી અને આ બધી કામગીરી ખોરંભે ચડી ગઈ. 

બંધારણ સભામાં લાંબી ચર્ચા અને વિવાદ બાદ ૧૯૫૦માં હિન્દીને ભારતની રાજભાષા જાહેર કરાઈ. ૧૯૬૫માં હિન્દીને અધિકારિક ભાષા બનાવવાની વાત થઈ તો ફરીથી દક્ષિણ ભારતમાં આંદોલન શરૂ થઈ ગયા. હાલમાં હિન્દી રાજભાષા પણ નથી કે રાષ્ટ્રીય ભાષા પણ નથી. બંધારણના આર્ટિકલ ૩૪૩ હેઠળ હિન્દીને દેવનાગરી લિપીમાં ભારતની માન્ય ભાષા ગણવામાં આવે છે. બંધારણ દ્વારા માન્ય ૨૨ ભાષાઓમાં તેનું સ્થાન છે. આર્ટિકલ ૩૫૧ હેઠળ કેન્દ્ર સરકારને હિન્દીના પ્રચાર અને પ્રસારની જવાબદારી આપવામાં આવી છે. 

બીજી તરફ રાજ્યો પાસે આર્ટિકલ ૩૪૫ હેઠળ પોતાની અધિકારિક ભાષા પસંદ કરવાનો અધિકાર છે. તેઓ કોઈપણ ભાષાને રાજ્યની ભાષા તરીકે પસંદ કરી શકે છે.

Tags :