- આપણને નવું શું કરવું છે તે ખબર છે પણ શા માટે કરવું છે તે સ્પષ્ટ નથી એટલે જ સંકલ્પપૂર્તિ લાંબી ટકતી નથી
- મનોવૈજ્ઞાનિકો માને છે કે, નવું વર્ષ હકિકતે નવી તક અને નવા અવસરોના પ્રતિબિંબ તરીકે જોવામાં આવે છે. તેના પરિણામે જ લોકો નવા વર્ષમાં નવા કાર્યો કરવાનો સંકલ્પ લેતા હોય છે અથવા તો બીજાને લેવડાવતા હોય છે : દર દસમાંથી એક એટલે કે આઠ ટકા લોકોના સંકલ્પ એક મહિનો પણ ટકતા નથી. 21.9 ટકા લોકોના સંકલ્પ બે મહિનામાં દમ તોડી દે છે. 22.2 ટકા લોકો ત્રણ મહિનામાં બધું જ છોડી દે છે. 13.1 ટકા લોકો ચાર મહિના સુધી ખેંચી જાય છે પણ ફરી પાછા જૂની ઘરેડમાં આવી જાય છે :આપણને સફળતા મળવાની પૂરતી શક્યતાઓ હોય છે પણ આપણે મનમાં રહેલા ભય અને ખાસ કરીને પરિવર્તનના કાલ્પનિક ભય હેઠળ આવી જઈએ છીએ અને પોતાની ક્ષમતાને વધારી શકતા નથી અને સંકલ્પપૂર્તિ શક્ય બનતી નથી : હકિકતે તેમણે લાંબા, ઓછા પ્રભાવી અને તબક્કાવાર પરિણામ આપનારા તથા આનંદ સાથે સંકલ્પપૂર્તિ થઈ શકે તેવા રસ્તા શોધવા જોઈએ. તેનાથી લાંબાગાળે લક્ષ્યપ્રાપ્તિ થશે પણ ટૂંકાગાળામાં સંકલ્પથી કંટાળીને છોડવાના વિચારો નહીં આવે
નવી આશા, નવા ઉમંગો અને નવા સંકલ્પો સાથે નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. દુનિયાએ ૨૦૨૬ના મંગળગીતો ગાઈને વિવિધ ક્ષેત્રમાં નવા આશાવાદનો સંચાર કરીને રોજિંદી જિંદગીને આગળ ધપાવવાનું શરૂ કરી દીધું છે. આ નવા વર્ષમાં દુનિયાભરના કરોડો લોકોએ સારા સ્વાસ્થ્ય માટે, સારી આર્થિક સ્થિતિ માટે, સારી સામાજિક સ્થિતિ માટે તો બીજા અનેક બાબતો માટે સંકલ્પ લીધા હશે. આ વખતે તો શરીર ઉતારી જ કાઢવું છે, આ વખતે સિક્સપેક એબ્સ બનવા જ જોઈએ, આ વર્ષના અંત સુધીમાં તો એક કરોડનો પ્રોફિટ થવો જ જોઈએ, આ વર્ષે તો કંપનીના સીઈઓ થઈને જ રહેવું છે, આ વખતે બે પ્રમોશન મેળવવા છે, આ વખતે પરિવારને સમય આપવો છે, બે-ત્રણ વેકેશન માણવા છે.
આવા અનેક સંકલ્પો લોકોએ લીધા હશે અને હજી લેતા હશે. આ તમામ સંકલ્પો માત્ર કહેવાના ઉન્માદ અને દેખાદેખી જેવા હોય છે. સાદી ભાષામાં કહીએ તો ચોમાસામાં દેખાતા પાંખોવાળા જીવડા જેવા અલ્પજીવી હોય છે. જાણકારો માને છે કે, નવા વર્ષે દુનિયાભરના લોકો દ્વારા કરવામાં આવેલા સંકલ્પો કે લેવામાં આવતી નવી ચેલેન્જ અલ્પજીવી હોય છે.
આ તમામ સંકલ્પોમાંથી ૯૦ ટકા સંકલ્પો મહિનો પૂરો થતા સુધીમાં જ કે પછી ત્રણ મહિના થતા સુધીમાં જ દમ તોડી કાઢે છે. માત્ર ગણતરીના લોકો લાંબા સમય સુધી આ સંકલ્પને ખેંચી શકે છે અને અત્યંત ઓછા લોકો સમગ્ર વર્ષમાં ધારેલું કામ પાર પાડી શકે છે.
લોકો ખરેખર શા માટે આવા સંકલ્પ લેતા હોય છે અને ખરેખર આવા સંકલ્પ લાંબુ ટકતા નથી કે પછી લોકો તેને પૂરા કરી શકતા નથી. તો આ છુટી જવાનું કે છોડી દેવાનું નક્કર કારણ શું છે તે આપણે જાણતા જ નથી.
ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલાં તો નવા વર્ષના આ ઉર્જાસભર સંકલ્પ વિશે જાણવું જોઈએ. જાણકારો માને છે કે, જૂના વર્ષની વિદાય દરમિયાન અને નવા વર્ષના આવકાર દરમિયાન સતત આપણે લોકો સાથે જોડાયેલા હોઈએ છીએ. તે દરમિયાન તેમના દ્વારા કરવામાં આવતી વાતો, તેમના દ્વારા લેવામાં આવતા સંકલ્પો, આપણને આવતા ફોન, મેસેજ અને વોટ્સએપ અથવા તો સોશિયલ મીડિયાના કન્ટેન્ટ આપણને આ બધું કરવા વધારે પ્રેરણા આપે છે. એવું તો શું છે કે, માત્ર તારીખીયું બદલાય છે અને નવા વર્ષની પહેલી તારીખ આવે છે અને લોકો ધડાધડા સંકલ્પ લેવા માંડે છે. ઘણા મનોવૈજ્ઞાનિકો માને છે કે, નવું વર્ષ હકિકતે નવી તક અને નવા અવસરોના પ્રતિબિંબ તરીકે જોવામાં આવે છે. તેના પરિણામે જ લોકો નવા વર્ષમાં નવા કાર્યો કરવાનો સંકલ્પ લેતા હોય છે અથવા તો બીજાને લેવડાવતા હોય છે. લોકો માને છે કે, આ પરિવર્તનનો સંકલ્પ જ આપણને પ્રોત્સાહિત કરતો રહેશે અને આખું વર્ષ આપણે સખત મહેનત કરીને તેને સિદ્ધ કરવામાં કાર્યરત રહીશું.
બીજી તરફ કેટલાક જાણકારો માને છે કે લોકો સંકલ્પ એટલા માટે લેતા હોય છે કે તેનાથી તેમને આશાવાદ જાગે છે અને પોતાની જાત ઉપર એક કાબુ આવશે તેવી લાગણી થાય છે.
હકિકતે આ માત્ર મનોભાવમાં સર્જાતી એક ક્રિયા છે. તમે એક વખત સંકલ્પ કરો છો પછી આપોઆપ તમારું મન તમને પ્રોત્સાહન આપે છે, તમે આશાવાદી અને આત્મવિશ્વાસુ બનતા જાઓ છો. વ્યક્તિના મનમાં એવું થવા લાગે છે કે, આપણે કુદરતી રીતે જ કેટલા વિકસિત થઈ રહ્યા છીએ, વધુ સારા બની રહ્યા છીએ અને આપણા કાર્યો અને આપણા વિચારો વચ્ચે સાયુજ્ય સધાઈ રહ્યું છે. બીજી તરફ એવું પણ છે કે, જૂનું વર્ષ પૂરું થવા આવે ત્યારે આપણને ગુનાઈત લાગણી પણ થતી હોય છે.
આપણે વિચારતા હોઈએ છીએ કે વર્ષ કેવી રીતે પૂરું થવું જોઈતું હતું, આપણે કેવી રીતે કામ કર્યું, કેવી રીતે બધું બગડયું અને આપણે શું ખરેખર મેળવ્યું તથા આપણે શું ગુમાવ્યું. તેના પગલે જ આગામી સમય કેટલો વધારે સારો બનાવી શકાય તે વિચારવા લાગીએ છીએ. આપણે એકાએક જૂના વર્ષ, તેની કામગીરીઓ અને નિષ્ફળતાઓથી હાથ ખંખેરી લઈએ છીએ અને બીજું કંઈક નવું કરવા સજ્જ થઈ જઈએ છીએ.
મહત્ત્વની વાત એ છે કે, મોટાભાગના જાણકારોનું માનવું છે કે, આપણા આવા તમામ સંકલ્પો અલ્પજીવી હોય છે. તેઓ લાંબો સમય ટકી શકતા નથી. પાતળા થવું, જાડા થવું, સિક્સપેક બનાવવા, નવી ગાડી લેવી, ઘર લેવું, બિઝનેસ વધારવો, પ્રમોશન લેવા વગેરે કોઈ કામ પૂરા થઈ શકતા જ નથી.
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૪માં નવા સંકલ્પો અંગે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના તારણો ખૂબ જ રોચક આવ્યા હતા. તેમાં જણાવ્યું હતું કે, મોટાભાગના નવા વર્ષના સંકલ્પો બે થી ચાર મહિનાથી વધુ ટકતા નથી.
લોકો ભુલી જાય છે અથવા તો છોડી દે છે. તેમાં જણાવાયું હતું કે, દર દસમાંથી એક એટલે કે આઠ ટકા લોકોના સંકલ્પ એક મહિનો પણ ટકતા નથી. ૨૧.૯ ટકા લોકોના સંકલ્પ બે મહિનામાં દમ તોડી દે છે. ૨૨.૨ ટકા લોકો ત્રણ મહિનામાં બધું જ છોડી દે છે. ૧૩.૧ ટકા લોકો ચાર મહિના સુધી ખેંચી જાય છે પણ ફરી પાછા જૂની ઘરેડમાં આવી જાય છે. માત્ર આઠ થી દસ ટકા લોકો જ સમગ્ર વર્ષ દરમિયાન તેમના સંકલ્પ ઉપર દ્રઢ રહે છે અને તેને પૂરા કરી શકે છે અથવા તો પૂરા કરવાનો પૂરતો પ્રયાસ કરે છે.
મોટાભાગના મનોવૈજ્ઞાનિક અને જાણકારો માને છે કે, આ સંકલ્પો પૂરા નહીં થવા પાછળ મહત્વાકાંક્ષાનો અભાવ હોય છે. મોટાભાગના લોકો નવા વર્ષના સંકલ્પ લેવા દરમિયાન એટલા મોટા પરિવર્તનો નક્કી કરી લે છે કે જે તેમનાથી પૂરા કરી શકાય તેમ હોતા જ નથી. શરીરમાં મોટું પરિવર્તન કરવું, ઉંઘમાં પરિવર્તન કરવું, નવી ભાષાઓ શીખવી, વેપાર બમણો કરી લેવો જેવા પરિવર્તનો એટલા મોટા હોય છે કે શરૂઆતના સમયમાં જ તેનાથી નાસીપાસ થઈ જવાય છે.
બહુ ઓછા લોકો ટકી શકે છે અને તેને આગળ ખેંચી જઈ શકે છે. લોકોને હકિકતે મોટા ટાર્ગેટ રાખવા ગમે છે. લોકોને એવું લાગે છે કે હું મોટા સંકલ્પ કરીશ તો લોકોમાં મારી વાહવાહી થશે. વ્યક્તિ પોતે પણ મોટા પરિવર્તનની આશા રાખીને પોરસાય છે. આપણે જ્યારે સંકલ્પ લઈએ છીએ ત્યારે આપણે એવા લક્ષ્ય રાખીએ છીએ જે ખરેખર પાર પાડવા જ છે. મોટાભાગે બનતું એવું હોય છે કે, જ્યારે લક્ષ્યપ્રાપ્તિ શરૂ કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે, આપણા સંકલ્પો કોઈ મોટા લક્ષ્ય નહીં પણ રોજિંદા કામકાજ સાથે જોડાયેલા પરિવર્તનો છે. આપણે રોજિંદા પરિવર્તનોને ખાસ પસંદ કરતા નથી. આપણને કામકાજ ગમતા નથી અને તેના કારણે જ આ સંકલ્પો અધૂરા છુટી જાય છે.
સંકલ્પપૂર્તિ માટે અગવડો ભોગવવી પડે છે અને લોકો તેના માટે સજ્જ નથી
બિહેવિયરલ ચેન્જિસના જાણકારો માને છે કે, આપણા રોજિંદા જીવનમાં લેવાયેલા સંકલ્પો પણ આપણી રોજિંદી જિંદગીમાં પરિવર્તન આણનારા હોય છે. આપણે રોજિંદી જિંદગીમાં પરિવર્તન કરવા માંડીએ એટલે આપણને અગવડ પડવા લાગે છે. આપણને સતત અગવડ ભોગવવી ગમતી નથી. લોકો તેના માટે સજ્જ નથી. તેના પગલે તેઓ સંકલ્પ પૂરા કરી શકતા નથી અથવા બે-ચાર મહિના સુધીમાં તો છોડી દે છે. જાણકારોના મતે સૌથી મોટું કારણ તો કંઈક અલગ જ છે. તેઓ માને છે કે, આપણે પોતાની જાતને પુછતા જ નથી કે, આપણે આપણા જીવનમાં શા માટે ચોક્કસ પ્રકારનું પરિવર્તન કરવા માગીએ છીએ. સૌથી પહેલાં તો આપણે જાણવું જોઈએ કે, પરિવર્તન ખરેખર કરવું છે કે નહીં. પરિવર્તન કરવું છે તો કેમ આટલું મોટું પરિવર્તન જરૂરી છે. જ્યાં સુધી આપણને પોતાના જ જીવનમાં પરિવર્તન લાવવા માટેના નક્કર કારણ નહીં મળે ત્યાં સુધી આપણે સંકલ્પસિદ્ધિ સુધી પહોંચી શકીશું નહીં. બીજી એક મુશ્કેલી એ છે કે જ્યારે આપણે સંકલ્પ લઈએ છીએ અને તેને પૂરો કરવા કામગીરી શરૂ કરીએ છીએ ત્યારે આપણે સૌથી ઝડપી અને સૌથી અસરકારક રસ્તો પસંદ કરી લઈએ છીએ. અહીંયા જ આપણે થાપ ખાઈ જઈએ છીએ. આપણે જે જુની ઘરેડમાં જીવતા આવ્યા હોઈએ અને તેમાં એકાએક પરિવર્તન કરવા માંડીએ ત્યારે આપણે તે સહન કરી શકતા નથી. તેના પગલે નવા વર્ષના સંકલ્પો આપણે પૂરા કરવા સુધી પહોંચી શકતા જ નથી. લોકોને ઝડપી, અસરકારક અને ટૂંકા ગાળામાં વધારે ફાયદો આપનારા રસ્તાની શોધ હોય છે. હકિકતે તેમણે લાંબા, ઓછા પ્રભાવી અને તબક્કાવાર પરિણામ આપનારા તથા આનંદ સાથે સંકલ્પપૂર્તિ થઈ શકે તેવા રસ્તા શોધવા જોઈએ. તેનાથી લાંબાગાળે લક્ષ્યપ્રાપ્તિ થશે પણ ટૂંકાગાળામાં સંકલ્પથી કંટાળીને છોડવાના વિચારો નહીં આવે. ઘણા કિસ્સામાં એકાએક આવતા પરિવર્તન અથવા તો થનારા પરિવર્તનની સ્વીકૃતિનો પણ ભય હોય છે. કેટલાક જાણકારો માને છે કે, આપણને સફળતા મળવાની પૂરતી શક્યતાઓ હોય છે પણ આપણે મનમાં રહેલા ભય અને ખાસ કરીને પરિવર્તનના કાલ્પનિક ભય હેઠળ આવી જઈએ છીએ અને પોતાની ક્ષમતાને વધારી શકતા નથી અને સંકલ્પપૂર્તિ શક્ય બનતી નથી.


