શહેરીકરણની આંધળી દોટ : પર્યાવરણને ગંભીર હાની પહોંચાડી રહી છે

- ઉત્તર ભારતના રાજ્યોમાં ભયાનક સ્તરે પ્રદુષણ વધ્યું છે, દેશની રાજધાની તો ઝેરી ગેસની ચેમ્બર બની ગઈ છે
- છેલ્લાં એક દાયકામાં ભારતના તમામ મોટા શહેરોમાં પ્રદુષણનું સ્તર ભયજનક રીતે વધ્યું. અનેક શહેરોનો એક્યુઆઈ અત્યંત ભયજનક સપાટીએ પહોંચી ગયો. તેમાંય ઉત્તર ભારતના શહેરોમાં રહેવું સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હોવાનું તારણ : યુવાનો અને નવી પેઢી ગામડા છોડીને શહેર તરફ ભાગી છે. તેઓ શહેરમાં આવવા લાગ્યા તેથી શહેરો વિસ્તરવા લાગ્યા અને ગામડાઓ કપાઈને શહેરમાં ભળવા લાગ્યા. તેના પગલે જંગલો અને ગામડાની ફળદ્રુપ જમીનો અને ખેતરોની જગ્યાએ સિમેન્ટ અને કોંક્રિટના જંગલો વિકસવા લાગ્યા છે : હાલમાં અમેરિકા, ચીન, જાપાન અને નોર્વે જેવા દેશો ૭જી ટેક્નોલોજી સુધી પહોંચી ગયા છે અને આપણે હજી પણ ૪જી અને ૫જીમાં અટવાયેલા છીએ. આપણે નેટવર્ક, કનેક્ટિવિટી અને કોમ્યુનિકેશનના નામે માત્ર મોબાઈલ આપ્યા છે. આગામી સમયમાં ખરેખર પર્યાવરણ બચાવવું હશે, પ્રદુષણ અટકાવવું હશે તો ગામડાનો વિકાસ કરવો પડશે.
દેશમાં પ્રદુષણનું પ્રમાણ ભયજનક સ્તરે વધી રહ્યું છે. તેમાંય શિયાળો આવતા અને ઠંડી વધતાં જ દેશના ઉત્તર ભારતના રાજ્યો કે જેમાં દિલ્હી, હિમાચલ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે ત્યાં પ્રદુષણ અને સ્મોગનું પ્રમાણ સૌથી વધારે હોય છે. આ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે, દિલ્હી દેશનું સૌથી પ્રદુષિત શહેર છે. ક્લાઈમેટ ટ્રેન્ડ્સના નામે થયેલું આ સંશોધન તાજેતરમાં જ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમાં દેશના મોટા શહેરોના એર ક્વોલિટી ઈન્ડેક્સનું માપન અને નોંધણી કરવામાં આવ્યા હતા. ૨૦૧૫થી ૨૦૨૫ વર્ષ સુઘી એક દાયકાનો સરેરાશ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
અભ્યાસનું સૌથી પહેલું અને મોટું તારણ એવું છે કે, શહેરીકરણ અને અંધાધૂંધ વિકાસના નામે ગામડાઓ અને જંગલોનો નાશ માનવજાતને નડી રહ્યો છે. ખાસ કરીને ભારતના મોટા રાજ્યો કે જ્યાં એક સમયે ગામડાં સમૃદ્ધ અને ખેતીથી સજ્જ હતા ત્યાં હવે નામની ખેતી વધી છે. તે ઉપરાંત ગામડાઓમાં પૂરતી સુવિધાઓ મળતી નથી, ટેક્નોલોજીનો ઉપયોગ ખાસ થતો નથી. તેના પગલે યુવાનો અને નવી પેઢી ગામડા છોડીને શહેર તરફ ભાગી છે. તેઓ શહેરમાં આવવા લાગ્યા તેથી શહેરો વિસ્તરવા લાગ્યા અને ગામડાઓ કપાઈને શહેરમાં ભળવા લાગ્યા. તેના પગલે જંગલો અને ગામડાની ફળદ્રુપ જમીનો અને ખેતરોની જગ્યાએ સિમેન્ટ અને કોંક્રિટના જંગલો વિકસવા લાગ્યા છે. તેના કારણે પ્રદુષણ વધારે વકરી રહ્યું છે. એક સમયે જંગલો, ખેતરો દ્વારા કુદરતી રીતે કાર્બન ડાયોક્સાઈડ શોષી લેવામાં આવતો હતો પણ હવે જંગલો અને ખેતરો ઘટી જવાના કારણે વાતાવરણમાં ઓક્સિજનના સ્થાને કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા તત્ત્વો વધારે ફરતા થયા છે.
અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે, ઉત્તર ભારતના શહેરોમાં પ્રદુષણનું સ્તર સૌથી વધારે છે. તેની સરખામણીએ પશ્ચિમી અને દક્ષિણના શહેરોમાં પ્રદુષણ ઓછું જોવા મળે છે. જો કે આ વખતે તો પશ્ચિમ ભારતના મુખ્ય શહેર મુંબઈમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ ઘણો ઉંચો ગયો છે અને પ્રદુષણ અત્યંત વધ્યાનું સામે આવ્યું છે. આ અભ્યાસમાં અમદાવાદ, બેંગ્લુરુ, ચંડીગઢ, ચેન્નઈ, દિલ્હી, કોલકાતા, લખનઉ, મુંબઈ, પુણે, વારાણસી અને વિશાખાપટ્ટનમનો વધુ અભ્યાસ કરવામાં આવ્યો હતો. અહીંયા સામાન્ય સ્તરે એર ક્વોલિટીનો દર અંદાજે ૦ થી ૫૦ની વચ્ચે હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવ્યું હતું.
અભ્યાસમાં સામે આવ્યું છે કે, નવેમ્બર ૨૦૧૫થી નવેમ્બર ૨૦૨૫ વચ્ચે ૧૧ શહેરોમાંથી દિલ્હીની એર ક્વોલિટી સૌથી વધાર ખરાબ હતી. દેશની રાજધાનીમાં એક્યુઆઈનું પ્રમાણ ૨૦૧૬માં સૌથી વધારે સરેરાશ ૨૫૦ કે તેનાથી વધારે રહ્યું હતું. ૨૦૧૯માં અને ૨૦૨૦માં કોવિડ દરમિયાન તેમાં ઘટાડો થયો હતો પણ સરેરાશ એક્યુઆઈ ૨૫૦ કરતા વધારે જ આવે છે. દિલ્હીમાં તો દિવાળી અને શિયાળાના બે-ત્રણ મહિના એક્યુઆઈ ૪૦૦ થી ૫૦૦ પહોંચી જતો હોય છે. તેને જીવલેણ કેટેગરીમાં જ ગણવામાં આવે છે. બીજી વાત એ છે કે, દિલ્હી બાદ લખનઉ, વારાણસી, અમદાવાદ અને પુણેમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સૌથી વધારે ખરાબ આવે છે. શરૂઆતના વર્ષોમાં તો લખનઉ અને વારાણસીનો એક્યુઆઈ ઘણો વધારે હતો પણ ધીમે ધીમે ૨૦૧૯ બાદ તેમાં સુધારો થતો ગયો. તેમ છતાં તાજેતરમાં તેમનો એક્યુઆઈ સુરક્ષિત કહેવાય તેવા માપદંડ ઉપર તો આવ્યો જ નથી.
જાણકારોના મતે અહીંયા પણ શિયાળો સ્વાસ્થ્ય માટે જોખમી જ છે. આ શહેરોની સરખામણીએ ચેન્નઈ, ચંડીગઢ અને વિશાખાપટ્ટનમ ખાતે એર ક્વોલિટી ઘણીસારી રહી હતી. તેમ છતાં અહીંયા એર ક્વોલિટી સ્વસ્થ કહી શકાય તેવા સ્તરે તો હજી જ નહીં. આ તમામ શહેરોમાં બેંગ્લુરુ સૌથી સ્વસ્થ શહેર ગણવામાં આવ્યું હતું. અહીંયા એર ક્વોલિટી સરેરાશ સારી રહી હતી. તેમ છતાં છેલ્લાં એક દાયકાની સરેરાશ ગણીએ તો અહીંયા પણ સ્વાસ્થ્ય માટે સારી કહી શકાય તેવી એર ક્વોલિટી જોવા મળી નહોતી.
ખાસ વાત એ છે કે, ઉત્તર ભારતના શહેરોમાં એર ક્વોલિટી ઘટવાના અને પ્રદુષણ વધવાના ઘણા કારણો જવાબદાર છે. તેમાંય શિયાળાના સમયમાં તો અહીંયા જે પ્રદુષણ ફેલાય છે તે જીવલેણ સ્તરે ફેલાય છે અને તેના માટે કેટલાક ભૌગોલિક અને કેટલાક માનવ સર્જિત કારણો છે. અહીંયા ભૌગોલિક કારણ એવું છે કે, અહીંયા ઉત્તર હિમાલય આવેલો છે અને તેના કારણે નીચે આવેલા મેદાની રાજ્યો અને તેના શહેરોમાં હવાનો પ્રવાહ વધારે થતો નથી. તેના કારણે જે પ્રદુષણ થકી ધુમાડા ઊત્પન્ન થાય છે તે વધારે દૂર ગતિ કરી શકતા નથી. તેના કારણે પ્રદુષકો જ્યાં ત્યાં જગ્યાની ઉપર કે તેની આસપાસ હવામાં ફર્યા કરે છે. તેના કારણે સ્મોગ ફેલાય છે અને એર ક્વોલિટીમાં મોટો ઘટાડો થાય છે. સિંધુ અને ગંગા નદીના મેદાની વિસ્તારોને લેન્ડલોક કહેવાય છે. તેની આસપાસ કોઈ દરિયો કે તેના જેવી પાણીની સિસ્ટમ નથી જે પવનને તેજ ઝડપે આમથી તેમ ફેરવી શકે તેના કારણે પ્રદુષકો દૂર જતા જ નથી.
બીજી ગંભીર વાત એવી છે કે, ઉત્તર ભારતના શહેરોમાં જે રીતે અને જે સ્તરે શહેરીકરણ થયું છે તેણે સોથ વાળ્યો છે. જાણકારોના મતે ઉત્તર ભારતના શહેરોમાં આંતરિક રચના નાની અને ગીચ છે. તે ઉપરાંત વસ્તીની ઘટના વધારે છે. તે સિવાય અહીંયાની જમીનમાં પણ સમસ્યા છે. શહેરીકરણ, વિકાસ અને સતત થઈ રહેલા બાંધકામોના પગલે જમીન નબળી પડી ગઈ છે, ખરબચડી થઈ ગઈ છે. તેના કારણે જમીન ઘર્ષણ પેદા કરી શકતી નથી અને હવાને પણ ઝડપ મળતી નથી. તેથી ધુમાડાનો ફેલાવો મર્યાદિત વિસ્તારમાં જ થાય છે અને પ્રદુષણ વધે છે.
ઉત્તર ભારતના મેદાની રાજ્યોના શહેરોમાં શિયાળામાં તો સ્થિતિ અત્યંત કફોડી થાય છે. ગરમી અને ચોમાસા દરમિયાન પશ્ચિમથી વહેતા પવનો પ્રદુષણને દૂર સુધી લઈ જાય છે અને આ રાજ્યો ઉપર વધારે પ્રદુષકો રહેતા નથી પણ શિયાળા દરમિયાન ઠાર વધે છે અને પવન ઘટે છે તેથી પ્રદુષકો નીચે આવે છે અને જમીન ઉપર સ્થિર થાય છે. તેમાંય દિલ્હી સૌથી વધારે પ્રભાવિત થાય છે.
અહીંયા ઉત્તરમાં હિમાલયનો વિશાળ ઘેરાવો અને તેનો ખીણ તથા નદીઓનો મેદાન પ્રદેશ આવેલો છે. અહીંયા નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન વાયુમંડળમાં હવા પાતળી હોય છે. વિંટર ઈન્વર્સનના કારણે પ્રદુષકો વાયુમંડળમાં ફેલાતા નથી અને નીચેના સ્તરે જ ફર્યા કરે છે.
શહેરીકરણ રોકીને ટેક્નોલોજીનો ફેલાવો ગામડામાં કરી તેનો વિકાસ કરવો આવશ્યક
જાણકારોના મતે દેશના મોટાભાગના રાજ્યોમાં વિકાસ માટે થઈને શહેરોને મોટા કરવામાં આવી રહ્યા છે. હજારો કરોડો રૂપિયાના ખર્ચે હાઈવે, રસ્તા, પુલ, નદીઓના બંધ અને બીજા બાંધકામો કરવામાં આવી રહ્યા છે. શહેરો દૂરને દૂર સુધી વિસ્તરી રહ્યા છે અને ગામડાઓના સીમાના નાના થતા જાય છે. સૌથી પહેલાં તો ગામડાની ખેતી ઘટવા લાગી. ત્યારબાદ ગામ અને શહેરો વચ્ચે રહેલા જંગલો લગભગ અદ્રશ્ય થવાની અણીએ આવી ગયા છે. તેના કારણે સારી જમીન, સારી હવા અને સારા વાતાવરણને આપણે ગુમાવવા લાગ્યા છીએ. બે દાયકામાં ગામડામાંથી કરોડો લોકો નોકરી માટે, અભ્યાસ માટે, સારવાર માટે કે વેપાર માટે શહેરોમાં ઠલવાયા છે. તેના કારણે ગામડા ખાલી થઈ ગયા છે. ગામમાં ખેતી સિવાય ખાસ રોજગારી નથી. વિકાસ અને ટેક્નોલોજીના નામે માત્ર મોબાઈલ ફોન જ ગામડા સુધી પહોંચ્યા છે. હાલમાં અમેરિકા, ચીન, જાપાન અને નોર્વે જેવા દેશો ૭જી ટેક્નોલોજી સુધી પહોંચી ગયા છે અને આપણે હજી પણ ૪જી અને ૫જીમાં અટવાયેલા છીએ. આપણે નેટવર્ક, કનેક્ટિવિટી અને કોમ્યુનિકેશનના નામે માત્ર મોબાઈલ આપ્યા છે. આગામી સમયમાં ખરેખર પર્યાવરણ બચાવવું હશે, પ્રદુષણ અટકાવવું હશે તો ગામડાનો વિકાસ કરવો પડશે. એઆઈ તરફની આંધળી દોટ છોડીને અહીંયા ટેક્નોલોજી થકી ખેતીને સમૃદ્ધ અને વિકસિત કરવી પડશે. અહીંયા યુવાનોને રોજગાર, શિક્ષણ, સેવાઓ, સ્વાસ્થ્ય અને બીજું બધું જ મળી રહે તે જોવું પડશે. બિનજરૂરી બાંધકામો ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ. મોટા શહેરોમાં અથવા તો ૧૦ લાખથી વધારેની વસતી ધરાવતા તમામ નગરો અને શહેરોમાં આગામી કેટલોક સમય બાંધકામો, રસ્તા, બંધ, બ્રિજ અને તમામ પ્રકારના નિર્માણ કાર્યો અટકાવી દેવા જોઈએ. તેના માટે પરવાનગી ન આપવી જોઈએ. બીજી તરફ વિદેશી ટેક્નોલોજી અને વ્યવસ્થાને સમજીને ભારતના ગામડાઓને વધારે સમૃદ્ધ અને ખેતીને વધારે સંપન્ન કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. ગામડા અન શહેરો વચ્ચેના વિસ્તારો હરિયાળા બનાવાશે, વધારેમાં વધારે વૃક્ષો ઉગાડવામાં આવશે, ચારેતરફ હરીયાળીનું સામ્રાજ્ય ફેલાશે તો પ્રદુષણ આપોઆપ ઘટી જશે. વાતાવરણમાં ભળતા ઝેરી તત્ત્વો ઝડપથી શોષાઈ જશે અને ઘણા ઝેરી તત્ત્વોનું તો ઉત્પાદન જ બંધ થઈ જશે. જાણકારો માને છે કે, જરૂર હોય ત્યાં વિકાસ કરવો જોઈએ પણ માત્ર વિકાસના નામે સતત ગામડા અને જંગલોનો નાશ કરીને ઈમારતો, બંધ અને રસ્તા ના બનાવી કાઢવા જોઈએ. ગામડામાં અને શહેરોની આસપાસ જંગલો વધારવા, વધારેમાં વધારે વૃક્ષો વાવવા, તેનું જતન અને સંવર્ધન કરવું પણ એટલું જ જરૂરી છે. ગામડાની વ્યક્તિને ઘર આંગણે જ બધી સુવિધા મળશે તો તે કારણવગર શહેરમાં જશે નહીં અને શહેરોમાં બિનજરૂરી વસાહતો બનાવવી નહીં પડે. શહેરોમાં લોકોને સમાવવા મોટી મોટી ઈમારતો અને અન્ય માળખાકિય સુવિધાઓ વિકસાવવી નહીં પડે. ગામડા બચશે તો ખેતી પણ બચશે, જંગલો પણ બચશે અને શહેરો પણ મર્યાદામાં રહેશે તો ત્યાં પણ પ્રદુષણ ઘટશે અને સ્થિતિ કાબુમાં રહેશે.

