For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મ્યાંમારમાં લશ્કરી શાસનના નવા અધ્યાયનો આરંભ

Updated: Aug 3rd, 2021

Article Content Image

- મ્યાંમારના લશ્કરી વડા જનરલ મિન ઓન્ગ હ્વાઇંગ હવે દેશના વડાપ્રધાન બની બેઠાં

- હ્વાઇંગ ઉપર માનવાધિકારના ઉલ્લંઘનના આરોપ પણ મૂકાઇ ચૂક્યાં છે અને હવે સૈન્યના સત્તા પલટા બાદ સેનાના જનરલ મિન ઓન્ગ હ્વાઇંગ મ્યાંમારના સૌથી શક્તિશાળી નેતા બની ચૂક્યાં છે, વડાપ્રધાન બનીને તેમણે સત્તાની બાગડોર પણ પોતાના હાથમાં લઇ લીધી છે 

મ્યાંમારની સરકારને ઉથલાવ્યાના છ મહિના બાદ લશ્કરી વડા સેનાના જનરલ મિન ઓન્ગ હ્વાઇંગે પોતાને વડાપ્રધાન જાહેર કર્યા છે. એ સાથે જ તેમણે દેશમાં ૨૦૨૩ સુધીમાં ચૂંટણી યોજવાનો વાયદો કર્યો છે.

મ્યાંમારની સેનાએ ગત ૧ ફેબ્રુઆરીએ સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ ચીની ધરપકડ કરીને સત્તાપલટો કર્યો હતો. સૈન્યના તખ્તાપલટા બાદ દેશભરમાં લોકો મોટા પાયે આંદોલનો કરી રહ્યાં છે.

પ્રદર્શનકર્તાઓ દેશમાં લોકશાહી ફરી બહાલ કરવાની માંગ કરી રહ્યાં છે પરંતુ સેના લોકો વિરુદ્ધ હિંસાત્મક કાર્યવાહી કરી રહી છે. પરિણામે પહેલી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં સેનાની કાર્યવાહીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યાં છે.

મ્યાંમારના લોકો મોટી સંખ્યામાં દેશ છોડીને પાડોશી ભારત, બાંગ્લાદેશ અને થાઇલેન્ડમાં નાસી રહ્યાં છે. જેના પરિણામે શરણાર્થી સંકટ પણ ઊભું થઇ ગયું છે. 

મ્યાંમારની સેનાએ સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચી, રાષ્ટ્રપતિ વિન મિંટ સહિત અનેક નેતાઓની ધરપકડ કર્યા બાદ દેશમાં એક વર્ષની કટોકટી લાદી છે.

મ્યાંમારની સેનાની આ કાર્યવાહીની દુનિયાભરમાં આકરી ટીકા થઇ હતી. હજુ તો માત્ર ૧૦ વર્ષ પહેલા મ્યાંમારની સેનાએ સત્તાનું હસ્તાંતરણ લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને કર્યું હતું.

સત્તાપલટાના સમાચાર બાદ આખા દેશમાં ડરનો માહોલ છે. હજુ તો એક દાયકા પહેલા મ્યાંમારમાં સેનાના પાંચ દાયકા સુધી ચાલેલા દમનકારી શાસનનો અંત આવ્યો હતો. હવે સૂ ચી તેમજ અન્ય રાજનેતાઓની ધરપકડ બાદ દેશમાં ફરી નિરાશા વ્યાપી છે.

મ્યાંમારમાં સેનાએ કરેલા સત્તાપલટા બાદ પ્રજાનો રોષ વધી રહ્યો છે અને સેના વિરુદ્ધ આંદોલન તેજ બની રહ્યાં છે. દેશમાં ફરી વખત લોકશાહી દ્વારા ચૂંટાયેલી સરકારની પુનઃસ્થાપના કરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં લોકો આંદોલન કરી રહ્યાં છે. 

સેન્યના સત્તા પલટા બાદ સેનાના જનરલ મિન ઓન્ગ હ્વાઇંગ મ્યાંમારના સૌથી શક્તિશાળી નેતા બની ચૂક્યાં છે. ૬૪ વર્ષીય હ્વાઇંગ જુલાઇમાં રિટાયર થવાના હતાં પરંતુ કટોકટીની જાહેરાત સાથે જ મ્યાંમારમાં તેમનું પલડું ભારે થઇ ગયું છે. જોકે અહીંયા સુધી પહોંચવામાં હ્વાઇંગે લાંબી સફર પાર કરી છે.

સેનામાં પ્રવેશ માટે બે વખત નિષ્ફળ નીવડયાં બાદ હ્વાઇંગને ત્રીજા પ્રયાસે નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ મળ્યો. સામાન્ય સૈનિકથી શરૂઆત કરીને ધીમે ધીમે પદોન્નતિ મેળવીને વર્ષ ૨૦૦૯માં બ્યૂરો ઓફ સ્પેશિયલ ઓપરેશન-૨ના કમાન્ડર બન્યાં.

સત્તાપલટા પહેલા પણ જનરલ હ્વાઇંગ સેનાના કમાન્ડર ઇન ચીફ તરીકે રાજકીય રીતે ઘણાં પ્રભાવશાળી હતાં. મ્યાંમારમાં લોકશાહીની શરૂઆત થયા બાદ પણ હ્વાઇંગે મ્યાંમારની તત્મડા તરીકે ઓળખાતી સેનાનો પ્રભાવ ઓછો ન થવા દીધો. એ માટે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક વખત ટીકાઓનો સામનો પણ કરવો પડયો.

મ્યાંમારની લઘુમતિ ઉપર સેનાના હુમલા માટે પ્રતિબંધોનો સામનો પણ કરવો પડયો. હવે મ્યાંમારની સત્તા હાથમાં આવતા જનરલ હ્વાઇંગ પોતાની તાકાત વધારવા અને મ્યાંમારનું ભાવિ નક્કી કરવાની દિશામાં કામ કરશે. 

આ પદે રહીને તેમણે મ્યાંમારના સરહદી અશાંત વિસ્તારમાં અનેક સૈન્ય અભિયાનો ચલાવ્યાં જેના કારણે લઘુમતિ શરણાર્થીઓએ દેશ છોડીને નાસવું પડયું. હ્વાઇંગની લશ્કરી ટુકડીઓ પર હત્યા, બળાત્કાર અને આગ લગાડવાના અનેક આરોપ લાગ્યાં તેમ છતાં તેઓ સતત પ્રમોશન મેળવતા રહ્યાં અને ઓગસ્ટ ૨૦૧૦માં જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ બન્યાં.

થોડા મહિના બાદ ૨૦૧૧ના માર્ચ મહિનામાં તેમણે અનેક લશ્કરી વરિષ્ઠ અધિકારીઓને પાછળ મૂકીને સેનાનાયકનું પદ મેળવી લીધું. 

મ્યાંમારમાં લાંબા સમય સુધી રહેલા લશ્કરી શાસન બાદ લોકશાહી આવી એ દોરમાં હ્વાઇંગે સેનાધ્યક્ષના રૂપમાં પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમ છતાં તેઓ મ્યાંમારમાં સેનાની શક્તિ જાળવી રાખવા માટે પ્રયાસરત રહ્યાં.

સેનાના સમર્થનવાળી રાજકીય પાર્ટી યૂનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીએ સત્તામાં આવી ત્યારે હ્વાઇંગના રાજકીય પ્રભુત્ત્વમાં ભારે વધારો થયો.

પરંતુ વર્ષ ૨૦૧૬માં થયેલી આગામી ચૂંટણીમાં આંગ સાન સૂ ચીની પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રસી સત્તામાં આવી ત્યારે તેમણે બદલાવને સ્વીકાર્યો. એનએલડીએ બંધારણમાં પરિવર્તન કરીને સેનાની શક્તિ સીમિત કરવાના પ્રયાસ પણ કર્યાં પરંતુ હ્વાઇંગે એ પ્રયાસો નિષ્ફળ બનાવ્યાં. 

વર્ષ ૨૦૧૬-૧૭માં મ્યાંમારના લઘુમતિ રોહિંગ્યા મુસ્લિમો ઉપર થયેલા અત્યાચાર માટે હ્વાઇંગની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ટીકા થઇ. અમેરિકાએ વર્ષ ૨૦૧૯માં હ્વાઇંગ પર માનવાધિકારના ઉલ્લંઘન માટે પ્રતિબંધો પણ મૂક્યાં.

બ્રિટને પણ ૨૦૨૦માં તેમના પર પ્રતિબંધો મૂક્યાં. ગયા વર્ષના અંતે યોજાયેલી ચૂંટણીમાં સેનાના સમર્થનવાળી યૂનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીની જીત થવાની તેમની અપેક્ષા સફળ ન થઇ અને આંગ સાન સૂ કીની પાર્ટી પર ચૂંટણીમાં ગેરરીતિના આરોપ મૂકાયા. ત્યારે જ સેના સત્તાપલટો કરશે એવા અણસાર મળવા લાગ્યાં હતાં. 

સૂ ચી અને તેમની એક જમાનામાં પ્રતિબંધિત રહી ચૂકેલી નેશનલ લીગ ફોર ડેમોક્રેસી પાર્ટી વર્ષ ૨૦૧૫માં મ્યાંમારના સૌથી સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન બાદ સત્તામાં આવ્યાં હતાં.

ફેબ્રુઆરીમાં તેમણે ફરી વખત સત્તા સંભાળવાની હતી પરંતુ સંસદના પહેલા સત્રના થોડા કલાકો પહેલા જ સૂ ચી સહિત અનેક રાજનેતાઓની ધરપકડ કરવામાં આવી. પરંતુ સમગ્ર ઘટનાક્રમમાં સેનાએ પડદા પાછળ રહીને પક્કડ જમાવી રાખી હતી.

 જોકે મ્યાંમારમાં સેનાનું જોર હોવા પાછળ ત્યાંનું બંધારણ જવાબદાર છે જેમાં સંસદની ચોથા ભાગની બેઠકો સેના પાસે રહે છે. એટલું જ નહીં, દેશના સૌથી શક્તિશાળી મંત્રાલયોને નિયંત્રિત કરવાની સત્તા પણ સેના પાસે છે. 

સમગ્ર વિવાદની શરૂઆત આમ તો ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણી બાદ થઇ. આ ચૂંટણીમાં આંગ સાન સૂ ચીની પાર્ટી એનએલડીને ૮૦ ટકા વોટ મળ્યાં. આમ તો છેલ્લા થોડા સમયથી સૂ ચીની સરકાર પર રોહિંગ્યા મુસ્લિમોના નરસંહારના આરોપ લાગ્યાં હતાં તેમ છતાં તેમની પાર્ટીને આટલા બધાં વોટ મળ્યાં.

આ ચૂંટણી બાદ સેનાનું સમર્થન મેળવેલી વિપક્ષી પાર્ટીએ ચૂંટણીમાં છેતરપિંડીના આરોપ મૂક્યાં. આ આરોપ અંગે કોઇ પુરાવા ન હોવા છતાં મ્યાંમારના નવા કાર્યકારી રાષ્ટ્રપતિ મીએન સ્વેએ દેશમાં તાત્કાલિક કટોકટી લાદી દીધી.  નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં સેનાના સમર્થનવાળી યૂનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી પાછળ રહી ગઇ પરંતુ સંસદમાં સેનાનો દબદબો ઘટવાનો નહોતો.

વર્ષ ૨૦૦૬માં મ્યાંમારના બંધારણમાં થયેલા એક સંસોધન બાદ સેના પાસે ૨૫ ટકા સીટોનો અધિકાર છે. એ સાથે જ ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને સરહદ સાથે જોડાયેલા મામલાઓના મંત્રાલયનો સંપૂર્ણ અધિકાર સેના પાસે હોય છે. 

મ્યાંમારમાં સેનાનું શાસન નવું નથી. મ્યાંમારના લોકો સેનાનું દમન જોયું છે એટલા માટે જ તેઓ લોકશાહી માટે લડી રહ્યાં છે. જોકે મ્યાંમારની સેના પણ પોતાની અસલિયત બતાવી રહી છે અને દમન અને બર્બરતા પર ઉતરી આવી છે. આમ પણ સેના સત્તાપલટો કરે ત્યારે વિરોધ સામે હિંસાત્મક વલણ જ અખત્યાર કરતી હોય છે.

આવા દમન પાછળ કારણ એ કે સેનાને લોકોનું સમર્થન હોતું નથી. એટલા માટે આવી સત્તાઓ જનતાના ભલાનો વિચાર કર્યા વિના રાજ ચલાવે છે.

આવી સત્તાને લોકશાહીના અધિકારોની પણ પરવા નથી હોતી. ઉલટું પોતાની વિરુદ્ધ થતા પ્રદર્શનો સામે તે દમન અને હિંસા વધારે આકરી રીતે એટલા માટે ઘારણ કરે છે કે પ્રદર્શનથી દૂર રહેલા લોકોમાં પણ ખોફ રહે અને તેઓ આંદોલનોથી દૂર રહે. પરંતુ દુનિયાનો ઇતિહાસ સાક્ષી છે કે કોઇ પણ દેશમાં સરમુખત્યારશાહીનો દોર લાંબો ચાલ્યો નથી અને પરિસ્થિતિ સમજ્યા બાદ છેવટે જનતાની ધીરજ ખૂટે છે.

એ રીતે જોતાં મ્યાંમારની જનતાએ સેનાના સત્તાપલટાને ચુપચાપ જોતા રહેવાના બદલે લોકશાહી બહાલ કરવા માટે લોકો સડકો પર આવી ગયાં છે. સેનાની સમસ્યા એ છે કે સેનાની હિંસાત્મક કાર્યવાહી છતાં લોકોનો વિરોધ દેશના જુદાં જુદાં ભાગોમાં પ્રસરી રહ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રથી લઇને તમામ આંતરરાષ્ટ્રીય મંચ પર મ્યાંમારની સેનાના દમન વિરુદ્ધ સવાલ થઇ રહ્યાં છે અને પ્રતિબંધો મૂકવાની ચેતવણી આપવામાં આવી રહી છે. હવે મ્યાંમારના લોકો ભારે તકલીફો વેઠીને મેળવેલી લોકશાહીને કેવી રીતે બચાવે છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયની એમાં શી ભૂમિકા રહે છે એના પર સૌની નજર છે.

Gujarat