Get The App

આર્ટેમિસ-2 : 50 વર્ષે નાસાનું સૌથી મોટું સમાનવ અવકાશી મિશન

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
આર્ટેમિસ-2 : 50 વર્ષે નાસાનું સૌથી મોટું સમાનવ અવકાશી મિશન 1 - image

- 1972માં એપોલો મિશન દરમિયાન અવકાશયાત્રીઓ ચંદ્રનું ચક્કર મારીને પરત આવ્યા હતા, આર્ટેમિસ-2 પણ ચંદ્રનું ચક્કર મારી પરત આવશે

- એપોલો-13 મિશન બાદ નાસાનું આ પહેલું સમાનવ અભિયાન છે. આ અંદાજે પાંચ દાયકા બાદ પહેલું મોટું માનવ અભિયાન છે જેમાં અવકાશયાત્રીઓ 10 દિવસ અવકાશમાં પસાર કરશે. તેમાં ત્રણ પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે : અંતરિક્ષ યાત્રીઓ દ્વારા આ દરમિયાન ચંદ્ર ઉપર જીવન રક્ષક સંસાધનો, કોમ્યુનિકેશનના સંસાધનો, નેવિગેશન જેવા તમામ ફિચર્સની ચકાસણી કરવામાં આવશે. નાસાએ સૌથી પહેલાં 2022માં આર્ટેમિસ મિશન શરૂ કર્યું હતું. તે સમયે નાસાએ માનવરહિત યાન ચંદ્ર તરફ મોકલ્યું હતું. તે સમયે ચંદ્રથી ઘણા દૂર રહીને તેની તસવીરો લેવાઈ હતી. આ વખતે ચંદ્રની અત્યંત નજીક જઈને તેનો અભ્યાસ કરાશે : આ અભિયાનની સફળતા બાદ આર્ટેમિસ-૩ અભિયાનમાં ઓરિયન સ્પેસશટલને ચંદ્રની ધરતી ઉપર ઉતારવામાં આવશે અને અવકાશયાત્રીઓ પણ ચંદ્રની સપાટી ઉપર ઉતરશે. આ મિશન અંદાજે 2028માં હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત ચંદ્ર પર ભવિષ્યમાં આકાર લેનારી માનવ વસાહતના સલામત સ્થળની પસંદગી કરવામાં આવશે

નાસાએ ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા અને ભવિષ્યમાં ચંદ્રનો ઉપયોગ કરવા માટે વિવિધ અભિયાનોની શરૂઆત કરી હતી. તેમાંથી હવે એક અભિયાન પાર પડી રહ્યું છે. નાસાનું બહુ પ્રતિક્ષિત આર્ટેમિસ-૨ અભિયાન લોન્ચ થઈ ગયું છે. ૧૦ દિવસના આ અભિયાનમાં ચાર અવકાશયાત્રીઓ ચંદ્રની પ્રદક્ષિણા કરીને જરૂરી ડેટા ભેગા કરીને પૃથ્વી ઉપર પરત ફરશે. ઉલ્લેખનીય છે કે, ૧૯૭૨માં એપોલો-૧૩ મિશન બાદ નાસાનું આ પહેલું સમાનવ અભિયાન છે. આ અંદાજે પાંચ દાયકા બાદ પહેલું મોટું માનવ અભિયાન છે જેમાં અવકાશયાત્રીઓ ૧૦ દિવસ અવકાશમાં પસાર કરશે. 

ઉલ્લેખનીય છે કે, આ મિશન હેઠળ એક વિશાળકાય એસએલએસ રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી તેને અવકાશમાં છોડવામાં આવ્યું છે. તે ઓરિયન સ્પેસક્રાફ્ટને અવકાશમાં પહોંચાડશે. મહત્ત્વની વાત એ છે કે, ચાર સભ્યો આ સફર માટે ઘણા વર્ષોથી તાલિમ લઈ રહ્યા હતા. જાણકારોના મતે છેલ્લાં પચાસ વર્ષમાં આવું કોઈ મિશન થયું નથી. આ મિશનમાં ચાર ક્રૂ મેમ્બર્સ સાથે અવકાશયાન ચંદ્ર તરફ મોકલવામાં આવશે. તેમાં ત્રણ પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે. વાઈઝમેન, વિક્ટર ગલોવર અને ક્રિસ્ટીના કોચ તથા કેનેડાના અંતરિક્ષ યાત્રી જેરેમી હેનસેન એમ ચાર લોકો આ અભિયાનનો ભાગ છે. વાઈઝમેન નૌસેનાના નિવૃત્ત પાઈલટ છે. તેઓ આ અભિયાનનું નેતૃત્ત્વ કરવાના છે. ખાસ વાત એ છે કે, તેઓ નાસાના અંતરીક્ષ યાત્રી અભિયાનમાં ઘણા સમયથી જોડાયેલા હતા. આ પહેલાં તેમણે ઘણા સૈન્ય અભિયાનો કરેલા છે. તેઓ ૨૦૧૪માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની યાત્રા પણ કરી આવ્યા હતા. તેમની પાસે બહોળો અનુભવ હોવાથી કમાન તેમના હાથમાં સોંપાયાની ચર્ચા છે. 

આ અભિયાનનો સૌથી મોટો પડકાર દસ દિવસ સુધી અવકાશયાત્રીઓને લઈને અવકાશમાં જવું અને સુરક્ષિત પરત ફરવું છે. છેલ્લે પાંચ દાયકા પહેલાં આ કામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આટલું મોટું મિશન કોઈના દ્વારા કરાયું નથી. એક વિશાળ રોકેટની મદદથી ઓરિયન સ્પેસશટલને અંતરિક્ષમાં લઈ જવામાં આવશે. ત્યારબાદ તે સ્પેસશટલ ચંદ્રની આસપાસ પરિભ્રમણ કરશે અને ડેટા ભેગો કરશે. આ અંતરિક્ષયાનને તેના માટે જ તૈયાર કરવામાં આવ્યું છે. અંતરિક્ષ યાત્રીઓ દ્વારા આ દરમિયાન ચંદ્ર ઉપર જીવન રક્ષક સંસાધનો, કોમ્યુનિકેશનના સંસાધનો, નેવિગેશન જેવા તમામ ફિચર્સની ચકાસણી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, નાસાએ સૌથી પહેલાં ૨૦૨૨માં આર્ટેમિસ મિશન શરૂ કર્યું હતું. તે સમયે નાસાએ માનવરહિત યાન ચંદ્ર તરફ મોકલ્યું હતું. ખાસ વાત એ છે કે, નાસા દ્વારા ઘણા વર્ષોથી આર્ટેમિસ મિશન ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. નાસા હકિકતે તો ચંદ્ર ઉપર માનવ જીવનની શક્યતાઓ તપાસી રહ્યું છે. ચંદ્ર ઉપર માનવ વસાહત સ્થાપવા અને લોકોને ત્યાં રાખવાની કેટલી પ્રબળ શક્યતાઓ છે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અહીંયા જાતભાતની વૈજ્ઞાાનિક શોધખોળ કરવી, આર્થિક લાભ અને અન્ય બાબતોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અહીંયા જ બેઝ સ્ટેશન બનાવીને આગામી અવકાશી મિશન હાથ ધરવાનું નાસાનું આયોજન છે. ખાસ કરીને તે મંગળ મિશન માટે ચંદ્રનો બેઝ તરીકે ઉપયોગ કરવા માગે છે. તેના માટે આ તૈયારીઓ કરવામાં આવી છે.

એસએલએસ રોકેટ અહીંયાથી ગતિ કરીને પૃથ્વીની બહારની ભ્રમણકક્ષા સુધી પહોંચશે. ત્યારબાદ તેની સાથે લઈ જવામાં આવેલું ઓરિયન સ્પેસશટલ આ રોકેટથી અલગ થઈ જશે. રોકેટના વિવિધ ભાગ નીચે આવશે જ્યારે આ સ્પેસ શટલ પોતાની સફર તરફ આગળ વધશે. ઓરિયન પોતાના એન્જિન અને ઈંધણનો ઉપયોગ કરીને ચંદ્ર તરફ ગતિ કરવાનું શરૂ કરશે. મહત્ત્વની વાત એ છે કે, જ્યારે ઓરિયન સ્પેસશટલ પોતાના રોકેટથી અલગ થશે ત્યારે એક વિશેષ પ્રકિયા હાથ ધરાશે. આ પ્રક્રિયાને ટ્રાન્સ લ્યુનર ઈન્જક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. 

આ દરમિયાન ઓરિયન સ્પેસ શટલનું એન્જિન તેને સજ્જ કરીને ચંદ્ર તરફ ઉડાણ ભરવામાં મદદ કરશે. તે કેટલા દિવસમાં ચંદ્ર સુધી પહોંચીને એક આખો દિવસ તેની પ્રદક્ષિણ કરશે. રોકેટથી છુટા પડયા બાદ ઓરિયન સ્પેસશટલ અંદાજે ૩-૪ દિવસમાં ચંદ્રની નજીક પહોંચશે. ત્યારબાદ એક દિવસ પ્રદક્ષિણા કરશે અને જરૂરી ડેટા ભેગો કરશે. ત્યારબાદ ૩-૪ દિવસ પ્રવાસ કરીને ધરતી ઉપર પરત આવશે. આ કુલ ૧૦ દિવસનો પ્રવાસ કરવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે, ઓરિયન માત્ર ચંદ્રની આસપાસ પ્રદક્ષિણા જ કરશે. તેને ચંદ્ર ઉપર ઉતારવાનું કોઈ આયોજન કરાયું નથી. આ માત્ર ૧૦ દિવસની એક સમાનવ યાત્રા છે. આ ટેસ્ટ ફ્લાઈટ છે જેના દ્વારા ચંદ્ર ઉપર આગામી સમયમાં લેન્ડિંગ મિશન કરીને મોટા કાર્યો કરી શકાય કે નહીં તેની વિગતો તૈયાર કરવામાં આવશે. તેના આધારે આગામી મિશન શરૂ કરાશે.

ખાસ વાત એ છે કે, ઓરિયન યાન એક વખત સંપૂર્ણ અભ્યાસ કરી લેશે અને ડેટા ભેગો કરી લેશે ત્યારબાદ તેને ધરતી ઉપર પરત લાવવામાં આવશે. 

ઓરિયનની ઘર વાપસી જ સૌથી મોટું અને કપરું કામ છે. જ્યારે આ યાન પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરશે ત્યારે તેની ઝડપ ૨૫,૦૦૦ માઈલ પ્રતિ કલાકની હશે. જ્યારે તે પોતાની ગતિ ધીમી કરશે ત્યારે પણ તેને ૫,૦૦૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરવાનો આવશે. અંતે યાનની કેપ્સ્યુલને સેન ડિઆગો પાસે પેસેફિક મહાસાગરમાં પેરાશૂટની મદદથી ઉતારવામાં આવશે. 

સમગ્ર અભિયાન હાથ ધરાશે તેના ૧૦ દિવસ અંતરીક્ષ યાત્રીઓ વિવિધ પાસાઓનો અભ્યાસ કરતા રહેશે. તેઓ ઓરિયનની ઉડવાની પદ્ધતિથી શરૂ કરીને તેની કામગીરીનું મૂલ્યાંકન કરશે. તે ઉપરાંત તેની ઈમર્જન્સી સુવિધાઓ અને કામગીરીઓનો અભ્યાસ કરવામાં આવશે. વૈજ્ઞાાનિક અને રિસર્ચ સંબંધિત માહિતી ભેગી કરવામાં આવશે. ચંદ્રની કેટલીક તસવીરો લેવામાં આવશે. વિવિધ અંતરેથી અને વિવિધ એન્ગલેથી ચંદ્રની તસવીરો લેવામાં આવશે. ઓરિયન યાન ચંદ્રથી અંદાજે ૭૬૦૦ કિ.મી દૂર રહીને પ્રદક્ષિણા કર્યા કરશે. જાણકારોના મતે તેઓ ચંદ્રના સાઉથ પોલને પણ જોઈ શકશે. તેઓ વ્યક્તિગત રીતે ચંદ્રના આ ભાગને જોનારા પહેલા માણસો બનશે. જાણકારોના મતે તેઓ સાઉથ પોલના કેટલાક ભાગનું નિરિક્ષણ કરશે. તે ઉપરાંત ભારતે જ્યાં યાન ઉતાર્યું છે તે વિસ્તારોની પણ ચકાસણી કરવામાં આવશે અને ત્યાંથી મળતા ડેટાનો ઉપયોગ કરીને ભવિષ્યમાં અન્ય યાન તે વિસ્તારમાં કેવી રીતે ઉતારી શકાય તેનું પણ એનાલિસિસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન તેમના પોતાના સ્વાસ્થ્યનું પણ સતત નિરિક્ષણ કરવામાં આવશે. ઓરિયનના ક્રૂ મોડયુલમાં રહીને જ ચારેય અવકાશયાત્રીઓ પ્રયોગો કરતા રહેશે. તેમના માટે બે મિનિવાન જેટલી જગ્યા આ અવકાશયાનમાં રાખવામાં આવેલી છે. તેઓ દરરોજ ૩૦ મિનિટ જેટલો સમય કસરત કરશે. તેના માટે ચોક્કસ સાધન પણ યાનમાં લગાવવામાં આવ્યું છે. તેની મદદથી તેઓ ડેડ લિફ્ટ, રોઈંગ અને અન્ય કેટલીક કસરતો કરી શકશે. ત્યારબાદ તેઓ તેમના ઝુલા જેવા બેડમાં આઠ-આઠ કલાક આરામ કરશે. તેમને જે પેકેટ ફૂડ આપવામાં આવેલું છે તેને ગરમ કરવા માટે વાર્મરની પણ વ્યવસ્થા છે. દરેક અવકાશયાત્રીને દરરોજ તેમના બે મનગમતા ફ્લેવર્ડ ડ્રિંક લેવાની પરવાનગી આપવામાં આવી છે. તેમાં કોફીનો પણ સમાવેશ થાય છે. તેમને સંયુક્ત રીતે ભોજન માટે ૧ કલાકનો સમય આપવામાં આવશે. તે ઉપરાંત અન્ય કુદરતી ક્રિયાઓ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. 

આ અભિયાન બાદ આર્ટેમિસ-3ની તૈયારીઓ શરૂ કરીને 2028માં ચંદ્ર ઉપર લેન્ડિંગ કરાશે

આર્ટેમિસ-૨ અભિયાનની સૌથી મોટી બાબત તેની સફળતા છે. એક વખત આ અભિયાન સફળ રહ્યું અને અવકાશયાત્રીઓ પરત આવી ગયા ત્યારબાદ મુખ્ય કામ શરૂ કરવામાં આવશે. ચંદ્રની આસપાસ ચક્કર લગાવવા દરમિયાન જેટલો પણ ડેટા ભેગો કરવામાં આવ્યો છે તે તમામ ડેટાનું એનાલિસિસ કરવામાં આવશે. તેના દ્વારા મળતી વિગતોનો ઉપયોગ કરીને આર્ટેમિસ-૩ અભિયાન શરૂ કરવામાં આવશે. નાસાના જણાવ્યા પ્રમાણે આર્ટેમિસ-૩ અભિયાનમાં ઓરિયન સ્પેસશટલને ચંદ્રની ધરતી ઉપર ઉતારવામાં આવશે અને અવકાશયાત્રીઓ પણ ચંદ્રની સપાટી ઉપર ઉતરશે. આ મિશન અંદાજે ૨૦૨૮માં હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત એલન મસ્કની સ્પેસએક્સ અને જેફ બેજોસની બ્લૂ ઓરિજિન દ્વારા બનાવવામાં આવી રહેલા મૂન લેન્ડરનું પણ યાન સાથે ડોકિંગ કરવાના અભ્યાસ શરૂ કરવામાં આવશે. જાણકારોના મતે આર્ટેમિસ-૨ મિશનનો મુખ્ય હેતુ ઓરિયન અવકાશયાનમાંથી લાઇફ સપોર્ટ સિસ્ટમનું પરીક્ષણ કરવાનો તથા ચંદ્રથી દૂરના અંતરે જઇને પૃથ્વી પર સલામત રીતે પાછા ફરવાનો છે. તે ઉપરાંત ચંદ્ર પર ભવિષ્યમાં આકાર લેનારી માનવ વસાહતના સલામત સ્થળની પસંદગી કરવાનો અને ભવિષ્યમાં ચંદ્રની ધરતી પરથી મંગળ પર જવાની તૈયારી કરવાનો  છે. જેને ડીપ સ્પેસ કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, નાસા ચંદ્ર પરથી જ મંગળ સહિત અન્ય ગ્રહો પર જવાનું મહત્વાકાંક્ષી આયોજન પણ કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ ઘણું ઘણું ઓછું હોવાથી રોકેટ બહુ સરળતાથી અને ઝડપથી અંતરિક્ષમાં જઇ શકે તેમ છે. નાસા મંગળ પર પણ નાનકડી માનવ વસાહત બનાવવા ઇચ્છે છે. પૃથ્વી પરથી તમામ આધુનિક સુવિધાવાળાં ઘર મંગળ પર મોકલવામાં આવશે. ત્યારબાદ તાલિમબદ્ધ કેટલાક યુગલોને મંગળ ઉપર મોકલવામાં આવશે. આ તમામની તૈયારીઓ ચંદ્ર ઉપર કરવાનું આયોજન છે. તેમાં આર્ટેમિસ-૨ના પ્રયોગો થકી આગામી અભિયાનના આયોજનો કરાશે.