For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચીનની મોડસ ઓપરેન્ડી, પેટમાં ઘૂસીને પગ પહોળા કરો

Updated: Apr 2nd, 2024

Article Content Image

- ચીને અરૂણાચલ પ્રદેશનાં 11 રહેણાંક વિસ્તારો, 12 પર્વતીય શિખર, 4 નદી સહિત કુલ 30 સ્થળોનાં નવાં નામ જાહેર કર્યાં

- ચીને 1962માં સીધું આક્રમણ કરીને ભારતના અરૂણાચલ પ્રદેશનો 28 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર બથાવી પાડેલો. લદાખમાં આવેલા અક્સાઈ ચીનના 38,000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર પણ ચીને 1962માં કબજો કરી લીધેલો. એ પછી ચીને સીધું આક્રમણ કરવાના બદલે આ પ્રદેશોમાં ધીરે ધીરે આગળ વધીને ભારતનો વિસ્તાર પચાવી પાડવાની મોડસ ઓપરેન્ડી અપનાવી છે. ગ્લોબલ રીસર્ચ સંસ્થાઓના ડેટા પ્રમાણે, ચીને ભારતમાં ઘૂસવા 13 હોટ સ્પોટ પસંદ કર્યાં છે કે જ્યાંથી ઘૂસીને ધીરે ધીરે ભારતના વિસ્તારો પર કબજો કરે છે.

ભારતે ૧૯૭૦ના દાયકામાં શ્રીલંકાને ખેરાતમાં 'કાચ્ચીથીવુ ટાપુ' આપી દીધો તેના મુદ્દો ભાજપે ઉઠાવ્યો છે ત્યારે જ યોગાનુયોગ લડાખના પર્યાવરણવાદી સોનમ વાંગચુકે ચીને ભારતનો કુલ ૪૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર પચાવી પાડયો હોવાનો ધડાકો કર્યો છે. કેન્દ્ર સરકાર સત્તાવાર રીતે આ વાતને નકારે છે પણ વાંગચુકનો દાવો સાચો હોય તો ભવિષ્યમાં દેશની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થાય તેમાં કોઈ શંકા નથી.

અત્યાર સુધી મનાતું હતું કે, ચીન અરૂણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનના વિસ્તાર પર સંપૂર્ણ કબજો કરવા મથે છે કેમ કે વ્યૂહાત્મક રીતે આ પ્રદેશો મહત્વના છે. વાંગચુકના દાવા પ્રમાણે ચીન લડાખમાં પણ ઝડપથી ઘૂસી રહ્યું હોય તો સ્પષ્ટ છે કે, ચીન ત્રણ તરફથી ભારતની જમીન પચાવી રહ્યું છે. એક રીતે ચીન અનડીકલેર્ડ વોર એટલે કે જાહેર કર્યા વિનાની લડાઈ લડી રહ્યું છે. ભારતીયોને ખબર પણ ના પડે એ રીતે ભારતનો પ્રદેશ પચાવી રહ્યું છે. 

ચીન ભારતનો મોટો વિસ્તાર પચાવીને બેસી ગયું છે એવી વાત કરનારા વાંગચુક પહેલા માણસ નથી. ભાજપના જ નેતા સુબ્રમણ્યમ સ્વામી લાંબા સમયથી ચીનની ઘૂસણખોરીની વાત કરે છે. રાહુલ ગાંધી પણ આ મુદ્દો ઉઠાવે છે. સરહદી વિવાદો પર નજર રાખતી ગ્લોબલ રીચર્સ સંસ્થાઓ પણ ચીને ભારતનો પ્રદેશ પચાવી પાડયો હોવાનો દાવો કરે છે અને તેના સમર્થનમાં સેટેલાઈટ તસવીરો સહિતના પુરાવા પણ મૂકે છે. આ સંજોગોમાં વાંગચુકની વાતને હળવાશથી લેવા જેવી નથી.

ચીનની હરકતો પણ આ દાવાને સમર્થન આપે છે કેમ કે ભારતના વિસ્તારો પરના દાવાને મુદ્દે ચીન વધારે ને વધારે આક્રમક બનતું જાય છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરૂણાચલ પ્રદેશ ગયા ત્યારે ચીને આ પ્રદેશ પોતાનો હોવાનો દાવો કરીને મોદીની યાત્રા સામે વાંધો લીધેલો.

હવે ચીને અરૂણાચલ પ્રદેશનાં ૧૧ રહેણાંક વિસ્તારો, ૧૨ પર્વીતય શિખર, ૪ નદી, ૧ સરોવર, ૧ પહાડી માર્ગ અને ૧ મેદાન પ્રદેશ મળીને કુલ ૩૦ સ્થળોનાં નવાં નામ જાહેર કર્યાં છે. ગયા વરસે પણ ચીને ભારતના અરૂણાચલ પ્રદેશનાં ૧૧ સ્થળોનાં નવાં નામ જાહેર કરેલાં. ચીને ભારતનાં ક્યાં સ્થળોનાં નવાં નામ આપ્યાં છે એ સ્પષ્ટ નથી પણ આ હરકત દ્વારા ચીન ભવિષ્યમાં ભારતના આ વિસ્તારો હડપ કરવા માટેનો તખ્તો ઘડી રહ્યું છે એ સ્પષ્ટ છે. આ વિસ્તારો હડપ કરવા માટે ચીન ભારત પર આક્રમણ પણ કરી શકે. 

વૈશ્વિક બાબતોના નિષ્ણાતોના મતે, ચીનની મોડસ ઓપરેન્ડી પેટમાં ઘૂસીને પગ પહોળા કરવાની છે. ચીને ૧૯૬૨માં સીધું આક્રમણ કરીને ભારતના અરૂણાચલ પ્રદેશનો ૨૮ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર બથાવી પાડેલો. લદાખમાં આવેલા અક્સાઈ ચીનના ૩૮,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર પર પણ ચીને ૧૯૬૨માં કબજો કરી લીધેલો. એ પછી ચીને સીધું આક્રમણ કરવાના બદલે આ પ્રદેશોમાં ધીરે ધીરે આગળ વધીને ભારતનો વિસ્તાર પચાવી પાડવાની મોડસ ઓપરેન્ડી અપનાવી છે. ગ્લોબલ રીસર્ચ સંસ્થાઓના ડેટા પ્રમાણે, ચીને ભારતમાં ઘૂસવા ૧૩ હોટ સ્પોટ પસંદ કર્યાં છે કે જ્યાંથી ઘૂસીને ધીરે ધીરે ભારતના વિસ્તારો પર કબજો કરે છે.  

ભારત-ચીનનો સરહદી વિસ્તાર ઈસ્ટર્ન, મિડલ અને વેસ્ટર્ન એ ત્રણ સેક્ટરમાં વહેંચાયેલો છે. ઈસ્ટર્ન સેક્ટર સિક્કિમથી શરૂ કરીને મ્યાનમારની સરહદ સુધી ફેલાયેલું છે. અરૂણાચલ પ્રદેશ ઈસ્ટર્ન સેક્ટરમાં છે. આ સેક્ટરમાં સિક્કિમ, તવાંગ, લ્હુનેઝ, બિશિંગ, અનિની, કિબિથુ એ છ ચીનની ઘૂસણખોરીનાં હોટ સ્પોટ છે.

ડેમચોકથી નેપાળ સુધીની ૫૪૫ કિલોમીટર લાંબી સરહદનો વિસ્તાર મિડલ સેક્ટર ગણાય છે કે જ્યાં બારાહોતી ચીન દ્વારા કરાતી ઘૂસણખોરીનું હોટ સ્પોટ છે. . કારાકોરમ ઘાટની ઉત્તર-પશ્ચિમથી ડેમચોક સુધીનો વિસ્તાર વેસ્ટર્ન સેક્ટર કહેવાય છે કે જ્યાં દેપસાંગ, ગલવાન, હોટસ્પ્રિંગ, પાનગોંગ, ડેમચોક, ચુમાર ચીનની ઘૂસણખોરીનાં હોટ સ્પોટ છે. 

ભારત સરકારના અંદાજ પ્રમાણે દર  વરસે ચીન સરેરાશ ૩૦૦ વાર ભારતની સીમામાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરે છે. મતલબ કે, અઠવાડિયામાં એક દિવસ રજા રાખીને ચીના દરરોજ ભારતની સરહદમાં ઘૂસવા પ્રયત્ન કરે છે. ગ્લોબલ રીસર્ચના ૨૦૦૬થી ૨૦૨૦ સુધીના ૧૫ વર્ષના ડેટા પ્રમાણે ચીન વરસમાં સરેરાશ ૮ વાર ભારતના પ્રદેશ પર કબજો કરવામાં સફળ થયું છે. દરેક પ્રયત્નમાં વિસ્તાર અલગ અલગ હોય પણ ચીને ૨૦૨૦ સુધીમાં જ ૧૨૦ વખત ભારતનો પ્રદેશ પચાવી પાડેલો એવું આ ડેટા કહે છે. ૨૦૨૦ પછી ચીને આ ઝડપ વધારી છે તેથી મોટો પ્રદેશ ચીને પચાવી પાડયો હોય એ શક્ય છે. 

આ વિસ્તારો અંતરિયાળ છે તેથી મીડિયા ત્યાં સુધી જતું નથી. ઉત્તર-પૂર્વનાં કેટલાંક અખબારોમાં સમયાંતરે ચીનની ઘૂસણખોરી કે જમીન પચાવી પાડયાના અહેવાલ આવે છે પણ એ સિવાય ત્યાં શું બને છે તેનું રીપોર્ટિંગ થતું નથી. પરિણામે ચીન ધીરે ધીરે ઘૂસી રહ્યું હોવાની ખબર જ નથી પડતી ને ભારતીયો માટે એક દિવસ જાગીને જોયું તો જગત દીસે નહીં જેવું થઈને ઉભું રહી જાય એવો પૂરો ખતરો છે. 

ચીનની આ ઘૂસણખોરીને રોકવાની ભારત પાસે કોઈ વ્યૂહરચના નથી એ પણ સ્પષ્ટ છે. ચીન ૨૦૦૬થી ઘૂસણખોરી કરે છે એ જોતાં કોંગ્રેસ સરકાર પાસે પણ કોઈ વ્યૂહરચના નહોતી ને ભાજપ સરકાર પાસે પણ અત્યાર લગી વ્યૂહરચના નથી એ સ્પષ્ટ છે. અલબત્ત જાગ્યા ત્યારથી સવાર કરીને હવે નક્કર સ્ટ્રેટેજી બનાવવી પડે, નહિંતર ચીન યુધ્ધ વિના ધીરે ધીરે ભારતનો મોટો પ્રદેશ પચાવીને બેસી ગયું હોય એવું બનશે.

ચીન-ઉદ્યોગો વચ્ચે સેન્ડવિચ લડાખ પર જોખમ

લડાખને બચાવવા માટે લડત ચલાવી રહેલા વાંગચુકના દાવા પ્રમાણે પૂર્વમાં ચીન લડાખની જમીન પર કબજો કરી રહ્યું છે ને પશ્ચિમમાં ઉદ્યોગોને ૨૦ હજાર ચોરસ કિલોમીટર જમીનની ખેરાત કરી દેવાઈ છે.  ચીનની ઘૂસણખોરી વધતી રહે તો લડાખ આખું હાથથી જાય એવી ચેતવણી વાંગચુકે આપી છે. 

કેન્દ્રશાસિત પ્રદેશ લડાખનો વિસ્તાર ૫૯,૧૪૬ ચોરસ કિલોમીટર છે. તેમાંથી ૨૪ હજાર ચોરસ કિલોમીટર જમીન છિનવાઈ જતાં લડાખનાં લોકોની રોજગારી છિનવાઈ રહી છે. ઉદ્યોગોને અપાયેલી જમીનમાં ભરવાડોનાં ઘેટાં ચરતાં હતાં. ઘેટાંના ઉનમાંથી બનતી પશ્મિના શાલની દુનિયાભરમાં નિકાસ થતી પણ જમીન ઘટી જતાં ભરવાડો ઘેટાં વેચવા મજબૂર બની રહ્યા છે. 

ઉદ્યોગોને જમીનો અપાતાં ગ્લેશિયર એટલે કે હિમનદીઓનો વિસ્તાર ઘટી રહ્યો છે. પ્રદૂષ્ણ પણ વધી રહ્યું છે તેથી ગ્લેશિયર ઝડપથી પિગળી રહ્યા છે. લડાખમાંથી ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ નદીઓ નિકળે છે. તેમના પાણી પર લડાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, હરીયાણા અને ચંદીગઢ નભે છે. ૩.૨૧ લાખ ચોરસ કિલોમીટર એટલે કે ભારતના લગભગ ૯.૮ ટકા જમીન વિસ્તારને પીવા તથા સિંચાઈનું પાણી આ નદીઓ આપે છે પણ ગ્લેશિયલ ગાયબ થઈ રહ્યા છે તેથી ભવિષ્યમાં આ વિસ્તારોમાં પાણીનો કકળાટ ઉભો થશે.

લડાખને નહીં બચાવાય તો ભવિષ્યમાં ઉભી થનારી પાણીની સમસ્યા ગંભીર હશે તેમાં બેમત નથી પણ વધારે ગંભીર બાબત ચીને ભારતીય પ્રદેશ પર કરેલો કબજો છે.

ચીનનો ભારતના ક્યા પ્રદેશો પર દાવો?

ચીન ઈસ્ટર્ન સેક્ટરમાં  અરૂણાચલ પ્રદેશ ઉપરાંત સો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ગાઢ જંગલો અને પહાડીઓમાં ફેલાયેલા અસપહિલા, લોંગીજુ, તવાંગ જિલ્લાના નમકા ચુ વેલી, સુમદુરોંગ તથા ગાંયત્સે પર દાવો કરે છે. ભારતમાં બૌધ્ધ ધર્મનો સૌથી મોટો મઠ તવાંગ મઠ આ વિસ્તારમાં છે. 

મિડલ સેક્ટરમાં હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડના સરહદી વિસ્તાર છે. ઉત્તરાખંડનું  બારાહોતી પોતાનું હોવાનો ચીનનો દાવો છે. વેસ્ટર્ન સેક્ટરમાં લેહ-લદાખ પર  ૧૯૫૦ના દાયકાથી ચીના દાવો કરે છે. ચીને ૧૯૫૭માં અક્સાઈ ચીનની વચ્ચેથી પસાર થતો જિનઝિયાંગ અને તિબેટને જોડતો વેસ્ટર્ન હાઈવે બાંધી દીધો છે. ચીન ભૂતાનના પ્રદેશોને હડપ કરવા માગે છે કે જેથી ભારત અને ભૂતાન બંનેમાં ગમે ત્યારે ઘૂસી શકાય.

ભારત-ચીન વચ્ચે ૨૦૧૭માં સંઘર્ષ થયો એ ડોકલામ ભૂતાનમાં છે. ચીન ડોકલામમાં રોડ બાંધે છે કે જેથી  ચીકન્સ નેક અથવા સિલિગુરી કોરિડોર તરીકે ઓળખાતા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના પ્રદેશ પર કબજો કરી શકાય. ઉત્તર-પૂર્વનાં રાજ્યો ભારતના બીજા વિસ્તારો ૨૦૦ કિલોમીટર લાંબી ને ૧૭ કિલોમીટર પહોળી જમીનની પટ્ટી એવા સિલિડોર કોરિડોરથી જોડાયેલા છે. આ પટ્ટી અમુક ઠેકાણે ૫ કિલોમીટર પહોળી છે. આ પટ્ટીની એક તરફ નેપાળ ને બીજી તરફ બાંગ્લાદેશ છે.

સિલિગુરી કોરિડોર પતે ત્યાં સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા. મણિપુર અને આસામ એમ ભારતમાં ૮ રાજ્યો છે.  ચીન ડોકલામાં રોડ બનાવીને સિલિગુરી કોરિડોર પર કબજો કરે તો આ ૮ રાજ્યો ભારતથી અલગ થઈ જાય.

Gujarat