આકાશી આફતોનો અંત આણશે સ્વદેશી સુદર્શનચક્ર
ઈન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ જે હવાઈ હુમલાને દૂરથી જ પારખીને નષ્ટ કરી દે છે
- સુદર્શન ચક્રમાં ક્વીક રિસ્પોન્સ ટેક્નોલોજી છે જે હવામાં જ હુમલા માટે આવેલા હથિયાર, મિસાઈલ કે અન્ય સાધનને દૂરથી જ ઓળખ જાય છે અને નષ્ટ કરી દે છે. તેમાં મિસાઈલ્સ અને હાઈ એનર્જી ધરાવતી લેસર વેપન સિસ્ટમ છે જે ગમે તેવા હુમલાથી રક્ષણ કરે છે ઃ તેમાં લાંબા અંતરના રડાર લાગેલા છે જે એરિયલ વેપન કે વિમાન અથવા મિસાઈલની તરત જ ઓળખ કરી લે છે. ત્યારબાદ તેનું ટ્રેકિંગ સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે અને તે રડાર અને ટ્રેકિંગ ભેગા થઈને હુમલો કરનાર વેપનને ટ્રેક કરે છે. કમાન્ડ સેન્ટરમાં નક્કી થાય છે કે, આ મિત્ર દેશનું કોઈ વાહન કે સાધન છે કે પછી શત્રુ દ્વારા કરાયેલો હુમલો છે થ ભારતના આ સુદર્શન ચક્રમાં QRSAM એટલે કે તાત્કાલિક ધોરણે જમીનથી હવામાં પ્રહાર કરી શકે તેવી એર મિસાઈલ્સ છે જે ૩૦ કિ.મી સુધી દૂર જઈને અથવા તો ૧૦ કિ.મી ઉંચાઈએ જઈને પ્રહાર કરી શકે છે : ૨૦૩૫માં ભારતને આત્મનિર્ભર બનાવીને પોતાનું એક સેલ્ફ ડિફેન્સ સિસ્ટમ વિકાસવવાના મિશન સુદર્શન ચક્ર હેઠળ આ પરીક્ષણ કરાયું હતું
ભારતે ઓડિશાના કિનારે ઈન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (આઈએડીડબ્લ્યૂએસ)નું પહેલું સફળ પરીક્ષણ કર્યું હતું. આ સિસ્ટમની ખાસિયત એ છે કે, તે હવાઈ હુમલાને રસ્તામાં જ અટકાવીને નષ્ટ કરી દે છે. ડીઆરડીઓ દ્વારા આ સુરક્ષા કવચ વિકસાવવામાં આવ્યું છે. આ એક મલ્ટિલેયર હવાઈ સુરક્ષા સિસ્ટમ છે. તેમાં ક્વીક રિસ્પોન્સ ટેક્નોલોજી છે જે હવામાં જ હુમલા માટે આવેલા હથિયાર, મિસાલઈ કે અન્ય સાધનને દૂરથી જ ઓળખ જાય છે અને નષ્ટ કરી દે છે. તેમાં મિસાઈલ્સ અને હાઈ એનર્જી ધરાવતી લેસર વેપન સિસ્ટમ છે જે ગમે તેવા હુમલાથી રક્ષણ કરે છે. અમેરિકા, રશિયા, ચીન જેવા દેશો દ્વારા આવી સિસ્ટમ વિકસાવવામાં આવી છે અને હવે ભારત પણ આ વેપન સિસ્ટમ ધરાવતો દેશ બની ગયો છે. સામાન્ય રીતે ઈન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ એક મલ્ટીલેયર સૈન્ય નેટવર્ક છે જે કોઈપણ દેશની હવાઈ સરહદોને ફાઈટર પ્લેન, બોમ્બાર્ડ વિમાનો, ડ્રોન, હેલીકોપ્ટર અને બેલેસ્ટિક કે ક્રૂઝ મિસાઈલના હુમલાથી બચાવે છે. અહીંયા રડાર, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર તથા જમીનથી હવામાં મારણ કરવાની ક્ષમતા ધરાવતી મિસાઈલ્સ, એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ, ઈલેક્ટ્રોનિક યુદ્ધ સાધનો, ઈન્ટરસેપ્ટર અને બીજી ઘણી બધી ટેક્નોલોજી આવે છે. તેનું મુખ્ય કામ કોઈપણ હવાઈ ખતરાને તેના લક્ષ્ય સુધી પહોંચતા પહેલાં જાણવાનું, ઓળખવાનું, ટ્રેક કરવાનું અને સૌથી મોટું નષ્ટ કરવાનું છે. એક એર ડિફેન્સ અંબ્રેલા પણ તેને કહી શકાય તેમ છે. તે કોઈપણ દેશ અથવા તો પ્રદેશને આકાશી સુરક્ષા આપે છે.
આ ડિફેન્સ સિસ્ટમને ઈન્ટિગ્રેટેડ એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે તે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ સ્ટ્રક્ચર હેઠળ ઘણા હથિયારો, સેન્સર અને કોમ્યુનિકેશન સિસ્ટમમાં એક સાથે કામ કરે છે. તેમાં એક રડાર કે એક વેપન અલગથી કામ નથી કરતા. તેમાં લગાવેલા તમામ રડાર, સેન્સર બધું જ ઉપગ્રહો સાથે જોડાય છે, સર્વેલન્સ ડ્રોનની સાથે કોમ્યુનિકેશન કરે છે, ડેટાની આપલે કરે છે અને જો જોખમ જણાય તો તરત જ વેપન સિસ્ટમ એક્ટિવેટ કરીને હુમલો પણ કરી દે છે. આ બધી જ કામગીરી એકબીજા સાથે સતત જોડાયેલી જ હોય છે. મિસાઈલ, ગન, બોમ્બર પ્લેન, ફાઈટર પ્લેન, ડ્રોન જેવા તમામ ખતરા અને ભયસ્થાનો ઓળખીને તેનો નાશ કરે છે. તેનું રિએક્શન એટલું ઝડપી હોય છે કે, દુશ્મનની ઘુસણખોરી કે છુપાઈને હુમલો કરવાની શક્યતાને જ નષ્ટ કરી દે છે. આ સિસ્ટમની કામગીરીની વાત કરીએ તો તેમાં લાંબા અંતરા રડાર લાગેલા છે જે સેટેલાઈટ સાથે કનેનક્ટેડ હોય છે. તે એર પ્રી એલર્ટ વિમાન સંભવિત દુશ્મનો અથવા તો એરિયલ વેપન કે વિમાન અથવા મિસાઈલની તરત જ ઓળખ કરી લે છે. ત્યારબાદ તેનું ટ્રેકિંગ સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે અને તે રડાર અને ટ્રેકિંગ ભેગા થઈને હુમલો કરનાર વેપનને ટ્રેક કરે છે. કમાન્ડ સેન્ટરમાં નક્કી થાય છે કે, આ મિત્ર દેશનું કોઈ વાહન કે સાધન છે કે પછી શત્રુ દ્વારા કરાયેલો હુમલો છે. આ ગણતરીની સેકન્ડોમાં થતું હોય છે. સામેના હથિયારને નષ્ટ કરવા માટે સિસ્ટમ દ્વારા શ્રેષ્ઠ વેપન પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ જવાબી હુમલો કરવામાં આવે છે. જો કોઈ ફાઈટર પ્લેન આવતું હોય તો લાંબા અંતરની જમીનથી હવામાં મારણ કરી શકે તેવી મિસાઈલ્સ છોડવામાં આવે છે. જો મિસાઈલ એક્ટિવ ન હોય તો ઈન્ટરસેપ્ટર વિમાન મોકલવામાં આવે છે. ડ્રોન અથવા તો ઓછી ઉંચાઈએ ઉડતા હેલિકોપ્ટર માટે નાની રેન્જની મિસાઈલ અથવા વિમાનરોધક તપોગોળા, બેલેસ્ટિક મિસાઈલ માટે હાઈ રેન્જની મિસાઈલ છોડવામાં આવે છે. દુશ્મનનું હથિયાર નષ્ટ થઈ ગયું છે તેની પણ ખરાઈ કરવામાં આવે છે. જો પહેલા હુમલાથી દુશ્મન નષ્ટ ન થાય તો તરત જ બીજા હુમલા કરવામાં આવે છે.
આ ડિફેન્સ સિસ્ટમના મુખ્ય ફેક્ટર્સની વાત કરીએ તો સેન્સર્સ અને નિરિક્ષણ ખૂબ જ મહત્ત્વના પાસા છે.
જમીન, જહાજ અને હવાઈ તેમ ત્રણેય તબક્કે નિરિક્ષણ કરવું, ઉપગ્રહો, ડ્રોન, કમાન્ડ, નિયંત્રણ અને કોમ્યુનિકેશન બધું જ એક જ સિસ્ટમ અને કમ્પ્યૂટર આધારિત મોડયુલેશનથી થાય છે. તેની સાથે નાના અંતરના હથિયારો, વિમાનરોધક તોપગોળા, મધ્યમ અંતરની જમીનથી હવામાં મારણ કરી શકતી મિસાઈલ્સ, આખાશમાં લાંબા અંતર સુધી મારણ કરી શકે તેવી મિસાઈલ્સ, પેટ્રિયેટ, એસ-૪૦૦, એનર્જી વેપન, લેઝર, માઈક્રોવેવ્ઝ હથિયારો જેવી ડિફેન્સ સિસ્ટમ ગોઠવેલી હોય છે. જો ઈલેક્ટ્રોનિક યુદ્ધ થાય અને તેમાં દુશ્મનના હથિયારોને ભટકાવવા, જેમર એક્ટિવેટ કરવું જેવી કામગીરી પણ કરી શકે છે. આ ઉપરાંત કેટલાક કિસ્સામાં ફાઈટર જેટને નાથવા માટે ઈન્ટરસેપ્ટર વિમાનો મોકલવાની કામગીરી પણ આ સિસ્ટમ દ્વારા શક્ય બને છે. ઉલ્લેખનીય છે કે, ભારતના આ સુદર્શન ચક્રમાં QRSAM એટલે કે તાત્કાલિક ધોરણે જમીનથી હવામાં મારણ કરી શકે તેવી એર મિસાઈલ્સ છે જે ૩૦ કિ.મી સુધી દૂર જઈને અથવા તો ૧૦ કિ.મી ઉંચાઈએ જઈને મારણ કરી શકે છે. ત્યારબાદ આવે છે, VSHORADS જે ટૂંકા અંતરની ડિફેન્સ સિસ્ટમ છે. તેમાં પોર્ટેબલ મિસાઈલ, ૬ કિ.મી અને ૪ કિ.મી.ની ઉંચાઈ સુધીના લક્ષ્ય સાધવાની ક્ષમતા હોય છે. આ ઉપરાંત લેઝર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન જે ડ્રોન, નાના હવાઈ હુમલાને નાથવા માટે લેઝર સિસ્ટમનો ઉપયોગ કરે છે. સીટુસીટુ એટલે કે સેન્ટ્રલાઈઝ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર જે હૈદરાબાદની ડીઆરડીએલ દ્વારા વિકસાવાયું છે તે તમામ સેન્સર અને હથિયારોના નેકવર્કને એકબીજા સાથે જોડી રાખે છે.
તાજેતરમાં ભારતે બે વધારે ઝડપ ધરાવતા ડ્રોન અને એક મલ્ટિ કોપ્ટર ડ્રોન એમ ત્રણ ટાર્ગેટનું પરીક્ષણ કર્યું હતું. અલગ અલગ રેન્જની હથિયારોની સિસ્ટમની તપાસ કરવામાં આવી હતી. તેમાં અલગ અલગ અંતર અને ઉંચાઈને ધ્યાનમાં રાખીને ટાર્ગેટ નષ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં મોટી સફળતા મળી હતી. ભારતનું આ સુદર્શન ચક્ર ભારતને બહુસ્તરીય વાયુ રક્ષણ સુરક્ષા એટલે કે ટોટલ એર ડિફેન્સ સેક્ટરમાં અત્યંત મજબુત બનાવે છે.
૨૦૩૫માં ભારતને આત્મનિર્ભર બનાવીને પોતાનું એક સેલ્ફ ડિફેન્સ સિસ્ટમ વિકાસવવાના મિશન સુદર્શન ચક્ર હેઠળ આ પરીક્ષણ કરાયું હતું જે સંપૂર્ણ સફળ રહ્યું હતું. આ સિસ્ટમ ભારતીય વાયુસેનાની ઈન્ટીગ્રેટેડ એર કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્મટ તથા પાયદળની આકાશતીર સિસ્ટમ સાથે જોડાયેલી છે. ભવિષ્યમાં તેને લોન્ગ રેન્જ મિસાઈલ્સ અને સ્પેસ બેઝ્ડ સેન્સરો સાથે પણ જોડવામાં આવશે જેથી એક નેશનલ એર ડિફેન્સ ગ્રિડ તૈયાર કરી શકાય.
- પાકિસ્તાન કરતાં વધારે મજબૂત અને ચીન કરતાં થોડા પાછળ છીએ
ભારતના આ એર ડિફેન્સ સિસ્ટમની સરખામણી કરવામાં આવે તો આપણે પાકિસ્તાન કરતા તો સદીઓ આગળ છીએ. પાકિસ્તાન આવી સિસ્ટમ વિકાસવી શકે તેમ નથી અને ખરીદી શકે તેમ પણ નથી. આપણી પાસે વર્તમાન સિસ્ટમમાં જ જે મિસાઈલ્સ, લેઝર વેપન, ઈવેપન અને બીજા હથિયારો છે જે પાકિસ્તાનની હાલત ખરાબ કરી શકે તેમ છે.
પાકિસ્તાનનો એક પણ હુમલો અહીંયા સફળ થાય તેમ નથી. આ મુદ્દે ચીનને નબળું ગણવું જોઈએ નહીં. તેની પાસે પહેલેથી જ આવી સિસ્ટમ છે. તે ભારત કરતા આ મુદ્દે ઘણું એડવાન્સ છે. ચીન પાસે હાઈપરસોનિક મિસાઈલ્સ છે. ભારતે પોતાની આ સિસ્ટમમાં ઈન્ટર્સેપ્ટર મિસાઈલ્સ અને સ્પેસ આધારિત સેન્સર રાખવા પડશે તો જ આટલી ઝડપે આવતા હથિયારોને શોધી, ટ્રેક કરીને તોડી પાડી શકાશે.
બીજી મહત્ત્વની વાત એ છે કે, આ સિસ્ટમમાં લેઝર વેપન છે પણ તે સિંગલ ડ્રોનને તોડી પાડી શકે છે. ચીન દ્વારા ડ્રોન સ્વોર્મ એટેક કરાયો અને એક સાથે હજારો ડ્રોન આવી ગયા તો તેનો મુકાબલો મુશ્કેલ થઈ પડે તેમ છે. તેના માટે એઆઈ આધારિત ડ્રોન સ્વોર્મ કાઉન્ટર સિસ્ટમ વિકસાવવી પડશે. હાલમાં આ સિસ્ટમ ૩૦ કિ.મી દૂર સુધીની મિસાઈલ ધરાવે છે. બીજી તરફ પાકિસ્તાન અને ચીન પાસે ૧૦૦થી ૪૦૦ કિ.મી સુધીના મિસાઈલ છે. આ સંજોગોમાં એસ-૪૦૦, આકાશ-એનજી અને ભવિષ્યમાં બનનારા પ્રોજેક્ટ કુશાનું પણ જોડાણ કરવું પડશે તો જ ચારેતરફથી સુરક્ષા મળશે. ચીન સસ્તી કિંમતના અને ઓછા અંતરના ડ્રોન પણ ઉપયોગમાં લઈ શકે છે. તેને નાથવા માટે પણ ભારતે પોતાની સિસ્ટમને સતત અપગ્રેડ કરતા રહેવી પડશે. હાલમાં અમેરિકા, રશિયા, ચીન અને યુરોપના કેટલાક નાટો સભ્ય દેશો પાસે આ પ્રકારની સિસ્ટમ છે.
- હવે આકાશી યુદ્ધો જ લડાશે તેથી તેની સુરક્ષા ખૂબ જ જરૂરી
જાણકારોના મતે વર્તમાન સમયમાં આકાશી યુદ્ધો અને હુમલા જ વધારે જોવા મળ્યા છે. યુક્રેન અને રશિયા હોય કે પછી ઈઝરાયેલ અને ગાઝા કે ઈરાન હોય. દરેક દેશો દ્વારા એકબીજા ઉપર મિસાઈલ, ડ્રોન અને ફાઈટર જેટ દ્વારા હુમલા જ કરાયા છે. આગામી સમયમાં પણ દેશો દ્વારા એરસ્ટ્રાઈક વધારે કરવામાં આવે તેવી જ શક્યતાઓ છે.
જમીન ઉપર યુદ્ધ લડાવાની શક્યતાઓ નહીવત થઈ ગઈ છે. નવા જે સાધનો અને હથિયારો વિકસાવેલા છે જેની સામે પાયદળ ટકી શકે તેમ પણ નથી. મિસાઈલ્સ અને હાઈપરસોનિક હથિયારો અને ક્રૂઝ મિસાઈલ્સના જે હુમલા છે તેનો સામનો કરવા માટે હવાઈ હથિયારોની જ જરૂર પડે તેમ છે. તેના કારણે જ મોટા દેશો આવા હથિયારોમાં રોકાણ કરી રહ્યા છે.
દુશ્મનને મારીને નહીં પણ તેના ડેટા સેન્ટરો, કમાન્ડ સેન્ટરોને હેક કરીને, નષ્ટ કરીને વધારે પરેશાન કરવાની વૃત્તિ વિકસી ગઈ છે તેનું પરિણામ આપણે ભોગવી જ રહ્યા છીએ. જાણકારો માને છે કે, હવે તો આવા હથિયારોમાં એઆઈ ટેક્નોલોજી પણ જોડાવા લાગી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઝડપી નિર્ણય લેવા માટે, લક્ષ્ય સુધી સચોટ રીતે પહોંચવા માટે ડ્રોન અને અન્ય મિસાઈલ્સને વધારે સારી રીતે ડેવલપ કરવામાં આવી રહ્યા છે. તેમાં એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે જેથી જાતે જ નિર્ણય કરીને હુમલો કરી દેવાય. તે ઉપરાંત એનર્જી લેઝર વેપન અને માઈક્રોવેવ વેપન જેવા નવી પેઢીના ઈલેક્ટ્રોનિક હથિયારો પણ ડેવલપ થઈ રહ્યા છે. હવે દેશોને વધારે સારી અને મજબૂત સાઈબર સુરક્ષા જોઈશે અને સેનાઓને પણ એક મજબૂત અને વિશ્વાસપાત્ર નેટવર્ક જોઈશે જેના દ્વારા કામગીરી થતી રહે.