Get The App

ઈથેનોલથી દોડશે વાહનો : સરકાર 100 ટકા બ્લેંડિંગ કરવાની તૈયારીમાં

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
ઈથેનોલથી દોડશે વાહનો : સરકાર 100 ટકા બ્લેંડિંગ કરવાની તૈયારીમાં 1 - image

- 20 ટકા ઈથેનોલ બ્લેંડિંગ થકી જ વર્ષે 1000 લિટર ક્રૂડની બચત થાય છે તો 100 ટકા બ્લેંડિંગથી મોટો ફાયદો થવાની આશા

- પેટ્રોલની ઓળખ હવે E10/Eથી બદલીને E10/E20 કરવામાં આવશે. આ સાથે જ E85  અને E100ને પણ સત્તાવાર રીતે નિયમોમાં સામેલ કરવામાં આવશે. તેવી જ રીતે બાયોડીઝલને B10થી વધારીને B100  સુધી અપડેટ કરવાનો પ્રસ્તાવ છે. જો ખરેખર તેવું શક્ય બનશે તો એનર્જી સેક્ટરમાં એક મોટું અને ક્રાંતિકારી પરિવર્તન આવશે : ઈથેનોલ બ્લેંડિંગનો અર્થ છે પેટ્રોલમાં ઈથેનોલ ભેગું કરવું. ભારતમાં હાલમાં જે પેટ્રોલ એન્જિન છે તેની ક્ષમતા E20  છે. સરકાર હવે તેને વધારીને ૮૫ અને ૧૦૦ ટકા લઈ જવા માગે છે. સરકાર ઈચ્છે છે કે, નવા એન્જિન વિકસાવવામાં આવે જે પેટ્રોલના સ્થાને સંપૂર્ણ રીતે ઈથેનોલ ઉપર જ કામ કરે : ૨૦૧૪માં ભારતની ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા માત્ર ૨૦૦ કરોડ લિટર હતી. જે હાલમાં અંદાજે ૧૮૦૦થી ૨૦૦૦ કરોડ લિટર સુધી પહોંચી ગઈ છે. દેશમાં હવે E20  બ્લેંડિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે જેના માટે ૧૦૦૦ કરોડ લિટરની જ જરૂર પડે છે. સરકાર આગામી પાંચ વર્ર્ષોમાં ઉત્પાદનને પાંચ ગણું કરવા માગે છે અને વપરાશ પણ પાંચ ગણો વધારવા માગે છે

અમેરિકા અને ઈરાનના યુદ્ધના કારણે દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાયેલી છે. બીજી તરફ જે દેશો પાસે સ્ટોક છે તે ખુટવા લાગ્યો છે. ઘણા દેશો દ્વારા વૈકલ્પિક ઈંધણોના ઉપયોગની કવાયત હાથ ધરવામાં આવી છે. ભારતે પણ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પો અને તેની સાથે અન્ય કેમિકલ્સ અને પદાર્થોની ભેળસેળ કરીને નવા ફ્યુઅલ વિકસાવવાની દિશામાં અને તેનો ઉપયોગ કરવાની દિશામાં પ્રયાસ કરાઈ રહ્યા છે. એક તરફ સ્ટોક ઘટી રહ્યો છે અને બીજી તરફ પેટ્રોલના અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝિંકાવાની શક્યતાઓ છે ત્યાં સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર નિર્ભરતા ઓછી કરવા નવું સાહસ કરવાનું નક્કી કર્યું છે.

તાજેતરમાં જ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH) દ્વારા એક નવું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ એક્ટ હેઠળ એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં પેટ્રોલમાં વધુ માત્રામાં ઈથેનોલ ભેળવવાના નિયમોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ લાગુ થશે, તો આગામી સમયમાં વાહનો સંપૂર્ણપણે ઈથેનોલથી પણ ચાલી શકશે. સરકાર ૧૦૦ ટકા ઈથેનોલથી જ વાહનો ચલાવવાની તૈયારીમાં છે. જાણકારોના મતે આ ડ્રાફ્ટ નોટિફિકેશનનો હેતુ કાર્બન ઉત્સર્જન સંબંધિત નિયમો, ફ્યુઅલ ક્લાસિફિકેશન અને હાઈ ઈથેનોલ બ્લેન્ડ સાથે જોડાયેલા ટેકનિકલ શબ્દોમાં ફેરફાર કરવાનો છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ-૧૯૮૯માં સુધારો કરીને E85 અથવા E100 સુધીના ઈંધણ માટે વાહન સ્ટાન્ડર્ડનો સમાવેશ કરવાની વાત આ પ્રસ્તાવમાં કરવામાં આવી છે. 

ડ્રાફ્ટમાં ઈંધણની નવી કેટેગરી નક્કી કરવાનો પણ પ્રસ્તાવ છે. જેમ કે પેટ્રોલની ઓળખ હવે E10/Eથી બદલીને E10/E20 કરવામાં આવશે. આ સાથે જ E85  અને E100ને પણ સત્તાવાર રીતે નિયમોમાં સામેલ કરવામાં આવશે. તેવી જ રીતે બાયોડીઝલને B10થી વધારીને B100 સુધી અપડેટ કરવાનો પ્રસ્તાવ છે. અહેવાલો પ્રમાણે ઊર્જા જરૂરિયાતોમાં આત્મનિર્ભરતા લાવવાના પ્રયાસ રૂપે જ ૧૦૦ ટકા ઈથેનોલ બ્લેંડિંગ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો ખરેખર તેવું શક્ય બનશે તો એનર્જી સેક્ટરમાં એક મોટું અને ક્રાંતિકારી પરિવર્તન આવશે. તેનાથી ક્રૂડ ઉપરની નિર્ભરતા ઓછી થશે અને પર્યાવરણ બચાવવામાં અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મોટી સફળતા મળશે. તે ઉપરાંત ખેડૂતોની આવકમાં પણ મોટો વધારો થશે જેના દ્વારા અર્થતંત્રને જ વેગ મળશે.

ઉલ્લેખનીય છે કે, ઈથેનોલ બ્લેંડિંગનો અર્થ છે પેટ્રોલમાં ઈથેનોલ ભેગું કરવું. ભારતમાં હાલમાં જે પેટ્રોલ એન્જિન છે તેની ક્ષમતા E20 છે. તેનો અર્થ એ છે કે, પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ ભેળવી શકાય છે. ઈથેનોલ બ્લેંડેડ પેટ્રોલ હેઠળ સરકારે ગત વર્ષે ૧ એપ્રિલથી આ નીતિ લાગુ કરી દીધી હતી. હાલમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઈથનેલો ભેળવવામાં આવે છે. સરકાર હવે તેને વધારીને ૮૫ અને ૧૦૦ ટકા લઈ જવા માગે છે. સરકાર ઈચ્છે છે કે, નવા એન્જિન વિકસાવવામાં આવે જે પેટ્રોલના સ્થાને સંપૂર્ણ રીતે ઈથેનોલ ઉપર જ કામ કરે.

ઉલ્લેખનીય છે કે, ઈથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ જ ગણાય છે જે શેરડી, મકાઈ અને ચોખામાંથી બનાવવામાં આવે છે. પહેલાં તેમાંથી સુગર દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં યીસ્ટ ભેળવવામાં આવે છે. યીસ્ટ આ સુગરને ઈથેનોલ અને ગેસમાં પરિવર્તિત કરી દે છે. 

આ પ્રક્રિયાને ફર્મેન્ટેશન કહેવામાં આવે છે. ત્યારબાદ જે મિશ્રણ તૈયાર થાય છે તેને ડિસ્ટિલેશન કરીને તેમાંથી પાણી અલગ કરવામાં આવે છે. આ પ્રોસેસ થયા બાદ જે ઈથેનોલ વધે છે તેનો ઉપયોગ ફ્યૂઅલ તરીકે અથવા તો અન્ય ઈંધણ તરીકે કરવામાં આવે છે. ભારત ઈથેનોલના ઉત્પાદનમાં સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ૨૦૧૪માં ભારતની ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા માત્ર ૨૦૦ કરોડ લિટર હતી. જે હાલમાં અંદાજે ૧૮૦૦થી ૨૦૦૦ કરોડ લિટર સુધી પહોંચી ગઈ છે. દેશમાં હવે E20 બ્લેંડિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે જેના માટે ૧૦૦૦ કરોડ લિટરની જ જરૂર પડે છે. સરકાર આગામી પાંચ વર્ષોમાં ઉત્પાદનને પાંચ ગણું કરવા માગે છે અને તેનો વપરાશ પણ પાંચ ગણો વધે તે દિશામાં કામ કરી રહી છે. તેના માટે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને ફ્લેક્સ ફ્યૂઅલ ટેક્નોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. તેના માટે નવી નીતિઓ પણ બનાવઈ રહી છે.

જાણકારો માને છે કે, E100 પોલિસી લાગુ થયા બાદ વાહનોમાં પેટ્રોલના સ્થાને ૧૦૦ ટકા ઈથેનોલનો ઉપયોગ કરવામાં આવશે. તેના કારણે ભારતમાં ક્રૂડ અને અશ્મિગત ઈંધણ ઉપર નિર્ભરતા ઘટશે. તે ઉપરાંત આ ફ્યૂઅલ સંપૂર્ણ રીતે સ્વદેશી હશે તેથી આત્મનિર્ભરતા પણ આવશે. ખાસ વાત એ છે કે, આ ફ્યૂઅલ એન્જિન માટે વધારે ફાયદાકારક હશે કારણ કે તેનો ઓક્ટેન આંક ઘણો ઉંચો હોય છે. તેનાથી એન્જિન એકદમ સ્મૂધ ચાલશે અને તેની લાઈફ વધી જશે. તેમાંથી કાર્બન મોનોક્સાઈડ અને હાઈડ્રોકાર્બન જેવા જીવલેણ ગેસ નહીવત પ્રમાણમાં નીકળે છે. તેના કારણે તેને કાર્બન ન્યૂટ્રલ ફ્યૂલ પણ કહેવામાં આવે છે. તેના ઉપયોગને પ્રોત્સાહન આપવાથી ગ્રીનહાઉસ ગેસની અસર ઓછી કરવામાં મદદ મળશે અને પ્રદુષણ સામેના જંગમાં હકારાત્મકતાથી આગળ વધી શકાશે.

ખાસ વાત એ છે કે, આ ક્ષેત્રમાં જેટલા લાભ દેખાય છે તેની સામે પડકારો પણ રહેલા છે. સૌથી મોટો પડકાર તો માઈલેજનો આવશે. ઈથેનોલમાં પેટ્રોલની સરખામણીએ ૩૦થી ૩૫ ટકા ઓછી ઊર્જા હોય છે. તેના કારણે કોઈપણ વાહનની માઈલેજમાં ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો આવી શકે તેમ છે. આ ફ્લૂઅલનો લાંબા સમય સુધી ઉપયોગ કરવા દરમિયાન જૂના થયેલા વાહનોના એન્જિનમાં કાટ લાગવાનો ભય રહેલો છે. તે ઉપરાંત શિયાળાના સમયમાં ઠંડા થઈ ગયેલા વાહનો ચાલુ કરવામાં પણ સમસ્યા આવી શકે છે. આ ઉપરાંત E100 માટે ખાસ પ્રકારના એન્જિન અને ફ્યૂઅલ સિસ્ટમ બનાવવા પડશે જે યોગ્ય રીતે કામ કરે. તેના માટે સરકારે ફ્લેક્સ ફ્યૂઅલથી ચાલતા એન્જિન ધરાવતા વાહનો બનાવવા પડશે જે ૧૦૦ ટકા ઈથેનોલનો જ ઉપયોગ કરી શકે. 

બીજી તરફ સરકારે ઊર્જા સંકટને ખાળવા અને ક્રૂડ ઓઈલ માટે આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે ડીઝલ અને કમર્શિયલ એલપીજીમાં બ્લેંડિંગની શરૂઆત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લીધું છે. 

ભારતીય માનક બ્યુરો (બીઆઈએસ) આ ઈંધણો માટે ગુણવત્તા માપદંડોને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી કરી રહ્યું છે. જાણકારોના મતે સરકાર ડીઝલમાં આઈસોબ્યૂટાઈલ આલ્કોહોલ અને કમશયલ એલપીજીમાં ડીએમઈના મિશ્રણને મંજૂરી આપે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. આઈસોબ્યૂટાઈલ આલ્કોહોલ (આઈબીએ) એક જ્વલનશિલ પ્રવાહી છે, જે સામાન્ય રીતે અનાજમાંથી બને છે. સૂત્રો મુજબ બીઆઈએસના આ માપદંડ ૧૫ જૂન સુધીમાં જાહેર થઈ શકે છે. સરકારના આ નિર્ણયથી આયાતી ક્રૂડ ઓઈલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતો તથા ગ્રામીણ અર્થતંત્રને નવું બજાર મળી શકે છે. 

આ ઉપરાંત સરકારે કમર્શિયલ ઉપયોગ માટે ડાઈમિથાઈલ ઈથર (ડીએમઈ) મિશ્રિત એલપીજીના માપદંડોને પણ અંતિમ સ્વરૂપ આપી દીધું છે. ડીએમઈ પ્રાકૃતિક ગેસ, કોલસા અને બાયોમાસથી બનાવી શકાય છે. તેનું નોટિફિકેશન ૧૫ મે ૨૦૨૬ સુધીમાં આવી શકે છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરોમાં હાલ આ મિશ્રણ કરાશે નહીં. આ માત્ર હોટેલ, રેસ્ટોરાં, ઉદ્યોગો જેવા કોમર્શિયલ યૂઝર માટે હશે. અધિકારીઓ મુજબ ડીએમઈ મિશ્રણ ઘરેલું ભોજન પકવવા માટે હાલ યોગ્ય નથી. ભવિષ્યમાં તેની શક્યતાઓ પણ ચકાસવામાં આવશે પણ હાલમાં માત્ર કોમર્શિયલ ઉપયોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 

કરોડો લિટર ક્રૂડની આયાતમાં ઘટાડો કરીને ઈકોનોમીનું ભારણ ઘટાડાશે 

ઉલ્લેખનીય છે કે, ભારત હાલમાં પોતાની જરૂરિયાતનું ૮૫ થી ૯૦ ટકા ક્રૂડ આયાત કરે છે. તે અંદાજે ૨૦૦ મિલિયન ટનથી વધારે ક્રૂડ આયાત કરે છે. છેલ્લાં કેટલાક સમયથી E20 બ્લેંડિંગ પોલિસીના કારણે તેમાં ૧૦૫૦ કરોડ લિટર જેવો ઘટાડો થયો છે. આગામી સમયમાં દેશના કુલ વાહનોમાંથી માત્ર ૨૫ ટકા વાહનો પણ E100  ઉપર કામ કરવા લાગે અને ચાલવા લાગે તો અન્ય કરોડો લિટર ક્રૂડની બચત થઈ શકે તેમ છે. તેના દ્વારા સરકારને મોટો ફાયદો થશે અને ફ્લેક્સ ફ્યૂઅલ માટે માલ-સામાન આપીને ખેડૂતોને મોટો ફાયદો થાય તેમ છે. બીજી વાત એવી છે કે, ઈથોનોલની કિંમત પેટ્રોલ કરતા ઘણી ઓછી હશે. તેના કારણે લોકોને પણ મોટો આર્થિક લાભ થાય તેમ છે. જાણકારોના મતે ઈથેનોલના ભાવ પેટ્રોલ કરતા ઘણા ઓછા હશે. બીજી તરફ ચિંતા એવી પણ છે કે, તેની માઈલેજ ઓછી છે તેથી પેટ્રોલની સરખામણીએ ૨૫ થી ૩૦ ટકા વધારે ઈથેનોલનો વપરાશ થશે તેથી કિંમતની સરેરાશ સરખી આવીને ઊભી રહે તેવું બને.

 ઉલ્લેખનીય છે કે, બ્રાઝિલમાં ઈથેનોલ દ્વારા વાહનો દોડાવવામાં આવી રહ્યા છે. અહીંયા ૧૯૭૦થી આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. અહીંયા મોટાભાગની તમામ ગાડીઓ ફ્લેક્સ ફ્યૂઅલ અને E100  ઈથેનોલ ઉપર જ ચાલે છે. અહીંયા સૌથી વધારે ઈથેનોલ શેરડીમાંથી બનાવવામાં આવે છે. અમેરિકામાં પણ E10 અને E85 એન્જિન ધરાવતા વાહનો સામાન્ય છે. બીજી તરફ અમેરિકામાં E100 ને ધારી સફળતા અને માન્યતા મળી નહીં. આ સિવાય સ્વીડનમાં પણ E85 નો વ્યાપક અને અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં હાલમાં વાહનો E20  ઈથનેલો ઉપર જ ચાલી શકે તેટલા સક્ષમ છે. ભારતમાં E85 અથવા તો E100  જેવી કેપેસિટી ધરાવતા વાહનો હજી વિકસાવવામાં આવ્યા નથી. તેના ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં નવી કેપેસિટી અને એબિલિટી ધરાવતા વાહનો રસ્તા ઉપર આવી જાય તેવું દેખાઈ રહ્યું છે.