Get The App

કમલ, હેનરી પછી કિક્કેરીઃ અમેરિકામાં ત્રીજા સફળ ટેક્નોક્રેટનો સપરિવાર આપઘાત

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
કમલ, હેનરી પછી કિક્કેરીઃ અમેરિકામાં ત્રીજા સફળ ટેક્નોક્રેટનો સપરિવાર આપઘાત 1 - image


- ભારતની પાકિસ્તાન અને ચીન સાથેની સરહદે સુરક્ષાને મજબૂત બનાવવા માટે કિક્કેરીએ રોબોટિક સોલ્યુશન્સના ઉપયોગની દરખાસ્ત મોદી સામે મૂકી હતી

- કર્ણાટકના વિજયનગરમાં રજિસ્ટર્ડ ઓફિસ ધરાવતી રોબોટિક્સ કંપની હોલોવર્લ્ડ હોલોસ્યુટની શોધના કારણે ભારે ચર્ચામાં છે ત્યારે જ કિક્કેરીએ પત્ની-પુત્રની હત્યા કરીને પોતે પણ જીવન ટૂંકાવતાં અનેક સવાલો ઉઠયા છે. હર્ષવર્ધને એઆઈ)નો ઉપયોગ કરીને બનાવેલો હોલોસ્યુટ ક્રાંતિકારી શોધ મનાય છે. ફુલ-બોડી મોશન કેપ્ચર સૂટ અને વર્ચ્યુઅલ ટ્રેનર એવો  હોલોસૂટ સ્પોર્ટ્સ, શિક્ષણથી માંડીને હેલ્થકેર સુધીના અનેક ક્ષેત્રોમાં ઉપયોગી છે. 

યુએસ, યુકે અને ઇઝરાયલ સહિત અનેક દેશોમાં તેની નિકાસ થાય છે અને હોલોસૂટ માટે પડાપડી છે.  યુવરાજ સિંહ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે. કિક્કેરીનું રોબોટિક્સમાં એટલું મોટું નામ હતું કે, કિક્કેરી ભારતમાં હતા ત્યારે વડા પ્રધાન નરન્દ્ર મોદીએ પણ તેમને મળવા બોલાવ્યા હતા. ભારતની પાકિસ્તાન અને ચીન સાથેની સરહદે સુરક્ષાને મજબૂત બનાવવા માટે કિક્કેરીએ રોબોટિક સોલ્યુશન્સના ઉપયોગની દરખાસ્ત મોદી સામે મૂકી હતી. 

અમેરિકાના વોશિંગ્ટનમાં ભારતીય મૂળના ટેકનોક્રેટ હર્ષવર્ધન કિક્કેરીએ પત્ની શ્વેતા પન્યામ અને દીકરા ધુ્રવની હત્યા કરીને પોતે આપઘાત કરી લીધો એ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. ૪૫ વર્ષના હર્ષવર્ધન કિક્કેરી સફળ ટેકનોક્રેટ હતા અને હોલોવર્લ્ડના સીઈઓ હતા. કિક્કેરીનાં પત્ની શ્વેતા પન્યામ ૪૧ વર્ષનાં છે અને પોતે ટેકનોક્રેટ છે. હોલોવર્લ્ડ કંપનીનાં કો-ફાઉન્ડર શ્વેતા કિક્કેરીની સફળતામાં પૂરેપૂરાં સહભાગી હતાં. તેમનો દીકરો ધુ્રવ તો માત્ર ૧૪ વર્ષનો હતો. હર્ષવર્ધન અને શ્વેતાને ૭ વર્ષનો બીજો પણ એક દીકરો છે. ઘટના બની ત્યારે બીજો દીકરો ઘરે નહોતો તેથી બચી ગયો. બાકી આખો પરિવાર સાફ થઈ ગયો હોત. 

આ ઘટનાએ અમેરિકામાં રહેતા ભારતીયો ને ખાસ તો ટેકનોક્રેટ્સમાં સોપો પાડી દીધો છે કેમ કે છેલ્લા દોઢ વર્ષમાં અમેરિકામાં અત્યંત સફળ ટેકનોક્રેટ કમ બિઝનેસમેને પરિવારનાં લોકોની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધો હોય એવી આ ત્રીજી ઘટના છે. ગયા વરસે જાન્યુઆરીમાં રાકેશ કમલ નામના મૂળ ભારતીય ધનિકે પોતાની પત્ની ટીના અને ૧૮ વર્ષની દીકરી અરિયાનાની હત્યા કરીને પોતે આપઘાત કરી લીધો હતો. 

કમલ પરિવારના મોતનું રહસ્ય ઉકેલાય એ પહેલાં વધુ એક ધનિક ભારતીય ટેકનોક્રેટ આનંદ સુજીત હેન્રીના પરિવારનું રહસ્યમય રીતે મોત થયું. લોજિટ્સ નામની કંપનીનો માલિક ૪૨ વર્ષનો આનંદ તેની ૪૦ વર્ષીય પત્ની એલિસ બેન્ઝીગર અને જોડિયા દીકરા નોઆહ અને નેથન સાથે કેલિફોર્નિયાના સાન માતેયોમાં આલિશાન ઘરમાં રહેતો હતો. ગયા વરસે ફેબ્રુઆરીમાં પરિવારનાં ચારેય લોકોના મૃતદેહ તેમના ઘરમાંથી મળ્યા હતા. આનંદ અને એલિસ બાથરૂમમાં જ્યારે નોઆહ અને નેથન બેડરૂમમાં મૃત હાલતમાં પડયાં હતાં. આનંદ અને એલિસનું મોત ગોળી વાગવાથી જ્યારે ટ્વિન દીકરાઓને ગળુ દબાવીને મોત થયું હોવાનું પોલીસે કહેલું. 

આ બંને કેસોમાં કશું નકક્ર બહાર આવે એ પહેલાં હર્ષવર્ધન કિક્કેરીના પરિવારનું રહસ્યમય રીતે મોત થઈ ગયું. કમલ, હેન્રી અને કિક્કેરી પરિવારના મોતમાં ઘણી સામ્યતાઓ છે. ત્રણેય ઘટનામાં ભોગ બનેલો પરિવાર બહારથી અત્યંત સુખી હતો ને સફળ હતો. પરિવાના મોભીએ જ પરિવારને પતાવીને આપઘાત કરી લીધો. હત્યા પણ તેમણે લગભગ સરખી રીતે જ કરી છે કેમ કે ત્રણેય હત્યામાં પિસ્તોલનો ઉપયોગ થયો છે. 

કર્ણાટકના વિજયનગરમાં રજિસ્ટર્ડ ઓફિસ ધરાવતી રોબોટિક્સ કંપની હોલોવર્લ્ડ હોલોસ્યુટની શોધના કારણે ભારે ચર્ચામાં છે ત્યારે જ કિક્કેરીએ પત્ની-પુત્રની હત્યા કરીને પોતે પણ જીવન ટૂંકાવતાં અનેક સવાલો ઉઠયા છે. હર્ષવર્ધને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરીને બનાવેલો હોલોસ્યુટ ક્રાંતિકારી શોધ મનાય છે. હોલોસુટ ફુલ-બોડી મોશન કેપ્ચર સૂટ છે કે દે વર્ચ્યુઅલ ટ્રેનર તરીકે કામ કરે છે. હોલોસૂટ સ્પોર્ટ્સ, શિક્ષણથી માંડીને હેલ્થકેર સુધીના અનેક ક્ષેત્રોમાં ઉપયોગી છે.  યુએસ, યુકે અને ઇઝરાયલ સહિત અનેક દેશોમાં તેની નિકાસ થાય છે અને હોલોસૂટ માટે પડાપડી છે.  ક્રિકેટર યુવરાજ સિંહ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે.

હોલોસૂટ પહેલાં પણ કિક્કેરી સફળ હતા કેમ કે તેમની કંપની હોલોવર્લ્ડ રોબોટિક ફિલ્ડમાં વિશ્વની ટોપ કંપનીઓમાં એક છે. કર્ણાટકના કિક્કેરી ગામમાં પેદા થયેલા ઇનોવેટર હર્ષવર્ધન કિક્કેરીના પિતા કર્ણાટકમાં જાણીતા ભાષાવિદ છે. હર્ષવર્ધન મૈસુર અને પછી યુએસમાં ભણેલા છે.  સિરાક્યુઝ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યા પછી માઈક્રોસોફ્ટમાં કામ કરેલું. કિક્કેરીને માઇક્રોસોફ્ટમાં કામ કરતી વખતે રોબોટિક્સમા રસ પડતાં તેના પર  ધ્યાન કેન્દ્રિત કર્યું. ૨૦૧૭માં કિક્કેરી ભારત પાછા આવી ગયેલા અને મૈસુરૂમાં હોલોવર્લ્ડ કંપનીની સ્થાપના કરી હતી. 

આ કંપની સફળ થતાં કિક્કેરીએ એઆઈ બેઝ્ડ પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરેલું. ભારતમાં એઆઈનો બહુ વિકાસ નહીં થયો હોવાથી કોરોના પછી કિક્કેરી પરિવાર પાછો અમેરિકા જતો રહેલો. હર્ષવર્ધન અને શ્વેતા અમેરિકામાં રહીને જ કંપનીનું સંચાલન કરતાં હતાં. 

કિક્કેરીનું રોબોટિક્સમાં એટલું મોટું નામ હતું કે, કિક્કેરી ભારતમાં હતા ત્યારે વડા પ્રધાન નરન્દ્ર મોદીએ પણ તેમને મળવા બોલાવ્યા હતા. ભારતની પાકિસ્તાન અને ચીન સાથેની સરહદે સુરક્ષાને મજબૂત બનાવવા માટે કિક્કેરીએ રોબોટિક સોલ્યુશન્સના ઉપયોગની દરખાસ્ત મોદી સામે મૂકી હતી. 

આ દરખાસ્તનું કશું ના થતાં પોતાની કંપનીના વિકાસ માટે ૨૦૨૨માં કિક્કેરી અને તેમનો પરિવાર યુએસ પાછા જતા રહ્યા હતા. યુએસમા સફળતાનો સિલસિલ ચાલુ રહ્ય હતો અને હોલોસૂટના કારણે બિઝનેસ પણ ધમધોકાર ચાલતો હતો. કિક્કેરીના નામે ૪૪ આંતરરાષ્ટ્રીય પેટન્ટ હતી. મોટા ભાગની પેટન્ટ રોબોટિક્સને લગતી હોવાથી રોયલ્ટીની પણ જોરદાર કમાણી હતી. યુએસ, યુરોપ, ચીન અને જાપાનમાં ટોચની રોબોટિક્સ કંપનીઓ ક્રિક્કેરીની પટન્ટ્સનો ઉપયોગ કરીને રોબોટ બનાવે છે. 

કિક્કેરીનો ટ્રેક રેકોર્ડ જોતાં તેમની સફળતા વિશે કોઈ શંકા નથી. આર્થિક કે બીજી કોઈ સંકડામણનો પણ સવાલ નથી. બે દીકરા અને પત્ની સાથે હર્ષવર્ધન અમેરિકામાં શાંતિથી જીવતા હતા જ્યારે તેમનાં માતા-પિતા અહીં શાંતિથી રહેતાં હતાં. હર્ષવર્ધનને એક ભાઈ છે અને એ પણ અમેરિકામાં સેટલ હોવાથી કિક્કેરીએ આપઘાત કરવો પડે એવા સંજોગો જ નહોતા.

સફળતાની સાથે ઘણી વાર સમસ્યાઓ પણ આવતી હોય છે. પતિ કે પત્ની બેમાંથી કોઈને લગ્નેતર સંબંધો કે બીજાં કોઈ કારણોસર કૌટુંબિર જીવનમાં વિખવાદ થાય તેના કારણે લોકો આવેશમાં આવીને પરિવારને ખતમ કરી નાંખે ને પોતે પણ મોતને વહાલું કરે એવું બનતું હોય છે. કિક્કેરીના જીવનમાં એવું કંઈક બન્યું હોવાની શક્યતા નકારી ના શકાય. 

આ પણ એક અટકળ જ છે અને પોલીસ સત્તાવાર રીતે કંઈ ના કહે ત્યાં સુધી કશું કહી ના શકાય. પોલીસ કમલ અને હેન્રીના પરિવારના મોતના કિસ્સામાં બન્યું એમ કશું ના કહે તો કિક્કેરી પરિવારનું મોત પણ રહસ્ય બનીને રહી જાય એવું બને.

સફળ ટેકનોક્રેટ રાકેશ કમલે પત્ની, દીકરીની હત્યા પછી પોતે આપઘાત કરી લીધેલો

રાકેશ કમલ અને તેમના પરિવારના રહસ્યમય મોતે અમેરિકામાં ભારે ઉત્તેજના પેદા કરેલી પણ મોતનું રહસ્ય કદી ના ઉકેલાયું.  રાકેશ કમલ ઉર્ફે રિક બોસ્ટન યુનિવર્સિટી, મેશેશ્યુએટ્સ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી) સ્લોઅન સ્કૂલ ઓફ મેનેટમેન્ટ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલા હતા જ્યારે તેમનાં પત્ની ટીના દિલ્હી યુનિવર્સિટીમાં અને પછી હાર્વર્ડમાં ભણેલાં હતાં. બંનેએ અમેરિકાની ટોચની કંપનીઓમાં નોકરી કર્યા પછી એડયુનોવા નામે એડ-ટેક કંપની શરૂ કરી હતી. તેમની દીકરી અરિયાના મેડિકલ કોલેજમં ભણતી હતી. 

રાકેશ કમલ ધનિક હતા પણ તેમના માથે ભારે દેવું હતું. રાકેશે ૨૦૧૯માં ૫૪.૫ લાખ ડોલરમાં ૧૧ બેડરૂમનું આલિશાન ઘર ખરીદ્યું ત્યારે ભારે ચર્ચા થયેલી.  ૨૦૨૨માં આ ઘર વિલસનડેલ એસોસિએટ્સ એલએલસીને ૩૦ લાખ ડોલરમાં વેચી દેવું પડેલું.  દેવામાંથી બહાર આવવા માટે રાકેશે આલિશાન મકાન ૨૪ લાખ ડોલરની ખોટ ખાઈને વેચી દેવું પડયું તેના કારણે પરિવાર આર્થિક ભીંસમાં હતો એ સ્પષ્ટ છે. રાકેશનાં પત્ની ટીનાએ પણ દેવું ના ભરી શકતાં નાદાર નોંધાવવા માટે કોર્ટમાં અરજી કરેલી. 

ટીના કમલે પોતાના માથે ૧૦ લાખ ડોલરથી માંડીને ૧ કરોડ ડોલર સુધીનું દેવું હોવાનો દાવો નાદારીની અરજીમાં કરેલો. કોર્ટે આ અરજી ફગાવી દેતાં રાકેશ કમલનો પરિવાર આર્થિક રીતે ભારે તકલીફમાં હતાં તેથી આપઘાત કરી લીધો એવી શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. આ વાત ગળે ઉતરે એવી નહોતી કેમ કે જાણીતા એજ્યુ-ટેક કન્સલ્ટન્ટ હતા રાકેશ-ટીના  આ દેવું  ભરી શકે તેમ હતાં. તેમના માથે દેવું હતું તેના કરતાં વધારેની સંપત્તિ તેમની પાસે હતી જ.

આનંદ હેન્રીએ પત્ની, જોડિયા દીકરાઓની હત્યા કરીને આપઘાત કરી લીધેલો

અમેરિકામાં ૨૦૨૪ના ફેબ્રુઆરીમાં ધનિક ભારતીય આનંદ સુજીત હેન્રીનું પરિવાર સાથે રહસ્યમય રીતે મોત થયું એ કેસમાં પણ પોલીસ કશું નક્કર શોધી શકી નથી.  ૪૨ વર્ષનો આનંદ તેની ૪૦ વર્ષીય પત્ની એલિસ બેન્ઝીગર અને જોડિયા દીકરા નોઆહ અને નેથન સાથે કેલિફોર્નિયાના સાન માતેયોમાં આલિશાન ઘરમાં રહેતો હતો.  લોજિટ્સ નામની કંપનીનો માલિક આનંદ અને એલિસ કેરળના કોલ્લમનાં હતાં અને ૧૦ વર્ષ પહેલાં અમેરિકા ગયાં હતાં. બંને આઈટી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં હતાં અને સફળ કારકિર્દી ધરાવતાં હતાં. ગુગલમાં સોફ્ટવેર એન્જીનિયરિંગ મેનેજર તરીકે ૭ વર્ષ સુધી કામ કર્યા પછી ૨૦૨૨ના ફેબ્રુઆરીમાં આનંદ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, થ્રેડ્સ અને વોટ્સએપ સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માલિક મેટામાં જોડાયો હતો. ૨૦૨૩ના જૂનમાં આનંદે મેટા પણ છોડી દીધીને લોજિટ્સ નામે પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું હતું. 

આનંદનું સ્ટાર્ટ અપ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સાથે જોડાયેલું હતું તેથી ભાવી ઉજ્જવળ હતું. અલબત્ત સાન માતેયો પોલીસે દાવો કરેલો કે, આનંદ-એલિસ વચ્ચે ઝગડા થતા હોવાથી ઘણી વાર પોલીસે જવું પડયું હતું. બંનેએ ૨૦૧૬માં ડિવોર્સ માટેની પ્રોસેસ કરેલી. એલિસ કે આનંદના લગ્નેતર સંબધોના કારણે વિખવાદ થતો હોવાની વાતો પણ ચાલી હતી પણ તેના કોઈ પુરાવા નહોતા મળ્યા તેથી હેન્રી પરિવારનું મોત પણ રહસ્ય બનીને રહી ગયું.

Tags :