Get The App

ઈરાન હુમલો : ખામેનેઈને ખામોશ કરવા પેન્ટાગોન મરણિયું થયું

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન હુમલો : ખામેનેઈને ખામોશ કરવા પેન્ટાગોન મરણિયું થયું 1 - image

- ઈરાનમાંથી કોઈપણ ભોગે ખામેનેઈની સત્તા દૂર કરીને પોતાનો પાળેલો પોપટ બેસાડી વિવિધ સ્તરે લાભ લેવા અમેરિકાના ધમપછાડા

- પેન્ટાગોનની આ સત્તાભુખે વધુ એક દેશને ભરડામાં લીધો છે. પેન્ટાગોન દ્વારા ઈઝરાયેલની મદદ લઈને ખામેનેઈને એકડો કાઢી નાખવાની યોજના કરાઈ છે. પેન્ટાગોનની આ પાવર ગેમ મિડલ ઈસ્ટના સમીકરણો બગાડશે તેમાં કોઈ નવાઈ નથી : પેન્ટાગોનનો દાવો છે કે, ખામેનેઈ સરકાર દ્વારા આતંકીઓને તાલિમ આપવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે, હથિયરો આપવામાં આવે છે જેથી તેઓ આ પૃથ્વી ઉપર રક્તપાત કરી શકે. ઈરાન દ્વારા પોષવામાં આવતા હમાસે જ ઓક્ટોબરમાં ઈઝરાયેલ ઉપર હુમલો કરીને 1000 નિર્દોષ લોકોની હત્યા કરી નાખી હતી : અમેરિકા હાલની સ્થિતિનો લાભ લઈને વેનેઝુએલાની જેમ ખોમેનઈને સત્તા ઉપરથી હટાવીને બધું જ પોતાના હસ્તક કરી લે તો પણ કશું કહી શકાય નહીં. જાણકારો માને છે કે, અમેરિકા અને ઈઝરાયેલે ખામેનેઈને હટાવવા મોટો જુગાર ખેલ્યો છે પણ હવે બીજા કોણ મારે છે તે આવનારો સમય જ બતાવશે 

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન ઉપર વ્યાપક હુમલો કરવામાં આવ્યો છે. બીજી તરફ ઈરાને વળતા હુમલાની શરૂઆત કરી દીધી છે. અમેરિકા અને ઈઝારાયેલે અચાનક કરેલી આ એર સ્ટ્રાઈકને પગલે સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવ ફેલાઈ ગયો છે. તેના પગલે સમગ્ર મિડલઈસ્ટ યુદ્ધગ્રસ્ત થાય તેવી સ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં ગત મહિને થયેલા પ્રજાના વિરોધ અને વિદ્રોહ વચ્ચે અમેરિકી પ્રમુખ કુદી પડયા હતા. ડોનાલ્ડ ટ્રેમ્પે ત્યારે ઈરાનના લોકોને સંબોધતા સંદેશ પાઠવ્યો હતો કે ટૂંક સમયમાં તમારા સુધી મદદ પહોંચી જશે અને બધું બદલાઈ જશે. જાણકારો માને છે કે ટ્રમ્પ જે મદદની વાત કરતા હતા તે હવે અમેરિકાએ અને ઈઝરાયેલે સાથે મળીને પહોંચાડવાની શરૂઆત કરી દીધી છે. 

ઉલ્લેખનીય છે કે, શનિવારે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે ઈરાનના વિવિધ ઠેકાણા ઉપર હુમલા કરાયા હતા. ખાસ કરીને ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈ અને પ્રમુખ માસૌદ પેઝેશેકીઆનના ઠેકાણા ઉપર મિસાઈલો દાગવામાં આવી હતી. આ હુમલામાં ત્યાંના સ્થાનિક સ્ટાફ અને અન્ય લોકોને નુકસાન થયું છે, ઘણા લોકોનાં મોત થયા છે પણ ખામેનેઈ ત્યાંથી સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે. તેમણે આ બંને દેશોને વળતો જવાબ આપવાની જાહેરાત કરાવી દીધી હતી. તેની સાથે જ ઈરાને ઓપરેશન લાયન્સ રોર શરૂ કરીને અમેરિકાના સાથી દેશોમાં આવેલા ઠેકાણા ઉપર મિસાઈલો દાગવામાં આવી હતી.

જાણકારો માને છે કે, આ નિર્ણય પણ પેન્ટાગોન દ્વારા લેવામાં આવ્યો છે. પેન્ટાગોન દ્વારા જ ટ્રમ્પને મોઢે વારંવાર બોલાવવામાં આવે છે કે, ઈરાનમાં એન્ડ ગેમ શરૂ કરવાની છે. ઈરાન ઘણા વર્ષોથી અમેરિકાના હાથમાં આવતું નથી. અહીંયાના વડા ખામેનેઈ એટલા શક્તિશાળી છે કે, અમેરિકાનું કશું જ ઉપજતું નથી. તેની પાસે રહેલા તેલના કુવા અને ખાસ કરીને ક્રૂડનો વેપાર કરવા માટે મહત્ત્વની ગણાતી હોમુર્ઝની ખાડી ઉપર અમેરિકા પોતાનું વર્ચસ્વ જમાવવા માગે છે. પેન્ટાગોનની આ સત્તાભુખે વધુ એક દેશને ભરડામાં લીધો છે. પેન્ટાગોન દ્વારા ઈઝરાયેલની મદદ લઈને ખામેનેઈને એકડો કાઢી નાખવાની યોજના કરાઈ છે. પેન્ટાગોન ઈરાનમાં પોતાનો પાળેલો પોપટ બેસાડીને સત્તા પોતાને હસ્તક લેવા માગે છે. તેની આ પાવર ગેમ મિડલ ઈસ્ટના સમીકરણો બગાડશે તેમાં કોઈ નવાઈ નથી.

મહત્ત્વની વાત એ છે કે, ઈઝરાયેલ અને અમેરિકા બંને ભેગા થઈને ઈરાનમાં કોઈપણ ભોગે સત્તા પરિવર્તન કરવા માગે છે. તેમનું કહેવું છે કે, એક વખત ઈરાનમાંથી ખામેનેઈની સત્તા જશે તો જ ઈરાનમાં પરિવર્તન આવશે, તો જ ઈરાનમાં આધુનિક ક્રાંતિ આવશે. હાલમાં ઈરાનના લોકો ધાર્મિક કટ્ટરવાદના નામે ફસાઈ ગયા છે. થોડા સમય પહેલાં જ ટ્રમ્પે જણાવ્યું હતું કે, છેલ્લાં ૪૭ વર્ષથી ઈરાન દ્વારા ડેથ ટુ અમેરિકાની વાતો કરવામાં આવે છે, અમેરિકા વિરુદ્ધ અભિયાનો ચલાવવામાં આવે છે. વિવિધ દેશોમાં પોતાના લડવૈયા અને આતંકીઓ મોકલીને અમેરિકી સૈનિકોની હત્યા કરાવાઈ રહી છે. બીજી તરફ પ્રજાને પીડા આપવામાં આવે છે. ઈરાનમાં ધાર્મિક કટ્ટરવાદના નામે નરસંહાર કરાઈ રહ્યો છે અને હજારો લોકોને જેલોમાં ધકેલીને પીડા આપવામા આવી રહી છે. ઈરાન દ્વારા ૧૯૮૩માં તેહરાન ખાતેની અમેરિકી એમ્બેસીને બાનમાં લેવામાં આવી હતી અને તેમાં ફરજ બજાવતા અમેરિકનોને ૪૪૪ દિવસ સુધી હોસ્ટેજ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેણે પ્રોક્સિવોર શરૂ કરીને બેરુત ખાતે મરીન બેરેક્સ ઉપર બોમ્બમારો કર્યો હતો જેમાં ૨૪૧ અમેરિકી સૈનિકોનાં મોત થયા હતા.

પેન્ટાગોનનો દાવો છે કે, ખામેનેઈ સરકાર દ્વારા આતંકીઓને તાલિમ આપવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે, હથિયરો આપવામાં આવે છે જેથી તેઓ આ પૃથ્વી ઉપર રક્તપાત કરી શકે. ઈરાન દ્વારા પોષવામાં આવતા હમાસે જ ઓક્ટોબરમાં ઈઝરાયેલ ઉપર હુમલો કરીને ૧૦૦૦ નિર્દોષ લોકોની હત્યા કરી નાખી હતી. તેમાં પણ ૪૬ અમેરિકી નાગરિકોનાં મોત થયા હતા. તે ઉપરાંત ૧૨ અમેરિકનોને હોસ્ટેજ બનાવવામાં આવ્યા હતા. તે સમયે ઈરાન પ્રેેરિત આતંકવાદીઓએ ભયાનક નરસંહાર કર્યો હતો જે દુનિયાએ ક્યારેય જોયો નહોતો.

બીજી તરફ પેન્ટાગોન દ્વારા એવું કહેવાઈ રહ્યું છે કે, ઈરાન દ્વારા છેલ્લી અડધી સદીમાં જે આતંક ફેલાવાયો છે, જે જઘન્ય કાર્યો કરવામાં આવ્યા છે અને તેમાંય ખામેનેઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે તેને અટકાવવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઈરાનને અમાનવિય, જઘન્ય સરમુખત્યારના સકંજામાંથી મુક્ત કરાવવા માટે આ હુમલા કરાઈ રહ્યા છે. લોકો તેમાંથી મુક્ત થાય અને ખુલ્લા વાતાવરણમાં જીવી શકે તે જ અમેરિકાનો આશય છે. ઈરાન ન્યૂક્લિયર મિસાઈલ બનાવે નહીં, આતંકવાદ ફેલાવે નહીં અને દુનિયામાં શાંતિ જળવાયેલી રહે તે માટે અમેરિકા કામ કરી રહ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે, અમેરિકી પ્રમુખ દ્વારા ઈરાનના લોકોને ગૃહયુદ્ધ શરૂ કરી દેવાની સલાહ અપાઈ છે. ઈરાનમાં યુવાનો ભેગા થઈને આંદોલન કરે તેના માટે અમેરિકા અને ઈઝરાયેલ ઉશ્કેરણી કરી રહ્યા છે. ટ્રમ્પ ત્યાંના યુવાનોને કહી રહ્યા છે કે, આતંકીઓ સામે આક્રમણ કરો અને તમારા ભવિષ્યનું સુકાન તમારા હાથમાં લઈ લો અને ઉજ્જવળ ભવિષ્ય બનાવો. અત્યારે જ યોગ્ય સમય છે કે, સરમુખત્યાર સામે પગલાં લેવામાં આવે અને તેનો અંત કરવામાં આવે.

પેન્ટાગોન અને અમેરિકી પ્રમુખ જણાવે છે કે, ઈરાનના વડા ખામેનેઈ આ હુમલા માટેનું સૌથી મોટું કારણ છે. તેઓ ઘણા વર્ષોથી અમેરિકાને અને ઈઝરાયેલને પોતાના કટ્ટર દુશ્મન ચિતરી રહ્યા છે. ૧૯૮૯માં ખામેનેઈ સત્તા ઉપર આવ્યા ત્યારથી ઈરાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ ચલાવી રહ્યા છે. તેઓ યુરેનિયમ એનરિચમેન્ટના નામે ન્યૂક્લિયર વેપન્સ બનાવી રહ્યા છે જે સમગ્ર વિશ્વ માટે જોખમી છે. ખામેનેઈ અમેરિકા અને ઈઝરાયેલને કેન્સરની ગાંઠ જેવા ગણાવી રહ્યા છે. તેઓ સતત અમેરિકાની બદનામી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ અમેરિકાએ ઈરાનના પરમાણુ કેન્દ્રોને ટાર્ગેટ કરીને હવાઈ હુમલા કર્યા હતા. તે સમયે પણ ઈરાને અમેરિકાનો વિરોધ કર્યો હતો. તેણે પોતાનો પરમાણુ કાર્યક્રમ હજી ચાલુ રાખ્યો છે. ખામેનેઈને તેનાથી કોઈ જ ફરક પડયો નથી. તેઓ વધારે મજબુતી સાથે કામ કરવા લાગ્યા હતા.  

તેમાં પણ અમેરિકા સાથે પરમાણુ કરાર મુદ્દે ઈરાનની વાટાઘાટોમાં પણ ખામેનેઈ ગાંઠતા નહોતા. તેમણે અમેરિકાને રોકડું પરખાવતા જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર કરીને અમેરિકાની સત્તા ઉપર આવનારા કોઈ નેતા સાથે ડીલ કરવા માટે ઈરાન તૈયાર નથી. અમારો ધર્મ અમને આવું કરવાની મંજૂરી આપતો નથી. તેમણે યુરેનિયમ એનરિચમેન્ટ કાર્યક્રમ ચાલુ રાખવાની જ જીદ પકડે છે. તેઓ ઈઝરાયેલને પણ આતંકવાદી દેશ ગણાવી રહ્યા છે. તેઓ જણાવે છે કે, ઈઝરાયેલ કોઈ દેશ નથી. તે પશ્ચિમી દેશો માટે એક ગઢ છે, એક આતંકવાદી અડ્ડો છે જેના દ્વારા મિડલ ઈસ્ટના ઈસ્લામિક દેશોને પરેશાન કરવામાં આવે છે. ઈરાનના આ વલણથી હવે પેન્ટાગોન અકળાયું છે અને કોઈપણ ભોગે સત્તા પોતાના હાથમાં લઈને ખામેનેઈને ખામોશ કરવા માગે છે.

પહલવી, હસન રુહાની કે પછી અમેરિકા : ખામેનેઈ બાદ સત્તા ઉપર કોણ? 

ઈરાનમાં ખામેનેઈની સત્તા જતી રહે તો સત્તામાં કોણ આવે તેની ચર્ચાએ પણ જોર પકડયું છે. આ દિશામાં પહેલો વિકલ્પ ચર્ચાય છે તે રેઝા પહલવી છે. ઈરાનના પૂર્વ વડા અને શાહ જેમણે ૧૯૪૧થી ૧૯૭૯ સુધી ઈરાનને વિકસાવ્યું હતું તેમના પુત્ર છે રેઝા પહલવી. ઈરાનમાં તેમના પિતાની સત્તા ગઈ તે સમયથી તેમનો પરિવાર અમેરિકામાં જ રહે છે. જાણકારો માને છે કે, પહલવી હાલમાં તો ઈરાન ઉપર અસર જન્માવી શકે તેમ દેખાતા નથી. તેમ છતાં લોકોનું માનવું છે કે, તેઓ પણ તેમના પિતાની જેમ મુક્ત ઈરાનના સપના સાથે નેતૃત્વ કરવા માગે અને ઈરાનને વિકસિત કરે તો લોકોનો તેમને સાથ મળશે. તેઓ અમેરિકાની મદદથી સત્તામાં પરત ફરવાના પ્રયાસ કરી રહ્યા છે. ઈરાનમાં જ બીજા વિકલ્પ તરીકે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ હસન રુહાની અને અન્ય કેટલાક વિરોધપક્ષના નેતાઓના નામ ચાલે છે. તેમાં રુહાની પ્રબળ દાવેદાર ગણાય છે. 

રુહાની પણ અમેરિકા સાથે સીધા સંપર્ક ધરાવતા નેતા છે. તેઓ જ્યારે ૨૦૧૩માં ઈરાનના પ્રમુખ બન્યા હતા ત્યારે તેઓ અમેરિકા સાથે સીધો સંપર્ક ધરાવતા ઈરાનના પહેલા નેતા હતા. તેઓ આજે પણ પશ્ચિમી દેશો સાથે જોડાણ ધરાવે છે. તેમના થકી પણ ઈરાનમાં પરિવર્તન આવે તેમ છે. આ સિવાય સૈયદ હુસૈન મૌસેવિયનનું નામ પણ ચર્ચાય છે. તેઓ વિદેશનીતિના જાણકાર છે અને ઘણો લાંબો સમય યુરોપ સાથેના ઈરાનના રાજદૂત રહેલા છે. તેઓ પણ પશ્ચિમી દેશો અને અમેરિકા સાથે સારું જેડાણ ધરાવે છે જે ઈરાનને લાભ કરે તેમ છે. આ સિવાય જાણકારો માની રહ્યા છે કે, એકંદરે સત્તા પરિવર્ર્તન થશે તો પણ અમેરિકાની મદદ અને તેની અસરથી જ નવા નેતાની સત્તા આવે તેમ છે. તે ઉપરાંત અમેરિકા હાલની સ્થિતિનો લાભ લઈને વેનેઝુએલાની જેમ ખોમેનઈને સત્તા ઉપરથી હટાવીને બધું જ પોતાના હસ્તક કરી લે તો પણ કશું કહી શકાય નહીં. જાણકારો માને છે કે, અમેરિકા અને ઈઝરાયેલે ખામેનેઈને હટાવવા મોટો જુગાર ખેલ્યો છે પણ હવે બીજા કોણ મારે છે તે આવનારો સમય જ બતાવશે.