- અલ નીનો વિશાળ સ્વરૂપ ધારણ કરીને ભારત તરફ આગળ વધી રહ્યું છે, અનેક પ્રદેશોમાં દુષ્કાળની ભીતિ
- પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન વધવું તે કુદરતી પ્રક્રિયા છે. આ વખતે તેમાં વ્યાપક વધારો થયો છે. સપ્ટેમ્બર સુધીમાં તે ૨.૫ ડિગ્રી જેટલું વધારે ગરમ થઈ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ સંજોગોમાં સુપર અલ નીનો ભારત ઉપર ત્રાટકવાના પ્રબળ સંકેત મળી રહ્યા છે ઃ ૧૫૦ વર્ષ બાદ અલ નીનો વ્યાપક સ્વરૂપ લઈ રહ્યું છે તેના કારણે જ ભારત અને અન્ય કેટલાક દેશોમાં વાતાવરણમાં વ્યાપક પલટો આવ્યો છે. એક અંદાજ પ્રમાણે ૧૮૭૭-૭૮માં ભયાનક ગરમી પડી હતી. તે સમયે અલ નીનો ઈફેક્ટના કારણે પેસિફિક રિજનમાં હાહાકાર મચી ગયો હતો. હાલ ૨૦૨૬માં જે સુપર અલ નીનો આકાર લેશે તેની અસર ૨૦૨૭ સુધી જોવા મળે તેમ છે ઃ મધ્ય ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ ખેંચાવાની અને ઘટવાની શક્યતાથી દેશના ૫૧ ટકા ખેત ઉત્પાદનને પણ અસર થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. વરસાદ ભારતીય અર્થતંત્રનો આધાર છે. કૃષિ મંત્રાલયના અંદાજ પ્રમાણે ૫૧ ટકા ખેતી અને ૪૦ ટકા ખેત પેદાશોના ઉદ્યોગો વરસાદ ઉપર જ આધારિત છે. દેશની ૪૭ ટકા વસતીની રોજગારી અને આજીવિકા ખેતી સાથે જોડાયેલી છે. જો વરસાદમાં ઘટાડો થયો તો ગ્રામ્ય વિસ્તારોને નુકસાન જશે
અલ નીનો અંગે તાજેતરમાં ચીનના હવામાન ખાતા અને જાણકારોએ ચેતવણી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે, પ્રશાંત મહાસાગર ઉકળી રહ્યો છે. તેની સપાટી સતત ગરમ થઈ રહી છે અને તેના પગલ વિશાલ અલ નીનો સર્જાઈ રહ્યું છે અને તે ધીમે ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે. જાણકારો માને છે કે, આ વખતે અલ નીનો ખૂબ જ વિનાશક સાબિત થશે અને સાઉથ એશિયાને ઘમરોળશે. તેમાંય સૌથી વધારે અસર ભારતને થાય તેવી ભીતિ છે. ભારતમાં ઉનાળો વધારે આકરો બનશે અને ચોમાસું લંબાશે અથવા તો ઓછો વરસાદ પડશે. અનેક વિસ્તારોમાં દુષ્કાળ થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. ભારત પોતાના જરૂરિયાતનું ૭૦ ટકા પાણી નૈઋત્યના ચોમાસા દ્વારા મેળવે છે. આ વર્ષે આ ચોમાસુ ખોટકાય અથવા તો અધુંરું રહે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
જાણકારોના મતે આ વખતે ગરમી જુલાઈ સુધી ખેંચાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. બીજી તરફ જૂનમાં થોડોઘણો વરસાદ પડયા બાદ જુલાઈના અંતમાં કે ઓગસ્ટમાં વરસાદ આવે તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે. ખેતી અને પાણીનું મોટું સંકટ સર્જાવાની ચેતવણી આપવામાં આવી છે. જાણકારોએ જણાવ્યું કે, પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન વધવું તે કુદરતી પ્રક્રિયા છે. દર વર્ષે તેના તાપામાનમાં વધારો કે ઘટાડો થતો જ હોય છે. આ વખતે તેમાં વ્યાપક વધારો થયો છે. સપ્ટેમ્બર સુધીમાં તે ૨.૫ ડિગ્રી જેટલું વધારે ગરમ થઈ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ સંજોગોમાં સુપર અલ નીનો ભારત ઉપર ત્રાટકવાના પ્રબળ સંકેત મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં પણ દેશમાં ગરમીએ હાહાકાર મચાવેલો છે. દેશમાં ઘણા વિસ્તારોમાં તાપમાન ૪૭ ડિગ્રી સુધી પહોંચી ગયેલું છે. હાલમાં વાતાવરણ સતત ગરમ અને શુષ્ક રહે છે અને પવનનું પ્રમાણ સાવ ઓછું થઈ રહ્યું છે. તે ઉપરાંત વાદળો પણ આકાશમાં હોતા નથી તેના કારણે દિવસભર ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રી મોનસૂન ક્લાઈમેટમાં પણ આ વખતે મોડું થવાના એંધાણ છે અને તેની અસરના ભાગરૂપે જ ગરમીમાં વધારો થયો છે. હવામાન ખાતાના જાણકારો માને છે કે, ભારતનો ૫૫ ટકા ભાગ હાલમાં હાઈ હીટ રિસ્ક ઝોનમાં આવેલો છે.
દેશના હવામાન ખાતાના મતે આ વખતે ગરમી વધવાનું સૌથી મોટું કારણ મેગા અલ નીનો ઈફેક્ટ છે. ૧૫૦ વર્ષ બાદ અલ નીનો વ્યાપક સ્વરૂપ લઈ રહ્યું છે તેના કારણે જ ભારત અને અન્ય કેટલાક દેશોમાં વાતાવરણમાં વ્યાપક પલટો આવ્યો છે. એક અંદાજ પ્રમાણે ૧૮૭૭-૭૮માં ભયાનક ગરમી પડી હતી. તે સમયે અલ નીનો ઈફેક્ટના કારણે પેસિફિક રિજનમાં હાહાકાર મચી ગયો હતો. હાલમાં પેસેફિક મહાસાગરનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. તેની ઉપરની સપાટી સતત ગરમ થઈ રહી છે. તેના કારણે આ વખતે અલ નીનો વિકરાળ સ્વરૂપ ધારણે કરે તેવું દેખાઈ રહ્યું છે. ૨૦૨૬માં જે મેગા અલ નીનો કે સુપર અલ નીનો આકાર લેશે તેની અસર ૨૦૨૭ સુધી જોવા મળે તેમ છે.
ચિંતાજનક બાબત એ છે કે, હાલમાં જે ગ્લોબલ સ્થિતિ છે અને તેમાં ક્લાઈમેટ ચેન્જ, પ્રદુષણ અને સતત જંગલો કાપવાની કામગીરીની જે અસર થઈ રહી છે તેના કારણે આગામી વરસે વૈશ્વિક તાપમાનમાં રેકોર્ડ સ્તરે વધારો નોંધાવાની શક્યતા છે. આજથી દોઢસો વર્ષ પહેલાં જે અલ નીનો સર્જાયું હતું તેણે દુનિયાના એક મોટા હિસ્સામાં આકાશમાંથી આગ વરસાવી હતી. વર્ષ ૧૮૭૭-૭૮માં સુપર અલ નીનો ત્રાટક્યું હતું. ભયાનક ગરમી લૂ, સુકા વાતાવરણ અને દુકાળને પગલે વૈશ્વિક વસતીની ૪ ટકા વસતીનું તે સમયે મોત થયું હતું. જાણકારોને ચિંતા છે કે, હાલમાં આવી જ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સામાન્ય રીતે મધ્ય અને પૂર્વ પેસેફિક મહાસાગરનું પાણી જ્યારે વધુ પડતું ગરમ થાય છે ત્યારે તેની જે અસર પડે છે અને હવાનો પ્રવાહ અને ગરમીનું સ્તર બદલાય છે તેને અલ નીનો ઈફેક્ટ કહેવાય છે. તેનાથી ગરમી વધે છે, ચોમાસું નબળું પડે છે અને દુનિયાભરમાં વરસાદી સિસ્ટમ ખોરવાય છે. ખાસ કરીને ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને એમેઝોન બેસિનમાં ગરમી અને દુકાળની શક્યતાઓ વધી જાય છે. ઉલ્લેખનીય છે કે, ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિની આકરી અસર શહેરો ઉપર થઈ રહી છે. તેના કારણે શહેરી વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. જાણકારોના મતે ભારતના શહેરો હવે અર્બન હીટ આઈલેન્ડ બની રહ્યા છે. મુંબઈ, દિલ્હી, ગુરુગ્રામ, લખનઉ, કાનપુર, બેંગ્લુરૂ, કટક, જયપુર, ભોપાલ, અમદાવાદ જેવા શહેરોમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ શહેરોમાં આવેલા ઉંચી ઉંચી ઈમારતો, સિમેન્ટ અને કોંક્રિટના મકાનો, ડામરના અતશિય લેયર ધરાવતા રોડરસ્તા, મોટા મોટા કાચ ધરાવતા સ્કાય સ્ક્રેપર્સ અને વૃક્ષો, બગીચા અને જંગલોના અભાવને પગેલ અહીંયા ગરમીનો વિસ્ફોટ થઈ રહ્યો છે. કોંક્રિટ, ડામર અને કાચ આખો દિવસ ગરમી ખેંચ્યા કરે છે અને રાત પડતા ધીમે ધીમે તેને રીલીઝ કરે છે. તેના કારણે દિવસે આકરી ગરમી અનુભવાય છે અને રાત્રે પણ રાહત મળતી નથી. છેલ્લાં એક દાયકામાં ભારતમાં વાર્મ નાઈટ્સમાં ૩૨ ટકાનો વધારો થયો છે. અલ નીનો ઈફેક્ટ આ વખતે ભારત માટે વધારે આકરી સાબિત થવાની છે તે અત્યારથી જ દેખાઈ રહ્યું છે. મે મહિનામાં ગરમીનો પારો ૪૮ ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. બીજી તરફ જેમ જેમ આ ઈફેક્ટ વધતી જશે તેમ તેમ ચોમાસું ખરાબ થવાની શક્યતાઓ છે. ભારતમાં ચોમાસું ખરાબ જવું તે અર્થતંત્ર માટે પણ મોટું જોખમ છે. દેશની ખેતી, જળ સંસાધન અને સમગ્ર અર્થવ્યવસ્થા ચોમાસા ઉપર ટકેલા હોય છે. હાલમાં જ ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં ભયાનક ગરમી પડી રહી છે. આ તમામ વિસ્તારોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. આ સંજોગોમાં ખેતીને નુકસાન થવાની અને ઉત્પાદન ઘટવાની ભીતી સેવાઈ રહી છે. તેની અસર ખાદ્ય પદાર્થોના ભાવ ઉપર થવાની જ છે. ઉપજ ઓછી આવશે તો ભાવ વધશે અને તેના પગલે મોંઘવારીમાં વધારો થવાનો છે. તે ઉપરાંત ચોમાસું ખરાબ જશે અને ગરમી વધશે તો પાણીની સમસ્યા પણ ઊભી થશે.
જળાશયો ભરાશે નહીં અને ભૂગર્ભજળના સ્તરમાં વધારો થશે નહીં તો પાણીની સમસ્યા અકબંધ રહેશે. ક્લાઈમેટ ચેન્જના કારણે ગરમી વધેલી જ છે તેમાંય અલ નીનો આગમાં ઘી રેડવાનું કામ કરશે તેમ દેખાઈ રહ્યું છે. પેસેફિક મહાસાગરમાં ખારાશ વધી રહી છે. તેમાં જો ઘટાડો નહીં થાય તો અલ નીનોની અસર વધુ ૨૦ ટકા આકરી થશે તેવું દેખાય છે. જાણકારો માને છે કે, મેગા અલ નીનો નામ આપવું થોડું આકરું છે પણ સ્થિતિ તેવી જ નિર્માણ પામી રહી છે.
અત્યારથી એક્શન પ્લાન રેડી કરવામાં નહીં આવે, જળ સંચય ઉપર કામ કરવામાં નહીં આવે, હીટ એક્શન પ્લાન બનાવવામાં નહીં આવે અને ખેડૂતો માટે સહાયતાની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આ વર્ષ અત્યંત કપરું સાબિત થાય તેમ છે.
- ગરમી, દુકાળ અને નબળા ચોમાસાથી 40 કરોડ લોકોને અસરની શક્યતાઓ
ખાનગી અને સરકારી હવામાન એજન્સીઓના મતે આ વખતે ગરમી અને દુકાળની સ્થિતિ વધારે જોવા મળી રહી છે. જાણકારો માને છે કે, આ વખતે ૯૦ ટકાની આસપાસ વરસાદ થવાની શક્યતાઓ હાલમાં ૪૦ ટકા જેવી દેખાઈ રહી છે. ત્યારબાદ ૩૦ ટકા શક્યતાઓ એવી પણ જણાઈ રહી છે કે, ૯૦ ટકા કરતા ઓછો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ માત્ર ૨૦ ટકા દેખાઈ રહી છે. બીજી બાજુ આ વખતે હીટ ડોમ્સ અને અલ નીનોને પગલે ગરમી વધારે અને વરસાદ ઓછો થવાની શક્યતાઓ છે. મે અને જૂનના અંત સુધી અસહ્ય ગરમી પડવાના વરતારા છે.
બીજી તરફ વરસાદનું અનુમાન પણ બદલાયું છે. આ વખતે કેટલાક વિસ્તારોમાં દુકાળની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ પણ ૩૦ ટકા વધુ માનવામાં આવી રહી છે. ઉત્તર-પશ્ચિમ ભાગ અને મધ્ય ભારતમાં વરસાદ ખેંચાશે અને ઓછો પડશે તેમ લાગી રહ્યું છે. મધ્ય ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ ખેંચાવાની અને ઘટવાની શક્યતા વિશે દેશના ૫૧ ટકા ખેત ઉત્પાદનને પણ અસર થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. વરસાદ ભારતીય અર્થતંત્રનો આધારે છે.
કૃષિ મંત્રાલયના અંદાજ પ્રમાણે ૫૧ ટકા ખેતી અને ૪૦ ટકા ખેત પેદાશોના ઉદ્યોગો વરસાદ ઉપર જ આધારિત છે. દેશની ૪૭ ટકા વસતીની રોજગારી અને આજીવિકા ખેતી સાથે જોડાયેલી છે. જો વરસાદમાં ઘટાડો થયો તો ગ્રામ્ય વિસ્તારોને નુકસાન જશે. તે ઉપરાંત ખાદ્યન્નનું ઉત્પાદન ઘટશે તો તેના ભાવ વધશે. તેનાથી દેશની ૪૦ કરોડ જનતાને અસર થશે.


