ચીન-પાક.ની કુખ્યાત જોડી : SCOની છબીને ખરડી ના નાખે!
- એસસીઓમાં પાકિસ્તાન-ચીનની મિલીભગતને કારણે ભારત અત્યંત નારાજ હોવાની અટકળો
- એસસીઓ સમીટમાં છેલ્લાં બે વર્ષથી જે રીતે આતંકવાદને કોરાણે મુકી દેવાયો છે તે જોતાં ભારત એસસીઓથી નારાજ છે અને પોતાનું સ્થાન છોડી દેવાની ગણતરી કરી રહ્યું છે : એસસીઓ 2025ના સંયુક્ત ઘોષણાપત્રમાં પણ ઘણા મુદ્દા એવા હતા જે ભારતે ખુંચ્યા હતા. આ કામગીરીમાં ચીન અને પાકિસ્તાનની યુતી સ્પષ્ટ જણાતી હતી : ઘોષણાપત્રમાં પણ સંપર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહયોગની વાત કરવામાં આવી હતી જે ચીનના બીઆરઆઈ પ્રોજેક્ટને તાકાત આપવાનો જ મુદ્દો હતો : એસસીઓની રીજનલ એન્ટિ ટેરરિસ્ટ સ્ટ્રક્ચર એટલે કે રેટ્સ દ્વારા ભારતે ઈન્ટેલિજ્ન્સ ઈનપુટ્સ અને આતંકવાદ વિરોધી ડેટા મળે છે. ભારત સંગઠન છોડી દે તો આ ડેટા મળતો બંધ થઈ જાય
વૈશ્વિક આતંકવાદ મુદ્દે તાજેતરની એસસીઓ ૨૦૨૫ની મિટિંગમાં જે રીતે નિરાશા છવાયેલી રહી અને ભારત દ્વારા રજૂ કરાયેલા મુદ્દા ઉપર કોઈ ધ્યાન જ આપવામાં ન આવ્યું તેના કારણે ભારત ખૂબ જ નારાજ થયું છે. સૂત્રોના મતે ભારત હવે આ સંગઠનમાંથી પોતાનું સ્થાન છોડવા માટે વિચારણા કરી રહ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ભારત ગમે ત્યારે આ સંગઠનમાંથી ખસી જઈ શકે છે. તેનું કારણ એવું છે કે, ગત વર્ષે પણ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગોનાઈઝેશનની મિટિંગ પછી પણ ભારતે આ સંગઠનમાં પોતાના હિતોને કોરાણે મુકાયા હોવાનું અનુભવ્યું હતું. ભારતને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરીને ચીન અને પાકિસ્તાનની કુખ્યાત જોડી સંગઠન ઉપર ધાક જમાવવામાં વ્યસ્ત છે.
ઉલ્લેખનીય છે કે, ચીનના કિંગદુઆમાં થયેલા સમિટના અંતિમ દિવસે એક સંયુક્ત ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યો હતો. તેમાં ભારતે હસ્તાક્ષર કરવાની મનાઈ કરી દીધી હતી. આ બેઠક અને જાહેરાત દરમિયાન ભારતને અનુભવાયું હતું કે, હવે આ સંગઠનમાં ચીન અને પાકિસ્તાનની બદમાશી શરૂ થઈ ગઈ છે.
આ સંગઠન હવે બદલાઈ રહ્યું છે. ભારતની સુરક્ષા અને આતંકવાદ અંગેની ચિંતાઓને સતત હાંસિયામાં ખસેડવાની જ વાત કરવામાં આવી રહી છે. ભારતના મુદ્દા અને ભારતના હિતોને ધ્યાને નહીં લેવાની કામગીરી છેલ્લાં બે વર્ષથી કરવામાં આવી રહી છે. તેના કારણે જ ભારતનું હવે એસસીઓ પ્રત્યેનું વલણ બદલાવા લાગ્યું છે.
જાણકારો માને છે કે, ભારત આ સંગઠનમાંથી ખસી જશે. હાલ પૂરતું તો ભારત ખસે તેમ જણાતું નથી પણ આ દિશામાં વિચાર ચોક્કસ કરવા લાગ્યું છે. છેલ્લાં બે વર્ષથી ભારત સાથે જે થઈ રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે, ભારત હવે તેમાં વધારે રસ દાખવશે નહીં અને તે દિશામાં વધારે કામ પણ કરશે નહીં. એક્સપર્ટ પણ માને છે કે, એસસીઓમાં ભારત પોતાની ભૂમિકા સિમિત કરી નાખશે અને માત્ર તેનો કૂટનીતિક સંગઠન તરીકે જ ઉપયોગ કરશે. ભારત હવે ક્વાડ, આઈટુયુટુ, ઈન્ડોપેસિફિટ અને પોતાના સ્વતંત્ર દ્વિપક્ષિય સંબંધો ઉપર વધારે ધ્યાન કેન્દ્રીત કરીને કામગીરી કરશે.
ગત વર્ષે પણ એસસીઓ મીટિંગ બાદ ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે જણાવ્યું હતું કે, સંગઠનમાં ભારતની પ્રાથમિકતાઓને માનવામાં આવતી નથી અને તેના ઉપર ધ્યાન પણ દેવામાં આવતું નથી. સતત બીજા વર્ષે પણ ભારત સાથે તેવું જ કરવામાં આવ્યું તેના પગલે એવું લાગી રહ્યું છે કે, ભારત હવે આ સંગઠનથી નારાજ છે. આ સંગઠનમાં ચીનની મોનોપોલી વધી રહી હોય તેમ લાગે છે તેથી ભારત હવે ઈન્ડો-પેસિફિક સંગઠન ઉપર વધારે ફોકસ કરી રહ્યું છે.
ભારતે જે દાવો કર્યો છે અને છેલ્લાં બે વર્ષમાં જે સ્થિતિ બદલાયેલી છે તે જોતા લાગી રહ્યું છે કે, એસસીઓમાં ચીન અને પાકિસ્તાનનું જોડાણ વધ્યું છે અને આ કુખ્યાત જોડી બાકીના દેશોને સાઈડલાઈન કરવા અને દબાવવામાં મથી રહી છે. છેલ્લાં બે વર્ષથી એસસીઓ મીટિંગ બાદ જાહેર કરવામાં આવતા સંયુક્ત ઘોષણાપત્ર ઉપર નજર કરીએ તો તેના મુદ્દાઓ થકી પણ આ બાબત સ્પષ્ટ થાય છે કે, ચીન અને પાકિસ્તાનની જોડી રંગ જમાવી રહી છે. ૨૦૨૪ની એસસીઓ મીટિંગ અસ્તાના, કઝાકસ્તાનમાં થઈ હતી. ત્યારે ભારતના મહત્ત્વના મુદ્દાને કોઈ સ્થાન અપાયું નહોતું. ઘોષણાપત્રના મુદ્દા અંગે ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. ખાસ કરીને આતંકવાદ મુદ્દે પ્રસ્તાવમાં કોઈ ઉલ્લેખ જ નહોતા. તે ઉપરાંત પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠનોનું નામ પણ લેવામાં આવ્યું નહોતું. પાકિસ્તાન અને ચીનની આ મિલિભગત અંગે ભારતે નારાજગી વ્યક્ત કરી હતી.
આ વર્ષે એસસીઓ ડેક્લેરેશનમાં જાફરાબાદ એક્સ્પ્રેસ ટ્રેન આતંકી હુંલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ભારતના કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલોનો કોઈ ઉલ્લેખ જ નહોતો. ભારતે આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો. એસસીઓ ૨૦૨૫ના સંયુક્ત ઘોષણાપત્રમાં પણ ઘણા મુદ્દા એવા હતા જે ભારતે ખુંચ્યા હતા. આ કામગીરીમાં ચીન અને પાકિસ્તાનની યુતી સ્પષ્ટ જણાતી હતી. દેખીતી રીતે જ ભારતના હિતોનો તેમાં ધરાર ઉપેક્ષા કરવામાં આવી હતી.
આ વર્ષે જે ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યું તેમાં આતંકવાદ વિશે ખૂબ જ નબળી રજૂઆત કરવામાં આવી હતી. ઘોષણપત્રમાં આતંકવાદ વિરુદ્ધ સામાન્ય નિવેદનો હતા અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠનોનું નામ પણ લેવામાં આવ્યું નહોતું.
આ ઉપરાંત કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આટલા ગંભીર આતંકવાદી હુમલાની નોંધ પણ લેવામાં આવી નહોતી. ભારત સતત કહેતું આવ્યું છે કે, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મ જેવા આતંકી સંગઠનોનું નામ લઈને તેમને ડામવાની કામગરી કરવામાં આવે પણ તેવું થતું જ નથી. ચીન અને પાકિસ્તાન દ્વારા તેનો વિરોધ કરવામાં આવે છે. તેના પગલે આ વખતે ભારતે એસસીઓના ઘોષણાપત્ર સામે વાંધો ઉઠાવ્યો હતો.
જાણકારોના મતે એસસીઓની બેઠકમાં અને સંયુક્ત ઘોષણાપત્ર તૈયાર કરવા દરમિયાન દરેક મુદ્દાને સ્થાન આપતા પહેલાં ચર્ચા કરવામાં આવે છે. દરેક મુદ્દા અંગે તમામ સભ્યોની મંજૂરી માગવામાં આવે છે. જો કોઈ સભ્ય કે સભ્યોને કોઈ મુદ્દા અંગે વિરોધ હોય તો તેને સ્થાન આપવામાં આવતું નથી. જાણકારોના મતે એસસીઓની બેઠકમાં જ્યારે પહલગામમાં થયેલા હુમલા અંગે ચર્ચા કરાઈ અને પાક. પ્રેરિત આતંકવાદની વાત આવી તો પાકિસ્તાન અને ચીને તેનો વિરોધ કર્યો હશે. તેના પરિણામે જ એસસીઓના ઘોષણાપત્રમાં પાક. પ્રેરિત આતંકવાદ કે પછી પહલગામ હુમલાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. તેના કારણે જ ભારત નારાજ થયું હતું.
જાણકારો માને છે કે, પાકિસ્તાનને વધારે ઓશિયાળુ બનાવવા માટે અને દબાણમાં રાખવા માટે ચીન આ સંગઠનનો ઉપયોગ કરે છે. તે પોતાના બેલ્ટ એન્ડ રોડ અભિયાન માટે પડદાપાછળ સમર્થન અને લાભ લેવા માટે આ કામગીરી કરી રહ્યું છે.
ઘોષણાપત્રમાં પણ સંપર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહયોગની વાત કરવામાં આવી હતી જે ચીનના બીઆરઆઈ પ્રોજેક્ટને તાકાત આપવાનો જ મુદ્દો હતો. ભારતે બીઆરઆઈનો ખુલ્લો વિરોધ કર્યો હતો કારણ કે ચીન-પાકિસ્તાનનો ઈકોનોમિકલ કોરિડોર પીઓકમાંથી પસાર થઈ રહ્યો છે જે ગેરકાયદે છે. જાણકારો માને છે કે, પાકિસ્તાન અને ચીનની જોડી આ સંગઠનનો ઉપયોગ પોતાના હિતો માટે કરે છે. ભારતને હાંસિયામાં ધકેલવાની જ કામગીરી કરાઈ રહી છે. ભારત માટે હવે આ મંચ માત્ર કૂટનીતિના માધ્યમ તરીકે જ રહી ગયું છે. ભારતે છેલ્લાં બે વર્ષમાં તેનો અનુભવ થઈ ગયો છે.
વૈશ્વિક બાબતોના જાણકાર માને છે કે, એસસીઓમાં જે સ્થિતિ છે તે જ સ્થિતિ બ્રિક્સમાં પણ જોવા મલી રહી છે. બ્રિક્સમાં અને એસસીઓમાં ભારતનો ઉત્સાહ ઓછો થઈ ગયો છે. તેના હિતોને પ્રાધાન્ય અપાતું ન હોવાથી તે સક્રિય રીતે તેમાં કામગીરી કરતું નથી. ચીન સાથેનો તણાવ અને વણઉકલ્યા મુદ્દે આ સંગઠનોમાં કોઈ જ પરિણામ આવતું નથી કે ચર્ચા થતી નથી. તેવી જ રીતે પાક. પ્રેરિત આતંકવાદ મુદ્દે પણ ચર્ચા થતી નથી કે તેનો ઉલ્લેખ પણ થતો નથી. બ્રિક્સમાં ચીન પોતની આથક તાકાત થકી ભારતને હાસિયામાં ધકેલી દે છે અને બાકીના દેશો તેની તરફ થઈ જાય છે.
એસસીઓમાં પણ ભારતની સુરક્ષા અને આતંકવાદને સાઈડલાઈન કરી દેવાયા છે. તેના પગલે ભારત હવે આ સંગઠનોનો ભાગ રહેશે પણ માત્ર રહેવા ખાતર. તે સક્રિય રીતે આ સંગઠનોમાં જોડાયેલું રહેશે નહીં.
ભારત ખસી જાય તો એસસીઓની પ્રતિષ્ઠા ખસ્તાહાલ થઈ જાય
ભારતની એસસીઓ પ્રત્યેની નારાજગી અને છેલ્લાં બે વર્ષથી થઈ રહેલા કડવા અનુભવોએ નવી જ ચર્ચાને વેગ આપ્યો છે. સૂત્રોમાં ગણગણાટ છે કે, ભારત દ્વારા ગમે તે સમયે બ્રિક્સ અને એસસીઓ સમિટને જાકારો આપવામાં આવે તેમ છે. હાલમાં તો બ્રિક્સમાંથી નીકળવાનું તો ભારત પાસે દેખીતું કારણ છે નહીં પણ કદાચ તે એસસીઓમાંથી ખસી જાય તો નવાઈ નહીં. જાણકારોના માનવા પ્રમાણે જો ભારત એસસીઓમાંથી ખસી જાય તો આ સંગઠનની પ્રતિષ્ઠાને મોટો ધક્કો લાગે તેમ છે. આ સંગઠનની સ્થિતિ ખસ્તાહાલ થઈ જાય તેમ છે. દુનિયાની સૌથી ઝડપી અને મોટી અર્થવ્યવસ્થામાં ગણાતું ભારત રણનીતિક મુદ્દે શક્તિશાળી સભ્ય ગણાય છે. આવો સભ્ય ખસી જાય તો એસસીઓની માન્યતાને અને અસ્તિત્વને ઝાટકો લાગે તેમ છે. સેન્ટ્ર એશિયા અને રશિયા માટે ભારત એક મહત્ત્વનું ઊર્જા અને વેપારનું બજાર છે. એસસીઓ દ્વારા ભારત સાથે જે સંપર્ક વધ્યા હતા અને વિશ્વાસ કેળવાયો હતો તેને અસર પડી શકે છે. આ ઉપરાંત ભારત જો આ સંગઠનમાંથી ખસી જાય તો દેખીતી રીતે ચીન અને પાકિસ્તાનની જોડી આ સંગઠન ઉપર હાવી જઈ જાય તેમ છે. ભારતના કારણે હાલમાં સંતુલન સધાયેલું છે જે આગામી સમયમાં ડામાડોળ થઈ જાય તેવી સ્થિતિ છે. બીજી તરફ એવું પણ દેખાઈ રહ્યું છે કે, જો ભારત આ સંગઠન છોડે તો તેને પણ ગણા લાભ જતા કરવા પડે તેમ છે. એસસીઓની રીજનલ એન્ટિ ટેરરિસ્ટ સ્ટ્રક્ચર એટલે કે રેટ્સ દ્વારા ભારતે ઈન્ટેલિજ્ન્સ ઈનપુટ્સ અને આતંકવાદ વિરોધી ડેટા મળે છે. ભારત સંગઠન છોડી દે તો આ ડેટા મળતો બંધ થઈ જાય. તેનાથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી કામગીરીઓ ઉપર વોચ રાખવામાં થોડી મુશ્કેલી વધી જાય અને માહિતી ઓછી થઈ જાય. સેન્ટ્રલ એશિયા સુધીની જે રણનીતિક પહોંચ છે તે નબળી પડી જાય તેમ છે. કઝાખસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન જેવા સંશાધનથી સજ્જ દેશો સાથે ભારતનું કૂટનીતિક અને વ્યાપારી જોડાણ છે તે નબળું પડી જાય તેમ છે. એસસીઓ છોડવાથી ઈરાન અને રશિયા સાથે બહુપક્ષિય જોડાણનું એક મંચ ગુમાવવું પડી શકે. હાલમાં એસસીઓમાં રહીને ભારત કોઈપણ રીતે ચીન અને પાકિસ્તાની જોડાણ સામે અવાજ ઉઠાવી શકે છે પણ જો ભારત ખસી જાય તો તે પણ બંધ થઈ જાય.