Get The App

ટ્રમ્પની જીતનો ડર બાઈડેનને ખસી જવાની ફરજ પાડી શકે

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
ટ્રમ્પની જીતનો ડર બાઈડેનને ખસી જવાની ફરજ પાડી શકે 1 - image


- ટ્રમ્પ સાથેની પહેલી ચર્ચામાં બાઇડેન સાવ બેધ્યાન અને માનસિક રોગી હોય એ રીતે વર્ત્યા પછી બાઈડેનની અમેરિકાના પ્રમુખ બનવાની ક્ષમતા સામે સવાલ પેદા થઈ ગયા છે

- ડેમોક્રેટિક પાર્ટી પાસે એક માત્ર વિકલ્પ બાઈડેનના રૂદિયામાં રામ વસે ને એ સામેથી ખસી જાય એવો ચમત્કાર થાય એ જ છે. બાઈડેન અંગત લોકોની સલાહને આધારે બધું નક્કી કરે છે. પત્ની જિલ બાઈડેન, નાની બહેન વેલેરી બાઈડેન અને સલાહકાર ડેટ કૌફમેનની ત્રિપુટી બાઈડેનનાં અંગત લોકોમાં આવે છે. બાઈડેન અત્યારે આ ત્રિપુટી સાથે અમેરિકાના પ્રમુખ માટેના વેકેશન ગાળવાના સ્થળ કેમ્પ ડેવિડ ગયા છે. કેમ્પ ડેવિડ ખાતે બાઈડેન ચૂંટણીમાંથી ખસી જવું કે હજુ વધારે ભવાડો થવા દેવો તેની ચર્ચા કરવાના છે. આ ચર્ચામાં બાઈડેનને વધારે બેઆબરૂ નહીં થવાની સલાહ અપાય એવો  ચમત્કાર થાય તો જ મિશેલ ઓબામા બાઈડેનના બદલે ઉમેદવાર બની શકે છે.

અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી પહેલાંની ડીબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે સાવ નબળા પુરવાર થયેલા જો બાઈડેન સામે તેમની જ ડેમોક્રેટિક પાર્ટીમાં જ અસંતોષ પેદા થઈ જતાં બાઈડેનને ચૂંટણી લડયા પહેલાં જ રવાના કરી દેવાશે એવી વાતો વહેતી થઈ છે. બાઈડેનના સ્થાને ડેમોક્રેટિક પાર્ટી અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાનાં પત્ની મિશેલ ઓબામાને પ્રમુખપદનાં ઉમેદવાર બનાવશે એવી અટકળો પાછી શરૂ થઈ છે.  

ટ્રમ્પ સાથેની પહેલી ચર્ચામાં બાઈડેન સાવ બેધ્યાન અને માનસિક રોગી હોય એ રીતે વર્ત્યા પછી બાઈડેનની અમેરિકાના પ્રમુખ બનવાની ક્ષમતા સામે સવાલ પેદા થઈ ગયા છે. બાઈડેને ચર્ચામાં પોતાનો બચાવ કરતાં કહેલું કે, પોતે કદાચ પહેલાંની જેમ ચાલી શકતા નથી કે બોલી શકતા નથી પણ પોતે હજુ સત્ય કહી શકે છે તેથી ચૂંટણીમાંથી હટી જવાનો સવાલ જ નથી.

જો કે અમેરિકાને બાઈડેનનો આ ફિલ્મી ડાયલોગ બહુ પસંદ નથી આવ્યો. મીડિયા તો બાઈડેનના માથે માછલાં ધોઈ જ રહ્યું છે પણ બાઈડેનની ડેમોક્રેટિક પાર્ટીમાં પણ ગણગણાટ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ૭૮ વર્ષના હોવા છતાં લાલ ટામેટા જેવા ને હણહણતા ઘોડા જેવા છે જ્યારે બાઈડેન તો અલ્ઝાઈમરના દર્દી હોય એમ વારંવાર બધું ભૂલી જતા હોય એ રીતે વર્તે છે. બાઈડેન માનસિક અને શારીરિક રીતે સંઘર્ષ કરી રહ્યા છે. અમેરિકાની પ્રજા આવા માણસને પ્રમુખપદે ના ઈચ્છે તેથી બાઈડેનને હટાવીને કોઈ બીજી વ્યક્તિને પ્રમુખપદન ઉમેદવાર બનાવવી જોઈએ એવી લાગણી ડેમોક્રેટિક પાર્ટીમાં બળવત્તર બની રહી હોવાનું કહેવાય છે. 

બાઈડેનના સ્થાને મિશેલ ઓબામાનું નામ પણ વહેતું થયું છે. આ વાત નવી નથી કેમ કે છેલ્લા ૪ મહિનાથી આ વાતો ચાલે છે. અમેરિકામાં પોલીટિકલ ગોસિપ માટે જાણીતાં સિન્ડી આદમ્સે છ મહિના પહેલાં ન્યુ યોર્ક પોસ્ટની કોલમમાં મિશેલ બાઈડેનના સ્થાને પ્રમુખપદનાં ઉમેદવાર બનશે એવી આગાહી કરી પછી મિશેલને ઉમેદવાર બનાવવાની વાતે વેગ પકડયો. સિન્ડીની ગોસિપ મોટા ભાગે સાચી પડતી હોય છે તેથી આ વાતને લોકોએ વધારે પડતી ગંભીરતાથી લઈ લીધી છે. 

આ ઓછું હોય એમ બાઈડેનના બદલે મિશેલ પ્રમુખપદનાં ઉમેદવાર બનવા માટે વધારે લાયક હોવાનો સર્વે પણ થઈ ગયો. ફોક્સ ન્યૂઝે તો બાઈડેન છેલ્લી ક્ષણે ખસી જશે અને ડેમોક્રેટિક પાર્ટી મિશેલ ઓબામાને ઉમેદવાર બનાવી દેશે એવો દાવો પણ કરી દીધેલો. આ રિપોર્ટને ફગાવી દેતાં બાઇડને કહેલું કે, ઉંમર સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે પણ તેનો અર્થ એ નથી કે હું ફિટ નથી ને હું ખસી જવાનો છું.

આ વાત ત્રણ મહિના જૂની છે અને ત્રણ મહિનામાં ઘણું બધું બદલાઈ ગયું છે. બાઈડેને તેમના વર્તન દ્વારા સંખ્યાબંધ વાર એવા પુરાવા આપ્યા છે કે, માનિસક અને શારીરિક રીતે એ સક્ષમ નથી. અમેરિકાના મીડિયાએ પણ આ વાતને ચગાવી છે અને  સોશિયલ મીડિયા પર તો બાઈડેન હાંસીને પાત્ર બની ગયા છે. નેવાડામાં ડેમોક્રેટિક પાર્ટીના સંમેલનમાં બાઈડેને ૩૦ વર્ષ પહેલાં ગુજરી ગયેલા મિતરોંને ફ્રાન્સના પ્રમુખ ગણાવેલા. 

હમણાં પાર્ટીના બીજા સંમેલનમાં બાઈડેન આસપાસ શું બની રહ્યું છે તેનાથી અજાણ બનીને વર્તી રહ્યા હતા. બરાક ઓબામાએ તેમને અંદર લઈ જઈને આબરૂ બચાવી લીધી એ સૌએ જોયું છે. જી-૭ની બેઠકમાં પણ બાઈડેન સાવ બેધ્યાન બનીને વર્તતા હતો ને ઈટાલીનાં જ્યોર્જિયા મેલોનીએ તેમનું ધ્યાન દોરીને બચાવી લીધા એ વીડિયો પણ સૌએ જોયો છે. આવા તો અનેક વીડિયો વાયરલ થયા છે.

આ નેગેટિવ પબ્લિસિટીના કારણે ટ્રમ્પને ફાયદો થઈ રહ્યો છે એ સ્પષ્ટ છે.  ટ્રમ્પ સામે હારી ગયેલાં હિલેરી ક્લિન્ટને તો બાઇડનની માનસિક અને શારીરિક ક્ષમતા સામે સવાલ ઉઠાવીને તડ ને ફડ કરીને કહી પણ દીધું છે કે,  ડેમોક્રેટિક પાર્ટી બાઈડેનને ઉમેદવાર બનાવશે તો તેનો સીધો ફાયદો ટ્રમ્પને થશે તેથી, બાઇડનનો વિકલ્પ શોધવો જરૂરી છે. ડેમોક્રેટિક પાર્ટીમાં બીજા પણ ઘણા નેતા આ મત વ્યક્ત કરી ચૂક્યા છે એ જોતાં ડેમોક્રેટિક પાર્ટીમાં પણ બાઈડેનને બદલવાની હિલચાલ તો ચાલી જ રહી છે પણ બાઈડેનને બદલવા ડેમોક્રેટિક પાર્ટી માટે સરળ નથી.

ડેમોક્રેટિક પાર્ટીએ બાઈડેનને ઉમેદવાર તરીકે પસંદ કર્યા પછી હવે તેમને બદલવા હોય તો પાર્ટીના નિયમો બદલવા પડે તેમ છે. તાત્કાલિક ડેમોક્રેટિક પાર્ટીનું કન્વેન્શન બોલાવવું પડે ને તેમાં બાઈડેનને બદલવાનો ઠરાવ પસાર કરવો પડે. પ્રમુખપદની ચૂંટણીને ચાર જ મહિના બાકી છે એ જોતાં એ માટેનો સમય હવે રહ્યો નથી. બાઈડેનને બદલવ માગનારા માટે રાત થોડી ને વેશ ઝાઝા છે તેથી બાઈડેનના સ્થાને મિશેલને ઉમેદવાર બનાવવાં મુશ્કેલ છે. 

આ સંજોગોમાં ડેમોક્રેટિક પાર્ટી પાસે એક માત્ર વિકલ્પ બાઈડેનના રૂદિયામાં રામ વસે ને એ સામેથી ખસી જાય એવો ચમત્કાર થાય એ જ બચે છે. બિડેન પોતાનાં અંગત લોકોની સલાહને આધારે બધું નક્કી કરે છે. પત્ની જિલ બાઈડેન, નાની બહેન વેલેરી બિડેન અને સલાહકાર ડેટ કૌફમેનની ત્રિપુટી બાઈડેનનાં અંગત લોકોમાં આવે છે. બાઈડેન અત્યારે આ ત્રિપુટી સાથે અમેરિકાના પ્રમુખ માટેના વેકેશન ગાળવાના સ્થળ કેમ્પ ડેવિડ ગયા છે. 

કેમ્પ ડેવિડ ખાતે બાઈડેન ચૂંટણીમાંથી ખસી જવું કે હજુ વધારે ભવાડો થવા દેવો તેની ચર્ચા કરવાના છે. આ ચર્ચામાં બાઈડેનને વધારે બેઆબરૂ નહીં થવાની સલાહ અપાય એવો  ચમત્કાર થાય તો જ મિશેલ ઓબામા બાઈડેનના બદલે ઉમેદવાર બની શકે છે.

આ ચમત્કાર થઈ શકે છે કેમ કે બાઈડેનના વર્તનના કારણે ટ્રમ્પ વધારે ને વધારે મજબૂત થઈ રહ્યા છે. બાઈડેને ટ્રમ્પની જે રીતે મેથી મારી છે એ જોતાં ટ્રમ્પ પાછા પ્રમુખ બનશે તો ટ્રમ્પના પરિવારનો વારો પડવાનો જ છે તેથી બાઈડેન માટે ટ્રમ્પને રોકવા જરૂરી છે. આ વાત બાઈડેનના ગળે ઉતારાય ને બાઈડેન ટ્રમ્પને રોકવા માટે પોતાની મહત્વાકાંક્ષાનું બલિદાન આપવા તૈયાર થઈ જાય એવું બને.

બાઈડેન પત્નીની મહત્વાકાંક્ષાના કારણે ખસતા નથી

જો બાઈડેન પોતે પ્રમુખપદની ચૂંટણીમાંથી ખસી જવા તૈયાર છે પણ તેમનાં પત્ની જિલ બાઈડેનની મહત્વાકાંક્ષાના  કારણે ખસતા નથી એવી ચર્ચા ચાલી રહી છે. 

બાઈડેનના ડીબેટમાં ખરાબ દેખાવ પછી જિલ બાઈડેન પતિના પડખે ઉભાં રહ્યાં તેમાં કોઈને કશું ખોટું લાગતું નથી પણ બાઈડેન કોઈ સંજોગોમાં ચૂંટણીમાંથી નહીં ખસે એવા જિલ બાઈડેનના દાવાએ ડેમોક્રેટિક પાર્ટીમાં અસંતોષ ઉભો કર્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના દાતાઓ પણ જિલ બાઈડેનના વલણની ટીકા કરી રહ્યા છે. 

જિલ બાઈડેનનો ભૂતપૂર્વ પતિ બિલ સ્ટીવન્સન પણ બળતામાં ઘી હોમી રહ્યો છે. સ્ટીવન્સનનું કહેવું છે કે, જિલ બાઈડેનની મહત્વાકાંક્ષાના કારણે બાઈડેનની માનસિક સ્થિતી બગડી છે અને હજુ નહીં ખસે તો બહુ ખરાબ થશે. 

સ્ટીવ અને જિલ ૧૯૭૦થી ૧૯૭૫ દરમિયાન પતિ-પત્ની હતાં. સ્ટીવન્સનનો આક્ષેપ છે કે, જિલ પોતાને પરણેલી હતી ત્યારે જ જો બાઈડેન સાથે તેના સંબધો બંધાયેલા ને બાઈડેનને પરણવા તેણે મને છોડી દીધો તેથી જો બાઈડેને મારું ઘર ભાંગ્યું છે.

બાઈડેન ખસે તો કમલા હેરિસ રેસમાં પણ મિશેલ વધારે મજબૂત

બાઈડેનના સ્થાને મિશેલ ઓબામાને ઉમેદવાર બનાવવામાં આવે તો વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ પણ તલવાર તાણીને ઉભા રહેશે એવું મનાય છે પણ કમલા હેરિસ એટલાં મજબૂત નથી. કમલા ભારતીય મૂળનાં છે જ્યારે મિશેલ આફ્રિકન-અમેરિકન છે. અમેરિકામાં આફ્રિકન-અમેરિકન મતદારોની સંખ્યા અનેક ગણી વધારે છે તેથી મિશેલ વધારે મજબૂત ઉમેદવાર ગણાય. રાજકીય રીતે પણ મિશેલ વધારે મજબૂત છે કેમ કે તેમના પતિ બરાક ઓબામા બે ટર્મ એટલે કે  ૮ વર્ષ સુધી અમેરિકાના પ્રમુખ રહ્યા છે. એઓબામાએ છેક નીચલા સ્તરેથી કામગીરી કરી હતી તેથી ડેમોક્રેટિક પાર્ટીમાં મિશેલની પકડ વધારે મજબૂત છે. 

બરાક ઓબામાએ બાઈડેનને પોતાના રનિંગ મેટ બનાવ્યા હતા તેથી બાઈડેન ૮ વર્ષ સુધી અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ રહ્યા. આ કારણે ઓબામા અને બાઈડેનના સંબંધો પણ મજબૂત છે. અત્યારે પણ ઓબામા સતત બાઈડેનના પડખે જ જોવા મળે છે. બાઈડેનના સમર્થકો પણ આ કારણે કમલા હેરિસના બદલે મિશેલ ઓબામા તરફ ઢળે એ સ્પષ્ટ છે.

News-Focus

Google NewsGoogle News