- ભાજપ સરકારની મલ્ટિ એલાયન્સ નીતિ સદંતર નિષ્ફળ ગઈ, બધાને ખુશ રાખવાના પ્રયાસમાં ભારતને ઘણું ગુમાવવું પડયું
- પાકિસ્તાને તો આતંકી હુમલો કરાવવાની ફિતરત ચાલુ રાખી હતી. બીજી તરફ નેપાળ અને બાંગ્લાદેશે પણ ભારતની અગ્નિપરિક્ષા કરી હતી. માત્ર ઘર આંગણે જ નહીં અમેરિકા, રશિયા, ઈરાન, કેનેડા અને બ્રિટન તથા ન્યૂઝિલેન્ડ જેવા દેશો સાથે પણ ભારતને ઘણા મોરચે જોડતોડ કરવાની ફરજ પડી હતી : ઓપરેશન સિંદૂર બાદ અમેરિકાને એકાએક ભારતથી વાંકુ પડયું છે. તેના કારણે પોતાના પહેલા કાર્યકાળમાં ભારતના ગુણગાન ગાતા અમેરિકી પ્રમુખ હવે બીજા કાર્યકાળમાં આકારપાણીએ થયા છે. તેમણે ભારત ઉપર રેસિપ્રોકલ ટેરિફ નાખી દીધા. અનેક સેક્ટરમાં બમણા કરવેરા ઝિંકી દીધા અને ભારતીય બિઝનેસ સેક્ટરને આંતરિક રીતે હચમચાવી કાઢયું થ જાણકારો માને છે કે, ભારતે મલ્ટી એલાઈન્મેન્ટ નીતિ અપનાવી છે. ભારતની આ ડિપ્લોમેટિક નીતિ જ તેના માટે દુશ્મન બની ગઈ છે. આ કૂટનીતિ ખરેખર તો સાવ નિષ્ફળ ગઈ છે. ભારત દરેક દેશ માટે મહત્ત્વનો બનવા પ્રયાસ કરી રહ્યો હતો પણ તમામ માટે ગૌણ સાબિત થઈ ગયો છે
૨૦૨૫નું વર્ષ પૂરું થયું. આમ જોવા જઈએ તો સમગ્ર દુનિયા માટે આ વર્ષ ઉથલ-પાથલનું રહ્યું છે. તેમાંય એશિયામાં તો ઘણા ઉતાર-ચડાવ જોવા મળ્યા. દુનિયાના ઘણા દેશો વચ્ચે યુદ્ધ થયા તો ઘણા વચ્ચે માત્ર બે-ચાર દિવસ યુદ્ધની સ્થિતિ સર્જાઈ અને ક્યાંક યુદ્ધ થતા રહી ગયા. આ બધું પસાર કરીને દેશ અને દુનિયા આજે નવા વર્ષમાં પ્રવેશી ગયા છે, ૨૦૨૬નો સૂર્યોદય થઈ ગયો છે અને નવી આશા તથા નવા ભવિષ્ય તરફ મીટ માંડીને આગળ વધી રહી છે. તેમ છતાં ભૂતકાળ છોડીને તો આગળ વધી શકાય તેમ જ નથી. ભારત માટે ૨૦૨૫નું વર્ષ ખૂબ જ આકરું અને સંઘર્ષમય પસાર થયું હતું. તેમાંય વર્ષ દરમિયાન જે ઘટનાઓ બની તેણે ભારતની રાજનીતિ, કૂટનીતિ અને વિદેશનીતિની અગ્નિ પરીક્ષા લીધી હતી. આ અગ્નિપરીક્ષામાં વિદેશનીતિ લગભગ દાઝી જ ગઈ હતી. ભારત માટે આ વર્ષ ખૂબ જ કપરું સાબિત થયું હતું.
ભારતને ચીન અને પાકિસ્તાન સાથે તો દાયકાઓથી સરહદે વિવાદ ચાલે જ છે અને અન્ય કૂટનીતિક સમસ્યાઓ ઊભી થયેલી જ હોય છે પણ આ વર્ષે આ બંને દેશોએ બીજી રીતે ભારતને કનડયું છે. ચીને તો મિત્રતાનો પણ હાથ લંબાવીને પોતાની મેલી મથરાવટી ઘસવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને તો આતંકી હુમલો કરાવવાની ફિતરત ચાલુ રાખી હતી. બીજી તરફ નેપાળ અને બાંગ્લાદેશે પણ ભારતની અગ્નિપરીક્ષા કરી હતી. માત્ર ઘર આંગણે જ નહીં અમેરિકા, રશિયા, ઈરાન, કેનેડા અને બ્રિટન તથા ન્યૂઝિલેન્ડ જેવા દેશો સાથે પણ ભારતને ઘણા મોરચે જોડતોડ કરવાની ફરજ પડી હતી. તેમાંય અમેરિકા સાથે જે સંબંધ તંગ થયા છે તે ૨૦૨૬માં પણ યથાવત સ્થિતિમાં જ આગળ વધી રહ્યા છે.
જાણકારોના મતે બીજા દેશોમાં ઊભી થયેલી સ્થિતિના કારણે ભારત સાથેના કૂટનીતિક સંબંધો વણસ્યા છે તેવું નથી. ભારતે ૨૦૨૫માં વિદેશનીતિમાં મોટી થાપ ખાધી છે. તેના કારણે ભારતને અને ભારતીયોને ઘણું સહન કરવાનું આવ્યું છે. અમેરિકા સાથે સંબંધો વણસવાની શરૂઆત થઈ ત્યારે જે બેદરકારી ભરેલી બેફિકરાઈ દાખવવામાં આવી તેના કારણે ઘણું નુકસાન થયું છે. તેમ છતાં ભારત સરકાર તમાચો મારીને ગાલ લાલ રાખવાનો પ્રયાસ કરી રહી છે.
અમેરિકા જે રીતે છંછેડાયું છે તેણે ભારત જ નહીં પણ વર્ષોથી અમેરિકામાં વસતા ભારતીયોને પણ કનડવાનું શરૂ કરી દીધું છે. ભારતીયોને સાંકળોથી બાંધીને ડિપોર્ટ કરવા જેવી માનવતાહિન હરકત પણ અમેરિકાએ કરી નાખી અને છતાં ભારત કશું જ કરી શક્યું નહીં.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં ભારતના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના જવાબ રૂપે ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકી સંગઠનો અને પીઓકેના આતંકી સંગઠનોને નિશાન બનાવીને મોટું જવાબી ઓપરેશન હાથ ધર્યું૨ં હતું. ઓપરેશ સિંદૂરમાં ભારતે પીઓકે અને પાકિસ્તાનમાં આવેલા ૯ જેટલા આતંકી ઠેકાણા ધ્વસ્ત કરી દીધા. તેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ. હવે ૧૦મી મેએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની સ્થિતિ આવી ગઈ. પાકિસ્તાને યુદ્ધ અટકાવવાની વાત કરી અને ભારત સહમત થયું. વાસ્તવિકતા કંઈક આવી જ હતી છતાં તેમાં અમેરિકાએ અને ખાસ તો અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, તેણે દબાણ કરીને ભારત-પાકિસતાન યુદ્ધ રોકાવ્યું છે. તેના કારણે સ્થિતિ વણસવા લાગી. ભારતે આ વાત નકારી દીધી અને જણાવ્યું કે, પાકિસ્તાનના કહેવાથી ભારતે યુદ્ધ રોક્યું છે. આ સમસ્યામાં ત્રીજા કોઈ દેશની ભુમિકા નથી. જગતજમાદાર થઈને ફરતા અમેરિકાની લાગણી આ કારણે દુભાઈ. ભારતના આ વલણથી અમેરિકા સાથેની વિદેશનીતિ અને સંબંધો કસોટીના એરણે ચડી ગયા.
સ્થિતિ એવી થઈ છે કે, એકંદરે અમેરિકા ભારતનું સૌથી મહત્ત્વનું સ્ટ્રેટેજિક પાર્ટનર ગણાય છે. ઈન્ડો પેસિફિક મુદ્દા, ડિફેન્સ પાર્ટનરશિપ, ટેક્નોલોજીમાં ભાગીદારી અને ટ્રેડ સેક્ટરમાં પણ ભારત અને અમેરિકા વચ્ચે મોટું જોડાણ છે. ઓપરેશન સિંદૂર બાદ અમેરિકાને એકાએક ભારતથી વાંકુ પડયું છે. તેના કારણે પોતાના પહેલા કાર્યકાળમાં ભારતના ગુણગાન ગાતા અમેરિકી પ્રમુખ હવે બીજા કાર્યકાળમાં આકારપાણીએ થયા છે. તેમણે ભારત ઉપર રેસિપ્રોેકલ ટેરિફ નાખી દીધા. અનેક સેક્ટરમાં બમણા કરવેરા ઝિંકી દીધા અને ભારતીય બિઝનેસ સેક્ટરને આંતરિક રીતે હચમચાવી કાઢયું. તે ઉપરાંત ઈરાન અને રશિયા સાથેના ભારતના સંબંધો અંગે પણ વાંધો લઈને ઘણા પગલા લીધા જેના કારણે ભારત દબાણમાં આવી ગયું.
ભારતે થાકીને રશિયા પાસેથી ક્ડ ખરીદવાનું ઓછું કરી દેવું પડયું. બીજી તરફ એચ-૧બી વિઝા મુદ્દે અમેરિકાએ જે સખતાઈ દર્શાવી અને ઈમીગ્રેશન પોલિસીમાં જે કડકાઈ આવી તેની અસર પણ ભારતીયો ઉપર મોટાપાયે થઈ. અનેક ભારતીયોને બંદી બનાવીને અમેરિકાએ તગેડી મુક્યા અને ભારત ચુપચાપ જોતું રહ્યું. નવી વીઝા પોલિસી અને ઈમિગ્રેશન પોલિસીની વાતો આવી અને ભારતીય વિદ્યાર્થીઓ અને બુદ્ધિજીવીઓ માટે ત્યાં જવું કપરું થઈ ગયું છતાં ભારત કશું જ કરી શક્યું નહીં અને હજી પણ કરી શકે તેમ નથી.
જાણકારોના મતે અમેરિકાને પડતું મુકીને ચીન પાસે જવામાં ભારતે પોતાની નહીં પણ ચીનની શરતે મિત્રતા કરવી પડી છે. પોસ્ટરોમાં વિકાસ અને વિસ્તાર બતાવતી ભારત સરકાર પડદા પાછળની આ વાસ્તવિકતા કહી શકતી નથી કે છુપાવી પણ શકતી નથી. ચીન સાથે સરહદનો વિવાદ પૂરો થયો નથી. સાઉથ એશિયામાં પણ ચીનની આડોડાઈ યથાવત છે. અરુણાચલમાં ચીન ઘુસવા પ્રયાસ કરી રહ્યું છે. ભારતે આ બધું અટકાવવા અને ચીનને કાબુ રાખવા માટે ફરી પાછું અમેરિકાની જોડે મિત્રતા દાખવવી પડી. હવે અહીંયા સ્થિતિ એવી થઈ કે, ચીન પાસે મિત્રતા કરવામાં અમેરિકાને નારાજ કરવું પડયું અને પછી ચીનની જ અવળચંડાઈને નાથવા માટે અમેરિકાની કાખમાં જવું પડયું. ભારત બંનેને અપનાવી શક્યું નહીં અને બંનેને છોડી પણ શક્યું નહીં.
વિદેશનીતિમાં જો રશિયાની વાત કરીએ તો તેની સાથે સંબંધો જાળવી રાખવા કાયમ મજબૂરી જ રહી છે. રશિયા માટે પણ ભારત મજબૂરી છે અને ભારત માટે રશિયા મજબૂરી છે. બંનેની વિદેશનીતિના કેન્દ્રમાં એકબીજાનું સ્થાન છે. એનર્જી, ડિફેન્સ અને ડિપ્લોમસીમાં રશિયા ભારત માટે મહત્વનો સાથીદાર છે.
ખાસ કરીને ડિફેન્સ સેક્ટરમાં અમેરિકા સાથે વિખવાદ થતા જે ખોટ પડી છે તેને ભરપાઈ કરવા માટે રશિયા તરફ મીટ માંડવી પડે તે સ્વાભાવિક છે. રશિયાની આપેલી એર ડિફેન્સ સિસ્ટમને કારણે જ કદાચ ઓપરેશન સિંદૂર સમયે ભારતના સરહદી વિસ્તારો પાકિસ્તાની એરસ્ટ્રાઈક અને ડ્રોન હુમલાથી બચી ગયા હતા. રશિયા પાસેથી સસ્તું ક્રૂડ લઈને તેને મોંઘા ભાવે યુરોપમાં વેચવા મુદ્દે યુરોપિયન દેશો અને અમેરિકા ગિન્નાયા છે. ઘણા યુરોપિયન દેશોને ભારતનું આ વલણ પસંદ આવ્યું નથી અને તેઓ ભારતથી અંતર જાળવવા લાગ્યા છે.
બધા માટે મહત્ત્વનું બનવા જતાં ભારત બધા માટે ગૌણ થવા લાગ્યું
જિયોપોલિટિક્સ અને ઈન્ટનેશનલ ઈકોનોમિકલ અફેર્સના જાણકારો માને છે કે, ભારતની વિદેશનીતિ છેલ્લાં ઘણા વર્ષોમાં સાવ નિષ્ફળ ગઈ છે. દુનિયાના મોટા મોટા દેશો સાથે ભારતના જોડાણમાં ઉંચનીચ આવી રહી છે. જાણકારો માને છે કે, ભારતે મલ્ટી એલાઈન્મેન્ટ નીતિ અપનાવી છે. ભારતની આ ડિપ્લોમેટિક નીતિ જ તેના માટે દુશ્મન બની ગઈ છે. આ કૂટનીતિ ખરેખર તો સાવ નિષ્ફળ ગઈ છે. ભારત દરેક દેશ માટે મહત્ત્વનો બનવા પ્રયાસ કરી રહ્યો હતો પણ તમામ માટે ગૌણ સાબિત થઈ ગયો છે. ભારત અત્યારે એવો દેશ બની ગયો છે કે, બીજા દેશો ઈચ્છે ત્યારે તેને પંપાળી શકે છે અને ઈચ્છે ત્યારે પીડા આપી શકે છે.
અમેરિકાને મજા પડી ગઈ છે કે, ચીનને જ્યારે કડક સંદેશ પાઠવવો હોય તો ભારતનો કાન આમળે છે અને એશિયામાં સ્થિતિ સુધરવા લાગે છે. ઉલ્લેખનીય છે કે, ભારતની આ નીતિ જ તેને નડી રહી છે. બાંગ્લાદેશમાં સતત હિન્દુઓ ઉપર હુમલા થઈ રહ્યા છે. ભારત વિરોધી વલણ મજબૂત થઈ રહ્યું છે. નેપાળ, માલદિવ્સ સાથે સંબંધમાં ઓટ આવી છે. શ્રીલંકા સાથે થોડો વિવાદ થયો હતો. પાકિસ્તાન અને ચીન સાથેના વિવાદ તો કાયમી છે જ. ભારત પાસે પડોશમાં કે દૂર કોઈ એવા દેશ નથી જે ખરેખર તેના મિત્ર કહી શકાય અને તેની કૂટનીતિને પગલે તેની પડખે છે તેવું માની શકાય.
ભારતના મોટાભાગના જોડાણો પરિસ્થિતિજન્ય રહ્યા છે. એક સમયે નહેરુના રાજમાં ભારતને નોન એલાઈન્મેન્ટ નીતિ અપનાવી હતી. તેમાં કોઈના પણ પક્ષે નહીં રહેવાનું નક્કી કરાયું હતું. હવે મલ્ટિ એલાઈન્મેન્ટમાં બધા સાથે રહેવામાં બધી બાજું બગડી રહ્યું હોવાનું દેખાઈ અને અનુભવાઈ રહ્યું છે. એકંદરે એવું કહી શકાય કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ સાથે સરહદી વિવાદ, ચીન સાથે સંબંધના સુધારા પણ ચીનની શરતે, વેપારમાં વધારો કરવો પડો, ચીનથી આયાતમાં વધારો થયો, રશિયા સાથે સંરક્ષણ મુદ્દે નિર્ભરતા યથાવત, યુક્રેન યુદ્ધ મુદ્દે યુરોપના દેશો નારાજ અને ભારત પ્રત્યે દ્વેષ વધ્યો, અમેરિકા પ્રેમથી બોલાવીને પાટુ મારી રહ્યું છે. આ તમામ બાબતો સ્પષ્ટ જણાવે છે કે, ભારતની વિદેશનીતિ અને કૂટનીતિ સાવ ખાડે ગઈ છે અને સદંતર નિષ્ફળ ગઈ છે. ભારતની ત્રણ મોટી નૂળાઈ છે, ચીન ઉપર આર્થિક નિર્ભરતા, રશિયા ઉપર સૈન્ય નિર્ભરતા અને અમેરિકા સાથે રણનીતિક જોડાણ અને નિર્ભરતા.
આ ત્રણેય ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા નહીં આવે ત્યાં સુધી તેની વિદેશનીતિ ક્યારેય સફળ નહીં થાય. ભારતે આગામી સમયમાં મહાસત્તા બનવાના સપના પૂરા કરવા હશે તો આ તમામ ખામીઓ દૂર કરવી પડશે.


