દુનિયાના બધા દેશો ભેગા થઈને પણ ચીનને પછાડી નહીં શકે
- વિશ્વના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો માંડ ૨.૮ ટકા છે જ્યારે ચીનનો હિસ્સો ભારતથી ૧૦ ગણો એટલે ૨૮.૮ ટકા છે
- ભારતમાં ફાંકોડી ભક્તો મોદી સાહેબ ચીનને પછાડી દેશે એવી વાતોનાં વડાં સોશિયલ મીડિયા પર કર્યા કરે છે ત્યારે મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરના નેતૃત્વ હેઠળની ટીમે તૈયાર કરેલા આર્થિક સર્વેમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે, મેન્યુફેકચરિંગ માટે ચીન પરની વધારે પડતી નિર્ભરતા નહીં ઘટાડીએ તો હાલત ખરાબ થઈ જશે. ચીન ૨૦૩૦ સુધીમાં તો અમેરિકા અને તેના સાથી દેશો સહિત બધાંના ભુક્કા બોલાવી દેશે. અત્યારે વિશ્વના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ચીનનો હિસ્સો ૨૯ ટકાની આસપાસ છે કે જે વધીને ૨૦૩૦માં ૪૫ ટકા થઈ જશે. ભારત તો ક્યાંય ચિત્રમાં જ નથી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે ૧ ફેબુ્રઆરીએ બજેટ રજૂ કરે એ પહેલાં ૩૧ જાન્યુઆરીએ દેશની આર્થિક સ્થિતી અંગેનો આર્થિક સર્વે રજૂ કર્યો. સામાન્ય રીતે આર્થિક સર્વેમાં આંકડાની માયાજાળ રચીને દેશના અર્થતંત્રનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરાતું હોય છે ને લોકોને ઉલ્લુ બનાવવાનો ધંધો થતો હોય છે તેથી સામાન્ય લોકોને તેમાં રસ પડતો નથી. સીતારમણે રજૂ કરેલા આર્થિક સર્વેમાં એવી વાતો છે જ ને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મોંઘવારી અંગેના આંકડા છે.
આર્થિક સર્વે પ્રમાણે, ડિસેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર ૪ મહિનાના નીચલા સ્તરે હતો, સર્વે પ્રમાણે, નવેમ્બરની શરૂઆતમાં મોંઘવારીનો દર ૫.૪૮ ટકા હતો અને ડીસેમ્બરમાં મોંઘવારી ઘટીને ૫.૨૨ ટકા થઈ ગઈ હતી.
મોંધવારીનો દર ગયા વરસે આ જ સમયગાળા દરમિયાન જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ કરતાં અત્યારે ભાવ કેટલા વધ્યા છે એ દર્શાવે છે. આર્થિક સર્વેની વાત માનીએ તો ગયા વર્ષના ડીસેમ્બરની સરખામણીમાં મોંઘવારી ૫ ટકા વધી છે.
મોંઘવારીનો દર ગણવામાં ઘણી બધી ચીજોના ભાવ ગણતરીમાં લેવાતા હોય છે તેથી આ આંકડો ટેકનિકલી સાચો હશે પણ લોકોના ગળે આ વાત ઉતરતી નથી. તેનું કારણ એ કે, લોકોને રોજબરોજ જરૂર પડે છે એવી શાકભાજી સહિતની ચીજોના ભાવમાં જે હદે તોતિંગ વધારો થયો છે તેના કારણે વાસ્તવિક રીતે વરસમાં મોંઘવારી ૫ ટકા જ વધી હોય એ વાત લોકો સ્વીકારવા તૈયાર નથી થતા. આ તો એક ઉદાહરણ આપ્યું પણ સર્વેમાં જીડીપી વિકાસ દરથી માંડીને બીજા ઘણ મુદ્દે આવા આંકડાઓની ભરમાર છે કે જેને સરળતાથી હજમ કરવા અઘરા છે.
આ બધા આંકડા વચ્ચે સર્વેમાં એક બહુ મહત્વના મુદ્દા પર ભાર મૂકાયો છે અને આ મુદ્દો ચીનના વધતા વર્ચસ્વનો છે. ભારતમાં ફાંકોડી ભક્તો મોદી સાહેબ ચીનને પછાડી દેશે એવી વાતોનાં વડાં સોશિયલ મીડિયા પર કર્યા કરે છે ત્યારે મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરના નેતૃત્વ હેઠળની ટીમે તૈયાર કરેલા આર્થિક સર્વેમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે, આર્થિક મોરચે ચીન સામે ભારતની કોઈ હૈસિયત જ નથી અને આપણે મેન્યુફેકચરિંગ માટે ચીન પરની વધારે પડતી નિર્ભરતા નહીં ઘટાડીએ તો હાલત ખરાબ થઈ જશે.
આર્થિક સર્વેમાં સ્પષ્ટ કહેવાયું છે કે, ચીન જે રીતે ઔદ્યોગિક ઉત્પાદન વધારી રહ્યું છે એ ૨૦૩૦ સુધીમાં તો અમેરિકા અને તેના સાથી દેશો સહિત બધાંના ભુક્કા બોલાવી દેશે.
અત્યારે વિશ્વના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ચીનનો હિસ્સો ૨૯ ટકાની આસપાસ છે કે જે વધીને ૨૦૩૦માં ૪૫ ટકા થઈ જશે. અમેરિકા, યુરોપીયન યુનિયનના દેશો. જાપાન. દક્ષિણ કોરીયા સહિતના બધા દેશો ચીન સામે પાણી ભરતા હશે.
આપણા જ આર્થિક સર્વે પ્રમાણે, ભારત તો ક્યાંય ચિત્રમાં જ નથી કેમ કે વિશ્વના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો તો માંડ ૨.૮ ટકા છે ને તેની સામે ચીનનો હિસ્સો ભારતથી દસ ગણો એટલે કે ૨૮.૮ ગણો છે.
આ સંજોગોમાં ભક્તોની ભારત સાથે તો ચીનની હરીફાઈની વાત જ કહેતા બી દીવાના ઓર સુનતા ભી દીવાના જેવી લાગે પણ અમેરિકા સહિતના દેશો પણ ચિત્રમાં નહીં હોય. સર્વેમાં ચેતવણી અપાઈ છે કે, ચીન જે રાક્ષસી તાકાત સાથે આગળ વધી રહ્યું છે એ જોતાં આખી દુનિયા એક બાજુ થઈ જાય તો પણ ચીનને પછાડી નહીં શકે.
આર્થિક સર્વેમાં એ ચેતવણી પણ અપાઈ છે કે, ભારત પોતાના ઔદ્યોગિક ઉત્પાદન માટે ચીન પર વધારે પડતું નિર્ભર છે એ જોતાં ભવિષ્યમાં ચીન આપણને તો કાચું જ ખાઈ જશે.
ઔદ્યોગિક ઉત્પાદનમાં ઇલેક્ટ્રોનિક્સ, રિન્યુએબલ એનર્જી અને ફાર્માસ્યુટિકલ્સ એ ત્રણ મુખ્ય ક્ષેત્ર છે. આ ત્રણેય મુખ્ય ક્ષેત્રોમાં ચીનનું જબરદસ્ત વર્ચસ્વ છે અને ભારત સંપૂર્ણપણે ચીની સપ્લાય ચેઈન પર નિર્ભર છે તેથી તેથી આપણે ચીન નચાવે એમ નાચવું પડે છે.
સર્વેમાં સોલાર એનર્જી અને બહુ ઓછી મળતી અર્થ મિનરલ્સનાં ઉદાહરણ પણ એપાયાં છે.
સોલાર એનર્જી માટે પોલિસિલિકોન, વેફર્સ અને બેટરી સૌથી મહત્વનાં છે. અત્યારે ભારતમાં સોલાર એનર્જીનો બિઝનેસ ધૂમ ચાલે છે પણ ભારત ચીન પર નિર્ભર છે, બલ્કે આખી દુનિયા ચીન પર નિર્ભર છે.
વૈશ્વિક સ્તરે સોલાર ફોટોવોલ્ટેઇક (PV) કોમ્પોનન્ટસમાંથી ૮૦ ટકા અને રેર અર્થ મિનરલ્સનો ઉપયોગ કરીને બનાવાતી હાઇ-સ્ટોરેજ બેટરીમાંથી ૭૦ ટકા ચીની કંપનીઓ દ્વારા બનાવાય છે. આ કારણે ભારતે નહીં પણ આખી દુનિયાએ ચીનના ઈશારે નાચવું પડે છે.
આર્થિક સર્વેમાં ચેતવણી અપાઈ છે કે, ભારત ચીન પરની નિર્ભરતા નહીં ઘટાડે તો ચીન ભવિષ્યમાં સપ્લાય બંધ કરીને એવો બૂચ મારશે કે ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન જ ઠપ્પ થઈ જશે.
આ ચેતવણી ગંભીર છે પણ આ સમસ્યાનો ઉકેલ શું એ મુખ્ય મુદ્દો છે. કમ સે કમ અત્યારે તો આ સમસ્યાનો ઉકેલ ભારત પાસે નથી. ચીન લાંબા સમયથી પોતાનો ગાળિયો કસી રહ્યું છે. અમેરિકા અને યુરોપના દેશો ચીનની દાનતને સમજીને ચીન પરની નિર્ભરતા ઘટાડવા માંડયા છે કેમ કે તેમની પાસે ટેકનોલોજીની તાકાત છે. ભારત સાયન્સ અને ટેકનોલોજીમાં ઢ છે તેથી ભારત પાસે એવી તાકાત નથી.
છેલ્લાં કેટલાંક વરસોમાં સ્પેસમાં કે ડીફેન્સમાં બીજી જે પણ થોડીઘણી સિધ્ધીઓ આપણે મેળવી એ ઉછીની ટેકનોલોજીના આધારે મેળવેલી છે. મંગળ કે ચંદ્ર પર ઉતરાણ કે સ્પેસ સ્ટેશનની સ્થાપના વગેરેને આપણે મોટી સિધ્ધિઓ માનીને ફુલાઈએ છીએ પણ આ બધું રશિયા અને અમેરિકા સહિતના દેશો ૫૦ વર્ષ પહેલાં કરી ચૂક્યા છે તેથી ખરેખર એ મોટી સિધ્ધીઓ નથી.
ભારત પાસે વિઝનરી લીડરશીપ પણ નથી. ચીન કશું બોલ્યા વિના કામ કર્યા કરે છે ને આપણી નેતાગીરી થૂંક ઉડાડયા કરે છે તેથી ભવિષ્યમાં ચીન આપણી હાલત બગાડી શકે એવી સમયસરની ચેતવણી છતાં આપણે કંઈ નહીં કરી શકીએ.
- ભારતની જીડીપી કરતાં ચીનની નિકાસ વધારે, 5 ટ્રિલિયન ઈકોનોમીની વાતો હવામાં
ચીનની રાક્ષસી આર્થિક તાકાતનો ખ્યાલ એ વાત પરથી આવે કે, ભારતની જીડીપી છે તેના કરતાં વધારે તો ચીનની નિકાસ છે. ૨૦૨૩માં ભારતની જીડીપી ૩.૫૫ ટ્રિલિયન ડોલર ( ૧ ટ્રિલિયન એટલે ૧ લાખ કરોડ) હતી તેની સામે ૨૦૨૩માં ચીનની નિકાસ ૩.૫૮ ટ્રિલિયન ડોલર હતી. ૨૦૨૪માં ભારતની કુલ નિકાસ ૮૧૪ અબજ ડોલર હતી એ જોતાં નિકાસમાં ભારત ચીનની નજીકમાં પણ ક્યાંય નથી.
૨૦૨૨માં ચીનની કુલ નિકાસ ૩.૭૩ ટ્રિલિયન ડોલર હતી પણ રશિયા-ચીનની ધરીના કારણે અમેરિકા-યુરોપના દેશોએ ચીન પર આર્થિક નિયંત્રણો લાદ્યાં તેના કારણે ૨૦૨૩માં નિકાસ ઘટી.
ચીને ૨૦૨૩માં જ તેનો પણ ઉપાય શોધી કાઢીને આફ્રિકન યુનિયનના દેશો સાથે કરાર કરી નાંખ્યો. તેના કારણે ભવિષ્યમાં ચીનને બહુ મોટું બજાર મળી ગયું અને ચીન તેનો ફાયદો ઉઠાવીને ભવિષ્યમાં બધા દેશોની હાલત બગાડી દેશે. ચીને તેની આયાતમાં પણ જંગી ઘટાડો કરતાં અત્યારે ચીન ૧ ટ્રિલિયન ડોલર સરપ્લસ ધરાવે છે.
આપણાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના પ્રવચનમાં ભારત બહુ જલદી દુનિયાની ત્રીજા નંબરની ઈકોનોમી બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો તેમાં તો ભક્તો ઝૂમી ઉઠયા પણ નંબર ગેમથી કશું થવાનું નથી. મોદી સાહેબે ૨૦૨૫માં ૫ ટ્રિલિયન ઈકોનોમી બનાવવાની વાતો કરેલી પણ અમેરિકાની ૨૬ ટ્રિલિયન અને ચીનની ૧૯ ટ્રિલિયન જીડીપી સામે આપણે હજુ ૪ ટ્રિલિયનના આંકડાને પણ પાર કરી શક્યા નથી.
- મેક ઈન ઈન્ડિયા-આત્મનિર્ભર ભારતની વાતો ને સોલર સેલ ચીનથી મંગાવવા પડે છે
ભારતમાં અત્યારે રીન્યુએબલ એનર્જી સૌથી ઝડપથી વિકસી રહેલો બિઝનેસ છે.
ભારતમાં સોલાર એનર્જીની પુષ્કળ તકો છે કેમ કે વરસમાં ૮-૧૦ મહિના ભરપૂર સૂર્યપ્રકાશ મળે છે. તેનો ઉપયોગ કરવા માટે સોલર એનર્જીને પ્રોત્સાહન આપવાની યોજના સરકારે ચલાવી છે પણ ભારત સોલાર એનર્જી માટેની ટેકનોલોજીમાં આત્મનિર્ભર નથી.
ડો. મનમોહનસિંહના સમયમાં ભારતે નેશનલ સોલર મિશન શરૂ કરેલું. એ વખતે જ ભારતમાં સોલર સેલ બનાવવાના પ્રયત્નો શરૂ કરી દેવાયેલા. મોદી સરકાર આવી પછી તેમાં કશું મહત્વનું કામ થયું નથી. તેના કારણે ભારત સોલર સેલ માટે ચીન પર નિર્ભર છે. આપણે મેઈક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતની વાતો કરીએ છીએ પણ સોલર સેલ સુધ્ધાં અહીં બનાવી શકતા નથી.
ભારતમાં કેટલીક કંપનીઓ પોલિસિલિકોન, વેફર્સ આયાત કરીને સોલર સેલ બનાવે છે પણ તેમની સંખ્યા ઓછી છે.
મોટા ભાગની કંપનીઓ વિદેશથી સોલર સેલ અને મોડયુવ મંગાવે છે.
ગયા વરસે ભારતે ૩.૮૯ અબજ ડોલરના સોલર સેલ અને મોડયુલ મંગાવેલાં. તેમાંથી ૬૨ ટકાથી વધારે ચીનથી મંગાવેલાં. ચીન પછી વિયેતનામ, મલેશિયા, થાઈલેન્ડથી પણ સોલર સેલ અને મોડયુલ ખરીદાય છે પણ તેમનો હિસ્સો બહુ નાનો છે.