Get The App

ઈરાન-અમેરિકા યુદ્ધ : વિશ્વ ઉપર ડિજિટલ બ્લેકઆઉટનો તોળાતો ખતરો

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન-અમેરિકા યુદ્ધ : વિશ્વ ઉપર ડિજિટલ બ્લેકઆઉટનો તોળાતો ખતરો 1 - image

- ઈરાનના સૈનિકો અને તેના વિદ્રોહી લડવૈયાઓ ગમે ત્યારે દરિયામાં પાથરેલા કેબલ્સ કાપી નાખે તો દુનિયાભરમાં ઈન્ટરનેટ ઠપ થઈ જાય

- દુનિયાભરમાં કેબલ્સ દ્વારા જે ઈન્ટરનેટ સપ્લાય કરવામાં આવે છે તેમાંથી અંદાજે ૯૫ ટકા કરતા વધારે ઈન્ટરનેટ સેવાઓ આ સબમરીન કેબલ્સ દ્વારા કરવામાં આવામાં આવે છે : ઉલ્લેખનીય છે કે, દુનિયાભમાં ઈન્ટરનેટનો સપ્લાય કરનારા કેબલ્સમાંથી મોટાભાગના કેબલ્સ ત્રણ મહાસાગરો અને સમુદ્રો નીચેથી પસાર થાય છે. તેમાંય મોટાભાગની લાઈન્સ પેસેફિક મહાસાગર, હિંદ મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર નીચેથી પસાર થાય છે. હોર્મુઝની ખાડી નીચેથી અંદાજે 17 જેટલા મહત્ત્વના કેબલ્સ પસાર થાય છે : હોર્મુઝની ખાડીના રસ્તે દુનિયાના વિવિધ ભાગમાં જાય છે. તેના દ્વારા દુનિયાને 30 ટકા ઈન્ટરનેટ સપ્લાય કરવામાં આવે છે. 2-આફ્રિકા(મેટા-ફેસબુક)ની વાત કરીએ તો તે દુનિયાની સૌથી લાંબી ઈન્ટરનેટ સપ્લાયની સબમરીન કેબલ સિસ્ટમ છે. તે અંદાજે 45,000 કિલોમીટર લાંબી સિસ્ટમ છે. જો ઈરાન દ્વારા નીચે આવેલા સબમરીન કેબલ્સ ઉપર હુમલો કરવામાં આવે તો એશિયાના અને યુરોપના મોટાભાગના દેશોમાં ઈન્ટરનેટ સેવાઓ ઠપ થઈ જાય તેમ છે

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ક્રૂડની અછત સર્જાયેલી છે. એશિયા અને યુરોપના દેશોમાં ગેસ અને ક્રૂડની અછતને પગલે ભાવવધારો, મોંઘવારી અને ક્યાંક ક્યાંક તો કોરોનાકાળ જેવા લોકડાઉનની સ્થિતિ પણ આવી ગઈ છે. મધ્યપૂર્વમાં ચાલતા આ યુદ્ધને પગલે દુનિયાભરની આર્થિક, સામજિક, વ્યાપારિક અને અન્ય પરિસ્થિતિઓ બદલાયેલી છે. ઈરાન અને અમેરિકાના યુદ્ધને પગલે દુનિયામાં હવે બીજી મોટી સમસ્યા સર્જાવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જાણકારોના મતે આ યુદ્ધ જો વધારે વકરશે અને ઈરાન કોઈપણ ભોગે અમેરિકાને દબાવવા અને હરાવવા આકરું થશે તો દુનિયાભરના દેશોએ તેનું પરિણામ ભોગવવું પડશે. આ યુદ્ધની અસર વિશ્વભરના ઈન્ટરનેટ કેબલ્સ અને સબમરીન કેબલ્સ ઉપર પડી શકે છે. આ યુદ્ધમાં ઈન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવવામાં આવ્યા તો સમગ્ર વિશ્વની કામગીરી ઠપ થવાની શક્યતાઓ રહેલી છે. ભારત ઉપર તેની સૌથી મોટી અને ગંભીર અસર થાય તેમ છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન યુગ જ ડિજિટલ યુગ કહેવાય છે અને દુનિયાભરના દેશો ઈન્ટરનેટ માધ્યમથી જ પોતાની મોટાભાગની કામગીરી કરે છે. દુનિયાભરના દેશો ઈન્ટરનેટ ઉપર આધારિત છે અને તેના થકી જ એકબીજા સાથે જોડાયેલા છે. 

જાણકારો માને છે કે, આ યુદ્ધ દરમિયાન જો સબમરીન કેબલ્સને નિશાન બનાવવામાં આવશે તો ભયાનક નુકશાન થશે. દુનિયાભરના દેશોને જે નુકસાન થશે તેની કલ્પના કરવી પણ અશક્ય છે. દુનિયાભરના ઓનલાઈન કાર્યો અટકી જશે, તેની સાથે જોડાયેલા વેપાર, રોજગાર, કામગીરીઓ પણ ઠપ થઈ જશે. આર્થિક બાબતોને પણ વ્યાપક નુકસાન જશે. હાલમાં હોર્મુઝની ખાડી નીચેથી અને રાતા સમુદ્ર તથા ઈરાનની આસપાસથી મોટા પ્રમાણમાં ઈન્ટરનેટના સબમરીન કેબલ્સ પસાર થાય છે. ઈરાની સૈનિકો અને વિદ્રોહી લડવૈયાઓ દ્વારા જો આ કેબલ્સ કાપી નાખવામાં આવે તો દુનિયાભરનું ઈન્ટરનેટ ખોરવાઈ શકે છે. આ કેબલ્સ ફરી જોડવામાં અને કામગીરી રાબેતા મુજબ કરવામાં ઘણો સમય પસાર થઈ શકે તેમ છે.

મહત્ત્વની વાત એ છે કે, દુનિયાભરમાં ઈન્ટરનેટનો સપ્લાય આકાશમાં રહેલા સેટેલાઈટ્સ કે અન્ય માધ્યમોથી નહીં પણ કેબલ્સ દ્વારા થાય છે. દુનિયાભરમાં કેબલ્સ દ્વારા જે ઈન્ટરનેટ સપ્લાય કરવામાં આવે છે તેમાંથી અંદાજે ૯૫ ટકા કરતા વધારે ઈન્ટરનેટ સેવાઓ આ સબમરીન કેબલ્સ દ્વારા કરવામાં આવામાં આવે છે. જાણકારો માને છે કે, મિડલ ઈસ્ટમાં દરિયાની નીચે પથરાયેલા કેબલ્સને જો નુકસાન પહોંચાડવામાં આવે કે તેને નષ્ટ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં નુકસાન થાય તેમ છે. એક તરફ ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ જાય તેમ છે. તે ઉપરાંત ભારત અને અન્ય એશિયન દેશોમાં ઈન્ટરનેટ સેવાઓ સદંતર ખોટકાઈ જવાની શક્યતાઓ રહેલી છે. 

એક વખત જો ઈન્ટરનેટ સેવાઓ ખોટકાવા લાગી કે પછી ઠપ થવા લાગી તો દુનિયાભરમાં કામગીરીને વ્યાપક અસર પડી શકે તેમ છે. જાણકારો માને છે કે, દુનિયાભરમાં ઈન્ટરનેટ ઠપ થવાના કારણે ઓનલાઈન પેમેન્ટ, ઈ-કોમર્સ સર્વિસનો ઉપયોગ, ક્લાઉડ સર્વિસ, એઆઈ હબ્સ અને બીજી ઘણી સુવિધાઓ ઉપર વ્યાપક અસર પડી શકે તેમ છે. તેના કારણે વૈશ્વિક અર્થતંત્રને એટલો મોટો ફટકો પડશે કે તેનાથી બહાર આવવામાં ઘણો સમય લાગશે. આ ઉપરાંત વૈશ્વિક બજારમાં એટલો મોટો ખાડો પડશે તે તેને સુધારવામાં અને સરભર કરવામાં ઘણો સમય લાગી જશે. ઉલ્લેખનીય છે કે, દુનિયાભમાં ઈન્ટરનેટનો સપ્લાય કરનારા કેબલ્સમાંથી મોટાભાગના કેબલ્સ ત્રણ મહાસાગરો અને સમુદ્રો નીચેથી પસાર થાય છે. તેમાંય મોટાભાગની લાઈન્સ પેસેફિક મહાસાગર, હિંદ મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર નીચેથી પસાર થાય છે. તેમાંય રાતા સમુદ્ર અને હોર્મુખની ખાડી ખાતેથી જે કેબ્સ પસાર થાય છે તે હાલના સમયે તો ખૂબ જ મહત્ત્વના છે.

મુદ્દાની વાત એવી છે કે, હિંદ મહાસાગર નીચે જે સબમરીન કેબલ્સ લગાવવામાં આવેલા છે તે હોર્મુઝની ખાડીના રસ્તે દુનિયાના વિવિધ ભાગમાં જાય છે. તેના દ્વારા દુનિયાને ૩૦ ટકા ઈન્ટરનેટ સપ્લાય કરવામાં આવે છે. સીમીવી-૬, ૨-આફ્રિકા (મેટા-ફેસબુક) અને બ્લૂ રમન આ રૂટ દ્વારા જ ભારત અને યુરોપને જોડે છે. તેમાં પણ ૨આફ્રિકા(મેટા-ફેસબુક)ની વાત કરીએ તો તે દુનિયાની સૌથી લાંબી ઈન્ટરનેટ સપ્લાયની સબમરીન કેબલ સિસ્ટમ છે. તે અંદાજે ૪૫,૦૦૦ કિલોમીટર લાંબી સિસ્ટમ છે. આ પ્રોજેક્ટનો મોટાભાગનો હિસ્સો સજ્જ થઈ ગયો છે. તેના દ્વારા કામ થઈ રહ્યું છે. બીજી તરફ વારંવાર હુથી હુમલાખોરોના હુમલાના કારણે અહીંયાની સુરક્ષા જોખમાય છે. તેના પગલે પશયલ ગલ્ફ અને રાતા સમુદ્રના આગળના પ્રોજેક્ટનું કામ અટવાયેલું છે. બ્લૂ રમન પ્રોજેક્ટનો પણ મોટાભાગનો હિસ્સો તૈયાર થઈ ગયો છે. તેનો પણ રાતા સમુદ્ર તરફનો ભાગ હજી અધૂરો છે. સીમવી-૬નું નેટવર્ક પણ વિકસેલું છે. ૨૧,૭૦૦ કિ.મી લાંબી આ નેટવર્ક સિસ્ટમ સિંગાપુરથી ફ્રાન્સ સુધી ફેલાયેલી છે.

ઉલ્લેખનીય છે કે, એટલાન્ટિક મહાસાગરમાં રહેલા આ કેબલ્સ અમેરિકા અને યુરોપ વચ્ચે જોડાયેલી મહત્ત્વની કડી છે. યુરોપ અને અમેરિકા વચ્ચે આ સૌથી વ્યસ્ત રૂટ છે. આ રૂટમાં ૧૮૫૮માં દુનિયાના પહેલા ટ્રાન્સ એટલાન્ટિક કેબલ્સ નાખવામાં આવ્યા હતા. આ રૂટમાં એમએઆરઈએ તથા એમિટી, ગૂગલ અને નૂવેમ જેવા પ્રોજેક્ટ સંકળાયેલા છે. તેની ક્ષમતા વધારવા માટે હાલમાં પણ મોટાપાયે કામ કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત પેસેફિક મહાસાગરમાં રહેલી ઈન્ટરનેટ લાઈન્સના કેબલ્સ અમેરિકા અને પૂર્વ એશિયા માટે ખૂબ જ મહત્ત્વના છે. આ રૂટ અમેરિકાને જાપાન, ચીન અને ઓસ્ટ્રેલિયા જેવા પૂર્વના એશિયાઈ દેશો સાથે જોડે છે. જાપાન અને અમેરિકા વચ્ચે આ રૂટ દ્વારા ફોસ્ટર નામની સબમરીન ઈન્ટરનેટ કેબલ લાઈન જોડાયેલી છે. પેસેફિક કનેક્ટ ઈનિશિયેટિવ પ્રોજેક્ટ દ્વારા આ રૂટમાં અંદાજે ૧ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. તેમાં પ્રોઆ અને તૈહેઈ જેવા નવા કેબલ્સ ઉપર પણ કામ કરવામાં આવી રહ્યું છે.

જાણકારોના મતે આ જગ્યાઓ એટલી વિશાળ છે કે, ત્યાં વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા પણ વિવિધ દેશની સરકારો સાથે જોડાણ કરીને નેટવર્ક વિસ્તાર માટે પ્રયાસ કરવામાં આવે છે. 

અહીંયા ઈકો અને બિફ્રોસ્ટ જેવા પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે. આ કેબલ્સ દ્વારા અમેરિકાને સીધા જ ઈન્ડોનેશિયા, સિંગાપુર જોડાયેલા રહેશે. પહેલી વખત દક્ષિણ-પૂર્વ એશિયાને સીધું જ અમેરિકા સાથે જોડાવામાં આવશે. હવાઈકી નુઈ દ્વારા ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અમેરિકા વચ્ચે ડેટા ટ્રાન્સફર અને ડેટા સ્ટોરેજની કેપેસિટીને અનેકગણી કરવામાં આવશે. હાલમાં તેના ઉપર જ કામ કરવામાં આવી રહ્યું છે.

હોર્મુઝ ખાડી નીચેથી પસાર થતા 17 જેટલા મહત્ત્વના કેબલ્સ ઉપર જોખમ 

જાણકારોના મતે હાલના સમયમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. યુદ્ધને પગલે રાતા સમુદ્ર અને હોર્મુઝની ખાડીમાં કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો દુનિયાભરના ઈન્ટરનેટ કનેક્શનને મોટું નુકસાન જવાની શક્યતા છે. જાણકારોના મતે રાતા સમુદ્ર અને હોર્મુખની ખાડી નીચેથી ઈન્ટરનેટ કનેક્ટિવિટીનો મોટો રૂટ પસાર થાય છે. એશિયા અને યુરોપની ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે હોર્મુઝની ખાડી અને રાતો સમુદ્ર ખૂબ જ મહત્ત્વના છે. અહીંયાથી અંદાજે ૧૭ જેટલા મહત્ત્વના કેબલ્સ પસાર થાય છે. જો હુથી વિદ્રોહીઓ દ્વારા કે પછી ઈરાનના સૈનિકો દ્વારા આ બંને દરિયાઓમાં નીચે આવેલા સબમરીન કેબલ્સ ઉપર હુમલો કરવામાં આવે તો એશિયાના અને યુરોપના મોટાભાગના દેશોમાં ઈન્ટરનેટ સેવાઓ ઠપ થઈ જાય તેમ છે. ભૂતકાળમાં આવી કેટલીક ઘટનાઓ થયેલી છે. થોડા વખત પહેલાની જ વાત કરીએ તો ફેબ્રુઆરી ૨૦૨૪માં હુથી વિદ્રોહીઓ દ્વારા રાતા સમુદ્રમાં સીકોમ, ટીજીએન અને એએઈ-૧ જેવા મુખ્ય કેબલ્સ કાપી નાખવામાં આવ્યા હતા. તેના કારણે એશિયા અને યુરોપ વચ્ચેની ૨૫ ટકા ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ હતી. આ કેબલ્સને યથાવત સ્થિતિમાં લાવવા માટે પાંચ મહિના સુધી સમારકામ કરવું પડયું હતું. હાલમાં તો યુદ્ધ ચાલી રહ્યું છે તેથી રિપેરિંગ કરનારી કંપનીઓ અને વીમા કંપનીઓએ પણ આ વિસ્તારમાં જવાની મનાઈ કરી દીધી છે. તે ઉપરાંત અહીંયા જવાની આંતરરાષ્ટ્રીય પરમિશન મળે, સ્થિતિ કાબુમાં આવે અને રિપેરિંગ થાય તેમાં ઘણા મહિનાઓ પસાર થઈ જાય તેમ છે. આ પહેલાં જાન્યુઆરી ૨૦૨૨માં ટોંગા જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણે પેસેફિક મહાસાહરમાં ટોંગા દેશને દુનિયા સાથે જોડતો એકમાત્ર સબમરીન ઈન્ટરનેટ કેબલ કપાઈ ગયો હતો. તેને ફરી જોડવામાં અંદાજે ૪૦ દિવસનો સમય લાગ્યો હતો. ત્યાં સુધી ટોંગા દેશના તમામ વ્યવહારો ખોરવાઈ ગયા હતા.

ભારતની ડિજિટલ ઈકોનોમી અને ક્લાઉડ સિસ્ટમને વ્યાપક નુકસાન થઈ શકે

ઈરાન-અમેરિકાના યુદ્ધની ઝાળ હવે દરિયામાં પણ આગ લગાવી શકે છે. જો દરિયામાં આગ લાગી અને કેબલ્સ કપાયા તો ભારત માટે વધુ એક મોટું જોખમ ઊભું થશે. પહેલેથી જ હોર્મુઝની ખાડી બંધ થવાથી ક્રૂડના સપ્લાયમાં મોટી અસર થઈ છે ત્યાં હવે ઈન્ટરનેટ કેબલ કપાવાનું જોખમ ઊભું થયું છે. ભારત માટે આ જોખમ ભયાનક પડકારો લઈને આવે તેમ છે. રાતા સમુદ્ર અને હોર્મુઝની ખાડી નીચેથી પસાર થતા કેબલ્સમાં આ પહેલાં જ્યારે ખામી સર્જાઈ હતી ત્યારે ભારતને તેના પરિણામ ભોગવવા પડયા હતા. હાલમાં તો યુદ્ધ ચાલી રહ્યું છે, જો હુથી વિદ્રોહીઓ તેમાં ભાંગફોડ કરે તો ભારતને વ્યાપક નુકસાન જાય તેમ છે. જાણકારો માને છે કે, નેટવર્ક સ્લો થઈ જાય અથવા તો ઈન્ટરનેટ કનેક્શન જતું રહે તો ડિજિટલ ઈકોનોમીને મોટું નુકસાન જાય તેમ છે. ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ, ક્લાઉડ, એઆઈ વગેરેને વ્યાપક અસર થાય. બેન્કિંગ સિસ્ટમ, યુપીઆઈ સિસ્ટમ, ઓનલાઈન સેવાઓ અને વેપાર ખોટકાઈ જાય.