30 વર્ષની ઉંમરે બે લાખ કરોડની સંપત્તિ : 32 વર્ષે 25 વર્ષની કેદ
- એફટીએક્સના સ્થાપક સેમ બેંકમેન-ફ્રાઈડને જેલની સજાએ અમેરિકામાં ખળભળાટ મચાવ્યો છે કેમ કે એક સમયે અમેરિકાના યુવાનો સેમની જેમ ક્રિપ્ટો કિંગ બનીને ધનિક બનવાનાં સપનાં જોતા હતા.
સેમને તેનાં કર્મોની સજા મળી પણ સેમના સ્કેમની માસ્ટરમાઈન્ડ મનાતી તેની પ્રેમિકા કેરોલિન એલિસન બચી ગઈ છે. સેમ અને કેરોલિનાની લવ સ્ટોરી ૨૦૧૫માં શરૂ થઈ. કેરોલિનના કહેવાથી જ સેમ ક્રિપ્ટો કરન્સીના બિઝનેસમાં આવ્યો, નાણાં બીજી કંપનીમાં ટ્રાન્સફર કર્યાં પણ કૌભાંડ બહાર આવ્યું પછી કેરોલિને રંગ બદલી દીધો. કેરોલિને સોદાબાજી કરીને સેમ સામે જુબાની આપતાં સેમને સજા થઈ ગઈ જ્યારે કેરોલિનને કશું ના થયું.
કોઈ વ્યક્તિ પાસે માત્ર ૩૦ વર્ષની ઉંમરે ૨૬ અબજ ડોલર (લગભગ ૨ લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ હોય ને થોડા મહિનાઓમાં એ સંપત્તિ ઝીરો થઈ જાય એવું બને ? ને સવા વર્ષ પછી એ વ્યક્તિને ૨૫ વર્ષની જેલની સજા થઈ જાય ખરી ? કોઈને આ કોઈ ફિલ્મની સ્ટોરી લાગશે પણ સેમ બેંકમેન-ફ્રાઈડની રીયલ લાઈફ સ્ટોરી છે.
નાદાર ક્રિપ્ટો એક્સચેન્જ એફટીએક્સના સહ-સ્થાપક સેમ બેંકમેન-ફ્રાઈડ પાસે ૨૦૨૨ના જુલાઈમાં ૨૬ અબજ ડોલરની સંપત્તિ હતી અને ફોર્બ્સની સૌથી ધનિક અમેરિકનોની યાદીમાં સેમ બેંકમેન-ફ્રાઈડ ૪૧મા નંબરે હતો. ચાર મહિના પછી ૨૦૨૨ના નવેમ્બરમાં એફટીએક્સ ધરાશાયી થઈ એ સાથે જ સેમ લિટરલી રસ્તા પર આવી ગયો. તેની બે લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ રાતોરાત ધોવાઈ ગઈ અને સેમ પાસે ફૂટી કોડી પણ ના રહી.
હવે બરાબર સવા વરસ પછી અમેરિકાની કોર્ટે સેમ બેંકમેન-ફ્રાઈડને ૨૫ વર્ષની જેલની સજા ફટકારી છે. સેમ અને તેના ત્રણ સાથીને ક્રિપ્ટો એક્સચેન્જમાં રોકાણ કરનારા ગ્રાહકોના પૈસા ખાઈ જવા અને રોકાણકારોને ગેરમાર્ગે દોરવા બદલ દોષિત ઠેરવીને યુ.એસ. ડિસ્ટ્રિક્ટ જજ લુઈસ એ. કપલાને સેમ પાસેથી ૧૧ અબજ ડોલરથી વધુ નાણાં જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો છે. સેમની સજાએ અમેરિકામાં ખળભળાટ મચાવ્યો છે કેમ કે એક સમયે અમેરિકાના યુવાનો સેમની જેમ ક્રિપ્ટો કિંગ બનીને ધનિક બનવાનાં સપનાં જોતા હતા.
સેમ બેન્કમેન-ફ્રાઇડે એફટીએક્સના રોકાણકારોએ રોકેલાં નાણાં તેની ટ્રેડિંગ આર્મ મનાતી અલમેડા રિસર્ચમાં ટ્રાન્સફર કરી દીધા હતા. સેમે ખાનગીમાં એફટીએક્સના ૧૦ અબજ ડોલર ્રટ્રાન્સફર કર્યા તેનો ઉપયોગ બિઝનેસ માટે કરાયેલો. આ વાત ગમે તે રીતે ૨૦૨૨ના નવેમ્બરમાં બહાર આવી જતા એફટીએકસના રોકાણકારોએ ત્રણ દિવસમાં લગભગ ૬ અબજ ડોલરની ક્રિપ્ટો કરન્સી વટાવીને રોકડી કરી લેવા અરજીઓ આપેલી પણ એફટીએક્સ પાસે નાણાં જ નહોતાં તેમાં બધી પોલ ખૂલી ગઈ.
સેમ એજન્સીઓથી બચવા બહામાસ ભાગી ગયેલો પણ બહામાસે તેને ના સંઘર્યો ને અમેરિકાને સોંપી દીધો. બેંકમેનને ૨૦૨૩ના નવેમ્બરમાં ૮૦૦ કરોડ ડોલરથી વધુની છેતરપિંડી માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો ને હવે તેને સજા થઈ ગઈ છે.
સેમને સજા થઈ પછી સેમે કઈ રીતે અબજોનું સામ્રાજ્ય ઉભું કર્યું ને પછી કઈ રીતે આ સામ્રાજ્ય ધરાશાયી થયું તેની વાતો બધે ચાલી રહી છે પણ સેમના લાઈફના એક પાસા વિશે કોઈ વાત કરતું નથી. આ પાસુ સેમની પ્રેમિકા કેરોલિન એલિસન છે. કેરોલિનની જુબાનીના કારણે સેમને બૂચ વાગી ગયો અને ૨૫ વર્ષની સજા થઈ પણ વાસ્તવમાં આ આખા સ્કેમની માસ્ટરમાઈન્ડ કેરોલિના હોવાનું કહેવાય છે.
સેમ અને કેરોલિનાની લવ સ્ટોરી ૨૦૧૫માં શરૂ થઈ. સેમ એ વખતે ૨૩ વર્ષનો અને કેરોલિના ૨૦ વર્ષની હતી. કેરોલીના ત્યારે વોલ સ્ટ્રીટમાં સ્ટોક ટ્રેડિંગ કરતી જેન સ્ટ્રીટ કેપિટલમાં ઈન્ટર્ન હતી જ્યારે સેમ ક્વોન્ટિટેટિવ ટ્રેડર નોકરી કરતો હતો. સેમનું કામ ઈન્ટર્ન્સને ટ્રેડગ કઈ રીતે કરવું એ શીખવવાનું હતું. આ દરમિયાન સેમ કેરોલિનાના પ્રેમમાં પડી ગયો. સેમ અને કેરિલોના લિવ-ઈનમાં સાથે રહેવા માંડયાં પછી કેરોલિનાએ સેમને પ્રેમની સાથે સાથે ક્રિપ્ટો કરન્સીના પાઠ પણ ભણાવવા માંડયા
સેમ પહેલાં સ્ટોક ટ્રેડિંગ કરીને વોરન બફેટ જેવો મહાન રોકાણકાર બનવા માગતો હતો. કેરોલિનાએ તેને સમજાવ્યું કે, બફેટ બનવામાં વરસો લાગી જશે, તેના કરતાં ક્રિપ્ટો કરન્સીમાં ઝંપલાવીશ તો રાતોરાત અબજોપતિ થઈ જઈશ. ક્રિપ્ટો કરન્સી અત્યારે ટ્રેન્ડિંગ છે તેથી વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા.
સેમને ગળે આ વાત ઉતરી અને તેણે ક્રિપ્ટો કરન્સીનો અભ્યાસ શરૂ કર્યો. મેથેમેટિક્સના જીનિયસ મનાતા સેમે ત્રણ વર્ષમાં ક્રિપ્ટો કરન્સીની આંટીઘૂંટી સમજી લીધા પછી જેન સ્ટ્રીટની નોકરી છોડી દીધી અને અલામેડા રીસર્ચ નામના ક્રિપ્ટો હેજ ફંડની સ્થાપના કરીને કેરોલિના એલિસનને તેની સીઈઓ બનાવી દીધી.
અલામેડામાં શરૂઆતથી જ રોકાણકારોના ડોલરનો વરસાદ થતો હતો પણ મલાઈ ક્રિપ્ટો એક્સચેન્જ ખાઈ જતાં હતાં તેથી ૨૦૧૯માં સેમે ક્રિપ્ટો એક્સચેન્જ એફટીએક્સ શરૂ કર્યું. સેમની લાઈફમાં આ ટનગ પોઈન્ટ સાબિત થયો કેમ કે એફટીએક્સને સુવર્ણકાળમાં હતું ત્યારે દરરોજ ૧૦ અબજ ડોલરથી ૧૫ અબજ ડોલરના સોદા થતા હતા. ભારતીય રૂપિયામાં ગણો તો લગભગ ૧ લાખ કરોડ રૂપિયા થાય. એફવિશ્વનું બીજું સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ બની ગયું હતું. એફટીએક્સ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ બની ગયું હતું.
કેરોલિનાએ જ એફટીએક્સમાં આવતાં રોકાણકારોના નાણાંનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી શકાય એટલે અલામેડામાં ફંડ ટ્રાન્સફર કરીને બિઝનેસમાં રોકવાની સ્ટ્રેેટેજી સેમને બતાવી. સેમે એ વાત માનીને ફંડ ટ્રાન્સફર કરવા માંડયું પણ ત્રણ જ વરસમાં પોલ ખૂલી ગઈ. સેમના કૌભાંડમાં કેરોલનિ પણ બરાબરની ભાગીદાર હતી અને સેમની જેમ તેને પણ ૨૫ વર્ષથી વધારે સજા થશે એ નક્કી હતું પણ કેરોલિને રંગ બદલીને સેમની વિરૂધ્ધ જુબાની આપવાનું સ્વીકારીને સોદાબાજી કરી નાંખી.
સેમ સામેના કેસમાં કેરોલિના સ્ટાર વિટનેસ હતી. કેરોલિનાએ કોર્ટમાં જુબાની આપેલી કે, સેમે તેને એફટીએક્સમાંથી ૧૦ અબજ ડોલર ઉઠાવીને આલમેડાના એકાઉન્ટમાં ટ્ર્રાન્સફર કરવા કહ્યું હતું. આલમેડાએ ઘણી કંપનીઓ પાસેથી ઉધાર નાણાં લીધાં હતાં. આ ૧૦ અબજ ડોલરનો ઉપયોગ એ ઉધારી ચૂકવવા માટે કરાયો હતો. કેરોલિન આલમેડાની સીઈઓ હતી તેથી ૨૦૨૩ના નવેમ્બરમાં તેને પણ દોષિત ઠેરવવામાં આવી હતી પણ આ સોદાબાજીના કારણે સેમને સજા થઈ ગઈ અને કેરોલિના બચી ગઈ.
સેમનું ભાવિ કોર્ટે નક્કી કરી નાંખ્યું પણ કેરોલિનાનું હવે શું થશે એ સવાલ છે. આલમેડાના સીઈઓ તરીકે કેરોલિનાને ૨ લાખ ડોલર વાર્ષિક પગાર મળતો હતો પણ ૨ કરોડ ડોલરનું બોનસ મળતું. તેના કારણે કેરોલિનાને ભાવિની કોઈ ચિંતા નથી.
- સેમ મેથેમેટિક્સ જીનિયસ,
માતા-પિતા ખ્યાતનામ કાયદાવિદ
સેમ બેંકમેનને મેથેમેટિક્સનો જીનિયસ માનવામાં આવે છે. સેમના માતા-પિતા બંને પણ ખ્ચાતિપ્રાપ્ત કાયદાવિદ છે. સેમનાં માતા બાર્બરા અને પિતા જોસેફ બંને સ્ટેનફોર્ડ લો સ્કૂલમાં પ્રોફેસર હતાં. અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી ફિઝિક્સ અને મેથેમેટિક્સ સાથે ગ્રેજ્યુએશન કરનારા સેમને નાની ઉમરથી જ ડિજિટલ વર્લ્ડ અને વર્ચ્યુઅલ કરંસીમાં રસ પડી ગયો હતો.
સેમે ૨૦૧૩માં ૨૧ વર્ષની ઉંમરે ઈટીએફ બિઝનેસ કરતી કંપનીમાં કારકિર્દી શરૂ કરી પછી ઘણી ફાયનાન્સ અને સ્ટોક ટ્રેેડિંગ કંપનીઓમાં કામ કર્યું. એ પછી વોલ સ્ટ્રીટમાં બ્રોકર તરીકે પણ કામ કર્યા પછી ૨૦૧૭માં 'અલમેડા રિસર્ચ ફોર ક્રિપ્ટો હેજ ફંડ' કંપનીની સ્થાપના કરીને ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં પ્રવેશ કર્યો. આ કંપનીમાં દરરોજ ૧૦ લાખ ડોલરનું રોકાણ આવતું તેથી સેમનો આત્મવિશ્વાસ વધ્યો અને ૨૦૧૯માં હોંગકોંગમાં ક્રિપ્ટો એક્સચેન્જ એફટીએક્સની સ્થાપના કરી. આ કંપનીએ સેમને દુનિયાના ધનિકોની યાદીમાં સ્થાન અપાવી દીધું.
જો કે સેમનું કૌભાંડ બહાર આવ્યું પછી અમેરિકામાં ક્રિપ્ટો કરન્સી માર્કેટ ધરાશાયી થઈ ગયું. ૨૦૨૨ના નવેમ્બરના ત્રણ મહિનામાં જ રોકાણકારોએ ૧ ટ્રિલિયન ડોલરનું રોકાણ ક્રિપ્ટો એક્સચેન્જમાંથી પાછું ખેંચી લીધું હતું. અત્યારે બિટકોઈનનો ભાવ ઉંચકાયો છે છતાં ક્રિપ્ટો કરન્સીમાં પહેલાં જેવી તેજી નથી આવી.
- સેમ અમેરિકાનો પ્રમુખ બનવા માગતો હતો
કેરોલિનાની જુબાની પ્રમાણે, સેમ અમેરિકાનો પ્રમુખ બનવા માંગતો હતો. સેમે કેરોલિનાને કહેવું કે, પોતે અમેરિકાનો પ્રમુખ બની શકે એવા પાંચ ટકા ચાન્સ છે અને પોતે ધીરે ધીરે તેને સો ટકામાં ફેરવી નાંખવા માગે છે. કેરોલિનના કહેવા પ્રમાણે, સેમ લેવિશ લાઈફસ્ટાઈલ જીવતો અને તેનો રોજનો ખર્ચ જ એક લાખ ડોલર હતો.
કેરોલિનાનો દાવો છે કે, સેમના કહેવાથી પોતે એફટીએક્સનાં નાણાં ટ્રાન્સફર કરતી હતી ત્યારે અપરાધની લાગણી થતી હતી. પોતે રોકાણકારો સાથે વિશ્વાસઘાત કરી રહી હોવાનું લાગતી હતી. સતત જૂઠું બોલવું પડતું પણ એક વાર સેમની પોલ ખોલવાનો નિર્ણય લીધો પછી પોતે રીલેક્સ થઈ ગઈ.
કેરોલિનાએ સેમને યુટિલિટેરીયન ગણાવ્યો છે. યુટિલેટીરીયનનો મતલબ કોઈ પણ પ્રકારની નીતિમત્તા કે સિધ્ધાંતોમાં નહીં માનનારી અને કોઈ પણ વ્યક્તિનો મહત્તમ ફાયદો લેવાની માનસિકતા ધરાવતી વ્યક્તિ છે. મતલબ કે, સેમ કોઈ પણ વ્યક્તિની ઉપયોગિતાને આધારે જ તેની સાથે સંબંધો રાખવામાં માનતો હતો. ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં કે કોઈનું કશું છિનવી લેવું નહીં જેવા સિધ્ધાંતો તેને બકવાસ લાગતા હતા.