Get The App

દિલ્હીની વાત : સુપ્રિમ કોર્ટના જજ વિપુલ પંચોલી બાબતે બીઆર ગવઈ પહેલી વખત બોલ્યા

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : સુપ્રિમ કોર્ટના જજ વિપુલ પંચોલી બાબતે બીઆર ગવઈ પહેલી વખત બોલ્યા 1 - image

નવીદિલ્હી : દેશના ભૂતપૂર્વ સીજેઆઇ બી આર ગવઈએ નિવૃત્તીના દિવસે જસ્ટીસ વિપુલ પંચોલી બાબતે ચૂપકીદી તોડી હતી. વિપુલ પંચોલીને સુપ્રિમ કોર્ટમાં પ્રમોશન આપવાના પ્રસ્તાવ પર કોલેજિયમના સભ્ય જસ્ટીસ બી વી નાગરત્નાએ સહમતી આપી નહોતી. એમણે કહ્યું હતું કે, કોલેજિયમમાં જસ્ટીસ નાગરત્નાની અસહમતીમાં દમ હોતે તો બીજા ન્યાયાધીશો પણ એનો સ્વિકાર કરી લેતે. ગવઈએ કહ્યું હતું કે કોલેજિયમમાં અસહમતી કોઈ નવી વાત નથી. ગવઈએ કહ્યું હતું કે, 'ભૂતકાળમાં પણ કોલેજિયમમાં કેટલાક ન્યાયાધીશોએ અસહમતી દર્શાવી છે. જો અસહમતીમાં કોઈ યોગ્યતા હોય તો બાકીના ન્યાયાધીસો એ બાબતે સહમત થાય છે.' ગવઈએ એ બાબતે દુઃખ વ્યક્ત કર્યું કે એમના કાર્યકાળ દરમિયાન સુપ્રિમ કોર્ટમાં કોઈ પણ મહિલા ન્યાયાધીશની ભલામણ કરવામાં આવી નહોતી.

ગર્લફ્રેન્ડને લઈને એફબીઆઇ ચીફનો વધતો વિવાદ

અમેરિકાની જાસુસી સંસ્થા એફબીઆઇના મૂળ ભારતવંશીય ડાયરેક્ટર કાશ પટેલ એમની સ્ત્રી મિત્રને કારણે વારંવાર ચર્ચામાં આવતા રહે છે. હવે એમની ગર્લફ્રેન્ડને સરકારી સુરક્ષા આપવા બાબતે એમની ટીકા થઈ રહી છે. 

એમના પર આરોપ છે કે એમણે એમની ગર્લફ્રેન્ડ એલેક્સીસ વિલકિન્સ માટે સ્પેશિયલ વેપન એન્ડ ટેક્સીસ કમાન્ડો (સ્વેટ)ની વ્યવસ્થા કરીને સરકારના રીસોર્સનો ખોટો ઉપયોગ કર્યો છે. એમના પર આક્ષેપ છે કે એમણે ૧૨ અંગત પ્રવાસો માટે સરકારી જેટનો ઉપયોગ કર્યો છે. અમેરિકામાં સવાલ પૂછાઈ રહ્યો છે કે, ટેક્સ પેયર્સના પૈસે અંગત ખર્ચા કરી શકાય ખરા? વિવાદની શરૂઆત એટલાન્ટામાં નેશનલ રાઇફલ એસોસીએશનની વાર્ષિક સમીટને કારણે થઈ હતી. અહીં એલેક્સીસએ 'ધ સ્ટાર સ્પેઇંગડ બેનર' ગાયું હતું. 

એમની સુરક્ષા માટે એફબીઆઇની લોકલ ફિલ્ડ ઓફિસથી સ્વેટ ટીમમાંથી બે સ્પેશિયલ કમાન્ડો મોકલવામાં આવ્યા  હતા. સ્વેટના સુરક્ષા કર્મચારીઓ હંમેશા જોખમી ઓપરેશનમાં ભાગ લેતા હોય છે.

સીએમ યોગીએ જાહેર કર્યું, આરએસએસને ફંડીંગ કોણ કરે છે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)એ એના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં સેવાની સાથે કદી સોદાબાજી નથી કરી. એમને ઘણા દેશોના એમ્બેસડર પૂછે છે કે સંઘનું ફંડીંગ ક્યાથી આવે છે. તેઓ જવાબ આપે છે કે, ઓપેક દેશો અને ચર્ચો નહીં, પરંતુ સંઘને સમાજ મદદ કરે છે. આરએસએસના સર્વેસર્વા મોહન ભાગવતને પણ થોડા સમય પહેલા આ સવાલ પૂછવામાં આવ્યો હતો. ત્યારે એમણે કહ્યું હતું કે સંઘના કાર્યકરો આર્થિક મદદ કરે છે. એ વખતે કેટલાક વિરોધીઓએ એવી ટીકા કરી હતી કે, સંઘના કાર્યકરો કયાંથી પૈસા કમાય છે એ પણ સંઘે જાહેર કરવું જોઈએ. જોકે જ્યારે ભાજપ સત્તામાં છે ત્યારે સ્વાભાવિક છે કે સંઘને ફંડની ખોટ નહીં પડે કારણ કે, ભાજપના ૯૦ ટકા સભ્યો કયારેને ક્યારે આરએસએસમાં રહી ચૂક્યા હોય છે.

બ્રાહ્મણ અધિકારીની પુત્રી સાથે દિપક પ્રકાશના લગ્ન કઈ રીતે થયા

બિહારમાં નિતિશ કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવેલા દિપક પ્રકાશની ચર્ચા આજકાલ ખૂબ થાય છે. દિપક રાષ્ટ્રીય લોકમોરચા (આરએલએમ) ક્વોટામાંથી બિહાર સરકારમાં મંત્રી બન્યા હતા. તેઓ આરએલએમ ચીફ ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર છે. દિપક પ્રકાશએ સોગંદ વિધિ વખતે જીન્સ અને શર્ટ પહેર્યા હોવાથી એ તસવીર પણ ખુબ વાયરલ થઈ હતી. હવે દિપક પ્રકાશના પત્ની વિશે પણ સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ૩૭ વર્ષના દિપક પ્રકાશએ એમઆઇટી મણીપાલથી બીટેકની ડિગ્રી મેળવી છે. તેઓ સોફ્ટવેર એન્જિનિયર છે અને પોતાનો ધંધો કરે છે. દિપકએ હજી સુધી કોઈ ચૂંટણી લડી નથી. એમને સીધા મંત્રી બનાવવામાં આવ્યા છે અને હવે તેઓ છ મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી લડશે. દિપક પ્રકાશની પત્નીનું નામ સાક્ષી કુશવાહા છે. સાક્ષીના પિતા રિટાયર્ડ આઇએએસ ઓફિસર છે. સાક્ષી મૂળ ઉત્તર પ્રદેશના છે. દિપક અને સાક્ષીના પ્રેમ લગ્ન થયા છે.

છેલ્લી છ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસએ મેળવેલી બેઠકો કરતા બિહારમાં ભાજપે વધુ બેઠકો જીતી

વિધાનસભાની છેલ્લી છ ચૂંટણીમાં કોંગ્રેસને દેખાવ અતિ નબળો રહ્યો છે. દરેક રાજ્યોમાં કોંગ્રેસ ખરાબ રીતે હારી છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તો કોંગ્રેસને રોકડી છ બેઠકો મળી છે. આ પરિણામ પછી વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વ પરીવર્તન કરવાની માંગણી તેજ બની છે. સમાજવાદી પક્ષના ઘણા નેતાઓએ અખિલેશ યાદવને ઇન્ડિયા ગઠબંધનના નેતા બનાવવાની માંગણી કરી છે. આ પહેલા ટીએમસીના કેટલાક નેતાઓ મમતા બેનર્જીને ઇન્ડિયા ગઠબંધનના નેતા બનાવવાની માંગ કરી ચૂક્યા છે. બિહારની હાર પછી કોંગ્રેસના ભવિષ્ય તેમજ રાહુલ ગાંધીની સક્ષમતા બાબતે એમના ટેકેદારો સવાલ કરવા માંડયા છે. છેલ્લી છ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને ફક્ત ૮૧ બેઠકો મળી છે. આની સામે ભાજપે ફક્ત બિહાર વિધાનસભા ચૂંટણીમાં ૮૯ બેઠકો પર વિજય મેળવ્યો છે.  

અલ-ફલાહના ચેરમેનનું મકાન તોડવા સામે હાઇકોર્ટનો સ્ટે

અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકીના મહુ સ્થિત પિત્રુક સંપત્તી ગેરકાયદેસર હોવાથી એને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ નોટીસનો અમલ કરવા સામે મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇન્દોર ખંડપીઠે સ્ટે આપ્યો છે. આ મકાન પર પોતાની માલિકી હોવાનો દાવો કરનાર એક વ્યક્તિની અરજી પર હાઇકોર્ટે આ સ્ટે આપ્યો છે. અરજી કરનારે હીબાનામા (ઇસ્લામીક પરંપરા પ્રમાણે કોઈ વ્યક્તિએ ભેટ આપેલી મિલકત જેતે વ્યક્તિને નામે ટ્રાન્સફર થાય છે.) દ્વારા મિલકત પર પોતાનો હક હોવાનો દાવો કર્યો છે. અધિકારીઓના કહેવા પ્રમાણે અલ-ફલાહ યુનિવર્સિટીના સર્વેસર્વા જવાદ અહમદ સિદ્દીકી મૂળ મહુના રહેનાર છે. એમના પિતા હમાદ અહમદ લાંબા સમય સુધી મહુ શહેરના કાઝી રહ્યા હતા. એમનું અવસાન થયું છે અને આ મિલકત પિતાને નામે હોવાથી હવે જવાદ અહમદ સિદ્દીકીની માલીકીની બને છે.

લોરેન્સ બિશ્નોઈ, રોહિત ગોદારા, ગોલ્ડી બરાડ... કોની ગેંગમાં કોણ

બાબા સિદ્દીકીની હત્યા કરનાર જીશાન અખ્તર પહેલી વખત બહાર આવ્યો છે. જીશાન અખ્તરએ અત્યાર સુધીમાં ઘણી માહિતી જાહેર કરી છે. જીશાન અખ્તરએ પોર્ટુગલથી બનાવેલો એક વિડિયો જાહેર કર્યો છે અને કબુલ કર્યુ છે કે લોરેન્સ અને અનમોલ બિશ્નોઇના કહેવાથી એણે બાબા સિદ્દીકીની હત્યા કરી હતી. જોકે હવે એણે લોરેન્સ અને અનમોલ બિશ્નોઇની હત્યા કરવાનું નક્કી કર્યું છે. હવે એ લોરેન્સ બિશ્નોઇ ગેંગ છોડીને રોહીત ગોદારા ગેંગમાં જોડાઈ ચૂક્યો છે. એક જમાનામાં રાજસ્થાનનો ગેંગસ્ટર રોહિત ગોદારા પણ લોરેન્સ બિશ્નોઇ માટે કામ કરતો હતો. આ વર્ષની શરૂઆતમાં જ ગોલ્ડી બરાડ, લોરેન્સથી અલગ થઈ ગયો હતો. ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઇ સ્કૂલ સમયના મિત્રો હતા. લોરેન્સ બિશ્નોઇ ગેંગના ઘણા ગેંગસ્ટરો બીજી ગેંગ સાથે જોડાઈ ગયા છે.