દિલ્હીની વાત : વડાપ્રધાન મોદી ઉપર કોઈ અકળ દબાણ તો નથી ને !
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭૫મા વર્ષમાં પ્રવેશની દેશવિદેશમાંથી શુભેચ્છાઓ મળી હતી ત્યારે મોદી દબાણમાં હોય કે ઉંમરની અસર થઈ રહી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જમ્મુ- કાશ્મીર અને હરિયાણાની ચૂંટણી પ્રચારમાં તેમની રેલીઓની સંખ્યા ઘટી હોય એવું લાગે છે. બીજું, જ્યાં રેલીમાં સંબોધન કરે છે ત્યાં ભૂલી જતા હોય કે જીભ થોથવાય તેવું પણ જોવા મળ્યું છે. આ ઉપરાંત, રેલીના સંબોધનમાં વાત કરતી સમયે ભૂતકાળની હકીકતો ખોટી રીતે રજૂ કરતા જોવા મળી રહ્યા છે. દેશમાં અનામત માટે માંડલ કમિશનની ભલામણનો અમલ કરાવવા એ સમયના વડાપ્રધાન વી. પી. સિંહ મક્કમ- અડગ હતા પણ ભાજપે તેનો ઉગ્ર વિરોધ કરેલો, સરકાર ઉથલાવી હતી. છતાં, મોદી એમ જણાવી રહ્યા છે કે, અનામતનો અમલ ભાજપના કારણે થયો. ૭૫ વર્ષે પક્ષમાંથી નિવૃત્ત થવાનો વણલખ્યો નિયમ વડાપ્રધાનના માનસમાં ભરાયેલો હોય અને તેના દબાણની અસરથી પણ તેમની વાકછટ્ટા, શૈલી અને શબ્દોની પસંદગી નબળી પડી હોય એવી પણ એક સંભાવના છે.
રાહુલ ગાંધીને આતંકવાદી કહેનાર ભાજપના મંત્રીનો ભાજપમાં જ વિરોધ
ભાજપના કેન્દ્રીય મંત્રી રૌવનીત સિંહ બિટ્ટુએ રાહુલ ગાંધી માટે 'નંબર વન આતંકવાદી' જેવી ટિપ્પણી કરી હતી. બિટ્ટુના આવા બેજવાબદાર નિવેદનની ટીકા ભાજપના કેટલાક નેતાઓ જ કરી રહ્યા છે. ભાજપના સિનિયર નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે, બિટ્ટુની આવી કોમેન્ટ ભાજપની સંસ્કૃતિની વિરુદ્ધ છે. બિટ્ટુનું આ નિવેદન દેશની સંસ્કૃતિને શોભે એવું પણ નથી. રાજકીય બાબતે રાહુલ ગાંધીનો વિરોધ હોઈ શકે, પરંતુ આ પ્રકારની ભાષા વાપરવી યોગ્ય નથી. ભાજપની નજીકના સૂત્રોનું કહેવું છે કે, બિટ્ટુએ કરેલા નિવેદન પછી ભાજપ હાઇકમાન્ડ પણ માની રહ્યું છે કે, આવી ટીકા ટિપ્પણીથી રાહુલ ગાંધીની ઇમેજ વધુ મજબુત થાય છે.
વક્ફ સુધારા બિલ માટે બનેલી જેપીસી દેશમાં ફરીને અભિપ્રાય જાણશે
સંસદમાં રજુ થયા પછી વક્ફ સંશોધન બિલ સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવ્યું હતું. આ બીલ વિશે દેશના લોકો શું માને છે એ જાણવા માટે સંસદીય સમિતિ (જેપીસી) દેશના મુખ્ય શહેરોમાં જશે. અત્યાર સુધી જેપીસીને ઇમેલ દ્વારા ૮૪ લાખ અને ૭૦ ડબ્બાઓમાં લાખો લોકોએ પોતાનો અભિપ્રાય જણાવ્યો છે. સમિતિના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી એક કરોડ લોકોએ આ બિલ માટે અભિપ્રાય આપ્યા છે. સૌથી વધુ અભિપ્રાય ઉત્તર પ્રદેશમાંથી મળ્યા છે. હવે સમિતિના સભ્યો લખનૌ, મુંબઈ, હૈદ્રાબાદ, ચેન્નઇ, કોલકત્તા, બેંગ્લુરુ, પટણા, અમદાવાદ સહિત બીજા શહેરોની મુલાકાતે પણ જશે.
હરિયાણામાં કોંગ્રેસે સૈલજા કુમારીને માપમાં રહેવા કહ્યું
હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારી પૂર્ણ કરી નાંખી છે. હરિયાણામાં કોંગ્રેસનો વિજય નક્કી મનાય છે એટલે કોંગ્રેસના કેટલાક નેતાઓ રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે થનગની રહ્યા છે. કોંગ્રેસે નક્કી કર્યું હતું કે, હરિયાણાથી ચૂંટાયેલા સાંસદોને વિધાનસભાની ટિકિટ આપવી નહી. આ નિર્ણયને કારણે હરિયાણાના સિનિયર કોંગ્રેસી નેતા અને સાંસદ સૈલજા કુમારીને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી નહોતી. રાજ્યમાં સૈલજા કોંગ્રેસનો દલિત ચહેરો છે. સૈલજાએ પોતાનો અલગ ચોકો કરીને મુખ્યમંત્રી બનવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડનું નાક દબાવ્યું હતું. જોકે રાહુલ ગાંધીની સૂચના પછી સૈલજાને કહી દેવામાં આવ્યું છે કે, તેઓ કોઈપણ અપેક્ષા વગર ચૂપચાપ પક્ષ માટે કામ કરે. સાનમાં સમજી ગયેલા સૈલજાએ હવે ચૂંટણીના પ્રચાર માટે તૈયારી શરૂ કરી દીધી છે.
રાજ ઠાકરેને ફરીથી મહાયુતિ સરકાર સાથે વાંધો પડયો
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે વારંવાર પોતાના રાજકીય વિચારો બદલતા રહે છે. થોડા વર્ષો પહેલા તેઓ નરેન્દ્ર મોદીના સમર્થક હતા. ત્યાર પછી થોડા સમય સુધી એમણે નરેન્દ્ર મોદીની આખરી ટીકા કરી. ૨૦૨૪ લોકસભા ચૂંટણી પછી રાજ ઠાકરેએ મહારાષ્ટ્રની મહાયુતિ સરકારના વખાણ કર્યા હતા. હવે ફરીથી રાજ ઠાકરેને મહારાષ્ટ્રની સરકાર અળખામણી લાગી રહી છે. જાણીતા અર્થશાસ્ત્રી અજીત રાણાડેને ગોખલે ઇન્સ્ટિટયુટ ઓફ પોલીટીક્સ એન્ડ ઇકોનોમિક્સના કુલપતિ તરીકે દુર કરવાનો યુતિ સરકારનો નિર્ણય રાજ ઠાકરેને પસંદ આવ્યો નથી. આ મામલે તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેની ટીકા તો કરી જ છે. પરંતુ આ મુદ્દો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવવાની વાત પણ કરી છે. રાજ ઠાકરેનું માનવું છે કે, ડો. અજીત રાણાડે જેવી શિક્ષીત વ્યક્તિનું આ રીતે અપમાન કરવું યોગ્ય નથી. રાજ ઠાકરેના આવા વલણથી મહારાષ્ટ્રમાં હવે તેમને કોઈ ગંભીરતાથી લેતું નથી.
એનસીપી અજીત જૂથે મહારાષ્ટ્રમાં 80 બેઠકો માંગી, ભાજપ ભીંસમાં
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થોડા મહિનાઓ પછી યોજાવાની છે. ચૂંટણીની જાહેરાત હજી થઈ નથી, પરંતુ સત્તાપક્ષ અને વિરોધપક્ષની યુતિ પોતાના પક્ષને વધુમાં વધુ બેઠક મળે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં અજીત પવાર જૂથના એનસીપીનો દેખાવ ખૂબ નબળો રહ્યો હતો. આમ છતા અજીત પવાર મહારાષ્ટ્રમાં ૮૦ બેઠકો પરથી ચૂંટણી લડવા માંગે છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ટિકિટની વહેંચણી બાબતે નિર્ણય લઈ લીધો છે. હવે અજીત પવારની માગણીને કારણે દેવેન્દ્ર ફડણવીસનું સંકટ વધી ગયું છે. ભાજપ કોઈપણ સંજોગોમાં અજીત પવારના એનસીપીને ૮૦ બેઠકો આપવા માંગતો નથી. હવે મહાયુતિ વચ્ચેનો આંતરીક કલહ સપાટી પર આવી ગયો છે.
લોકસભાની ચાર સંસદીય સમિતિનું નેતૃત્વ કોંગ્રેસ કરશે
સંસદીય સમિતિઓની નિમણૂક બાબતે સરકાર સાથે લાંબી ચર્ચા વિચારણા કર્યા પછી છેવટે કોંગ્રેસ પોતાનું ધાર્યુ કરવામાં સફળ રહી છે. વિદેશ, ગ્રામીણ વિકાસ, કૃષિ અને શિક્ષણ જેવી સ્થાયી સમિતિના પ્રમુખ તરીકે કોંગ્રેસના સાંસદોની પસંદગી કરવામાં આવી છે. સંસદીય સિમિતના સભ્યોની અગત્યતા ઘણી છે. વિવિધ મંત્રાલયના બજેટ ઉપરાંત નવા બીલ તૈયાર કરવાના હોય ત્યારે સંસદીય સમિતિનો નિર્ણય મહત્વનો બની રહે છે. આ સમિતિઓ સરકારને અગત્યના મુદ્દે સલાહ પણ આપી શકે છે. અગાઉની સરકારમાં ભાજપની બહુમતી હોવાથી સંસદીય સમિતિઓમાં કોંગ્રેસના સાંસદોને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું નહોતું. આ વખતે ભાજપની સંપૂર્ણ બહુમતિ નહી હોવાથી સંસદીય સમિતિની બેઠકમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે.
'એક દેશ એક ચૂંટણી' એક નાટક : સીપીઆઇ-ટીએમસી
સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં દરેક ચૂંટણીઓ એક સાથે યોજવાની વાત પર ભાર આપ્યો હતો. જોકે હવે મોદીની આ વાતનો વિરોધ થઈ રહ્યો છે. સીપીઆઇએમએ એક દેશ એક ચૂંટણીની થિયરીને ટેકો આપવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસે મોદીની જાહેરાતને નાટક ગણાવ્યું છે. ટીએમસીનું કહેવું છે કે, જો સરકાર ખરેખર એક સાથે બધી ચૂંટણી યોજવા માંગતી હોય તો હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીઓની સાથે જ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી કેમ યોજી નહી? સામ્યવાદીઓનું માનવું છે કે, ભારત વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિનો દેશ છે અને એટલે આખા દેશમાં એક સાથે ચૂંટણી યોજવી સલાહ ભરેલું નથી. બંધારણમાં પણ આવી કોઈ જોગવાઈ નથી.
મમતા બેનર્જીએ પોલીસ કમિશ્નરને હટાવીને ઈમેજ સુધારી
મમતા બેનર્જીએ ડોક્ટરો સાથે મુલાકાત કરીને બંગાળ ભાજપના ટીએમસીને ઘેરવાના પ્લાનમાં પંક્ચર પાડી દીધું હતું. એટલું જ નહીં, ડોક્ટરો સાથે મુલાકાત બાદ એક્શન પણ લીધું હતું. કોલકાત્તા પોલીસ કમિશ્નરને હટાવી દીધા હતા. એટલું જ નહીં, તે સિવાયના ચાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ હતી. ઉપરાંત હેલ્થ વિભાગના અધિકારીઓની પણ બદલી કરી છે. તેમના આ એક્શન પછી જુનિયર ડોક્ટરોએ હજુ હડતાલ તો બંધ કરી નથી, પરંતુ દેખાવો થોડા ઢીલા પડયા છે. આંદોલન સમેટવાની દિશામાં આ પહેલું પગલું બની રહે એવી શક્યતા છે. મમતા બેનર્જી ડોક્ટરોને મળવાની પહેલ કરશે એવું ભાજપે ધાર્યું ન હતું. તેમણે ધારણા બહારનું એક્શન લઈને સૌને ચોંકાવી દીધા હતા.
ટ્રમ્પ અને કમલા અંગે પોપનું નિવેદન વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે બરાબર હરીફાઈ જામી છે. ઓનલાઈન પોલમાં ક્યારેક ટ્રમ્પ આગળ રહે છે, તો ક્યારેક કમલા હેરિસ આગળ વધી જાય છે. બંનેના સમર્થકો ઉત્સાહમાં છે. ભારતીય મૂળના કમલા હેરિસ ટ્રમ્પને જોરદાર ટક્કર આપી રહ્યા છે. બંને વચ્ચે થયેલી ડિબેટમાં કમલા હેરિસ છવાઈ ગયા હતા. આ બધા વચ્ચે વેટિકનના વડા અને કિશ્યન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસને પૂછવામાં આવ્યું કે અમેરિકાના ઉમેદવારમાંથી કોણ સારું છે? પોપે કહ્યું કે બંને દુષ્ટ છે. બંને ધર્મની વિરૂદ્ધના નિર્ણયો કરવાની તરફેણમાં છે. બંને જીવન વિરોધી ગર્ભપાતના કાયદાની તરફેણ કરે છે. પોપનું આ નિવેદન દુનિયાભરમાં વાયરલ થયું છે.