Get The App

દિલ્હીની વાત : કોંગ્રેસના સફાયા પછી હવે ઇન્ડિયા ગઠબંધનની લગામ ટીએમસી સંભાળશે?

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : કોંગ્રેસના સફાયા પછી હવે ઇન્ડિયા ગઠબંધનની લગામ ટીએમસી સંભાળશે? 1 - image

નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હારને કારણે તૃણમુલ કોંગ્રેસની પરિસ્થિતિ મજબૂત થઈ ગઈ છે. આવતા મહિનાની શરૂઆતમાં સંસદના શિયાળુ સત્ર શરૂ થવાનું છે. એમ મનાય છે કે સંસદના આવનાર સત્રમાં મમતા બેનર્જીનો પક્ષ ટીએમસી લીડ કરશે. લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીનું મનોબળ નબળું પડયું છે. સ્વાભાવિક છે કે, ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષ તૃણમુલ કોંગ્રેસ હવે પોતાને ગઠબંધનની નેતાગીરી માટે યોગ્ય માને છે. તૃણમુલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયન એ કહ્યું હતું કે, અમે ૨૦૧૧ થી અત્યાર સુધી છ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવ્યું છે. વિરોધપક્ષોને અમે રસ્તો બતાવી શકીએ એમ છીએ. તેજસ્વી યાદવ સાથે સારા સંબંધ હોવા છતાં મમતા બેનર્જી બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારથી દુર રહ્યા હતા.

'આવા પક્ષમાં રહેવાનો કોઈ ફાયદો નથી'

બિહાર વિધાનસભાની ચૂંટણી પછી ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી આર કે સિંહના કહેવા પ્રમાણે એમને નોટીસ મળી એટલે એમણે સામેથી જ પક્ષ છોડી દીધો હતો. એમના કહેવા પ્રમાણે એવા પક્ષમાં રહેવાનો કોઈ ફાયદો નથી જ્યાં લોકો ખુશ નથી. જે પક્ષમાં ગુનેગારો વિશે પ્રશ્ન કરવાથી નેતાઓને તકલીફ થાય છે. આર કે સિંહે કહ્યું હતું કે, 'શું ભ્રષ્ટ અને ગુનેગારોને ઉઘાડા પાડવા એ પક્ષવિરોધી કાર્યવાહી છે? ગુનેગારોને તમે ટિકિટ આપો છો તો પક્ષની ઇમેજ ખરાબ થાય છે. આવા લોકોને ટિકિટ આપવી એ પક્ષના હિતમાં નથી. મારૂ નિવેદન પક્ષની તરફેણમાં હતું. આવા પક્ષમાં રહેવાનો કોઈ ફાયદો નથી.' જોકે હજી એક બાબત સ્પષ્ટ થતી નથી કે, આર કે સિંહ ભાજપના કયા નેતાથી અને શા માટે નારાજ થયા હતા.'

રાજભવનમાંથી બોમ્બ, બંદૂકની વહેંચણી...: રાજ્યપાલ કોર્ટમાં જશે

બિહાર પછી બંગાળમાં ચાલી રહેલી એસઆઇઆરની કામગીરી બાબતે વિવાદ થયો છે. તૃણમુલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી પોતાના બેફામ નિવેદનો માટે જાણીતા છે. હવે એમણે કરેલા નિવેદનને કારણે પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ ભડકી ગયા છે. ગવર્નરએ એસઆઇઆરનું સમર્થન કરતા કહ્યું હતું કે, લોકોને જો આ બાબતની પૂરી જાણકારી નહીં હોય તો એમને સમજાવવા જોઈએ કે દેશભરમાં ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ બનાવવા માટે એસઆઇઆર જરૂરી છે. એસઆઇઆરને કારણે ચૂંટણી મુક્ત વાતાવરણમાં થઈ શકશે. આ નિવેદનનો જવાબ આપતા કલ્યાણ બેનજીએ આક્ષેપ કર્યો હતો કે, રાજભવનમાં ભાજપના ગુનેગારોને આસરો આપવામાં આવે છે. એમણે કહ્યું હતું કે, 'રાજ્યપાલ ભાજપના ગુનેગારોને રાજભવનમાં આસરો આપે છે. ગવર્નર બોઝ એમને બંદૂક અને બોમ્બ પણ આપે છે. એમને કહેવામાં આવે છે કે ટીએમસીના કાર્યકરો પર હુમલો કરે.' ગવર્નર બોઝ હવે કલ્યાણ બેનર્જી સામે કોર્ટમાં કેસ દાખલ કરવાના છે.

લાલુ પરીવારમાં બે ઉભા ફાડચા

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા લાલુ પ્રસાદ યાદવએ મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને કુટુંબ અને પક્ષમાંથી હાંકી કાઢયા હતા. હવે ચૂંટણીમાં મળેલી હાર પછી લાલુ પ્રસાદ યાદવના કુટુંબમાં મોટી તડ પડી ગઈ છે. લાલુના પુત્રી રોહિણી આચાર્યએ કુટુંબને છોડી દીધા પછી કહ્યું છે કે, એમના માતા-પિતા તેમજ તમામ બહેનો એમની સાથે છે. પોતે ફક્ત તેજસ્વી સાથે સંબંધ તોડયો હોવાનું રોહિણી કહે છે. રોહિણીએ કહ્યું હતું કે, 'મારા પિતા મારી સાથે છે. કાલે મારા મા-બાપ રડી રહ્યા હતા. મારા માટે મારી બહેનો પણ રડતી હતી. હું ભગવાનનો આભાર માનું છું કે મને આવા માતા-પિતા મળ્યા.' લાલુ પ્રસાદ યાદવના કુટુંબની બીજી પુત્રીઓ પણ માને છે કે ફક્ત બેટીઓએ જ બલીદાન શા માટે આપવું જોઈએ. કુટુંબ માટે તેજસ્વી યાદવ પણ કઈ કરતા નથી. એમ મનાય છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેજસ્વી યાદવથી નારાજ હોવાને કારણે લાલુ પ્રસાદ યાદવએ પ્રચાર કર્યો નહોતો.

મંડલ પછી શા માટે આટલા ઓછા યાદવ - મુસ્લિમ ચૂંટાયા

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી પણ દેશભરના રાજકીય વિશ્લેષકો હજી સમજી શક્યા નથી કે આટલા મોટા અંતરે એનડીએને જીત કઈ રીતે મળી. આરજેડી જે એમવાય સમીકરણ એટલે કે યાદવ અને મુસ્લિમ વોટબેન્કને પોતાની તાકાત માનતો હતો એ જ એની નબળાઈ બની ગયો. બિહાર વિધાનસભામાં મંડલ કમિશનના સમય પછી પહેલી વખત સૌથી ઓછા યાદવો જીત્યા છે. મુસ્લિમ ઉમેદવારોમાંથી ફક્ત ૧૧ની જીત થઈ છે અને સૌથી વધુ પાંચ મુસ્લિમ ધારાસભ્યો એઆઇએમઆઇએમના છે. એવું મનાય છે કે ૧૭ ટકા મુસ્લિમ અને ૧૪ ટકા યાદવ મતદારો સામે બાકીની તમામ જાતીઓ એક થઈ ગઈ હતી. કાઉન્ટર પોલરાઇઝેશન પૂરજોશમાં થયું હતું. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ આ પ્રમાણે જ થયું હતું.

બિહારની હાર પછી મહારાષ્ટ્રમાં  કોંગ્રેસની મોટી જાહેરાત, પવાર - ઉદ્ધવને ફટકો

બિહાર વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસના કેટલાક નેતાઓ ભલે વોટ ચોરીને જવાબદાર ગણતા હોય પરંતુ કોંગ્રેસના ટોચના નેતાઓ જાણે છે કે, કોંગ્રેસે કરેલી ઘણી બધી ભૂલોને કારણે આ પરિણામ આવ્યું છે. હવે મહારાષ્ટ્રમાં પણ નગરનીગમોની ચૂંટણી થવાની છે. કોંગ્રેેસે નક્કી કર્યું  છે કે, આ ચૂંટણી કોંગ્રેસ મહાવિકાસ અઘાડી સાથે મળીને નહીં લડે. કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ આ બાબતે નિવેદન પણ આપ્યું છે. એમના કહેવા પ્રમાણે બીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસ એકલે હાથે મેદાનમાં ઉતરીને તમામ ૨૨૭ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે. બીએમસીની ચૂંટણીની તૈયારી માટે મુંબઈ કોંગ્રેસએ શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરમાં ઘણા સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસના આ નિર્ણયથી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે ગુ્રપમાં ચિંતા પ્રસરી ગઈ છે.

બિહારમાં બીએસપીને ફક્ત એક બેઠક કેમ મળી

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ૧૯૨ બેઠકો પરથી ચૂંટણી લડેલી બીએસપી ફક્ત ૧ બેઠક પર જીત મેળવી શકી છે. કેટલીક બેઠકો પર બીએસપીનો દેખાવ સારો રહ્યો છે, પરંતુ જીતી શકી નથી. બીજા વિરોધપક્ષોની જેમ માયાવતીએ પણ બિહારની ૧૯૧ બેઠકોની હાર માટે ચૂંટણી કમિશનને જવાબદાર ઠેરવ્યું છે. એમના કહેવા પ્રમાણે જો ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ થઈ હોત તો બીએસપી ઘણી વધુ બેઠકો જીતી શકતે. માયાવતીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રામગઢ વિધાનસભાની બેઠકપરથી જીતેલા બીએસપીના ઉમેદવાર સતિષકુમાર સિંહ યાદવને અભિનંદન આપું છું. તમામ વિરોધપક્ષોએ મતોની ગણતરી વારંવાર કરવાના બહાને બીએસપીને હરાવવાના પ્રયત્નો કર્યા હતા. જોકે પક્ષના બહાદુર કાર્યકરો અડગ રહ્યા હતા.