Get The App

કોરોના વાઇરસમાંથી સબક લઇને ચીને જવાબદારીપૂર્વક વર્તવાની જરૂર

- અગાઉ સાર્સ જેવો જીવલેણ વાઇરસ પણ ચીનનાં માંસબજારમાંથી જ ફેલાયો હતો

Updated: Apr 6th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના વાઇરસમાંથી સબક લઇને ચીને જવાબદારીપૂર્વક વર્તવાની જરૂર 1 - image


- અગાઉ સાર્સ વખતે ન અટક્યું એ ચીન હવે કોરોના વાઇરસના સબક બાદ પણ અટકે એવા અણસાર નથી જે જોતાં આવી જીવલેણ, ઝૂનૉટિક બીમારીઓને અટકાવવી હોય તો વન્ય જીવોના વેપાર ઉપર આખા વિશ્વમાં પ્રતિબંધ લગાવવો જોઇએ

ચીનમાં પેદા થયેલો કોરોના વાઇરસ આખી દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે ત્યારે ચીને આ જીવલેણ વાઇરસના ફેલાવા પર કાબુ મેળવી લીધો છે. છેલ્લા થોડા દિવસોથી ચીનમાં કોરોના વાઇરસના નવા કેસોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. જ્યાં આ કોરોના વાઇરસ પહેલી વખત ધ્યાનમાં આવ્યો હતો એ ચીનના વુહાન શહેરને તો લૉકડાઉનમાંથી મુક્ત કરવાની તૈયારી ચાલી રહી છે. બીજી બાજુ ચીન હવે કોરોના પીડિત દેશોને મદદ મોકલાવી રહ્યું છે પરંતુ ચીન મદદના સામાનમાં જે મેડિકલ ઉપકરણો મોકલાવી રહ્યું છે એ ખામીયુક્ત અને કોરોના વાઇરસ સામે રક્ષણ આપવા માટે અપૂરતા હોવાનું બહાર આવ્યું છે.

જે રીતે દુનિયાભરમાં કોરોના વાઇરસનો કહેર મચ્યો છે એ માટે ઘણાં દેશો ચીનને જવાબદાર ઠરાવી રહ્યાં છે. ચીનની આલોચના કરતા લોકોનું કહેવું છે કે તેણે શરૂઆતમાં કોરોના વાઇરસને રોકવા માટે પૂરતા પ્રયાસો ન કર્યાં જેના પરિણામે આ વાઇરસ દુનિયાભરમાં ફેલાઇ ગયો. હવે પોતાની એ ભૂલ છુપાવવા માટે ચીન દુનિયાભરમાં માસ્ક, ટેસ્ટિંગ કિટ અને દવાઓ મોકલાવી રહ્યું છે. જાણકારોનું માનવું છે કે ચીન આ પ્રકારના પ્રયાસો દ્વારા પોતાની ટીકા ઓછી કરાવવા ધારે છે. કોરોનાને બાંધવામાં નિષ્ફળ નીવડયા બાદ હવે ચીન દવાઓ અને નિષ્ણાંતો મોકલી રહ્યું છે. 

કોરોનાની મહામારી ખતમ થયા બાદ પણ તેની આર્થિક અને સામાજિક અસરોમાંથી બહાર આવતા વર્ષો વીતી જશે. પરંતુ એનાથીયે વધારે ચિંતાની બાબત એ છે કે પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાતી આવી સંક્રામક ઝૂનૉટિક બીમારીઓનો ખતરો આગળ પણ તોળાઇ રહ્યો છે. એચઆઇવી, ઇબોલા, સાર્સ અને મર્સની જેમ જ કોવિડ-૧૯ નામની બીમારી ફેલાવતો આ નોવેલ કોરોના વાઇરસ પણ પ્રાણીઓમાંથી માનવીમાં પ્રસરેલો એટલે કે ઝૂનૉટિક બીમારી છે. જાણકારોના મતે તો ચીન અને બીજા દેશોમાં જંગલી જાનવરોને જે બજાર ભરાય છે એ આવી ઝૂનૉટિક બીમારીઓ ફેલાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. 

અગાઉ સાર્સ પણ વૅટ માર્કેટ એટલે કે જ્યાં તાજુ માંસ અને સીફૂડ મળતું હોય એવી જગ્યાએથી ફેલાયો હોવાનું તથ્ય સામે આવ્યું હતું. કોવિડ-૧૯ માટે પણ કહેવાય છે કે તેનો ઉદ્ભવ પણ વુહાનના સીફૂડ હોલસેલ માર્કેટથી થયો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોરોના વાઇરસનો ઉપદ્રવ શરૂ થયા બાદ જાન્યુઆરીમાં વુહાનનું આ માંસ બજાર બંધ કરી દેવામાં આવ્યું હતું. જાણીતી વાત છે કે ચીનમાં ખોરાક તરીકે અને પરંપરાગત દવાઓમાં વપરાશ માટે અનેક જીવતા અને મૃત જંગલી પ્રાણીઓ મોટા પાયે ખરીદવામાં આવે છે.

એવું મનાય છે કે સાર્સનો વાઇરસ સીવેટ નામના પ્રાણી દ્વારા મનુષ્યોમાં આવ્યો હતો. સીવેટમાં આ ચામાચિડીયા દ્વારા આવ્યો હતો. તાજેતરમાં થયેલા સંશોધન અનુસાર કોવિડ-૧૯ની બીમારી ફેલાઇ એ કોવિ-૨ નામનો વાઇરસ પેંગોલીન નામના પ્રાણી દ્વારા મનુષ્યોમાં પ્રસર્યો છે. મનુષ્યોમાં જે કોરોના વાઇરસ જોવા મળ્યો છે એનું બંધારણ પેંગોલીનમાં જોવા મળેલા વાઇરસને મળતું આવે છે. એવું પણ જાણવા મળ્યું છે કે ચીનમાં અનેક દવાઓ બનાવવા માટે પેંગોલીનના શરીર પર થતા ભીંગડાંની ભારે માંગ હોય છે. ચીન અને એશિયાના બીજા દેશોમાં લોકો પેંગોલીનનું માંસ પણ ખાય છે. પેંગોલીનનું દુનિયામાં સૌથી વધારે સ્મગ્લીંગ થતું હોવાનું પણ કહેવાય છે. જે ઝડપે પેંગોલીનનો શિકાર થઇ રહ્યો છે એના કારણે આ પ્રાણી વિલુપ્ત થવાની અણીએ છે. 

જીવતા પ્રાણીઓ વેચતા બજારમાં એક જ જગ્યાએ અનેક પ્રાણીઓ ભેગા કરવામાં આવે છે એ સંજોગોમાં વાઇરસને એક પ્રજાતિમાંથી બીજી પ્રજાતિમાં જમ્પ મારવાનો મોકો મળી જાય છે. જાણકારોના મતે તો વૅટ માર્કેટ જ એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં વાઇરસ ફેલાવા માટે મોકાનું સ્થાન છે. એક વખત કોરોના વાઇરસનો કોઇ વ્યક્તિને ચેપ લાગ્યો એ પછી જંગલી પ્રાણીઓ વેચતા બજારમાં બીજા લોકોમાં પણ એનો ચેપ પ્રસરવા લાગ્યો અને એ રીતે એના વૈશ્વિક સંક્રમણનો જન્મ થયો. વૈજ્ઞાાનિકો કોરોના વાઇરસ માનવી સુધી કેવી રીતે પહોંચ્યો એની જાસૂસીમાં લાગ્યાં છે. જાણકારોના મતે કોરોના વાઇરસના વાહક અનેક જંગલી પ્રાણીઓ હોઇ શકે છે પરંતુ ચામાચિડીયા મોટી સંખ્યામાં જુદાં જુદાં પ્રકારના કોરોના વાઇરસના વાહક હોવાનું જાણવા મળ્યું છે. ચામાચિડીયા જે રીતે વસવાટ કરતા હોય છે એ જોતાં તેમનું શરીર વાઇરસના ફલવાફૂલવા માટે આદર્શ સ્થાન બની રહે છે.

જોકે કોરોના કે અન્ય વાઇરસના ફેલાવા માટે ચામાચિડીયાને જવાબદાર ઠેરવી દેવા જરાય યોગ્ય નથી. કારણ કે ચામાચિડીયાએ માનવીના ક્ષેત્રમાં નહીં પરંતુ માનવીએ ચામાચિડીયા અને બીજા પ્રાણીઓના ક્ષેત્રમાં અતિક્રમણ કર્યું છે. બીજા પ્રાણીઓની જેમ જ ઇકોસિસ્ટમ માટે ચામાચિડીયા પણ અત્યંત જરૂરી છે. કીટભક્ષી ચામાચિડીયા જીવજંતુઓના બેફામ ઉપદ્રવને અંકુશમાં રાખે છે. તો ફળો ખાતા ચામાચિડીયા પરાગનયનનું કામ કરે છે. ચામાચિડીયા માનવી માટે જોખમરૂપ ત્યારે જ બને છે જ્યારે ચીન કે અન્ય અગ્નિ એશિયાઇ દેશોની જેમ તેને ખોરાકના મેનુમાં સમાવવામાં આવે.

ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં કોઇ ઝૂનૉટિક બીમારી પ્રવેશ કરે તો તેને ફેલાવામાં અને મહામારીનું સ્વરૂપ લેવામાં વધારે સમય નથી લાગતો. આજના હવાઇ મુસાફરીના યુગમાં એક દેશમાંથી બીજા દેશમાં જવું સાવ આસાન બની ગયું છે. દુનિયાના એક ખૂણેથી બીજે ખૂણે કલાકોમાં પહોંચી શકાય છે. કહેવા માટે તો દુનિયા ખોબા જેવડી બની ગઇ છે પરંતુ ક્યારેક આ આશીર્વાદ પણ અભિશાપ બની શકે છે. જે ઝડપે માણસો એક દેશમાંથી બીજા દેશમાં ઝડપથી અને સરળતાથી જઇ શકે છે એ જ ઝડપે ચેપી અને જીવલેણ વાઇરસ પણ એ માણસોને વાહક બનાવીને જુદાં જુદાં દેશોમાં પહોંચી શકે છે. અને રોજના જ્યારે લાખો લોકો હવાઇ મુસાફરી દ્વારા દુનિયાના ખૂણેખૂણામાં પહોંચતા હોય ત્યારે આવા ખતરનાક વાઇરસ કે કોઇ મહામારી ભારે ઝડપે ફેલાઇ શકે છે અને દુનિયાભરના લાખો કરોડો લોકોને ભોગ બનાવી શકે છે. 

કોરોના વાઇરસ ફેલાયા બાદ ચીનમાં તત્પૂરતા તો જંગલી પ્રાણીઓના બજારને બંધ કરી દેવામાં આવ્યાં પરંતુ કોરોનાનો પ્રકોપ ઘટયા બાદ ચીનમાં ફરીથી આ બજારો ખૂલી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ સાર્સ વખતે પણ વન્ય જીવોના માર્કેટને બંધ કરી દેવામાં આવ્યા હતાં. પરંતુ થોડા જ સમયમાં ચીન, વિયેતનામ અને અગ્નિ એશિયાના બીજા દેશોમાં આ બજારો ફરી ધમધમતા થઇ ગયા હતાં. ચીનની શક્તિશાળી સામ્યવાદી સરકાર પણ દેશમાં જંગલી પ્રાણીઓના વેપારને હંમેશા માટે બંધ કરવાની હિંમત નથી દર્શાવી શકતી. ચીનમાં પ્રાચીન ચિકિત્સા પદ્ધતિમાં અનેક પ્રાણીઓના અવયવોનો મોટા પાયે ઉપયોગ થાય છે અને નવાઇની વાત તો એ છે કે કોરોના વાઇરસ ફેલાયો ત્યારે પણ ચીનના નેશનલ હેલ્થ કમિશનરે કોવિડ-૧૯ના ગંભીર કેસોમાં રીંછના પિત્તરસનું ઇન્જેક્શન આપવાની સલાહ આપી હોવાનું બહાર આવ્યું હતું. 

ચીનમાં વન્ય જીવોને વેચતા બજાર ફરી ચાલુ થઇ ગયા હોવાનું જાણ્યા બાદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને તો યૂ.એન.ને ચીન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. તેમનું કહેવું હતું કે ચીનનું વૅટ બજાર દુનિયાભરના લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે. ચીનના વૅટ બજારમાંથી આવેલા કોરોના વાઇરસ સામે લડવા માટે અત્યારે દુનિયાભરના દેશોના કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યાં છે ત્યારે ચીને ફરી વખત લોકોના જીવને જોખમમાં મૂકવાની જે હિલચાલ આદરી છે એ નિંદનીય છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આડકતરી રીતે ચીનની સંસ્કૃતિ સામે પણ સવાલ ખડાં કર્યાં. અગાઉ અમેરિકાના વડાપ્રધાન પણ કોરોના વાઇરસને ચીની વાઇરસ કહી ચૂક્યાં છે.

જોકે અગાઉ સાર્સ વખતે ન અટક્યું એ ચીન હવે કોરોના વાઇરસના સબક બાદ પણ અટકે એવા અણસાર નથી. ચીનના પ્રાચીન ચિકિત્સાશાસ્ત્રને માનનારો મોટો વર્ગ છે.

 એટલા માટે જ જાણકારોને લાગે છે કે ભવિષ્યમાં કોરોના વાઇરસ જેવી અન્ય વાઇરસ મહામારીઓ ત્રાટકવી નક્કી છે. આવી જીવલેણ ઝૂનૉટિક બીમારીઓને અટકાવવી હોય તો વન્ય જીવોના વેપાર ઉપર આખા વિશ્વમાં પ્રતિબંધ લગાવવો જોઇએ. 

Tags :