Get The App

પૂર્વ વિદેશ રાજ્યમંત્રી અકબરનો અત્યાચાર હવે દેશ-વિદેશમાં પહોંચ્યો!

- અત્યાર સુધી જાતીય સતામણીના વિવિધ આક્ષેપો પછી અકબર પર હવે બળાત્કારનો આક્ષેપ

Updated: Nov 4th, 2018

GS TEAM

Google News
Google News

- એમ.જે.અકબર જેવા પત્રકારોને કારણે પત્રકારત્વમાં જે ખરેખર કામ કરી રહ્યા છે, એ લોકોને પણ સહન કરવું પડે છે. અકબર મંત્રીપદ સુધી પહોંચ્યા એ ભારતની ખોખલી સિસ્ટમનો પુરાવો છે

પૂર્વ વિદેશ રાજ્યમંત્રી અકબરનો અત્યાચાર હવે દેશ-વિદેશમાં પહોંચ્યો! 1 - imageમોબાશેેર જાવેદ અકબરે હવે તો વિદેશ રાજ્ય મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના વિરૂદ્ધ એક મહિનામાં ડઝનબંધ મહિલાઓએ જાતિય સતામણીના કેસ કર્યા છે. અકબર મહિલાઓનું શોષણ કરવા માટે જાણીતા હોવાની વાત તેમની સાથે કામ કરી ચૂકેલા ઘણા ગુજરાતી પત્રકારો પણ જાણે છે, સ્વિકારે છે અને અકબર પર થયેલા આક્ષેપામાં કંઈ નવાઈ નથી એ વાતને સમર્થન આપે છે. જોકે હજુ તેઓ રાજ્યસભાના સભ્ય છે અને ભાજપના માનનીય સદસ્ય પણ છે. એમાં તો ભાજપ કે કોંગ્રેસ બધા પક્ષો સરખા છે. બધા રાજકીય પક્ષોમાં અનેક દાગદાર નેતાઓ મળી શકે. 

વિદેશ મંત્રી હોવાને કારણે તેમને ભારતની વિદેશનીતિ હેન્ડલ કરવાનું અને ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સારી રીતે ઉજાળવાનું કામ સોંપાયુ હતુ. પત્રકારત્વના લાંબા અનુભવને કારણે અને દેશ-વિદેશમાં કામ કરી ચૂક્યા હોવાને કારણે અકબર વિદેશનીતિમાં સક્રિય ભાગ ભજવી શકે એવી સરકારની અપેક્ષા જરા પણ ખોટી ન હતી. પરંતુ હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે અકબરના કામને બદલે કારનામાને કારણે ભારત વિદેશમાં બદનામ થયું છે. ખાસ તો વૉશિંગ્ટન પોસ્ટમાં ભારતીય મૂળના અમેરિકી પત્રકાર પલ્લવી ગોગોઈએ લખેલા લેખ પછી બદનામી વૈશ્વિક સ્તરે છવાઈ ગઈ છે.

હાલ અમેરિકામાં એનપીઆરના તંત્રી તરીકે કામ કરતા પલ્લવીએ આક્ષેપ કર્યો છે કે અકબરે ૨૩ વર્ષ પહેલા તેમના પર બળાત્કાર કર્યો હતો. આક્ષેપ કરતો આખો લેખ અમેરિકાના જગવિખ્યાત અને અતી પ્રતિષ્ઠિત વોશિંગ્ટન પોસ્ટમાં છપાયો છે, માટે તેના પડઘા વૈશ્વિક કક્ષાએ પડયા છે. વોશિંગ્ટન પોસ્ટને અત્યાર સુધીમાં ૪૭ પુલિત્ઝર એવોર્ડ મળી ચૂક્યા છે અને એ અખબારમાં છપાયેલા અહેવાલ પછી અમેરિકી પ્રમુખ રિચાર્ડ નિક્સને રાજીનામુ આપવું પડયું હતુ. ટૂંકમાં વોશિંગ્ટન પોસ્ટમાં છપાય તેની નોંધ ગંભીર રીતે લેવામાં આવે છે. પલ્લવીએ તેમાં આક્ષેપ કરતો લેખ લખ્યો છે. પોતાના પર બળાત્કાર થયો એ લેખિતમાં સ્વિકારવું ઘણું અઘરું કામ છે. કઠણ કાળજુું જોઈએ. 

પલ્લવી બહેને હિંમત કરીને શું લખ્યું છે એ જરા જાણી લઈએ..

* * *

એ વખતે હું ૨૨ વર્ષની હતી અને એશિયન એજમાં કામ કરવા જોડાઈ. મારી જેેમ ત્યાં ઘણી યુવતીઓ કામ કરતી હતી. એ બધી યુવતીઓ પણ હજુ નવી સવી કોલેજ પૂરી કરીને આવી હતી. અમને પત્રકારત્વના પ્રાથમિક પાઠ હજુ ખાસ ખબર ન હતા. એવા સમયે નવી દિલ્હીમાં એમ.જે. અકબર જેવા બાહોશ પત્રકાર સાથે કામ કરવા મળે એ અમારા બધા માટે બહુ મોટી વાત હતી, અમે ભાગ્યશાળી ગણાતા હતા.

ભારતના રાજકારણ વિશે વાત કરતા કરતાં અકબરના બે પુસ્તકો ત્યારે આવી ચૂક્યા હતા અને સફળ તંત્રી તરીકે દેશમાં તેમની નામના હતી. ઘણા અગ્રણી અખબારો સફળતાપૂર્વક તેમણે લોન્ચ કરી દેખાડયા હતા. વળી અકબર પોતે એ વાતે સતત સતર્ક રહેતા હતા કે અમારા જેવા નવાં પત્રકારોને અકબરની આવડત શું છે એ ખબર પડતી રહે.

અમારા જેેવા પત્રકારાનો લખાણ-સ્ટોરી-લેખ એ મોટે ભાગે તો પોતાની લાલ કલરની બોલપેન વડે ચોકડી મારીને કચરા પેટીમાં નાખી દેતા હતા. અમે તેની સામે ઉભા ઉભા ધુ્રજતાં રહેતા હતા. અમે ભાગ્યે જ તેમની અપેક્ષા મુજબનું કામ આપી શકતા અને લગભગ રોજ એ અમારા ઉપર બુમ-બરાડા પાડતા. એ અમને ગાળો દેતા, એ અમે સાંભળી લેતાં. કેમ કે એમની હેડિંગ આપવાની સ્ટાઈલ અને તેમાં કહેેવત-રૂઢી પ્રયોગ વાપરવાની રીત, શબ્દોની પસંદગી, વગેરેથી અમે પ્રભાવિત થતા. ભાગ્યે જ બીજા પત્રકારો પાસે તેમના જેવી આવડત હતી. 

મને ૨૩ વર્ષની ઉંમરે જ એશિયન એજના તંત્રીપાનાનું સંપાદન સોંપવામાં આવ્યુ. એ કામ અતી પ્રતિષ્ઠિત હતુ. કેમ કે એ પાના પર ભારતના ટોચના વિચારકો, લેખકો, વિદ્વાનો લખતા હતા. મારે એ બધા સાથે સંપર્કમાં રહેવાનુ થતું હતુ. નાની ઉંમરે મને ખુબ મોટી જવાબદારી મળી હતી.

૧૯૯૪ના ઊનાળાની વાત છે. હું મારું પાનું બતાવવા તેમની ચેમ્બરમાં ગઈ. એમની ચેમ્બરનો દરવાજો હંમેશા બંધ રહેતો હતો. તેમણે પાનું જોયુ, વખાણ કર્યા અને પછી અચાનક ઝૂકીને મને ચુંબન કરી લીધું. હું ચેમ્બરમાંથી તત્કાળ બહાર નીકળી ગઈ. મારો ચહેરો લાલ થઈ ગયો હતો. શું કરવું તેની સમજ પડતી ન હતી. મેં મારી ફ્રેન્ડ તુશિતાને વાત કરી. 

થોડા દિવસ પછી એવો પ્રસંગ બીજી વખત બન્યો. મને મુંબઈમાં એક મેગેઝિનના લોન્ચિંગ માટે બોલાવવામાં આવી. અકબર ત્યાં જ હતા, એમણે મને હોટેલના રૂમમાં બોલાવી. એ વખતે ફરી કામની વાતો કરી તેમણે મને કીસ કરી લીધી. હું તેમની સાથે લડી, ધક્કો મારીને બહાર નીકળવા ગઈ, એમાં મારા ચહેરા પર ઉજરડા પડી ગયા. હું ભાગવામાં સફળ રહી, પરંતુ કાર્યક્રમ પડતો મુકીને જઈ શકાય એમ ન હતું. સાંજે મારે મારા સાથી કર્મચારીઓને કહેવું પડયું કે હું પડી ગઈ હતી, માટે ચહેરા પર ઉજરડા છે. 

ફરીથી દિલ્હીમાં અમારી કામગીરી ચાલતી રહી. અકબરે મને બોલાની કહ્યું કે જો તું આના-કાની કરીશ તો નોકરીમાંથી કાઢી મુકીશ. એ વખતે મેં મક્કમતા દાખવી, નોકરી ન છોડી. એ પછી જયપુરમાં એક પ્રસંગ હતો. એ વખતે અકબરે મને ત્યાં બોલાવી. એડિટર હોવાથી તેના આદેશનું પાલન કરવા સિવાય મારી પાસે વિકલ્પ ન હતો. હું જયપુર પહોંચી. હોટેલમાં જ તેમણે બોલાવી હતી. એ શારીરિક રીતે મારાથી સક્ષમ હતા.

તેમણે મારા વસ્ત્રો ફાડી નાખ્યા અને મારા પર બળાત્કાર ગુજાર્યો. એ વખતે જ પોલીસ ફરિયાદ કરવાને બદલે મને મારી જાત પર શરમ આવી. હું એ વાત કોઈને કરી ન શકી. મારી વાત કોણ માનશે એ પણ મને ડર હતો. સાથે સાથે મને હોટેલના રૂમમાં હું ગઈ જ શા માટે એ વિચાર આવતો હતો અને એ માટે શરમ પણ આવતી હતી.

એ પછી તો વારંવાર એ મને બોલાવતા અને બળાત્કાર ગુજારતા હતા. હું કોઈ રીતે તેમની સામે લડી શકું એમ હતી નહીં. એટલું જ નહીં હું ન્યુઝરૂમમાં બીજા કોઈ યુવાન પુરુષ કર્મચારી સાથે વાત કરતી હોઉં તો પણ અકબર મારા પર બરાડા નાખતા હતા. હું મારી જિંદગીમાં અનેક સંઘર્ષ કરીને આગળ વધતી હતી. પરંતુ એ વખતે શા માટે મેં લડત આપી નહીં એ મને આજેય નથી સમજાતું.

કદાચ એ શક્તિશાળી તંત્રી હતા અને વડાપ્રધાન ઓફિસ સુધી એમની નામના હતી, એટલે માટે મારી હિંમત નહીં ચાલી હોય. અથવા તો મને ત્યારે ખબર પડતી ન હતી કે આવી સ્થિતિનો સામનો કઈ રીતે કરવો. નોકરી છૂટી જવાનો અને દૂર રહેતા મારા માતા-પિતા ઉપર શું વિતશે એ ડર પણ મને લાગતો હતો.

એ પછી તો અકબરે મને લંડન મોકલી. ત્યારે મને ખબર ન હતી કે થોડા દિવસ પછી એ પણ લંડન આવવાના છે. હું ત્યાંથી અમેરિકા જતી રહી કેમ કે અમેરિકાના વિઝા પણ મને મળ્યા હતા. ત્યાં પણ એક કર્મચારી સાથે વાત કરતી જોઈ ગયા પછી ચેમ્બરમાં બોલાવીને અકબરે મારી સાથે માર-પીટ કરી હતી. એ પછી પરત આવીને મેં નોકરી છોડી દીધી. સદ્ભાગ્યે મને વધુ સારી નોકરી મળી ગઈ. 

આજે હું અમેરિકન નાગરિક છું, એક માતા છું, એક પત્ની છું. આટલા વર્ષો પછી મને લાગે છે કે અકબર વિરૂદ્ધ કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય કેમ કે એ કાયદાથી પર છે.

* * *

પલ્લવીના આ આક્ષેપ પછી અકબર શારીરિક સબંધોની ના પાડી શક્યા નથી. પરંતુ એ સબંધો પરસ્પર સહમતિથી બંધાયા હતા એવો તેમનો દાવો છે. સત્તાધારી પાર્ટીમાં હોવાથી તેમની પાસે ઘણી તાકાત છે અને હાલ તો તેઓ દરેક આક્ષેપકર્તા મહિલાને કોર્ટમાં લઈ જઈ રહ્યા છે. પરંતુ અકબર જેવા બાહોશ પત્રકારોના આવા કરતૂતોને કારણે આખા દેશનું પત્રકારત્વ બદનામ થઈ રહ્યું છે. 

પત્રકારત્વની નવી પેઢી માટે અને જૂની પેઢીના સજ્જન પત્રકારો માટે અફસોસની વાત એ છે કે અકબર જેવા પત્રકારો આગળ વધીને દેશના મંત્રાલય સુધી પહોંચી જાય છે. 

જ્યારે ખરેખરું કામ કરનારા સક્ષમ પત્રકાર-લેખકોને આગળ વધવા તો ઠીક ટકી રહેવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે.  અકબર હકીકતે તો ભારતની સિસ્ટમ કેટલી ખોખલી છે, તેનો પૂરાવો છે.

Tags :