Get The App

છેવટે રાહુલ ગાંધીના રાજીનામાને લઇને ચાલેલા ડ્રામાનો અંત આવ્યો

- કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ અધ્યક્ષપદેથી રાજીનામુ ન આપવા માટે મનાવવા સંપૂર્ણ જોર લગાવી દીધું પરંતુ રાહુલ ગાંધી ટસના મસ ન થયા

Updated: Jul 4th, 2019

GS TEAM

Google News
Google News

- કોંગ્રેસને પોતાનું અસ્તિત્ત્વ બચાવી રાખવા માટે ધરમૂળથી પરિવર્તન કરવાની જરૂર છે અને રાહુલ ગાંધી સમજી ચૂક્યાં છે કે તેમની પાર્ટી જમીનીસ્તરે લોકોથી અળગી થઇ ગઇ છે એટલા માટે જ તેઓ અધ્યક્ષપદનો ભાર સંભાળી રાખવાના બદલે લોકોના નેતા બનવા માગે છે

છેવટે રાહુલ ગાંધીના રાજીનામાને લઇને ચાલેલા ડ્રામાનો અંત આવ્યો 1 - image

લોકસભાની ચૂંટણીમાં મળેલા પરાજય બાદ કોંગ્રેસમાં રાહુલ ગાંધીના અધ્યક્ષપદેથી રાજીનામુ આપવાને લઇને એક મહિનાથીયે વધારે સમય સુધી ચાલેલા ડ્રામાનો છેવટે અંત આવ્યો છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામાની જાહેરાત કરતો પત્ર સાર્વજનિક કરી દીધો. રાજીનામાની જાહેરાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે બીજાની જવાબદારી નક્કી કરતા પહેલાં પોતાની જવાબદારી નક્કી કરવી જરૂરી હતી. એ સાથે જ લોકસભાની ચૂંટણીમાં હાર બદલ તેમણે જવાબદારી સ્વીકારી છે.

આમ તો રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ૨૫મેના દિવસે જ રાજીનામુ આપી દીધું હતું. પરંતુ કોંગ્રેસના તમામ નેતાઓ તેમના રાજીનામાનો અસ્વીકાર કરીને તેમને મનાવવાના પ્રયાસો કરી રહ્યાં હતાં. રાહુલ ગાંધીએ પાર્ટીને નવા અધ્યક્ષની પસંદગી કરવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો પરંતુ આ સમય દરમિયાન પાર્ટી નવા અધ્યક્ષની પસંદગી કરવાને બદલે રાહુલ ગાંધીને મનાવવામાં રહી.

જોકે કોંગ્રેસના નાનાથી લઇને દિગ્ગજ નેતાઓએ રાહુલ ગાંધીને રાજીનામુ ન આપવા મનાવવા માટે કરેલા પ્રયાસોનું કશું વળ્યું નથી અને છેવટે રાહુલ ગાંધીએ કોંગ્રેસનું અધ્યક્ષપદ છોડી દીધું છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે મોતીલાલ વોરાની નિમણૂક કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને મનાવવા માટે કોંગ્રેસના નેતાઓ પોતાનું સંપૂર્ણ જોર લગાવી દીધું. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે હાલ પાર્ટીમાં તેમનો કોઇ વિકલ્પ નથી. રાહુલ ગાંધીને અધ્યક્ષપદ ન છોડવા માટે પાર્ટીમાં તેમની મરજી મુજબનો બદલાવ કરવાનો છૂટો દોર આપવામાં આવ્યો.

રાહુલ ગાંધીના આકરા વલણ બાદ અનેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોએ પોતાના પદો પરથી રાજીનામા આપ્યાં. ખરેખર તો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની મળેલી હાર ખરેખર બહુ મોટી હતી અને એ હારની જવાબદારી સ્વીકારવી પણ એટલી જ જરૂરી હતી. એટલા માટે જ રાહુલ ગાંધી મોવડીમંડળના ઇન્કાર છતાં અધ્યક્ષપદેથી રાજીનામુ આપવા પર મક્કમ હતાં.

હકીકતમાં રાહુલ ગાંધીનું રાજીનામુ કારમી હાર મળવાથી ઉપજેલી નિરાશાનું પરિણામ છે. જોકે દેશની સૌથી જૂની પાર્ટીની મજબૂરી સર્વવિદિત છે કે તેને હંમેશા નહેરુ-ગાંધી પરિવારના નેતૃત્ત્વની આવશ્યક્તા રહી છે. દેશની આઝાદી બાદ દાયકાઓ સુધી કોંગ્રેસનું એકહથ્થુ શાસન રહ્યું. જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસ સામે કોઇ પડકાર નહોતો. રાજીવ ગાંધીના સમય સુધી પાર્ટી અત્યંત મજબૂત હતી.

પરંતુ વી.પી. સિંહે કોંગ્રેસથી છેડો ફાડયા બાદ પાર્ટીના કાંગરા ખરવાની શરૂઆત થઇ ગઇ. એક પછી એક કદાવર નેતાઓ પાર્ટીથી અલગ થવા લાગ્યાં. શરદ પવાર, મમતા બેનરજી અને વાઇએસઆર જેવા નેતાઓએ કોંગ્રેસથી છેડો ફાડીને પોતપોતાના ક્ષેત્રોમાં પોતાના પક્ષ ઊભા કરી લીધાં.

રાજીવ ગાંધીના નિધન બાદ સોનિયા ગાંધીએ રાજકારણમાં આવવાનો ઇન્કાર કર્યો એ પછીને થોડા વર્ષોમાં પાર્ટીએ પરિવાર વિના ચલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોંગ્રેસનું અસ્તિત્ત્વ જ જોખમમાં આવી પડયું હતું. છેવટે સોનિયા ગાંધીએ કોંગ્રેસનું અધ્યક્ષપદ સ્વીકારીને પાર્ટીમાં નવો પ્રાણ ફૂક્યો હતો.

વર્ષ ૨૦૦૪માં વાજપેયી સરકારના ફીલ ગુડ ફેક્ટર સામે સોનિયા ગાંધીએ જ કોંગ્રેસની આગેવાની હેઠળની યૂપીએ સરકારને સત્તાની ખુરશીએ બેસાડી હતી. એ પછી ૨૦૦૯માં પણ કોંગ્રેસના મજબૂત પુનરાગમનમાં પણ સોનિયા ગાંધીનો સિંહ ફાળો હતો. સોનિયા ગાંધીની નિવૃત્તિ બાદ કોંગ્રેસને અધ્યક્ષપદે રાહુલ ગાંધી સિવાય અન્ય કોઇ ચહેરો દેખાયો નહીં. ખરેખર આજે પણ કોંગ્રેસના ઉચ્ચતમ નેતૃત્ત્વમાં ગાંધી-નહેરુ પરિવાર સિવાય બીજી કોઇ વ્યક્તિની કલ્પના કરવી પણ પાર્ટી માટે શક્ય નથી.

લોકસભાની ચૂંટણીમાં મળેલા પરાજય બાદ એટલું તો સ્પષ્ટ છે કે કોંગ્રેસમાં આંતરિક સમસ્યા જરૂર છે. આજના દોરમાં જ્યારે ભાજપ જે કુશળતાથી મેનેજમેન્ટ કરે છે ત્યારે કોંગ્રેસમાં એવી કુશળતા અને પ્રોફેશનાલિઝમનો સાવ અભાવ જણાય છે. ભાજપની જેમ કોંગ્રેસમાં છેલ્લા ઘણાં વર્ષોથી જમીનીસ્તરે કોઇ કામગીરી થઇ હોવાનું જણાયું નથી.

નવા કાર્યકરોની ભરતીથી લઇને તેમની ટ્રેનિંગ કે પછી વર્કશોપ કે શિબિરનું કોઇ આયોજન જ થતું નથી. અગાઉ પાર્ટીમાં એવા નેતાઓ હતાં જે કાર્યકરો અને સામાન્ય લોકો સાથે સીધી રીતે જોડાયેલા હતાં. આવા નેતાઓની પોતાના પ્રદેશ અને લોકો ઉપર સારી એવી પક્કડ રહેતી જે ચૂંટણીટાણે મતોમાં ફેરવાતી.

પરંતુ હવે કોંગ્રેસમાં એવા નેતાઓનો દુષ્કાળ પડયો છે. કોંગ્રેસ સંપૂર્ણ રીતે ગાંધી પરિવારની આશ્રિત બની ગઇ છે. આ ચૂંટણીમાં એવું પણ જોવા મળ્યું કે ઘણાં વરિષ્ઠ નેતાઓ પોતાના ક્ષેત્રથી પણ દૂર રહ્યાં. ખરેખર તો છેલ્લા થોડા વર્ષોથી પાર્ટીનું કલ્ચર જ સાવ બદલાઇ ગયું છે. ખાસ કરીને કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્ત્વ ફરતે કહેવાતા બુદ્ધિજીવીઓની માયાજાળ ફેલાઇ ગઇ છે જે લોકો જમીનીસ્તરથી સાવ અળગા છે. આવા વચેટિયા લોકોના કારણે કોંગ્રેસના ટોચના નેતાઓ સામાન્ય પ્રજા અને કાર્યકરોથી સાવ વિખૂટા પડી ગયા છે.

તાજેતરમાં કોંગ્રેસના વર્તમાન અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની બેઠકમાં પણ રાહુલ ગાંધીએ આ જ વાતને લઇને પાર્ટીના નેતાઓને લપડાક લગાવી. તેમણે કહ્યું કે જો કોંગ્રેસના નેતાઓએ જમીની હકીકત સમજી હોત અને કાર્યકરોના મનની વાત જાણી હોત તો કોંગ્રેસના આવા હાલ ન થયા હોત.

ખરેખર તો રાહુલ ગાંધીને એમ હતું કે તેમનું વલણ જોઇને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ રાજીનામા આપવા માટે પ્રેરાશે પરંતુ એવું ન થયું. તેમની ઇચ્છા હતી કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હારની જવાબદારી લઇને સંગઠનના પોતાના પદો પરથી રાજીનામા આપે. તેમણે વારંવાર ઇશારો કર્યો કે પાર્ટીના સંગઠનમાં ધરમૂળથી પરિવર્તન કરવાની જરૂર છે પરંતુ કોંગ્રેસના નેતાઓના પેટનું પાણી ન હાલ્યું.

રાહુલ ગાંધીનું માનવું છે કે કોંગ્રેસે તેના તમામ દિગ્ગજ નેતાઓના સમીકરણોને સ્વીકાર્યા અને તેમની મરજી મુજબના ઉમેદવારોને ટિકિટ આપી પરંતુ લોકસભાની ચૂંટણીમાં આવા ઉમેદવારો કશું ઉકાળી શક્યા નહીં. રાહુલ ગાંધીના મતે પાર્ટીમાં ટિકિટની ફાળવણીમાં પરિવારવાદ અને અહમની લડાઇ વધારે રહી. તાજેતરમાં યૂથ કોંગ્રેસની બેઠકમાં પણ રાહુલ ગાંધીએ ટકોર કરી હતી કે તેમને એ વાતનું દુઃખ છે કે કારમી હાર બાદ પણ કોઇ મુખ્યમંત્રી કે મહાસચિવે રાજીનામા ન આપ્યાં.

તેમની આ ટકોર બાદ પાર્ટીમાં રાજીનામાની લાઇન લાગી ગઇ. કોંગ્રેસના બીજી હરોળના નેતાઓએ સામૂહિક રાજીનામાની રજૂઆત કરી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના રાજીનામાની રજૂઆત પણ થઇ.

ખરેખર તો કોંગ્રેસની કેન્દ્રીય કાર્યસમિતિમાં અને દરેક પ્રદેશ સ્તરે સંપૂર્ણ ફેરફાર કરવાની જરૂર છે. કહેવાતા દિગ્ગજ નેતાઓને વેંઢારવા કરતા તેમને તિલાંજલિ આપી દેવાની જરૂર છે. કોંગ્રેસ અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરીને ગરીબો માટે લઘુત્તમ આવક યોજના લાવી શકે છે પરંતુ લોકો સુધી એ યોજનાના ફાયદા પહોંચાડી શકતી નથી.

ખેડૂતોના કલ્યાણ માટે યોજના તો બનાવે છે પરંતુ તેની પાસે એવા કોઇ નેતા નથી જે ખેડૂતો સાથે સીધો સંવાદ કરતા હોય અને તેમની ખરી સમસ્યાઓ જાણી શકતા હોય. હકીકત એ છે કે કોંગ્રેસ જનતા સાથે વાર્તાલાપ કરવાના નવા નુસખા નથી શોધી શકી. સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકો સુધી પહોંચવા માટે નવા સૂત્રો અને નવીન અભિયાનની આવશ્યકતા છે.

રાહુલ ગાંધી પણ પાર્ટીમાં બદલાવ ઇચ્છે છે જેથી કરીને નવી ટીમ સાથે આગામી ચૂંટણીઓમાં ઝંપલાવી શકે. બીજી બાજુ તેઓ કોંગ્રેસના અધ્યક્ષપદનો ભાર સંભાળી રાખવાના બદલે લોકોના નેતા બનવા માગે છે. તેમની ઇચ્છા છે કે જ્યારે પણ દેશના લોકો કોઇ મુદ્દો ઉઠાવે ત્યારે રાહુલ ગાંધી ત્યાં મોજૂદ હોય. રાહુલ ગાંધીને ખ્યાલ છે કે જમીની સ્તરે પાર્ટી અત્યંત નબળી પડી ગઇ છે અને એમાં સુધારો લાવવા માટે નવા લોકો સાથે નવા જુસ્સાથી કામ શરૂ કરવાની જરૂર છે.

હવે કોંગ્રેસને પોતાનું અસ્તિત્ત્વ બચાવી રાખવા માટે ધરમૂળથી પરિવર્તન કરવાની જરૂર છે. ખાસ કરીને મોદીવિરોધમાંથી બહાર નીકળીને વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. પાર્ટીમાં મહેનતુ અને નિષ્ઠાવાન લોકોની ખાસ જરૂર છે. સામાન્ય જનતાની સમસ્યાઓ સમજી શકે એવા નેતાઓની પાર્ટીને જરૂર છે. નહીંતર પાર્ટીને મુખ્યધારામાંથી બહાર જતા વાર નહીં લાગે.

Tags :