mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બાયડેનના ઘરે FBIના દરોડા, ભારતમાં આવું થાય ?

Updated: Jan 22nd, 2023

બાયડેનના ઘરે FBIના દરોડા, ભારતમાં આવું થાય ? 1 - image


ભારતમાં પણ ઘણી તપાસ એજન્સીઓ પાસે FBI પ્રકારની સત્તા છે પણ એ સત્તાનો ઉપયોગ સત્તામાં બેઠેલા લોકો સામે કદી થતો નથી

ભારતમાં શાસક પક્ષના નેતા પર હાથ નાંખતાં પણ સરકારી એજન્સીઓ વિચાર કરતી હોય ત્યારે ઉચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓને ત્યાં દરોડા પડાય કે કાર્યવાહી કરાય એવી તો આશા જ ના રાખી શકાય. અમેરિકામાં એફબીઆઈએ તો પ્રેસિડેન્ટને ત્યાં દરોડા પાડવાની હિંમત બતાવી છે  તેના પરથી જ અમેરિકામાં અને ભારતમાં શું ફરક છે એ ખબર પડી જવી જોઈએ. 

અમેરિકાના પ્રમુખ જો બાયડેનના ડેલવારે સ્ટેટમાં આવેલા વિલ્મિંગ્ટનના ઘરે અમેરિકન સરકારની જ તપાસ સંસ્થા એફબીઆઈએ દરોડા પાડતાં આખા વિશ્વમાં ખળભળાટ મચ્યો છે. એફબીઆઈએ આ દરોડા અમેરિકાની સરકારના કેટલાક અત્યંત ગુપ્ત એટલે કે ક્લાસિફાઈડ દસ્તાવેજો શોધવા માટે પાડયા હતા. આ દરોડા દરમિયાન બાયડેનના ઘરમાંથી છ ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા હોવાનું પણ જાહેર કરાયું છે. બાયડેન પાસેથી ત્રણ મહિનામાં ત્રીજી વાર ગુપ્ત દસતાવેજો મળી આવ્યા તેના કારણે અમેરિકનો પણ આઘાતમાં છે. 

બાયડેનના ઘરે પડેલા દરોડાનાં મૂળ ત્રણેક મહિના પહેલાંની ઘટનામાં છે. અમેરિકામાં નવેમ્બરમાં મિડ-ટર્મ ઈલેક્શન હતાં. એ પહેલાં વોશિંગ્ટનમાં એક થિંક ટેંક પેન બાયડેન સેન્ટર ફોર ડિપ્લોમસી એન્ડ ગ્લોબલ એંગેજમેન્ટની ઓફિસમાંથી અમેરિકાના કેટલાક ક્લાસિફાઈડ દસ્તાવેજો મળ્યા હતા. તેના પર જો બાયડેને હાથે લખેલી નોટ્સ હતી. બાયડેને આ દસ્તાવેજો વિશે આશ્ચર્ય દર્શાવેલું. આ દસ્તાવેજો શાને લગતા છે એ વિશે પોતાને કંઈ ખબર નથી એવો દાવો કરેલો. 

બાયડેને અજ્ઞાાન દર્શાવતાં અમેરિકાના જસ્ટિસ ડીપાર્ટમેન્ટે બાયડેનના વકીલોને બોલાવીને પૂછપરછ કરેલી. તેમણે પણ અજ્ઞાાન દર્શાવેલું પણ સામેથી બાયડેનના ઘરે તપાસ કરવાની તૈયારી બતાવેલી. ડીસેમ્બરમાં બાયડેનના વકીલોએ કરેલી તપાસમાં બીજા દસ્તાવેજો મળી આવ્યા હતા. બાયડેનના વકીલોએ સરકારને જાણ કરીને આ દસ્તાવેજો આર્કાઈવ્ઝમાં જમા કરાવી દીધા હતા. બાયડેને એ વખતે એમ કહીને વાતને ઉડાવી દીધેલી કે, આ દસ્તાવેજો મારા બંધ ગેરેજની તિજોરીમાં હતા, રસ્તા પર પડેલા મળ્યા નથી તેથી આ વાતને ચગાવવાની જરૂર નથી. 

બાયડેને એ વખતે પણ પોતે કશુ જાણતા નથી એમ કહીને હાથ ખંખેરી જ નાંખેલા પણ બે વાર ગુપ્ત દસ્તાવેજો મળી આવતાં બાયડેન શંકાના દાયરામાં આવી ગયેલા. જસ્ટિસ ડીપાર્ટમેન્ટે બોબ બાઉરને સ્પેશિયલ કાઉન્સેલ નિમીને દસ્તાવેજો બાયડેનને ઘરે કઈ રીતે પહોંચ્યા તેની તપાસ શરૂ કરાવી દીધેલી. યુએ એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે પણ રોબ્રટ હર નામના બીજા કાઉન્સેલ પાસે તપાસ શરૂ કરાવી હતી. આ તપાસના ભાગરૂપે એફબીઆઈ બાયડેનનાં અલગ અલગ ઠેકાણાં પર તપાસ કર્યા કરે છે. તેમાં બાયડેનના ઘરનો નંબર આવી ગયો.   બાયડેનને ત્યાંથી અત્યારે મળેલા દસ્તાવેજો શાના છે એ અંગે ખુલાસો કરાયો નથી પણ પહેલાં મળેલા ૧૦ દસ્તાવેજ યુક્રેન, ઈરાન અને યુકેને લગતા છે. ૨૦૧૩થી ૨૦૧૬ દરમિયાનના આ દસ્તાવેજો છે. બાયડેન અમેરિકાના ઉપપ્રમુખ હતા એ વખતના આ દસ્તાવેજો છે.

બાયડેન અંમેરિકામાં સર્વોચ્ચ હોદ્દા પર છે અને  એફબીઆઈ અમેરિકાની ટોચની તપાસ સંસ્થા છે છતાં બાયડેનને ત્યા પડેલા દરોડાએ સૌને ચોંકાવી દીધા છે. આપણે ત્યાં જે સ્થિતી છે એ જોતાં તો અમેરિકાના પ્રમુખને ત્યા દરોડા પડે એ વાત જ આભ ફાટી પડવાથી મોટી લાગે. બાયડેનના કિસ્સામાં તો મોટી વાત એ પણ છે કે, બાયડેને પોતે પોતાના ઘરે દરોડા પાડવા દીધા. એ પહેલાં બાયડેનના ઘરના ગેરેજમાંથી ગુપ્ત દસ્તાવેજો મળ્યા ત્યારે પણ તેના વકીલોએ ઈમાનદારી બતાવીને સામેથી દસ્તાવેજો મળ્યાનું જાહેર કરીને સરકારમાં જમા કરાવી દીધા હતા.  

ભારતમાં તો આવું શક્ય જ નથી. ભારતમાં તો બાયડેન જેવા સર્વોચ્ચ હોદ્દા પર બેઠેલા માણસને તો હાથ અડાડવાની કોઈ હિંમત કરે એવી તો કલ્પના પણ ના થઈ શકે પણ શાસક પક્ષના કોઈ નેતાને પણ સરકારી એજન્સી હાથ ના લગાડી શકે. આપણે ત્યાં શાસક પક્ષ અને વિપક્ષો માટે અલગ અલગ કાટલાં છે. વિરોધપક્ષના નેતાઓને ત્યાં દરોડા પાડવાની આવે ત્યારે આપણી સરકારી એજન્સીઓને શૂરાતન આવી જાય છે પણ શાસક પક્ષના નેતાઓ સામે એ જ એજન્સીઓ મિયાંની મીંદડી બની જાય છે. 

ભારતમાં શાસક પક્ષના નેતાઓ પર હાથ નાંખતાં પણ સરકારી એજન્સીઓ વિચાર કરતી હોય ત્યારે સત્તાસ્થાને બેઠેલા કે ઉચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓને ત્યાં દરોડા પડાય કે કાર્યવાહી કરાય એવી તો આશા જ ના રાખી શકાય. અમેરિકામાં એફબીઆઈએ તો પ્રેસિડેન્ટને ત્યાં દરોડા પાડવાની હિંમત બતાવી છે. તેના પરથી જ અમેરિકામાં અને ભારતમાં શું ફરક છે એ ખબર પડી જવી જોઈએ.

આપણે ત્યાં કાયદો કાયદાનું કામ કરશે ને ગમે તેવા ચમરબંધીને પણ નહીં છોડાય એવી વાતો કરીને થૂંક ઉડાડાય છે. અમેરિકામાં એફબીઆઈએ એ કરી બતાવ્યું છે કેમ કે અમેરિકામાં તંત્ર માટે  દેશ અને દેશનાં હિતો સર્વોપરિ છે, બીજું બધું પછી આવે છે. સામાન્ય સરકારી કર્મચારી હોય કે એફબીઆઈમાં કામ કરતો ઓફિસર હોય, એ પોતાના દેશને વફાદાર છે. 

અમેરિકામાં કર્મચારી પોતાના દેશની સેવા કરે છે, પોતાના દેશની નોકરી કરે છે, સત્તામાં બેઠેલા લોકોનો નોકરી કરતો નથી કે તેની ગુલામી કરતો નથી. આ કારણે દેશના કાયદાએ બનાવેલા નિયમોને એ અનુસરે છે. ગુલામ બનીને સત્તામાં બેઠેલી વ્યક્તિના આદેશનું પાલન કરતો નથી કે તેને ખુશ કરવા માટે કાયદાની ઐસીતૈસી કરીને ગમે તે હદે જતો નથી. આ કારણે જ અમેરિકામાં તંત્ર કઈ રીતે કામ કરે છે એ જાણનારા લોકોને બાયડેનને ત્યા પડેલા દરોડમાં ચોંકવા જેવું કશું લાગતું નથી. 

બીજી એક રસપ્રદ વાત એ છે કે, બાયડેનને ત્યાં દરોડા પાડવા ગયેલી એફબીઆઈની ટીમ સર્ચ વોરંટ વિના જ ગઈ હતી. એફબીઆઈ પાસે એ સત્તા છે જ કે દેશનાં હિતોની વાત આવે ત્યારે સર્ચ વોરંટ વિના જ ગમે ત્યાં તપાસ કરી શકે છે. ભારતમાં પણ ઘણી તપાસ એજન્સીઓ પાસે એ પ્રકારની સત્તા છે પણ એ સત્તાનો ઉપયોગ સત્તામાં બેઠા લોકો સામે કદી થતો નથી. અમેરિકામાં તો સીધો પ્રમુખ સામે જ સત્તા વાપરીને કાયદો સર્વોપરિ છે એ વાતનું ભાન કરાવી દીધું, કાયદાના શાસનનો પરચો આપી દીધો. 

બાયડેન સામે તપાસ શરૂ, દોષિત ઠરે તો જેલમાં જશે

બાયડેનના ઘરેથી ક્લાસિફાઈડ એટલે કે ગુપ્ત દસ્તાવેજો મળવાના કેસમાં તપાસ કરવા માટે યુએસ જસ્ટિસ ડીપાર્ટમેન્ટે સ્પેશિયલ કાઉન્સિલ રોબર્ટ હરની નિમણૂક કરી છે. રોબર્ટ હર જસ્ટિસ ડીપાર્ટમેન્ટના વકીલ તરીકે કામ કરી ચૂક્યા છે.

બાયડેન પાસેથી મળેલા ગુપ્ત દસ્તાવેજો ક્યા પ્રકારના છે એ સ્પષ્ટ નથી. આ દસ્તાવેજોની સંવેદનશીલતાને આધારે જસ્ટિસ ડીપાર્ટમેન્ટ બાયડેન સામે ક્યા પ્રકારનો કેસ કરવો તેની ભલામણ કરશે.  આ કેસમાં દોષિત ઠરે તો તેમને જેલની સજા પણ થઈ શકે. 

બાયડેને દસ્તાવેજોનો દુરૂપયોગ કર્યો હોવાનું સાબિત થાય તો એ વધારે ગંભીર ગુનો ગણાય. તેના માટે તેમની સામે દેશદ્રોહનો કેસ પણ નોંધાઈ શકે. આ શક્યતા ધૂંધળી છે પણ અમેરિકાના પ્રમુખ સામે તેમની જ સરકારનો વિભાગ તપાસ કરાવે એ બહુ મોટી વાત છે. 

બાયડેનને ત્યાંથી ગુપ્ત દસ્તાવેજો મળ્યા છે એ જોતાં બાયડેને બેદરકારી બતાવી છે એ સ્પષ્ટ છે. આ સંજોગોમાં બાયડેનને દંડ તો થવાનો જ છે. ભૂતકાળમાં બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રમુખ હતા ત્યારે તેમના નેશનલ સીક્યુરિટી એડવાઈઝર (એનએસએ) સેમ્યુઅલ આર. બર્ગર ટોપ-સીક્રેટ મટીરિયલ સરકારી આર્કાઈવ્ઝમાંથી દૂર કરવાના કેસમાં દોષિત ઠર્યા હતા. બર્ગરે તેનો દુરૂપયોગ નહોતો કર્યો તેથી ૧૦ હજાર ડોલરનો દંડ કરીને છોડી દેવાયા હતા. 

ટ્રમ્પને ત્યાં પણ ગુપ્ત દસ્તાવેજો શોધવા દરોડા પડેલા

એફબીઆઈએ આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે પણ દરોડા પાડયા હતા. ટ્રમ્પના ઘરેથી ખોખેખોખાં ભરીને ગુપ્ત દસ્તાવેજો મળ્યા હતા. અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસ તેની તપાસ કરી રહી છે. બાયડેન સામે પણ એવી તપાસ થાય એવી શક્યતા છે.  

ટ્રમ્પ કેમ્પનો દાવો છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી મળેલા ગુપ્ત સરકારી દસ્તાવેજોનો મામલો અલગ છે. ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે આ દસ્તાવેજો લઈ ગયેલા ને પછી પાછા આપવા માટે આનાકાની કરતા હતા જ્યારે બાયડેને તો સામેથી સહકાર આપ્યો છે. બાયડેન જાણી જોઈને દસ્તાવેજો લઈ ગયા નથી તેથી ટ્રમ્પ અને બાયડેનની સરખામણી ના થઈ શકે. 

કાનૂની નિષ્ણાતો આ દલીલને માનવા તૈયાર નથી. તેમના મતે, આ મામલો રાષ્ટ્રીય સુરક્ષાનો હોવાથી ટ્રમ્પ અને બિડે બંનેનો અપરાધ સરખો જ છે. ટ્રમ્પ સામે તપાસ થાય ને બાયડેનને જવા દેવાય એ ના ચાલે. બાયડેનની પોતાની પાર્ટીના લોકો આ વાતને ટેકો આપે છે તેથી બાયડેન માટે આફતનાં એંધાણ છે.


Gujarat