Get The App

પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કા પહેલાં ઘમાસાણ

- અમિત શાહની રેલી દરમિયાન ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે યુદ્ધ જેવો માહોલ સર્જાયો

Updated: May 16th, 2019

GS TEAM

Google News
Google News

- સાતમા તબક્કામાં જ્યાં મતદાન યોજાવાનું છે એ કોલકાતા અને આસપાસના વિસ્તારો તૃણમુલ કોંગ્રેસના ગઢ ગણાય છે અને ભાજપ અહીંયા મમતા બેનરજીને મ્હાત આપીને તૃણમુલના ગઢમાં ગાબડું પાડવા ધારે છે 

પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કા પહેલાં ઘમાસાણ 1 - image

મતદાનના અંતિમ તબક્કા પહેલાં પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે સાંજે કોલકાતાના શહીદ મિનાર વિસ્તારથી ઉત્તર કોલકાતા સ્થિત સ્વામી વિવેકાનંદના નિવાસસ્થાન સુધી રોડ શો કરવાનું આયોજન કર્યું હતું.

રોડ શોને પ્રશાસને મંજૂરી આપી નહોતી તેમ છતાં અમિત શાહે રોડ શો યોજવાની જિદ પકડી. રોડ શોના માર્ગ પર લાગેલા મોદી અને શાહના બેનરો અને કટઆઉટોને દૂર કરવાની પોલિસની કામગીરીના કારણે વિવાદ શરૂ થઇ ગયો. રોડ શો રોકવાના ભારે પ્રયાસ છતાં મોટી સંખ્યામાં ભીડ થવાના કારણે પરિસ્થિતિ વણસી ગઇ. તૃણમુલ કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ 'અમિત શાહ ગો બેકદના નારા લગાવ્યા અને કાળા ઝંડા દેખાડયાં. 

એ પછી શરૂ થઇ ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચેની અથડામણ. તૃણમુલ કોંગ્રેસના કાર્યકરોએ કથિત રીતે અમિત શાહના વાહન પર પથ્થરમારો કર્યો. જવાબમાં એબીવીપીના કાર્યકરોએ પણ વળતો હુમલો કર્યો અને થોડી વારમાં તો ત્યાં જાણે યુદ્ધ જેવો માહોલ સર્જાઇ ગયો. એ જ વિસ્તારમાં કોલકાતા યુનિવર્સિટી ઉપરાંત પ્રેસીડેન્સી કોલેજ અને વિદ્યાસાગર કોલેજ પણ આવેલી છે. એબીવીપીના વિદ્યાર્થીઓએ કથિત રીતે વિદ્યાસાગર કોલેજમાં ઘૂસીને તોડફોડ કરી. એ દરમિયાન ત્યાં રાખેલી વિદ્યાસાગરની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી. કોલેજ બહાર પડેલાં કેટલાંક વાહનોને પણ આગ ચાંપવામાં આવી. 

હિંસાનો માહોલ વધતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમિત શાહનો રોડ શો સ્થગિત કરવો પડયો. અમિત શાહે આક્ષેપ કર્યો કે તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓએ હિંસા ફેલાવી. તેમણે આરોપ મૂક્યો કે તૃણમુલ કોંગ્રેસનો ઇરાદો તો તેમનો જીવ લેવાનો હતો. બીજી બાજુ મમતા બેનરજીએ પણ વળતો હુમલો કરતા ભાજપ પર મહાપુરુષોના અપમાનનો આરોપ મૂક્યો અને કહ્યું કે રાજ્યના લોકો આ કરતૂતનો જવાબ આપશે. મમતા બેનરજીએ તો રાતે જ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી સાથે કોલેજની મુલાકાત લીધી. 

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન મોટા પાયે હિંસા શા માટે થાય છે એ સવાલ થવો સ્વાભાવિક છે. આ સવાલનો જવાબ પશ્ચિમ બંગાળની ચૂંટણીકીય સંસ્કૃતિમાં છુપાયેલો છે. અહીંયા જ્યારે જ્યારે સત્તારૂઢ પાર્ટીને વિપક્ષ તરફથી મોટો પડકાર મળે ત્યારે ત્યારે ચૂંટણીમાં હિંસા વધે છે.

બંગાળમાં આ વખતે ભાજપે લોકસભાની ૪૨માંથી ૨૨ બેઠકો જીતવાના નિર્ધાર સાથે ઝંપલાવ્યું છે અને દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધારે તાકાત પશ્ચિમ બંગાળમાં ઝોંકી છે. ભાજપના જોરદાર એટેક સામે તૃણમુલ કોંગ્રેસનો આત્મવિશ્વાસ પણ ડગમગી ગયો છે અને એ જ કારણ છે ચૂંટણી દરમિયાન હિંસા વધી રહી છે. 

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા તો પહેલેથી જ થતી રહી છે પરંતુ એંસીના દાયકા બાદ હિંસા કરવામાં સૌથી મોટો હાથ સત્તાધારી પાર્ટીઓના કથિત ગુંડાતત્ત્વોનો રહ્યો છે. આઝાદી બાદ કોંગ્રેસ સમર્થિત જમીનદારો વિરુદ્ધ મોટા પાયે ખેડૂત આંદોલનો થયા. જમીનદારી પ્રથા ખતમ થયા બાદ સીપીએમને રાજ્યમાં પગ જમાવવાનો મોકો મળ્યો.

લેફ્ટના સત્તામાં આવ્યા બાદ એકાદ દાયકા સુધી રાજકીય હિંસાનો દોર ચાલ્યો પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લેફ્ટની પક્કડ મજબૂત થયા બાદ હિંસામાં ઘટાડો નોંધાયો. એ વખતે કોંગ્રેસ નબળી પડવા લાગી હતી. પરંતુ વર્ષ ૧૯૯૮માં મમતા બેનરજી દ્વારા તૃણમુલ કોંગ્રેસની રચના બાદ રાજ્યમાં વર્ચસ્વની લડાઇનો નવેસરથી આરંભ થયો અને હિંસાના બનાવોમાં પણ ઉછાળો આવ્યો. 

એ જ વર્ષે યોજાયેલી પંચાયતી ચૂંટણીઓ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે હિંસા થઇ. એ પછી રાજ્યના જુદાં જુદાં વિસ્તારોમાં જમીન અધિગ્રહણસહિતના જુદાં જુદાં મુદ્દે થયેલા આંદોલનો અને માઓવાદીઓની વધી રહેલી સક્રિયતાના કારણે ફરી વખત લોહિયાળ હિંસાનો દોર શરૂ થયો જે હજુ સુધી ચાલી રહ્યો છે.

આંદોલનો અને રાજકીય હિંસાના કારણે રાજ્યમાં લેફ્ટના હાથમાંથી સત્તા જઇ રહી હતી અને મમતા બેનરજી મજબૂત બની રહ્યાં હતાં. હવે એ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થઇ રહ્યું છે. રાજ્યમાં ભાજપ ઉત્તરોત્તર મજબૂત બની રહ્યો છે અને તેની તૃણમુલ કોંગ્રેસ સાથેની વર્ચસ્વની લડાઇ રાજકીય હિંસાની આગમાં ઘી હોમવાનું કામ કરી રહી છે. 

હિન્દી બેલ્ટમાં વળતા પાણી બાદ ભાજપની નજર પૂર્વ અને પૂર્વોત્તરના રાજ્યો પર છે જેમાં પશ્ચિમ બંગાળ ભાજપ માટે સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે. પરંતુ અહીંયા તેમણે બંગાળની વાઘણ ગણાતા મમતા બેનરજીનો સામનો કરવાનો થયો છે. ખરેખર તો વાત એ છે કે મમતા બેનરજી ભાજપ અને ખાસ તો અમિત શાહ પ્રત્યે ભારે અણગમો ધરાવે છે. ભાજપ અધ્યક્ષની પશ્ચિમ બંગાળની મુલાકાતોનો તે અગાઉ પણ ભારે વિરોધ કરતા રહ્યાં છે.

આમ તો મમતાદીદીનો ભાજપ પ્રત્યેનો અણગમો અકારણ નથી કેમકે તેમની સરકારના કેટલાય મંત્રીઓને મોદી સરકાર અંતર્ગત કામ કરતી સીબીઆઇ અને ઇડી જેવી એજન્સીઓ દરોડા પાડીને અને જેલમાં મોકલીને પરેશાન કરી ચૂકી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં મહત્તમ બેઠકો જીતવાની ખેવના રાખે છે. હાલ પશ્ચિમ બંગાળમાં ભાજપના માત્ર બે જ સાંસદ છે અને ભાજપ આ બે બેઠકોને બાવીસના આંકડા સુધી પહોંચાડવા માગે છે.

પશ્ચિમ બંગાળમાં ૩૫ વર્ષથી ડાબેરીઓનું શાસન હતું જેને મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસે તોડયું. હાલ મમતા દીદીના વર્ચસ્વના કારણે ડાબેરીઓનું વર્ચસ્વ નહીવત્ રહી ગયું છે અને કોંગ્રેસ પણ સંઘર્ષ કરી રહી છે. એવા સંજોગોમાં ભાજપ માટે રાજ્યમાં સ્થાન જમાવવાનો સુવર્ણ અવસર છે.

એક સમય હતો કે જ્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપને કોઇ પૂછવાવાળું નહોતું. પરંતુ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને રાજ્યમાં માત્ર બે પરંતુ મહત્વની કહી શકાય તેવી દાર્જિલિંગ અને આસનસોલ બેઠકો પર વિજય મળ્યો. એ સિવાય અન્ય ૩ બેઠકો પર ભાજપ બીજા સ્થાને રહ્યો. 

એ પછી ૨૦૧૬ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે પહેલી વખત રાજ્યમાં ખાતું ખોલાવ્યું અને ૩ બેઠકો પર જીત મેળવી. ગયા વર્ષે સ્થાનિક પંચાયતોની ચૂંટણીમાં તો ભાજપ ડાબેરી પક્ષોને પાછળ મૂકીને મોટા ભાગની બેઠકો પર બીજા સ્થાને રહી હતી. જોકે એ પણ હકીકત છે કે ભાજપ ભલે રાજ્યમાં બીજા સ્થાને આવી ગઇ હોય પરંતુ ડાબેરીઓ અને કોંગ્રેસના તૂટેલા વોટ જ તેને મળ્યાં છે. તમામ પ્રયાસો છતાં હજુ પણ ભાજપને મમતા બેનરજીની વોટબેંકમાં ભાગ પડાવવામાં સફળતા નથી મળી. અને તૃણમૂલ કોંગ્રેસની વોટબેંક અંકે કર્યા વગર પશ્ચિમ બંગાળમાં ભાજપનો ગજ વાગવાનો નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં ડઝનેક ચૂંટણી સભાઓ યોજી ચૂક્યાં છે અને મમતા બેનરજી સાથે તેમનો વાદવિવાદ સાવ નીચલા સ્તરે પહોંચી ચૂક્યો છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં રેલી યોજી ચૂક્યાં છે.

રાજ્યમાં કોંગ્રેસ તો પહેલેથી જ હાંસિયામાં ધકેલાઇ ચૂકી છે. તો સાડા ત્રણ દાયકા સુધી બંગાળમાં રાજ કરનાર સીપીએમ પણ આ ચૂંટણીઓમાં ક્યાંય ખોવાઇ ગયેલી માલુમ પડે છે. ખરું જોતાં રાજ્યની મોટા ભાગની બેઠકો પર તૃણમુલ કોંગ્રેસનો સીધો મુકાબલો ભાજપ સામે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પોતાની ચૂંટણી સભાઓમાં એવા દાવા કરે છે કે મમતા દીદી હારના ડરથી બેબાકળા બની ગયાં છે અને એ જ મનોસ્થિતિમાં તેઓ ભાજપના કાર્યકરો પર હુમલા કરાવી રહ્યાં છે. હાલની લોકસભાની ચૂંટણી દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીની હિંસામાં ઓછામાં ઓછા ચાર જણાના મૃત્યુ નીપજ્યાં છે તો અનેક જણાં ઇજાગ્રસ્ત થયા છે. મોટી સંખ્યામાં કેન્દ્રીય દળોની તૈનાતી છતાં હિંસાના માહોલ પર અંકુશ મેળવી શકાયો નથી.

બીજી બાજુ મમતા બેનરજી ભાજપ ઉપર ધાર્મિક આધારે લોકોમાં ફૂટ પડાવવાનો આરોપ મૂકે છે. જોકે મમતાનો દાવો છે કે બંગાળના લોકો અત્યંત જાગૃત છે અને ભાજપની ભાગલાવાદી નીતિઓ અહીંયા કામ નહીં લાગે.

જાણકારોના મતે અંતિમ તબક્કામાં કોલકાતા અને આસપાસના જે વિસ્તારોમાં મતદાન યોજાવાનું છે એ તૃણમુલ કોંગ્રેસના ગઢ મનાય છે. ગત લોકસભાની ચૂંટણીમાં આ તમામ બેઠકો તૃણમુલ કોંગ્રેસના ખાતામાં ગઇ હતી. પરંતુ આ વખતે ભાજપ તૃણમુલના આ ગઢમાં ગાબડું પાડવા ધારે છે.

ખાસ કરીને હિન્દીભાષીઓની વધારે વસતીવાળા કોલકાતા ઉત્તર અને બાંગ્લાદેશ સરહદ સાથે જોડાયેલી બશીરહાટ બેઠક પર ભાજપને જીતની અપેક્ષા છે. ખાસ કરીને અહીંયા લડવા માટે ભાજપે સિટિઝનશીપ બિલ અને નેશનલ રજિસ્ટરને મુખ્ય મુદ્દા બનાવ્યાં છે. 

મમતા બેનરજી ભાજપ, કોંગ્રેસ અને સીપીએમ પર મિલીભગતનો આરોપ મૂકતા લોકોને તમામ બેઠકો પર તૃણમુલ કોંગ્રેસને જીતાડવા અપીલ કરી રહ્યાં છે.

મમતા માટે પશ્ચિમ બંગાળની મહત્તમ બેઠકો જીતવી એટલા માટે પણ મહત્ત્વની છે કે તેઓ આગામી સરકારની રચનામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે અને પોતાને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી શકે. જોકે અંતિમ તબક્કાના મતદાન પહેલા જ હિંસાનો જે માહોલ વ્યાપેલો છે એ જોતાં મતદાન દરમિયાન પણ મોટે પાયે હિંસા થવાનો અંદેશો છે.

Tags :