Get The App

સાવધાન! કોરોના વાઇરસ હવા દ્વારા પણ ફેલાય છે

- વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઇરસ હવાથી ફેલાતો હોવાની શક્યતા સ્વીકારી

Updated: Jul 9th, 2020

GS TEAM

Google News
Google News
સાવધાન! કોરોના વાઇરસ હવા દ્વારા પણ ફેલાય છે 1 - image


- તાજતરમાં ૩૨ દેશોના ૨૩૯ વૈજ્ઞાાનિકોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પત્ર લખીને દાવો કર્યો છે કે કોવિડ-૧૯નું સંક્રમણ હવામાં પણ ફેલાય છે અને એટલા માટે કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે બનાવવામાં આવેલા દિશાનિર્દેશોમાં ફેરફાર કરવાની તાકીદ કરવામાં આવી છે

આખી દુનિયા કોરોના વાઇરસના પ્રકોપ સામે ઝઝૂમી રહી છે ત્યારે જીવલેણ વાઇરસના સંક્રમણ અંગે એક ચોંકાવનારી બાબત સામે આવી છે. તાજેતરમાં ૩૨ દેશોના ૨૩૯ વૈજ્ઞાાનિકોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પત્ર લખીને દાવો કર્યો છે કે કોવિડ-૧૯નું સંક્રમણ હવામાં પણ ફેલાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા હમણા સુધી કોરોના વાઇરસ હવામાં ફેલાતો હોવાની સંભાવનાનો ઇન્કાર કરતી આવી છે પરંતુ હવે સંસ્થાએ કોરોના વાઇરસ હવા મારફતે ફેલાવા અંગેના જે તથ્યો મળ્યાં છે એ સ્વીકાર્યા છે.

વૈજ્ઞાાનિકોએ લખેલા પત્રનું શીર્ષક છે ઇટ્સ ટાઇમ ટુ એડ્રેસ એરબોર્ન ટ્રાન્સમિશન ઓફ કોવિડ-૧૯, મતલબ કે હવા દ્વારા ફેલાતા કોવિડ-૧૯ના સંક્રમણ વિશે વિચારવાનો વખત આવી ગયો છે. આ વૈજ્ઞાાનિકોના મતે એવા પુરાવા છે કે કોરોના વાઇરસ હવા દ્વારા પણ ફેલાઇ શકે છે. તેમના જણાવ્યા અનુસાર કોરોનાગ્રસ્ત વ્યક્તિના વાત કરતા કે શ્વાસોચ્છવાસ વખતે થૂકનાં અત્યંત સૂક્ષ્મના છાંટા બહાર નીકળતા હોય છે. આ છાંટાં એટલા સૂક્ષ્મ હોય છે કે તે થોડી વાર સુધી હવામાં તરતા રહે છે. આ દરમિયાન કોઇ સ્વસ્થ વ્યક્તિ શ્વાસ દ્વારા વાઇરસ તેની અંદર પ્રવેશી શકે છે. એટલા માટે આ વૈજ્ઞાાનિકોએ માંગ કરી છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા તેમજ અન્ય તમામ એજન્સીઓ કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે બનાવવામાં આવેલા દિશાનિર્દેશોમાં ફેરફાર કરે.

કોરોના વાઇરસ અંગે દેશવિદેશની તબીબી સંસ્થાઓએ જે દિશાનિર્દેશ જાહેર કર્યાં છે એમાં ત્રણ બાબતો પર જોર આપવામાં આવ્યું છે. પહેલું એ કે લોકોએ વારંવાર હાથ સાબુથી ધોવા અથવા સેનિટાઇઝરથી સાફ કરવા. બીજી જરૂરી બાબત છે માસ્ક પહેરવો અને ત્રીજું એ કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું. વિશ્વ આરોગ્ય સંસ્થા પણ કહેતી આવી છે કે લોકો વચ્ચે ઓછામાં ઓછી ૩.૩ ફૂટનું અંતર જાળવવામાં આવે તો કોરોના વાઇરસનું સંક્રમણ રોકવું શક્ય છે. જોકે હવે જો હવામાં પણ કોરોના વાઇરસ રહેલો હોય તો બે મીટરનું અંતર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાના નિયમોમાં ફેરફાર કરવો પડશે. 

વૈજ્ઞાાનિકોના મતે હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા સાવચેતીના પગલા જરૂરી તો છે પરંતુ પૂરતા નથી. પત્રમાં જણાવ્યા અનુસાર બંધ જગ્યાઓએ અને ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓએ અને જ્યાં હવાની અવરજવરની પૂરતી વ્યવસ્થા ન હોય ત્યાં વાઇરસનો ચેપ લાગવાનો ખતરો વધારે છે. વાઇરસના પ્રસારને રોકવા માટે હવે વધારે ઉપાયો પ્રયોજવાની જરૂર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ અત્યાર સુધી તો માસ્ક પહેરવા માટે આગ્રહ કર્યો નથી પરંતુ જો વાઇરસ હવા મારફતે ફેલાતો હોય તો માસ્ક પહેરવાનું અનિવાર્ય કરવું પડે એવી પણ શક્યતા છે.

જાણકારોના મતે કોરોના વાઇરસ જેવા સંક્રમણ થૂંકના જુદાં જુદાં કદના છાંટા દ્વારા ફેલાય છે. આ છાંટાનો વ્યાસ પાંચથી દસ માઇક્રોન જેટલો હોય તો તેમને રેસિપિરેટરી ડ્રોપલેટ્સ કહે છે. મીટરના દસ લાખમા ભાગને માઇક્રોન કહે છે. પાંચ માઇક્રોનથી નાના છાંટાને ડ્રોપલેટ ન્યૂક્લિઆઇ કહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મતે અત્યાર સુધી કોરોના વાઇરસ ફેલાવા અંગે જે પુરાવા મળ્યાં છે એ મુખ્યત્ત્વે રેસપિરેટરી ડ્રોપલેટ્સ દ્વારા ફેલાવા અંગેના છે. ગત ૨૯ જૂને વિશ્વ આરોગ્ય સંસ્થાની અપડેટમાં કહેવામાં આવ્યું હતું કે હવા દ્વારા કોરોના વાઇરસ ફેલાવાની શક્યતા એવા સંજોગોમાં જ આવી શકે છે કે જ્યારે કેટલીક હોસ્પિટલમાં અમુક મેડિકલ પ્રક્રિયા દરમિયાન એરોસોલ્સ એટલે કે હવામાં તરતા રહેતા કણો પેદા થતા હોય.

પરંતુ હવે વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે આવું સામાન્ય પરિસ્થિતિઓમાં પણ શક્ય છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે અભ્યાસ દ્વારા સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે ઉચ્છવાસ બહાર કાઢતી વખતે, વાત કરતી વખતે અને ખાંસતી વખતે નીકળતા થૂંકના છાંટામાં વાઇરસ મોજૂદ હોય છે અને આ છાંટા અત્યંત સૂક્ષ્મ હોવાના કારણે અમુક સમય હવામાં રહે છે. જેના કારણે સંક્રમિત વ્યક્તિના એકથી બે મીટર સુધીના અંતરમાં વાઇરસ ફેલાવાનું જોખમ છે. આ વૈજ્ઞાાનિકોના મતે આટલા અંતરે રહેલી વ્યક્તિના શ્વાસ દ્વારા વાઇરસ તેના શરીરમાં પ્રવેશી શકે છે. 

વૈજ્ઞાાનિકોએ દાવો કર્યો છે કે ભૂતકાળમાં સાર્સ કે મર્સ જેવી બીમારીઓ વિશે કરવામાં આવેલા સંશોધનોમાં પણ આ બાબત સામે આવી હતી કે તેમનો ફેલાવો હવા દ્વારા થઇ શકે છે. સંશોધનો કહે છે કે સાર્સ અને મર્સના દર્દીઓના ઉચ્છવાસ દ્વારા મોટી સંખ્યામાં વાઇરસ બહાર આવતા હોય છે. વૈજ્ઞાાનિકોના મતે કોવિડ-૧૯ ફેલાવતો વાઇરસ પણ એ જ પ્રકારનો છે અને એટલા માટે તે પણ હવા મારફતે ફેલાઇ શકે છે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે સાવધાનીના સિદ્ધાંતનું પાલન કરતી વખતે કોરોના વાઇરસના સંક્રમણ અટકાવવા માટેના શક્ય તમામ ઉપાયો પ્રયોજવા જોઇએ.

હવા મારફતે કોરોનાનું સંક્રમણ ન ફેલાય એટલા માટે અનેક ઉપાયો પ્રયોજી શકાય એમ છે. પહેલા તો ઇમારતોમાં વેન્ટિલેશનની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. ખાસ કરીને ઓફિસો, હોસ્પિટલો અને સ્કૂલો,કોલેજોમાં તેમજ વૃદ્ધો માટે ઊભા કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરોમાં હવાની અવરજવરની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવે. આમાં એ ધ્યાન રાખવું જોઇએ કે હવાનું રિસર્ક્યુલેશન ઓછું હોય એટલે કે અંદરની હવા જ અંદર પાછી આવતી હોય એવું ન થવું જોઇએ. એના સ્થાને બહારની સ્વચ્છ હવા અંદર આવવી જોઇએ. વેન્ટિલેશન સિસ્ટમમાં સંક્રમણ રોકી શકતા એર ફિલ્ટર અથવા તો અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ પણ થઇ શકે. 

વૈજ્ઞાાનિકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટ તેમજ અન્ય જાહેર સ્થળોએ વધારે ભીડભાડ ન કરવાની સલાહ આપી છે. તેમના મતે માસ્ક પહેરવો ફરજિયાત કરવાની જરૂર છે અને એમાં પણ સર્જિકલ એટલે કે સાદો માસ્ક ચાલે એમ નથી. બચાવ માટે એન-૯૫ માસ્ક જ અનિવાર્ય છે. હજુ પણ ઘણાં લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે. સરકારે માસ્ક પહેરવા અંગેના કાયદા વધારે કડક કરવાની પણ જરૂર છે. 

કોરોના વાઇરસ ભારે ઝડપથી અને ઘણી આસાનીથી ફેલાઇ રહ્યો છે. કોરોના વાઇરસ સામે લડવામાં સૌથી અસરકારક પગલું અત્યાર સુધી એ રહ્યું છે કે શરૂઆતમાં જ સંક્રમિત વ્યક્તિની ઓળખ કરીને તેને આઇસોલેટ એટલે કે બધાંથી અલગ કરી દેવી. ભારત પણ પહેલેથી આ પદ્ધતિ પર ભારે ધ્યાન આપી રહ્યું છે. 

બીજું અસરકારક પગલું છે સામાજિક સંપર્ક ઓછો કરવો મતલબ કે ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું અને બને તો આવા સ્થળો જ બંધ કરી દેવા જેથી કરીને વાઇરસને સહેલાઇથી ફેલાતો અટકાવી શકાય. 

સામાજિક સંપર્ક ટાળવો એટલા માટે પણ જરૂરી છે કે કદાચ કોરોનાનો ચેપ લાગ્યો હોય એવી વ્યક્તિ પર તેની અસર વધારે ન જણાતી હોય પરંતુ આસપાસ ઉંમરલાયક કે પછી હૃદયરોગ કે ડાયાબિટીસની બીમારી હોય એવા લોકોને કોરોનાનો ચેપ લાગી જાય તો તેમના માટે એ જીવલેણ નીવડી શકે છે. મતલબ કે એકની લાપરવાહી બીજા માટે જીવલેણ નીવડી શકે છે. 

અમુક લોકોનો દાવો છે કે કોરોના વાઇરસનો ચેપ સામાન્ય શરદી-ખાંસી જેવો જ હશે અને આનો મૃત્યુ દર પણ ત્રણ ટકા જેટલો ઓછો છે. પરંતુ ભારત જેવા દેશમા કે જ્યાંની વસતી સવાસો કરોડ કરતાં વધારે હોય ત્યાં આટલો મૃત્યુદર લાખો લોકોને મોતને હવાલે કરી શકે છે.

કોરોના વાઇરસ માટેની કોઇ ચોક્કસ દવા હજુ સુધી શોધાઇ નથી. કોરોનાની વેક્સિન પણ હજુ સુધી તૈયાર થઇ શકી નથી. એટલા માટે કોરોનાથી બચવા માટે સંક્રમણના દરેક માધ્યમને રોકવા આવશ્યક છે. 

જો વાઇરસ હવાથી ફેલાય છે હકીકત સ્વીકારવામાં જ ન આવી તો એને ધ્યાનમાં રાખીને જરૂરી ઉપાયો પ્રયોજી નહીં શકાય અને એના પરિણામો ખરાબ આવશે.  લૉકડાઉન દૂર થયા બાદ આમ પણ લોકોની અવરજવર વધી ગઇ છે અને ફરી પાછી ભીડભાડ થવા લાગી છે. એવામાં કોરોના વાઇરસથી બચાવ માટે જરૂરી દિશાનિર્દેશોમાં ફેરફાર કરવા પડશે.

Tags :