Get The App

આતંકવાદી મસૂદને ફૂંકી મારો:ભારતને દુનિયાના પ્રમાણપત્રની જરૂર નથી

- દુનિયા મસૂદને આતંકવાદી જાહેર કરે તેનાથી ભારત હરખાય નહીં !

Updated: May 3rd, 2019

GS TEAM

Google News
Google News
આતંકવાદી મસૂદને ફૂંકી મારો:ભારતને દુનિયાના પ્રમાણપત્રની જરૂર નથી 1 - image


- મસૂદ અઝહર વૈશ્વિક આતંકવાદી જાહેર થવાથી ભારતની મોટી કૂટનૈતિક જીત તો થઇ જ છે પરંતુ ખરી જીત તો ત્યારે જ ગણાશે જ્યારે તેને ભારતમાં ઘસડી લાવવામાં આવે અને તેના ગુનાઓની સજા આપવામાં આવે 

ભારતના વર્ષોના પ્રયાસો બાદ છેવટે સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરી દીધો છે. દુનિયા માટે ખતરો બની ચૂકેલા આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓની યાદીમાં હવે મસૂદ અઝહરનો સમાવેશ થઇ ચૂક્યો છે. પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને દુનિયા સમક્ષ ઉઘાડું પાડવાના ભારતના પ્રયાસોને વધુ એક સફળતા મળી છે. 

મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરાવવાના ભારતના પ્રયાસોમાં ચીન કાયમ ટાંગ અડાવતું રહ્યું હતું. પરંતુ છેલ્લા થોડા સમયથી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના સભ્ય દેશોએ ચીન ઉપર મસૂદ અઝહર મામલે ભારે દબાણ સર્જ્યું જેના પરિણામે ચીને છેવટે નમતું જોખવું પડયું. મસૂદ અઝહરને પ્રતિબંધિત કરવા માટે ભારત યૂએનએસસીમાં ચાર વખત રજૂઆત કરી હતી પરંતુ ચીન દર વખતે વીટો વાપરીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આડે આવ આવતું હતું. 

તાજેતરમાં પુલવામા હુમલા બાદ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ મસૂદ અઝહરને પ્રતિબંધિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો પરંતુ ચીને છેલ્લી ઘડીએ આ પ્રસ્તાવ પર વીટો વાપરી દીધો જેના કારણે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ છ મહિના માટે અટકી ગયો. પહેલાં પણ ૨૦૦૯, ૨૦૧૬ અને ૨૦૧૭માં મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને ચીન અટકાવ્યો હતો. ખાસ વાત એ કે મસૂદ અઝહરને ઊભું કરેલું આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વર્ષ ૨૦૦૧થી યૂ.એન.ની આતંકવાદી યાદીમાં સામેલ હોવા છતાં મસૂદ અઝહરને છાવરવા ચીન એવી દલીલ કરતું રહ્યું કે તેનો જૈશ-એ-મોહમ્મદ સાથે કોઇ સંબંધ જ નથી.

જોકે પુલવામા હુમલા બાદ એક પછી એક આકરા પગલાં લેવાની શરૂઆત કરી દીધી. પહેલા તો પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઇ લીધો તો બીજી બાજુ કાશ્મીરના પાકિસ્તાનતરફી અને આતંકવાદીઓને શરણ આપી રહેલાં અલગતાવાદી નેતાઓને અપાયેલી સુરક્ષા પાછી ખેંચી લીધી. એ સાથે જ વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને વિખૂટું પાડવા માટે કૂટનૈતિક પ્રયાસો શરૂ કરી દીધાં. અનેક દેશોના રાજદ્વારીઓ સાથેની જુદી જુદી મુલાકાતો અને જી-૨૦ દેશોના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ ભારતને આતંકવાદ ફેલાવતા તત્ત્વોની સામે કાર્યવાહી કરવાનું સમર્થન પણ મળી ગયું.

વૈશ્વિક જનમતને પોતાની તરફેણમાં કરીને ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી દીધી અને ખૈબર પખ્તુન્ખવા પ્રાંતમાં આવેલા બાલાકોટ ખાતેના જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પનો સફાયો બોલાવી દીધો. ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને ભારતને દોષિત ઠરાવવા માટે ઘણાં ધમપછાડા કર્યાં પરંતુ દુનિયાના દેશોએ તેને કોઇ ભાવ ન આપ્યો.

એ જ કડીમાં મસૂદ અઝહરને પ્રતિબંધિત કરવો ભારત માટે અત્યંત આવશ્યક બની ગયું હતું. ભારતના આ પ્રયાસોમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે પણ સાથ આપ્યો. પહેલાં તો ફ્રાન્સે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરીને પ્રતિબંધિત કરી દીધો. એ પછી અમેરિકાએ ચીનનું નાક દબાવવાનું કામ કર્યું. મસૂદ અઝહરને પ્રતિબંધિત કરવાનો પ્રસ્તાવ યૂ.એન.ની ૧૨૬૭ અલકાયદા સેશન્સ કમિટી ઓફ ધ કાઉન્સિલ સમક્ષ લાવવામાં આવતો હતો જેમાં ચીન કાયમ ટેકનિકલ વાંધાવચકા કાઢીને વીટો વાપરી દેતું હતું. આ વખતે પણ ચીને વીટો વાપરીને છ મહિના સુધી તો મામલો દબાવી દીધો પરંતુ એ પછી પણ એવી કોઇ ખાતરી નહોતી કે નવો પ્રસ્તાવ રજૂ થયા બાદ ચીન અડિંગો ન લગાવે એની કોઇ ખાતરી નહોતી. એટલા માટે અમેરિકાએ આ વખતે મસૂદ અઝહરને પ્રતિબંધિત કરવા માટે નવો રસ્તો પકડયો.

ગયા મહિને અમેરિકાએ એકપક્ષીય ડ્રાફ્ટ તૈયાર કર્યો અને ૧૨૬૭ અલકાયદા સેશન્સ કમિટી ઓફ ધ કાઉન્સિલને કોરાણે મૂકીને સીધો જ સુરક્ષા પરિષદમાં ડ્રાફ્ટ પ્રસ્તાવ મૂક્યો. આ પગલાંથી ચીન અકળાયું અને અમેરિકા સમગ્ર મામલાને વધારે ગુંચવાડાભર્યો બનાવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો. ચીનની અકળામણ એ વાતે હતી કે યૂ.એન.ની સુરક્ષા પરિષદમાં આગળ વધારેલા અમેરિકાના આ પ્રસ્તાવ પર ચીન મૂંગું રહીને વીટો વાપરી શકે એમ નહોતું. જો તેણે વીટો વાપરવો હોય તો એ માટેના નક્કર કારણો પણ રજૂ કરવા પડે એમ હતાં. 

હવે ચીન પાસે વિકલ્પ હતો કે તે આ પ્રસ્તાવ પરનો ટેકનિકલ વિરોધ દૂર કરે અને જો તેણે એમ ન કરવું હોય તો તેણે દુનિયાને કહેવું પડે કે તે શા માટે યૂ.એન. દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના વડાને છાવરી રહ્યું છે.  આ મામલે ઉઘાડા પડવાનો ભય હોવાના કારણે ચીન એવા આક્ષેપ પણ કર્યાં કે યૂ.એન.ની આતંકવાદ વિરોધી કમિટીના અધિકારને ઘટાડવામાં આવી રહ્યો છે. જોકે ચીનની કારી ન ફાવતા છેવટે તેણે વીટો પાછો લેવાનો વારો આવ્યો અને મસૂદ અઝહરના માથે ગ્લોબલ ટેરરિસ્ટનો થપ્પો લાગી ગયો. 

મસૂદ અઝહર ૧૯૯૪માં શ્રીનગર આવ્યો એ વખતે પોલીસે તેને આતંકવાદી ગતિવિધિમાં સામેલ હોવા બદલ ઝડપી લીધો અને જેલભેગો કરી દીધો અઝહરને જેલમાંથી છોડાવવા માટે અનેક પ્રયાસો થયા. ૧૯૯૫માં છ વિદેશી પર્યટકોનું અપહરણ કરી લેવામાં આવ્યું અને તેમને છોડવાના બદલામાં મસૂદ અઝહરની મુક્તિની માંગ ભારત સરકાર સમશ્ર કરવામાં આવી. જોકે તત્કાલિન સરકાર આ માંગ સમક્ષ ન ઝૂકી અને આતંકવાદીઓએ પાંચ પર્યટકોને મારી નાખ્યા જ્યારે એક પર્યટક જીવ બચાવીને નાસી છૂટવામાં સફળ રહ્યો.

એ પછી ૧૯૯૯માં ઇન્ડિયન એરલાઇન્સની નેપાળની રાજધાની કાઠમંડૂથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ હાઇજેક કરવામાં આવી. આ વિમાનમાં ૧૫૫ મુસાફરો સવાર હતાં જેમના બદલામાં મસૂદ અઝહરની મુક્તિની માંગ કરવામાં આવી જેને તત્કાલિન વાજપેયી સરકારે સ્વીકારી લીધી અને મસૂદ અઝહરને છોડી મૂક્યો. મુક્ત થયા બાદ મસૂદ અઝહરની ભારતવિરોધી આતંકવાદી પ્રવૃત્તિમાં વેગ આવ્યો અને મુંબઇ હુમલાથી લઇને ઉરી, પઠાણકોટ તેમજ તાજેતરના પુલવામા હુમલામાં મસૂદ અઝહરનું નામ મુખ્ય કાવતરાખોર તરીકે આવતું રહ્યું છે.

હવે યૂ.એન. દ્વારા પ્રતિબંધિત થયા બાદ તેની તમામ સંપત્તિ જપ્ત કરવાની સાથે સાથે મુસાફરી કરવા ઉપર પણ પ્રતિબંધ લાગી જશે. ચીનના વલણમાં બદલાવ અમેરિકાના ભારે દબાણ અને તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ચીનની મુલાકાત બાદ આવ્યો છે એ જોતાં પાકિસ્તાન અને ચીન વચ્ચે આ મામલે શી ખીચડી રંધાઇ હશે એ કળવું મુશ્કેલ છે. બીજી બાજુ મસૂદ અઝહર વૈશ્વિક આતંકવાદી જાહેર થઇ ગયાં છતાં પાકિસ્તાન બેશરમ બનીને તેને પોતાની કૂટનૈતિક જીત બતાવી રહ્યું છે. ખાસ વાત એ કે મસૂદ અઝહરે ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા માટે યૂ.એન.એ જે મુદ્દા રજૂ કર્યાં છે એમાં પુલવામા હુમલાનો ઉલ્લેખ નથી. એવામાં ભારતે આગામી સમયમાં પુલવામા હુમલાના જવાબદારી મસૂદ અઝહરના નામે ચડાવવાના પ્રયાસો કરવાના રહેશે.  

મસૂદ અઝહર વૈશ્વિક આતંકવાદી જાહેર થઇ ગયા પછી ભારત સમક્ષ સૌથી મોટો પડકાર તેને ભારતમાં ઘસડી લાવવાનો છે. અગાઉ દાઉદ ઇબ્રાહિમ અને હાફિઝ સઇદ પણ પ્રતિબંધિત થઇ ચૂક્યાં હોવા છતાં પાકિસ્તાનમાં બેરોકટોક રહે છે. હાફિઝ સઇદ તો પ્રતિબંધિત હોવા છતાં પાકિસ્તાનના રાજકારણમાં પણ ઝંપલાવી ચૂક્યો છે. ક્યારેક આંતરરાષ્ટ્રીય દબાણ આવતા પાકિસ્તાન તેને નજરકેદ રાખવાનો ડોળ કરે છે અને મામલો શાંત થતા છોડી મૂકે છે. મસૂદ અઝહર મામલે પણ પાકિસ્તાન એ જ નાટક આચરે એ શક્ય છે. 

એવામાં મસૂદ અઝહર ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થઇ ગયા પછી પણ ખરી જીત તો ત્યારે જ ગણાશે જ્યારે તેને ભારતમાં લાવવામાં આવે અને તેના ગુનાઓની સજા આપવામાં આવે. 

ઓલિમ્પિક વખતે ચીને વિશ્વની પરવાનગી વગર જ આતંકીઓને ઠાર કર્યા હતા

૨૦૦૮માં ચીનમાં ઓલિમ્પિક ગેઈમ્સનું આયોજન થયું હતું. તે વખતે ચીનમાં આતંકી હુમલો થયો હતો અને ૧૬ના મોત થયા હતા. ઓલિમ્પિકની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી હતી, પરંતુ ચીને વિશ્વની પરવાનગી લેવાની રાહ જોયા વગર તુરંત જ કાર્યવાહી કરીને શકમંદોને ઠાર કર્યા હતા. કોઈ જ કાયદાકીય પ્રક્રિયામાં પણ પડયા વગર ચીને પ્રાથમિક પોલીસ તપાસના આધારે આતંકીઓનો ખાતમો કર્યો હતો. બેઈજિંગ ઓલિમ્પિકમાં પછીથી એક પણ હુમલો થયો ન હતો કે શંકાસ્પદ સામગ્રી પણ પકડાઈ ન હતી. અમેરિકાએ આબોટાબાદમાં ઘૂસીને લાદેનને ઠાર કર્યો હતો. વર્લ્ડ ટ્રેડ ઉપર હુમલાની જવાબદારી લાદેને લીધી હતી એટલે અમેરિકાએ તેની રીતે કાર્યવાહી કરી હતી. યુએનની પ્રક્રિયાની કે એવી કોઈ જ રાહ જોયા વગર લાદેનને ઠાર કરીને સીધા પુરાવા જ રજૂ કર્યા હતા. ઈઝરાયેલે ૧૦ વર્ષ સુધી આતંકવાદીઓની શોધખોળ કરી હતી અને પછી છેક મ્યુનિક જઈને આતંકીઓને ઠાર કર્યા હતા. તે વખતે ઈઝરાયેલે પણ કોઈ જ ફોર્માલિટીની રાહ જોઈ ન હતી.


Tags :