Get The App

દુનિયાને ફરી વખત અણુશસ્ત્રોની હોડમાં મૂકવાની અમેરિકાની હિલચાલ

- અમેરિકા લગભગ ૨૮ વર્ષ પછી ફરીથી અણુપરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે

Updated: May 25th, 2020

GS TEAM

Google News
Google News
દુનિયાને ફરી વખત અણુશસ્ત્રોની હોડમાં મૂકવાની અમેરિકાની હિલચાલ 1 - image


- અમેરિકાએ શીતયુદ્ધના જમાનામાં રશિયા સાથે કરેલી ઇન્ટરમિડીએટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સિઝ ટ્રીટી નામની એક સંધિ પણ રદ્ કરી ચૂક્યું છે કારણ કે ટ્રમ્પને પેટમાં એ વાતે જ દુઃખે છે કે આ સમજૂતી માત્ર અમેરિકા અને રશિયા વચ્ચે જ હતી પરંતુ ચીને છેલ્લા થોડા દાયકામાં પોતાની પરમાણુ ક્ષમતામાં ભારે વધારો કર્યો છે

ચીન અને રશિયાની વધી રહેલી લશ્કરી તાકાતથી ચિંતિત અમેરિકા હવે લગભગ ૨૮ વર્ષ બાદ પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવા અંગે વિચારી રહ્યું છે. અમેરિકાએ છેલ્લે ૧૯૯૨માં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. અમેરિકાની ટોચની સુરક્ષા એજન્સીઓએ ભાવિ પરમાણુ પરીક્ષણ અંગે ચર્ચા કર્યાના અહેવાલ છે. જાણકારોના મતે અમેરિકા પોતાના અણુ હથિયારોને કાટ તો નથી લાગી ગયો ને એ ચકાસવા માંગે છે. એ સાથે જ તે નવી ડિઝાઇનના અણુશસ્ત્રો પણ વિકસાવવા માંગે છે. 

અમેરિકાની થિન્ક ટેન્કનું માનવું છે કે જો અમેરિકાએ વહેલી તકે રશિયા અને ચીનને પોતાની અણુક્ષમતાનો નવેસરથી પરિચય આપી દીધો તો તેને મંત્રણાના ટેબલ પર લાભ થઇ શકે છે. હકીકતમાં અમેરિકા શસ્ત્રો પર અંકુશ લગાવવા માટે રશિયા અને ચીન સાથે નવી સમજૂતિ કરવા ધારે છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે જો રશિયા અને ચીને અમેરિકાની માંગો સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો તો તેની પાસે અણુશસ્ત્રો બનાવવાનો અધિકાર સુરક્ષિત છે. જોકે પરમાણુ પરીક્ષણ કરવા અંગે મળેલી બેઠકમાં જ ગંભીર મતભેદો જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

હકીકતમાં પરમાણુ શસ્ત્રોની દુનિયામાં પોતાનો દબદબો જાળવી રાખવાની અમેરિકાની મહેચ્છા જગજાહેર છે. હથિયારોના બળે જ અમેરિકા આખી દુનિયા ઉપર દાદાગીરી કરે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી રશિયા અને ચીન જેવા સામ્યવાદી દેશો તેના માટે પડકાર ઊભો કરી રહ્યાં છે. રશિયા અને ચીનને નિશાન ઉપર લેતા અમેરિકાએ એક રિપોર્ટમાં કહ્યું હતું કે ચીન પોતાના પરમાણુ હથિયારોના ભંડારમાં વધારો કરી રહ્યું છે તો રશિયા પણ પોતાના અણુશસ્ત્રોના ભંડારમાં ઘટાડો કરવા તૈયાર નથી. એ વખત રશિયા અને ચીને ઉલટું અમેરિકાને સાણસામાં લેતા કહ્યું હતું કે પહેલા અમેરિકાએ પોતાના પરમાણુ શસ્ત્રોના ભંડારમાં ઘટાડો કરવાની જરૂર છે. એક અનુમાન પ્રમાણે માત્ર રશિયા અને અમેરિકા પાસે મળીને જ ૧૪ હજાર જેટલા પરમાણુ શસ્ત્રો છે જે દુનિયાનો અનેક વખત વિનાશ કરવા માટે પૂરતા છે. 

આજે દુનિયાના માથે સૌથી મોટો ખતરો તો પરમાણુ શસ્ત્રોને લઇને છે. ખાસ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના કારણે પરમાણુ શસ્ત્રોની નવેસરથી હોડ જામવાની વકી છે. અત્યાર સુધીના અમેરિકી રાષ્ટ્રપતિઓની નીતિ એવી રહી હતી કે પરમાણુ શસ્ત્રોનો જંગી ભંડાર ઘટાડવો અને શસ્ત્ર નિયંત્રણના નવા કરાર કરવા. જ્યારે ટ્રમ્પનું માનવું છે કે પરમાણુ શસ્ત્રોના જોખમને કાબુમાં રાખવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે શસ્ત્રોના ભંડારો વધારવા અને નવા નવા આધુનિક શસ્ત્રો વિકસાવવા. આમ તો છેક આઇઝનહોવરના જમાનાથી અમેરિકી રાષ્ટ્રપતિઓ પરમાણુ યુદ્ધ ટાળવાની વાતો કરતા આવ્યાં છે પરંતુ ટ્રમ્પના તેવર સાવ અલગ છે. ટ્રમ્પ તો દુનિયાએ કદી ન જોયું હોય એવું પરમાણુ યુદ્ધ છેડવાની ધમકી પણ આપી ચૂક્યાં છે. 

ગયા વર્ષે અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધના જમાનામાં કરવામાં આવેલી એક સંધિ પણ રદ્ થઇ ગઇ છે. વર્ષ ૧૯૮૭માં તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન અને તત્કાલિન સોવિયેત સંઘના રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચોવે પરમાણુ શસ્ત્રો નહીં બનાવવાને લઇને ઇન્ટરમીડિએટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સિઝ ટ્રીટી નામની એક સંધિ કરી હતી કે જેથી કરીને દુનિયામાંથી પરમાણુ હથિયારોની હોડ ખતમ થઇ શકે. આ સંધિ અંતર્ગત બંને દેશો એ વાતે સહમત થયા હતાં કે બંને દેશો ૫૦૦થી ૫૫૦૦ કિલોમીટર રેન્જની પરમાણુ હથિયારોનું વહન કરી શકે તેવી ક્રૂઝ અને બેલાસ્ટિક મિસાઇલોનું ઉત્પાદન, તૈનાતી અને પરીક્ષણ નહીં કરે. પરંતુ અમેરિકાએ રશિયા પર નવી મિસાઇલ સિસ્ટમ વિકસાવવાનો આરોપ મૂકીને આ સંધિ રદ્ કરી દીધી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અગાઉ કહી ચૂક્યાં છે કે રશિયાએ પોતાના વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોની ક્ષમતા વધારવાની જરૂર છે. પુતિનના નિવેદનના થોડા જ કલાકો બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણઅમેરિકાએ પોતાના પરમાણુ હથિયારોના જથ્થાને મજબૂત કરવાની અને તેનો વિસ્તાર કરવાની જરૂર હોવાનો દાવો કર્યો હતો. જો પુતિન અને ટ્રમ્પે પોતાની વાતો પર અમલ કરવાનો શરૂ કર્યો તો દુનિયા માટે ખરેખર મોટું સંકટ ઊભું થઇ શકે છે. આ બંને મહાસત્તાઓની પરમાણુ હથિયારો વધારવાની જિદના કારણે દુનિયાના બીજા દેશો પણ શસ્ત્રસ્પર્ધામાં નવેસરથી જોડાઇ શકે છે. 

આમ પણ અમેરિકાની જોહુકમીથી ત્રાસેલા રશિયાએ શસ્ત્રોનું ઉત્પાદન જંગી પાયે વધાર્યું છે. ગયા વર્ષે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને દુનિયાની ગમે તેવી રડાર સિસ્ટમ અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ચાતરી જાય તેવી હાયપરસોનિક મિસાઇલ વિકસિત કરી હોવાનો દાવો પણ કર્યો હતો. તેમણે રશિયાએ સબમરિનમાંથી લોન્ચ કરી શકાતા અંડરવોટર ડ્રોન વિકસાવ્યા હોવાનો દાવો પણ કર્યો હતો. પુતિને હુંકાર કર્યો હતો કે રશિયાના આ નવી પેઢીના હથિયારો સામે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ નકામી પુરવાર થશે.

ખરેખર તો ઇન્ટરમીડિએટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સિઝ ટ્રીટી રદ્ કરવા માટે અમેરિકાને પ્રેરવા માટે રશિયા કરતા ચીન વધારે જવાબદાર છે. આ સમજૂતિ માત્ર અમેરિકા અને રશિયા વચ્ચે જ હતી. બીજી બાજુ ચીને છેલ્લા થોડા દાયકામાં પોતાની પરમાણુ ક્ષમતામાં ભારે વધારો કર્યો છે. ટ્રમ્પને પેટમાં એ વાતે જ દુઃખે છે કે આ સંધિ બાદ ચીને પોતાની તાકાતમાં ભારે વૃદ્ધિ કરી છે અને આ સંધિથી બંધાયેલા હોવાના કારણે અમેરિકા ચીનમાં વિકસિત કરવામાં આવેલા કેટલાક શસ્ત્રોના જવાબમાં શક્તિશાળી શસ્ત્રો તૈનાત કરી શકતું નહોતું. બીજી બાજુ અમેરિકા સાથેની પરમાણુ સંધિ રદ્ થયા બાદ ઇરાન પણ નવેસરથી શસ્ત્રો બનાવવામાં મચી પડયું છે. આમ તો ઇરાન અગાઉથી જ પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું હોવાની શંકા હતી પરંતુ અમેરિકા અને યુરોપી દેશો સાથે કરાર બાદ ઇરાનના પરમાણુ કાર્યક્રમમાં ઓટ આવી હતી પરંતુ ટ્રમ્પને આશંકા હતી કે ઇરાન છૂપી રીતે પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે. પરિણામે ટ્રમ્પે સંધિ ફોક કરી દીધી અને છંછેડાયેલા ઇરાને ફરી પાછી પોતાની લશ્કરી તાકાત વધારવાની શરૂ કરી દીધી છે. અમેરિકા સાથેની શાંતિવાર્તા ખોરંભે ચડયા બાદ ઉત્તર કોરિયાએ ફરી વખત માથું ઉચક્યું છે અને એક પછી એક મિસાઇલ પરીક્ષણો કરવા મચી પડયું છે. ઉત્તર કોરિયાના માથાફરેલા સરમુખત્યાર કિમ જોંગ ઉન પહેલા પણ અમેરિકા પર પરમાણુ હુમલો કરવાની ધમકી આપી ચૂક્યાં છે. જોકે ટ્રમ્પની પહેલ બાદ કિમનો મિજાજ થોડો વખત ઠંડો પડયો હતો ખરો પરંતુ અમેરિકા તરફથી પ્રતિબંધોમાં કોઇ છૂટ ન આપવામાં આવતા ઉત્તર કોરિયા ફરી પાછું રોષે ભરાયું છે.  

ખરેખર તો ટ્રમ્પ અને તેમના અધિકારીઓ પરમાણુપ્રસાર સંધિમાં બીજા દેશોને સામેલ કરાવવાના સંકેત આપી ચૂક્યાં છે. તેમનું કહેવું છે કે આ સંધિને નવેસરથી લાગુ કરવાની જરૂર છે. એ માટે એ તમામ દેશોએ આ સંધિમાં સામેલ થવું પડશે જેમની પાસે ૫૦૦થી ૫૫૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી મિસાઇલો છે. જો આમ થાય તો આ સંધિમાં ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા, ઇરાન અને ચીન જેવા દેશોએ પણ સામેલ થવું પડે. આ તમામ દેશોને આવી સંધિ માટે રાજી કરવા એ અત્યંત મુશ્કેલ કામ છે. 

આજે પરિસ્થિતિ એવી છે કે કોઇ એકલદોકલ દેશ પરમાણુ હથિયારોના મહાસંકટને નાથી શકવા સક્ષમ નથી. દુનિયાના તમામ દેશોએ અને તમામ તાકાતોએ ભેગા મળીને આ દિશામાં કામ કરવાની જરૂર છે. પરમાણુ હથિયારો પર ખર્ચ વધારવાથી સામાજિક-આર્થિક વિકાસ માટે થનારા ખર્ચમાં જ કાપ મૂકાશે જેનંર નુકસાન અંતે તો જે-તે દેશના લોકોને જ ભોગવવું પડશે. આ સંજોગોમાં વૈશ્વિક સમુદાયે ભેગા મળીને જ પરમાણુ હથિયારોના પ્રસાર અટકાવવા માટે અને તેમની નાબૂદી માટે આગળ આવવાની જરૂર છે. જોકે અમેરિકાનો આક્રમક મિજાજ જોતાં આગામી સમયમાં દુનિયાના શક્તિશાળી દેશો વચ્ચે નવેસરથી શસ્ત્રોની દોડ જામે એવી શક્યતા જણાઇ રહી છે. જો એવું થયું તો વિશ્વ ફરી વખત શીત યુદ્ધના જમાનાના અનિર્ણિત અને માથે કાયમ અણુ યુદ્ધ તોળાતું રહેવાનો ભય રહે એવા સમયમાં પહોંચી જશે.

Tags :