અમેરિકા-ઇરાન વચ્ચેની તંગદીલીમાં સાઉદી અરેબિયાની એન્ટ્રી
- હોરમુઝની સામુદ્રધૂની પાસે સાઉદી અરેબિયાના ઓઇલ ટેન્કરો પર રહસ્યમય હુમલો
- સાઉદી અરેબિયાના જહાજો પર થયેલા હુમલા માટે અમેરિકા અને ઇરાન એકબીજા તરફ આંગળી ચીંધી રહ્યાં છે તો અનેક ખાડી દેશોએ અંદેશો વ્યક્ત કર્યો છે કે આ ક્ષેત્રમાં આવા નાના મોટા છમકલાં મોટા યુદ્ધને ભડકાવી શકે છે
અમેરિકા અને ઇરાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવ વચ્ચે સાઉદી અરેબિયાના ઓઇલ ટેન્કરો પર હુમલો થયો છે. સાઉદી અરેબિયાના જણાવ્યા અનુસાર સંયુક્ત આરબ અમીરાતના પાસે તેમના બે ઓઇલ ટેન્કરો પર હુમલો કરવામાં આવ્યો. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે હુમલો કોણે કર્યો પરંતુ ઇરાન અને અમેરિકા આ હુમલા માટે એકબીજા તરફ આંગળી ચીંધી રહ્યાં છે.
ઇરાને આ હુમલા માટે અમેરિકાને જવાબદાર ઠરાવતા કહ્યું તે તેણે આ ઓઇલ ટેન્કરોને ઇરાનના સમજીને નિશાન બનાવ્યાં. તો અમેરિકાનું કહેવું છે કે ઇરાન આ વિસ્તારમાં વ્યાપારી જહાજોની અવરજવર બાધિત કરવા હુમલા કરી રહ્યું છે. સાઉદી અરેબિયાએ આ હુમલા પાછળ ઇરાનનો હાથ હોવાની શંકા વ્યક્ત કરતા કહ્યું છે કે અમેરિકા સાથે વધેલા તણાવના કારણે ઇરાન પેટ્રોલિયમની આપૂર્તિને અવરોધવા પ્રયાસ કરી રહ્યું છે.
સાઉદી અરેબિયાના ઓઇલ ટેન્કરો પર રોકેટ લોન્ચર કે નાની મિસાઇલ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રારંભિક અનુમાન છે. આ હુમલામાં કોઇનો જીવ તો ન ગયો પરંતુ જહાજોના માળખાને મોટું નુકસાન પહોંચ્યું છે. અગાઉ અમેરિકાએ ચેતવણી આપી હતી કે ઇરાન આ ક્ષેત્રમાં દરિયાઇ અવરજવરને નિશાન બનાવી શકે છે. જોકે ઇરાને પણ સામે પક્ષે એવો અંદેશો વ્યક્ત કર્યો છે કે સમુદ્રી સુરક્ષાને ભંગ કરવા કોઇ વિદેશી તાકાત દુઃસાહસ કરી શકે છે. આમ પણ અમેરિકાએ ખાડી ક્ષેત્રમાં પોતાની સૈન્ય તાકાત વધારી દીધી છે.
ઇરાન દ્વારા ઊભા થયેલા કથિત જોખમને પહોંચી વળવા અમેરિકા ફારસની ખાડીમાં બોમ્બર વિમાનો તૈનાત કરી રહ્યું છે. અનેક ખાડી દેશોએ અંદેશો વ્યક્ત કર્યો છે કે આવા નાના મોટા છમકલાં મોટા યુદ્ધને ભડકાવી શકે છે. સાઉદી અરેબિયાના જહાજો પર જ્યાં હુમલો થયો એ ફુઝાઇરા અમીરાત દુનિયાના સૌથી વિશાળ ઓઇલ બંકરોમાં સ્થાન ધરાવે છે અને હોરમુઝ સામુદ્રધૂનીની બહાર આવેલું છે.
સામુદ્રધૂની એટલે દરિયાનો જમીન વડે ઘેરાયેલો સાંકડો ભાગ અથવા ખાડી. હોરમુઝની સામુદ્રધૂની પણ નામ પ્રમાણે અત્યંત સાંકડી છે અને ઓમાનની ખાડીને અરબ સાગર સાથે જોડે છે. હોરમુઝની સામુદ્રધૂનીનો સૌથી સાંકડો વિસ્તાર ૩૩ કિલોમીટર જેટલો પહોળો છે પરંતુ જહાજો પસાર થવાનો માર્ગ માત્ર ત્રણ કિલોમીટર જેટલો જ છે.
આ જળમાર્ગ મહત્ત્વનો એટલા માટે છે કે તે મધ્યપૂર્વના પેટ્રોલિયમ ઉત્પાદક દેશોને એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકાના બજારો સાથે જોડે છે. ઇરાન સાથેના કાયમી તણાવને જોતાં સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત હોરમુઝની સામુદ્રધૂનીનો વિકલ્પ શોધી રહ્યાં છે. આ માટે તેઓ વધારે પાઇપલાઇનો બિછાવવાની તૈયારી કરી રહ્યાં છે.
દુનિયાભરની વપરાશનું મોટા ભાગનું ક્રૂડ ઓઇલ સાઉદી અરેબિયા, ઇરાન, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને ઇરાકમાંથી નિકાસ થાય છે. આ તમામ દેશો પેટ્રોલિયમના વહન માટે હોરમુઝની ખાડીના માર્ગનો ઉપયોગ કરે છે. ઉપરાંત આ માર્ગે લિક્વિડ નેચરલ ગેસનું વહન પણ થાય છે. આ જળમાર્ગને અવરોધવાના પ્રયાસ ભૂતકાળમાં પણ થયા છે.
એંસીની દાયકામાં ઇરાન અને ઇરાક વચ્ચેના યુધ્ધમાં બંને દેશોએ એકબીજાની પેટ્રોલિયમ નિકાસને અવરોધવાના પ્રયાસ કર્યાં હતાં જે ઇતિહાસમાં ટેન્કર વૉર તરીકે જાણીતું છે. ગયા મહિને ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ધમકી આપી હતી કે જો ઇરાનને હોરમુઝ સામુદ્રધૂનીનો ઉપયોગ કરતા રોકવામાં આવશે તો તે આ માર્ગ જ બંધ કરી દેશે.
બહેરીન ખાતે મથક ધરાવતા અમેરિકાના પાંચમા કાફલા પાસે આ વિસ્તારમાં ચાલતા વ્યાવસાયિક જહાજોની સુરક્ષાની જવાબદારી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાએ ઇરાન સાથેની પરમાણુ સમજૂતિ તોડી નાખ્યા બાદ કોઇ પણ દેશના ઇરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ભારતસહિત કેટલાંક દેશોને ઇરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદવામાં છૂટ મળી હતી જે તાજેતરમાં જ અમેરિકાએ બંધ કરી દીધી છે. અમેરિકા ઇરાન પર દબાણ વધારવા માટે તેની પેટ્રોલિયમ નિકાસ સાવ બંધ કરવા ધારે છે.
અમેરિકાએ ઇરાન પર મૂકેલા પ્રતિબંધોને સાઉદી અરેબિયા જોશપૂર્વક સમર્થન આપે છે. કારણ એ કે સાઉદી અરેબિયા અને ઇરાન વચ્ચેની દુશ્મનાવટ ઘણી જૂની છે. બંને દેશો વચ્ચે વ્યાપી રહેલા તણાવના મૂળમાં શિયા-સુન્નીનો ઝઘડો છે. સાઉદી અરેબિયા સુન્ની છે તો ઇરાન શિયા છે. ઇસ્લામિક જગતમાં વર્ચસ્વ જમાવવા માટે બંને દેશોએ લાંબા સમયથી એકબીજા સામે મોરચો માંડયો છે.
બરાક ઓબામાના શાસનકાળ દરમિયાન અમેરિકાએ ઇરાન સાથે પરમાણુ સંધિ કરી ત્યારે સાઉદી અરેબિયાના પેટમાં તેલ રેડાયું હતું કારણ કે સંધિના કારણે ઇરાનની અર્થવ્યવસ્થાના પુનર્નિર્માણનો રસ્તો ખુલી ગયો હતો. સંધિ બાદ ઇરાક અને સીરિયામાં પણ ઇરાનનું પ્રભુત્ત્વ વધ્યું હતું. ઇરાન અને સાઉદી અરેબિયા વચ્ચેના તણાવમાં બીજા ઇસ્લામિક દેશો પણ સીધા કે આડકતરા જોડાયેલા છે. એટલા માટે બંને દેશો વચ્ચે તણાવ વધે તો તેની ઝાળ અન્ય ઇસ્લામિક દેશોને પણ લાગે એમ છે.
મધ્યપૂર્વના અન્ય શક્તિશાળી દેશ તુર્કીએ બંને દેશો સાથે સંબંધો જાળવી રાખ્યાં છે. આમ તો સુન્ની હોવાના નાતે તુર્કીના સાઉદી અરેબિયા સાથેના સંબંધો વધારે ગાઢ છે. બીજી બાજુ ઇરાન સાથે ઘણી બાબતોમાં મતભેદ હોવા છતાં કુર્દીશ પ્રભાવ ઓછો કરવાના ઉદ્દેશ સાથે તેણે ઇરાન સાથે પણ દોસ્તી જાળવી રાખી છે.
ઇસ્લામિક સ્ટેટ સાથેની લડાઇમાંથી બહાર આવી રહેલા સીરિયાના પ્રમુખ બશર અલ-અસદ ઇરાન સાથે ઊભા છે. ખાસ તો ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધની લડાઇમાં ઇરાને સીરિયન સરકારની ઘણી મદદ કરી હતી.
લેબેનોનમાં શિયા સંગઠન હિઝબુલ્લાહને ઇરાનના હથિયારો પહોંચાડવામાં સીરિયા મહત્ત્વનું માધ્યમ રહ્યંબ છે. સામે પક્ષે હિઝબુલ્લાહે પણ સીરિયન સરકારની મદદ માટે હજારો લડવૈયા મોકલ્યા હતાં. તો મધ્યપૂર્વમાં સાઉદી અરેબિયાના વધી રહેલાં વર્ચસ્વ સામે પણ સીરિયાને વાંધો છે.
ખાડી દેશોની વાત કરીએ તો કતાર, બહેરિન અને કુવૈતના સાઉદી અરેબિયા સાથે સારા સંબંધો છે. જોકે બે વર્ષ પહેલાં સાઉદી અરેબિયાએ કતારને ઇરાન સાથે સંબંધો સમાપ્ત કરવા માટે દબાણ કર્યું ત્યારે કતારે સાફ ઇન્કાર કરી દીધો હતો. એ પછી સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત, ઇજિપ્ત અને બહેરિને કતાર સાથે સંબંધો સમાપ્ત કરી દીધાં ત્યારે ઇરાને જ કતારમાં ખાદ્ય સામગ્રી મોકલાવીને મદદ કરી હતી.
મધ્યપૂર્વના દેશોની વાત આવે એટલે ઇઝરાયેલની ભૂમિકાનો ઉલ્લેખ કરવો જ પડે. બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓને થયેલા અન્યાયના વળતરરૂપે વિજેતા દેશોએ ઇઝરાયેલ દેશની સ્થાપના કરી ત્યારથી જ તે મુસ્લિમ દેશોની આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે. આમ તો તમામ મુસ્લિમ દેશો માટે ઇઝરાયેલ શત્રુ છે પરંતુ બે બિલાડીની લડાઇમાં વાંદરો ફાવી જાય એ નાતે સદાય કોઇક ને કોઇક સંઘર્ષમાં રહેતા મુસ્લિમ દેશો વચ્ચેની લડાઇમાં ઇઝરાયેલ ફાયદો ઉઠાવી લે છે. હાલ ઇઝરાયેલના માત્ર ઇજિપ્ત અને જોર્ડન એમ બે જ મુસ્લિમ દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો છે.
બીજી બાજુ ઇરાન ઇઝરાયેલની સ્થાપના થઇ ત્યારથી તેનું કટ્ટર દુશ્મન રહ્યું છે. ઇરાનને પરમાણુ શસ્ત્રો હાંસલ કરતું રોકવામાં પણ ઇઝરાયેલ મહત્ત્વની ભૂમિકા ભજવતું રહ્યું છે. મધ્યપૂર્વમાં ઇરાનના વધી રહેલા પ્રભાવને રોકવા ઇઝરાયેલે સાઉદી અરેબિયા સાથે સંબંધો મજબૂત કર્યાં છે.
અમેરિકા ઉપરાંત રશિયાના પણ કૂટનીતિક અને આર્થિક હિતો ખાડી દેશો સાથે જોડાયેલા છે એટલે કદાચ તે પણ નાછૂટકે હસ્તક્ષેપ કરી શકે છે. આમ તો રશિયાના સાઉદી અરેબિયા અને ઇરાન બંને દેશો સાથે સારા સંબંધો છે. બંને દેશો તેના હથિયારોના મુખ્ય ગ્રાહકો છે. બંને દેશો સાથે રશિયાના આર્થિક હિતો જોડાયેલા છે. જોકે અમેરિકાના છૂપા વિરોધી હોવાના નાતે રશિયાનું પલ્લુ ઇરાન તરફ ઢળે એવી શક્યતા વધારે છે.
જો ખાડી ક્ષેત્રમાં તણાવ વધે તો તેની સીધી અસર ભારતને થાય એમ છે. આમ પણ ઇરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદવા પર અમેરિકાએ મૂકેલા પ્રતિબંધની અસર થવી નક્કી છે. ભારતીય અર્થવ્યસ્થાનો મોટો આધાર પેટ્રોલિયમના ભાવ ઉપર છે કારણ કે આપણે દેશની જરૂરિયાતના ૮૨ ટકા પેટ્રોલિયમ આયાત કરીએ છીએ.
જોકે ભારતની ખરી ચિંતા તો ખાડી દેશોમાં કામ કરતા ૮૦ લાખ ભારતીયોની છે. સાઉદી અરેબિયા અને ઇરાન વચ્ચેનો તણાવ ખાડી દેશોમાં ફેલાય તો આ લોકો મુસીબતમાં આવી જાય એમ છે. બીજું એ કે આ ભારતીયો વર્ષે લગભગ ૪૦ અબજ ડોલરનું વિદેશી હુંડિયામણ ભારત મોકલે છે જે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરે છે.
ભૂતકાળમાં આપણે જોઇ ચૂક્યા છીએ કે જો ખાડી દેશોમાં યુદ્ધ ફાટી નીકળે તો આ ભારતીયોને સ્વદેશ પાછા લાવવા માટે મોટા અભિયાન ચલાવવા પડે છે. એટલા માટે ભારતની પરિસ્થિતિ પર ચાંપતી નજર છે અને અપેક્ષા રાખે છે કે હાલ ચાલી રહેલા તણાવનો કોઇ સકારાત્મક માર્ગ નીકળે.