યૂ.એન.ની માનવાધિકાર પરિષદના રિપોર્ટ સામે ફરી સવાલ
- કાશ્મીર પરના યૂ.એન. માનવાધિકાર પરિષદના રિપોર્ટનો ભારતે સખત વિરોધ કર્યો
- એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ભારતને તેની ધરતી પર ફેલાતા આતંકવાદને નાબૂદ કરવાનો અધિકાર છે પરંતુ જો તેના આ અધિકાર સામે જ સવાલ ઉઠાવવામાં આવે તો એ આતંકવાદને સ્વીકૃતિ આપવાના પ્રયાસ સમાન છે
તાજેતરમાં યૂનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ એટલે કે યૂ.એન.ની માનવાધિકાર પરિષદે જમ્મુ-કાશ્મીર અંગે જાહેર કરેલા રિપોર્ટ પર ભારત સરકારે આકરો વિરોધ નોંધાવ્યો છે. આ રિપોર્ટમાં કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘનને લઇને ભારત માટે અનેક સવાલો કરવામાં આવ્યાં છે. રિપોર્ટ અનુસાર કાશ્મીરમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં ગયા વર્ષે ૧૬૦ નાગરિકોના મોત થયા છે જે છેલ્લા એક દાયકામાં સૌથી વધારે છે, તેમ છતાં કાશ્મીરમાં ભારતીય સેનાના વિશેષાધિકાર જારી છે અને ભારત તરફથી સેનાની કાર્યવાહીની તપાસ કરવા માટેના કોઇ પ્રયાસ નથી થયા.
ભારતે યૂ.એન.ની માનવાધિકાર પરિષદના રિપોર્ટને જૂઠ્ઠાણાં અને પક્ષપાતભર્યા રાજકારણથી પ્રેરિત ગણાવીને આકરા શબ્દોમાં વિરોધ કર્યો છે. વિદેશ ખાતાના પ્રવક્તા રવીશ કુમારે આ રિપોર્ટને ફગાવી દેતા કહ્યું કે રિપોર્ટમાં કહેલી બાબતો ભારતના સાર્વભૌમત્ત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો ઉલ્લંઘન કરનારી ગણાવી છે. ભારતે કહ્યું છે કે આ રિપોર્ટમાં સરહદપારથી થતા આતંકવાદના મૂળ મુદ્દાને જ અવગણવામાં આવ્યો છે. વિદેશ ખાતાએ કહ્યું કે વર્ષોથી પાકિસ્તાન દ્વારા સરહદપાર જે આતંકવાદ ચાલી રહ્યો છે તેનાથી જે પરિસ્થિતિ સર્જાઇ છે અને એ કારણે થતા જાનમાલના નુકસાનનો ઉલ્લેખ કર્યા વિના આ રિપોર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. માનવાધિકાર પરિષદની આ હિલચાલ દુનિયાની સૌથી મોટી લોકશાહી સાથે આતંકવાદનું સરેઆમ સમર્થન કરતા દેશની કૃત્રિમ સરખામણી કરવાના કાલ્પનિક પ્રયાસ સમાન છે.
૪૭ સભ્યોની બનેલી યૂ.એન. માનવાધિકાર પરિષદની સ્થાપના ૨૦૦૬માં કરવામાં આવી હતી. આ કાઉન્સિલનું સભ્યપદ ત્રણ વર્ષનું હોય છે. કાઉન્સિલનો મુખ્ય ઉદ્દેશ દુનિયાભરમાં માનવાધિકાર મૂલ્યોની રક્ષા કરવાનો છે. યૂ.એન. માનવાધિકાર પરિષદનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લેન્ડના જીનિવા શહેર ખાતે આવેલું છે અને કાઉન્સિલના સભ્યો માર્ચ, જૂન અને સપ્ટેમ્બર એમ વર્ષમાં ત્રણ વખત બેઠક યોજે છે. યૂ.એન.ની સામાન્ય સભા ગુપ્ત મતદાન દ્વારા સભ્યોની પસંદગી કરે છે. સતત બે વખત કાર્યકાળ પૂરો કરનાર દેશ ત્રીજી વખત પોતાની ઉમેદવારી નોંધાવી શકતો નથી. આ કાઉન્સિલનું મુખ્ય કાર્ય છે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યકરો સાથે તાલમેલ સાધીને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવું. આ સંસ્થા વ્યક્તિ, લોકોના સમૂહ, બિનસરકારી સંસ્થાઓ તરફથી મળતી ફરિયાદોને ધ્યાનમાં લઇને માનવાધિકાર હનનના મામલાઓની તપાસ કરે છે. આ કાઉન્સિલ ઓફિસ ઓફ ધ યૂનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સ (ઓએચસીએચઆર) સાથે મળીને કામ કરે છે.
યૂએનએચઆરસીના પ્રસ્તાવ તેના સભ્ય દેશના રાજકીય વલણને પ્રદર્શિત કરે છે. આ પ્રસ્તાવો કાયદેસર રીતે લાગુ થતા નથી પરંતુ નૈતિક રીતે તેમને ઘણાં મહત્ત્વના માનવામાં આવે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા, ગરીબી, સામાજિક ન્યાય જેવા માનવાધિકારને લગતા મુદ્દાઓને આ કાઉન્સિલની કામગીરીમાં આવરી લેવામાં આવ્યાં છે. સીરિયા કે ઉત્તર કોરિયા જેવા અમુક ચોક્કસ મામલે કાઉન્સિલ તપાસ સમિતિ પણ રચી શકે છે. વર્ષ ૨૦૧૭માં ઓએચસીએચઆરએ માનવાધિકાર કાર્યકર્તાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરનાર ૨૯ દેશોનો ઉલ્લેખ કર્યો એમાંના ૯ દેશો તો યૂએનએચઆરસીના સભ્ય જ હતાં. એ પછી ૨૦૧૮ના હ્યુમન રાઇટ્સ વૉચ રિપોર્ટમાં યૂએનએચઆરસીના સભ્ય એવા ચીન, વેનેઝુએલા અને રવાન્ડા જેવા દેશો ઉપર માનવાધિકાર હનનના આરોપો મૂકવામાં આવ્યાં હતાં.
જોકે યૂએનએચઆરસીના છેલ્લા થોડા વર્ષોના રિપોર્ટ સામે અનેક દેશોએ સવાલ ખડાં કર્યાં છે. ગયા વર્ષે પણ માનવાધિકાર પરિષદે ભારત પર આવા જ આક્ષેપ કર્યાં હતાં. ગયા વર્ષે યૂએનએચઆરસીએ કાશ્મીર અંગે ૪૯ પાનાનો એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો જેમાં કાઉન્સિલે આતંકવાદ વિરુદ્ધ કરવામાં આવી રહેલી ભારતીય સેનાની કાર્યવાહીને અયોગ્ય ઠરાવવાનો પ્રયાસ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કાશ્મીરમાં ન તો લોકોનો બોલવાની આઝાદી છે કે ન તો કેટલાક લોકોને એક સ્થળે એકઠા થવાની આઝાદી છે. જેના કારણે પરિસ્થિતિનું અવલોકન કરનારા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ કારણોના લીધે ઓફિસ ઓફ ધ યૂનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સ (ઓએચસીએચઆર) પણ કાશ્મીરમાં માનવાધિકારની પરિસ્થિતિને ચકાસી શક્યા નથી. એ વખતે પણ ભારતે યૂએનએચઆરસીના આ રિપોર્ટ સામે નિરાશા વ્યક્ત કરતા તેની સામે વિરોધ નોંધાવ્યો હતો. કાઉન્સિલમાં ભારતના રાજદૂત રાજીવ કે. ચંદરે આ રિપોર્ટને પૂર્વાગ્રહના આધારે તૈયાર કરવામાં આવેલો હોવાનું જણાવીને કહ્યું હતું કે રિપોર્ટ ભારતના સાર્વભૌમત્ત્વ અને ક્ષેત્રીય અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે. ભારતે ભારપૂર્વક કહ્યું હતું કે સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ છે અને તેના એક હિસ્સા ઉપર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખ્યો છે. કાશ્મીરમાં પત્રકારો અને સેનાના જવાનોની હત્યાનો ઉલ્લેખ કરીને ભારતે આતંકવાદને યોગ્ય ઠરાવવાના કાઉન્સિલના પ્રયાસોને રોકવાની અને પોતાનો રિપોર્ટ પાછો લેવાની ચેતવણી પણ આપી હતી.
ગયા વર્ષે અમેરિકાને યૂ.એન. માનવાધિકાર પરિષદની કામગીરી સામે વાંધો પડતાં તે આ સમિતિમાંથી જ નીકળી ગયું હતું. અમેરિકાની પણ એ જ ફરિયાદ હતી કે માનવાધિકાર પરિષદ ઇઝરાયેલને લઇને પક્ષપાતી વલણ અપનાવે છે પરંતુ માનવાધિકારોને અવગણતા ચીન, ક્યૂબા, વેનેઝુએલા જેવા કેટલાય રાષ્ટ્રો તેના સભ્ય બનેલા છે. અમેરિકાએ કહ્યું હતું કે ેક સમય હતો કે જ્યારે આ સંસ્થાનો વ્યાપક દૃષ્ટિકોણ હતો પરંતુ હવે આ પરિષદ માનવાધિકારોનું રક્ષણ કરવામાં નબળી સાહિત થઇ છે.
ખરેખર તો કોઇ દેશની આંતરિક સ્થિતિ અંગે યૂ.એન.ની કોઇ સમિતિ તરફતી અધિકૃત રીતે કોઇ અભિપ્રાય આપવામાં આવે ત્યારે એ નિષ્પક્ષ અને તથ્યો પર આધારિત હોય એવી અપેક્ષા થવી સ્વાભાવિક છે. મોટે ભાગે તો એવું બનતું પણ હોય છે પરંતુ કેટલીય વખત એવું લાગે છે કે કોઇ ખાસ મુદ્દે એક તરફી નિષ્કર્ષ પર આવવાના ક્રમમાં કેટલાંક જરૂરી પાસાઓ પર વિચાર કરવો જરૂરી ન લાગ્યો હોય. છેલ્લા ઘણાં વર્ષોથી જમ્મુ-કાશ્મીરમાં જે પરિસ્થિતિ સર્જાઇ છે એ કોઇ એક સ્થાને રહીને જોતાં તસવીરનું એક જ પાસું જોવા મળે અને શક્ય છે કે એ પરિસ્થિતિ સર્જાવા પાછળના કારણો પર ધ્યાન જ ન જાય.
યૂ.એન.ની માનવાધિકાર પરિષદના રિપોર્ટમાં આવું જ બન્યું છે. આ રિપોર્ટમાં કાશ્મીરમાં માનવાધિકાર અંગે ભારત સરકાર સામે સવાલ ઉઠાવે છે તો સાથે સાથે સમિતિએ એ પરિસ્થિતિ પર પણ ધ્યાન આપવું જોઇએ કે જેના કારણે કાશ્મીરના હાલ બેહાલ થયા છે. ખરેખર તો માનવાધિકાર પરિષદે સરહદપારથી થતી પાકિસ્તાનની ગતિવિધિઓ પર પણ સવાલ ઉઠાવવા જોઇએ જે સતત આતંકવાદને પ્રોત્સાહન આપે છે. એ તો હવે જગજાહેર છે અને ભારત અનેક વખત આંતરરાષ્ટ્રીય મંચો ઉપર પાકિસ્તાનને ઉઘાડું પાડી ચૂક્યું છે કે પાકિસ્તાનની ધરતી પર શરણ પામતા આતંકવાદી સંગઠનો કાશ્મીરમાં કાયમ આતંકનો માહોલ બનાવી રાખે છે.
એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ભારતને તેની ધરતી પર ફેલાતા આતંકવાદને નાબૂદ કરવાનો અધિકાર છે અને જો તેના આ અધિકાર સામે જ સવાલ ઉઠાવીને જાણે કે સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ આતંકવાદને સ્વીકૃતિ આપવાના પ્રયાસ કરી રહી હોય એવી શંકા થવી પણ વાજબી છે. શક્ય છે કે આતંકવાદીઓનો સફાયો કરતી વખતે કેટલાંક નાગરિકો પણ એવી કાર્યવાહીની ચપેટમાં આવી જતાં હશે. જોકે લોકતાંત્રિક દેશ તરીકે ભારતના હંમેશા પ્રયાસો રહ્યાં છે કે તેના નાગરિકોને કોઇ નુકસાન ન થાય. પરંતુ એક દેશ તરીકે પોતાની ધરતી પર શાંતિ અને એકતા જાળવી રાખવા અને આતંકવાદનો સામનો કરવા માટેના અધિકાર તો ભારત પાસે રહેવા જ જોઇએ.
આટલું ઓછું હોય એમ આ રિપોર્ટમાં યૂ.એન. દ્વારા જ આતંકવાદી જાહેર થયેલા લોકોને નેતા અને હથિયારબંધ જૂથ કહેવામાં આવ્યાં છે. મતલબ કે કાશ્મીરમાં આતંક ફેલાવતા નરાધમો આ પરિષદના મતે આતંકવાદીઓ છે જ નહીં. ભારત અનેક રાષ્ટ્રોના અને યૂ.એન.ના આવા વલણનો જ વિરોધ કરતું આવ્યું છે. ઘણાં દેશો સારો આતંકવાદ અને ખરાબ આતંકવાદ એમ અલગ વ્યાખ્યા કરવાના પ્રયાસ કરે છે પરંતુ ભારતની માંગ છે કે આતંકવાદને કોઇ પણ સ્વરૂપમાં ખરાબ જ માનવો જોઇએ અને આતંકવાદના કોઇ પણ સ્વરૂપને ધરમૂળથી નાબૂદ કરવા માટે કટિબદ્ધ થવું જ જોઇએ.