Get The App

અમેરિકા સાથેની મંત્રણા નિષ્ફળ ગયા બાદ ઉત્તર કોરિયાની નવી હિલચાલ

- શસ્ત્રપ્રણાલિનો વિકાસ ઉત્તર કોરિયાની યુદ્ધ શક્તિ વધારવા માટે મહત્ત્વનો

Updated: Apr 19th, 2019

GS TEAM

Google News
Google News
અમેરિકા સાથેની મંત્રણા નિષ્ફળ ગયા બાદ ઉત્તર કોરિયાની નવી હિલચાલ 1 - image


- ઉત્તર કોરિયાએ સરમુખત્યાર કિમ જોંગ ઉનની હાજરીમાં નવા પ્રકારના વ્યૂહાત્મક શસ્ત્રનું પરીક્ષણ કરીને અમેરિકાની ચિંતા વધારી દીધી

- વિયેતનામ ખાતેની હનોઇ શિખર બેઠક નિષ્ફળ રહ્યાં બાદ ઉત્તર કોરિયાએ પહેલી વખત કોઇ શસ્ત્રનું પરીક્ષણ કર્યું છે એ સાથે જ કિમ જોંગ ઉન આ મહિનાના અંતે રશિયાના રાષ્ટ્પતિ વ્લાદિમીર પુતિનની મુલાકાતે પણ જવાના છે જેના પગલે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે

થોડા સમય પહેલાં વિયેતનામ ખાતે અમેરિકા સાથે યોજાયેલી મંત્રણા નિષ્ફળ રહ્યાં બાદ ઉત્તર કોરિયા ફરી વખત માથું ઊંચકી રહ્યું હોય એમ જણાય છે. અમેરિકાના નાકે દમ લાવી દેનારા આ ટચુકડા રાષ્ટ્રએ જાહેરાત કરી છે કે તેણે એક નવા પ્રકારના ટેક્ટિકલ ગાઇડેડ વેપનનું પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર તેના માથાફરેલા સરમુખત્યાર કિમ જોંગ ઉનની હાજરીમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ટેસ્ટ બાદ કિમ જોંગ ઉને કહ્યું કે આ શસ્ત્રપ્રણાલિનો વિકાસ ઉત્તર કોરિયાની યુદ્ધ શક્તિ વધારવા માટે મહત્ત્વનો છે. 

ઉત્તર કોરિયાના જણાવ્યા અનુસાર નવા જ પ્રકારના ટેક્ટિકલ ગાઇડેડ વેપનના પરીક્ષણ માટે ખાસ તૈયાર કરવામાં આવેલી નિરીક્ષણ પોસ્ટ પરથી કિમે સમગ્ર અભિયાન પર નજર રાખી. ન્યૂઝ એજન્સીના દાવા અનુસાર તો ખુદ કિમ જોંગ ઉને ટેસ્ટ ફાયરનો કમાન્ડ આપ્યો. પરીક્ષણ દરમિયાન અનેક નિશાનો પર જુદાં જુદાં પ્રકારે ફાયરિંગ કરવામાં આવ્યું. એ સાથે જ કિમે એર અને એન્ટીએરક્રાફ્ટ ફોર્સના બેઝની મુલાકાત પણ લીધી. તાજેતરમાં જ ઉત્તર કોરિયાના મિસાઇલ રિસર્ચ સેન્ટર અને ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ પરીક્ષણ સ્થળે નવી હિલચાલ થઇ રહી હોવાના રિપોર્ટ બાદ ઉત્તર કોરિયાએ આ જાહેરાત કરીને બધાંને ચોંકાવ્યાં છે. અમેરિકાએ આ ટેસ્ટ વિશે માત્ર એટલું જ કહ્યું છે કે તેને અગાઉથી આ પરીક્ષણ વિશે જાણકારી હતી. 

ટેક્ટિકલ વેપન એટલે કે વ્યૂહાત્મક શસ્ત્રો એવા પ્રકારના શસ્ત્ર કહેવાય છે જે યુદ્ધ ટાળવા માટે અથવા તો યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે દુશ્મનને ઘૂંટણ ટેકવવા મજબૂર કરવા માટે વાપરવામાં આવે છે. પરમાણુ શસ્ત્રો ટેક્ટિકલ વેપનની શ્રેણીમાં આવે છે. હકીકતમાં ટેક્ટિકલ વેપન ધરાવતા દેશો તણાવની પરિસ્થિતિમાં પણ પરસ્પર સૈન્ય અથડામણ ટાળવાના પ્રયાસ કરે છે. ઉત્તર કોરિયાએ કેવા ટેક્ટિકલ વેપનનું પરીક્ષણ કર્યું છે એ તો હાલ જાહેર કર્યું નથી પરંતુ એવું અનુમાન થઇ રહ્યું છે કે તે એવા પ્રકારની કોઇ મિસાઇલ હોઇ શકે છે જે પરમાણુ શસ્ત્રોનું વહન કરવામાં સક્ષમ હોય. આ ટેક્ટિકલ વેપન ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ પણ હોઇ શકે છે જે અમેરિકા સુધી પ્રહાર કરવામાં સક્ષમ હોય.

ઉલ્લેખનીય છે કે શાંતિના તમામ પ્રયાસો છતાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેનો તણાવ ફરી વધી રહ્યો છે. વિયેતનામ ખાતે હનોઇ શિખર બેઠક નિષ્ફળ રહ્યાં બાદ ઉત્તર કોરિયાએ પહેલી વખત જાહેરમાં આ રીતે હથિયાર પ્રણાલિનું પ્રદર્શન કર્યું છે. ગયા વર્ષે જૂનમાં સિંગાપોર ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે યોજાયેલી પહેલી શિખર બેઠક બાદ હમણા સુધી ઉત્તર કોરિયાએ કોઇ પણ પ્રકારનું મિસાઇલ કે પરમાણુ પરીક્ષણ કર્યું નહોતું. હકીકતમાં તો બંને માથાફરેલા નેતાઓ વાતચીત માટે એક ટેબલ પર આવ્યાં એ વાતે જ દુનિયા મોઢાંમાં આંગળા નાખી ગઇ હતી. 

બે વર્ષ પહેલાં ટ્રમ્પ અને કિમની સામસામેની બયાનબાજીના કારણે ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. ઉત્તર કોરિયાએ એક પછી એક પરમાણુ અને મિસાઇલ પરીક્ષણો કરીને આખી દુનિયાનો જીવ ઊંચો કરી દીધો હતો. અમેરિકા વારંવાર ઉત્તર કોરિયા ઉપર આર્થિક પ્રતિબંધો મૂકતું રહ્યું પરંતુ ઉત્તર કોરિયાને તેની કોઇ અસર થઇ હોય એમ જણાયું નહીં. આમ પણ ઉત્તર કોરિયા પર છેક ૨૦૦૬થી આર્થિક પ્રતિબંધો લદાયેલા હોવા છતાં તે તાબે થયું નહોતું. પરિસ્થિતિ એટલી તંગ બની ગઇ હતી કે એવું લાગતું હતું કે સૈન્ય કાર્યવાહી અને આર્થિક પ્રતિબંધો સિવાય ઉત્તર કોરિયા સાથે કૂટનૈતિક વાર્તાલાપ કરવાનો વિકલ્પ પણ અત્યંત સીમિત છે.

ટ્રમ્પ અને કિમ એકબીજા વિરુદ્ધ એવી આક્રમક ટિપ્પણીઓ કરી રહ્યાં હતા કે જાણે અણુયુદ્ધ માથે જ ભમી રહ્યું હોય એવી આશંકા જણાવા લાગી હતી. ગયા વર્ષની શરૂઆત પણ ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે ગરમાગરમીથી જ થઇ હતી. પરંતુ એ પછી કિમ જોંગ ઉને અચાનક દક્ષિણ કોરિયા પ્રત્યે નરમ વલણ અખત્યાર કર્યું અને કિમના નરમ પડેલા તેવર જોઇને દક્ષિણ કોરિયાએ પણ તક ઝડપીને ઉત્તર કોરિયાને વાર્તાલાપ માટે આમંત્રણ આપ્યું જેનો કિમે સ્વીકાર પણ કરી લીધો. બે ફાડિયા થયા બાદ કાયમ પરસ્પર ઘૂરકીયાં કરતા રહેલાં ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ઉષ્માનો દોર એ હદે પહોંચ્યો કે કિમ જોંગ ઉને પહેલી વખત દક્ષિણ કોરિયાની ભૂમિ ઉપર પગ મૂક્યો.

અમેરિકાએ પણ તક જોઇને ઉત્તર કોરિયા સાથે શાંતિ માટે પહેલ કરી અને ટ્રમ્પ અને કિમ વચ્ચે મુલાકાત ગોઠવાઇ. જોકે સિંગાપોર ખાતે શિખર બેઠક યોજવાનું નક્કી થયા પછી બંને દેશો વચ્ચે પરિસ્થિતિ તંગ બનવાના કારણે સનકી ટ્રમ્પે મુલાકાત રદ્ કરી. છેવટે હા-ના કરતા ટ્રમ્પ અને કિમ વચ્ચેની મુલાકાત નિયત સમયે અને નિયત સ્થળે યોજાઇ. ઉત્તર કોરિયાનો પરમાણુ કાર્યક્રમ અને ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન માટે ચિંતાનો વિષય બની ગયાં હતાં. કિમ જોંગ ઉન તેમના આ લશ્કરી પ્રોગ્રામો ઉપર લગામ કસવા તૈયાર થયા. ટ્રમ્પ સાથેની મુલાકાતમાં કિમ જોંગ ઉને સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણ માટે સહમતિ દર્શાવી તો બદલામાં અમેરિકાએ ઉત્તર કોરિયાના રક્ષણની જવાબદારી લીધી. 

બંને નેતાઓ વચ્ચે પહેલી મુલાકાત યોજાઇ ત્યારે દુનિયાને એવી આશા જન્મી હતી કે કોરિયાઇ ક્ષેત્રની સમસ્યાનો ઉકેલ આવશે. જોકે પહેલી બેઠક બાદ પરિસ્થિતિ અપેક્ષા પ્રમાણે આગળ ન વધી. એવામાં વિયેતનામ ખાતેની બીજી બેઠક પહેલા એવી આશા વ્યક્ત થઇ રહી હતી કે ટ્રમ્પ અને કિમ વચ્ચેની વાતચીત દ્વારા ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને નિયંત્રિત કરવામાં સફળતા મળી શકે છે. એવું પણ મનાતું હતું કે ઉત્તર કોરિયા પરમાણુ નિશસ્ત્રીકરણની પ્રક્રિયા શરૂ કરવા માટે પણ રાજી થઇ જશે. શિખર બેઠક બાદ બંને દેશો સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કરવાના હતાં પરંતુ આમાંનું કશું જ ન થઇ શક્યું.

વાસ્તવિકતા એ છે કે ઉત્તર કોરિયાને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરવાના અમેરિકાના લક્ષ્ય અનુસાર કોઇ નક્કર પરિણામ દેખાતું નથી. તો ઉત્તર કોરિયા એ વાતે નિરાશ છે કે અમેરિકા તેના પર લગાવેલા પ્રતિબંધોમાં છૂટ આપવા તૈયાર નથી. હનોઇ ખાતેની બેઠકમાં ઉત્તર કોરિયાએ પ્રતિબંધોમાં છૂટ માંગી તો ટ્રમ્પે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. જોકે ઉત્તર કોરિયાએ તો યંગબિયમ પરમાણુ અનસંધાન કેન્દ્ર અમેરિકાના નિરીક્ષકોની દેખરેખ હેઠળ સંપૂર્ણ રીતે બંધ કરવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો.

હકીકતમાં પ્રતિબંધોના કારણે ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે અને ત્યાંના લોકો ભારે હાડમારીભર્યું જીવન જીવી રહ્યાં છે.  અમેરિકાની માંગ છે કે ઉત્તર કોરિયા કોઇ પણ જાતની પૂર્વશરત વિના પોતાના તમામ પરમાણુશસ્ત્રો દૂર કરે અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને એની પુષ્ટિ કરવાની અનુમતિ આપે. પરંતુ સામે પક્ષે ઉત્તર કોરિયાની પણ માંગ છે કે અમેરિકા પણ આ ક્ષેત્રમાંથી પોતાના પરમાણુ શસ્ત્રો દૂર કરે જેથી કરીને તેને કોઇ ખતરો ન રહે. ટ્રમ્પ તો ત્યાં સુધી કહી ચૂક્યાં છે કે તેઓ દક્ષિણ કોરિયામાંથી અમેરિકી સૈનિકો દૂર કરવા પણ ઇચ્છે છે.

ઉત્તર કોરિયાનું કહેવું છે કે તે પરમાણુ બોમ્બની પ્રણાલિને જ નાબૂદ કરવા તૈયાર છે પરંતુ ટ્રમ્પ પ્રશાસન પણ વળતી કાર્યવાહી કરે. કિમ જોંગ ઉન અમેરિકા દ્વારા પ્રતિબંધોમાં છૂટછાટ અને સુરક્ષાની ગેરંટી માંગે છે.હકીકત એ છે કે ઉત્તર કોરિયાએ પરમાણુ પરીક્ષણો બંધ જરૂર કરી દીધાં છે પરંતુ શસ્ત્રોનું ઉત્પાદન હજુ બંધ નથી કર્યું. કિમ જોંગ ઉનનું માનવું છે કે તેમના સત્તામાં ટકી રહેવા માટે પરમાણુ શસ્ત્રો અત્યંત જરૂરી છે.

ખાસ કરીને અમેરિકા તેમને ઉથલાવવાનો પ્રપંચ કરે એ સ્થિતિમાં પરમાણુ શસ્ત્રો જરૂરી બની જાય છે. સાથે સાથે જ કિમ જોંગ ઉન એવો માહોલ તૈયાર કરવા માંગે છે કે ઉત્તર કોરિયાને પરમાણુ સત્તાનો દરજ્જો મળી જાય. આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોનું પણ માનવું છે કે જ્યાં સુધી ઉત્તર કોરિયા પોતાને સંપૂર્ણ સુરક્ષિત નહીં અનુભવે ત્યાં સુધી પરમાણુ શસ્ત્રો દૂર કરવાની દિશામાં પ્રગતિ નહીં થાય. 

ઉત્તર કોરિયાનો એક માત્ર સહયોગી દેશ ચીન જાહેરમાં તો કહે છે કે ઉત્તર કોરિયા પરમાણુ નિશસ્ત્રીકરણની દિશામાં આગળ વધે એ જરૂરી છે પરંતુ ચીનની ભૂમિકાને લઇને બધાં હંમેશા શંકામાં જ રહે છે. એવું કહેવાય છે કે કિમ જોંગ ઉન બધું ચીનની સલાહ મુજબ જ કરે છે. તો હવે કિમ આ મહિનાના અંતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનની મુલાકાત પણ લેવાના છે એવા સમાચાર છે. છેલ્લા ઘણાં સમયથી ચીન અને રશિયા અમેરિકા સામે ખડાં થઇ રહ્યાં છે ત્યારે કિમ જોંગ ઉન ચીન ઉપરાંત રશિયાની સોડમાં ભરાય એ પણ અમેરિકા માટે ચિંતાનો વિષય છે. 

Tags :