Get The App

દેશમાં માર્ગ અકસ્માતોમાં રોજના સરેરાશ 400 જણા મૃત્યુ પામે છે

- એક અંદાજ પ્રમાણે યમુના એક્સપ્રેસવે ઉપર થતા અકસ્માતોમાં દર અઠવાડિયે પંદરથી વીસ લોકો પોતાના જીવ ગુમાવે છે

Updated: Jul 9th, 2019

GS TEAM

Google News
Google News
દેશમાં માર્ગ અકસ્માતોમાં રોજના સરેરાશ 400 જણા મૃત્યુ પામે છે 1 - image


- જુલાઇ મહિનામાં જ ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કાશ્મીરમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં લગભગ સો જણાએ પોતાના જીવ ગુમાવ્યાં છે

- એક્સપ્રેસવે અને હાઇવે ઉપર સર્જાતા અકસ્માતો અંગે માંગવામાં આવેલી જાણકારીના જવાબમાં સરકારે સંસદમાં રજૂ કરેલા આંકડા અનુસાર વર્ષ ૨૦૧૫થી ૨૦૧૭ વચ્ચે  દર વર્ષે લગભગ દોઢ લાખ જેટલા લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા 

ઉત્તરપ્રદેશના આગ્રામાં યમુના એક્સપ્રેસવે ઉપર સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માતમાં ૨૯ મુસાફરોના મૃત્યુ નીપજ્યાં છે. લખનૌથી દિલ્હી જઇ રહેલી ઉત્તરપ્રદેશ રોડવેઝની પુરપાટ ઝડપે જઇ રહેલી બસ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ એક નહેરમાં ખાબકી અને નિદ્રામાં રહેલા અનેક જણા સીધા મોતના મુખમાં પહોંચી ગયાં. દેશની રાજધાની દિલ્હી અને આગ્રાને જોડતા યમુના એક્સપ્રેસવે ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે જેના કારણે આ હાઇવેને અકસ્માતોની સડક પણ કહેવામાં આવે છે.

જ્યારથી યમુના એક્સપ્રેસવે બન્યો ત્યારથી અત્યાર સુધી આ હાઇવે ઉપર પાંચ હજારથી વધારે અકસ્માતો સર્જાઇ ચૂક્યાં છે જેમાં લગભગ આઠસો જણા પોતાના જીવ ગુમાવી ચૂક્યાં છે. એક અંદાજ પ્રમાણે યમુના એક્સપ્રેસવે ઉપર થતા અકસ્માતોમાં દર અઠવાડિયે પંદરથી વીસ લોકો પોતાના જીવ ગુમાવે છે. જાણકારોના મતે અકસ્માતો વાહનોની અતિ તેજ ગતિના કારણે થાય છે કે પછી વાહનચાલકને ઝોકું આવી જવાના કારણે સર્જાતા હોય છે. આજના અકસ્માતનું કારણ પણ ડ્રાઇવરને ઝોકું આવી જવાથી બસ ઉપરનું નિયંત્રણ ગુમાવવાથી બસ નહેરમાં ખાબકી હોવાનું જણાયું છે.

ઉત્તરપ્રદેશમાં શિયાળા દરમિયાન જામતું ધુમ્મસ પણ ઘણાં અકસ્માતો માટે કારણભૂત બને છે. જોકે આના તોડ તરીકે યમુના એક્સપ્રેસવે ઉપર ફોગ લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. વળી ઉનાળાના દિવસોમાં આ હાઇવે ઉપર ઘણાં અકસ્માતો વાહનોના ટાયર ફાટવાના કારણે પણ સર્જાતા હોવાનું બહાર આવ્યું છે. આના માટે જાણકારો સમગ્ર હાઇવે કોન્ક્રિટનો બનેલો હોવાનું જવાબદાર ગણાવે છે. યમુના એક્સપ્રેસવે ઉપર વાહનોની સ્પીડના નિયંત્રણ માટે હાઇટેક સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. 

નિર્ધારિત સ્પીડ કરતા વધારે ઝડપથી વાહન ચલાવવામાં આવે તો તુરંત આવા વાહનોની તસવીર કેમેરામાં કેદ થઇને આરટીઓ અને ટ્રાફિક ખાતા પાસે પહોંચી જાય છે. તેમ છતાં ગમખ્વાર અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થતો નથી. યમુના એક્સપ્રેસવેનું નિર્માણ વર્ષ ૨૦૧૨માં થયું હતું અને ત્યારથી લઇને અત્યાર સુધી દર વર્ષે સેંકડોની સંખ્યામાં અકસ્માતો સર્જાઇ ચૂક્યાં છે. વર્ષ ૨૦૧૮માં અહીંયા સર્જાયેલા અકસ્માતોમાં ૨૦૦થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં અને ભાગ્યે જ કોઇ વર્ષ એવું પસાર થયું છે જ્યારે અકસ્માતોમાં ડઝનબંધ લોકોના મૃત્યુ ન થયા હોય.

ભારતમાં માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનારા લોકોનો આંકડો ચોંકાવનારો છે. દર વર્ષે માર્ગ અકસ્માતોમાં સેંકડો લોકોના જીવ જાય છે. દેશમાં રોજ માર્ગ અકસ્માતોમાં ૪૦૦ જણાના મૃત્યુ નીપજે છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ ૨૦૧૫થી ૨૦૧૭ વચ્ચે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા દર વર્ષે લગભગ દોઢ લાખ જેટલી હતી. મતલબ કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન માર્ગ અકસ્માતોમાં રોજના સરેરાશ ૪૦૦ જણાએ પોતાના જીવ ગુમાવ્યાં. સરકાર તરફથી આ આંકડા એક્સપ્રેસવે અને હાઇવે ઉપર સર્જાતા અકસ્માતો અંગે માંગવામાં આવેલી જાણકારીના જવાબમાં રજૂ કરવામાં આવ્યાં છે. 

જો આ વર્ષના ચાલુ મહિના જુલાઇની જ વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કાશ્મીરમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં લગભગ ૧૦૦ જણાના મૃત્યુ નીપજ્યાં છે. યમુના એક્સપ્રેસવે ઉપર સર્જાયેલા અકસ્માત ઉપરાંત ગત ત્રીજી જુલાઇે કર્ણાટકમાં એક રોડ એક્સીડન્ટમાં ૧૨ જણાના મૃત્યુ નીપજ્યાં હતાં. તો એ પહેલી જુલાઇના રોજ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એક મિની બસ ખાઇમાં પડતા ૩૫ જણાના મૃત્યુ થયા હતાં. સંસદમાં રજૂ થયેલા આંકડા અનુસાર માર્ગ અકસ્માતોમાં સૌથી વધારે મોત ઉત્તરપ્રદેશમાં થાય છે. એ પછી રોડ એક્સીડન્ટમાં થતા મૃત્યુના મામલે તામિલનાડુનો નંબર આવે છે. 

વર્ષ ૨૦૧૭માં ભારતમાં ૧,૪૭,૯૧૩ જણા માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામ્યાં જેમાં ૪૮,૭૬૪ જણા ટુ-વ્હીલર પર સવાર હતાં તો ૨૬,૮૬૯ જણા કાર એક્સીડન્ટમાં માર્યા ગયાં. આંકડા બતાવે છે કે માર્ગ અકસ્માતોના વધારેમાં વધારે ભોગ બનતા ટુ-વ્હીલર વાહનો જ હોય છે. તાજ્જુબની વાત તો એ છે કે માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામેલા ૨૦,૪૫૭ જણા તો રાહદારીઓ હતાં. મતલબ કે હવે રોડ ઉપર ચાલવું પણ સલામતિભર્યું નથી રહ્યું. 

ઇન્ટરનેશનલ રોડ ફેડરેશનના આંકડા અનુસાર દર વર્ષે દુનિયાભરમાં દર વર્ષે લગભગ સાડા બાર લાખ લોકોના માર્ગ અકસ્માતોમાં મૃત્યુ થાય છે જેમાંના ૧૨ ટકા કરતા વધારે મૃત્યુ ભારતમાં નીપજે છે. જિનિવા સ્થિત આઇઆરએફના અધ્યક્ષ કે.કે. કપીલાના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૬માં ભારતમાં દોઢ લાખ કરતા વધારે લોકો માર્ગ અકસ્માતોમાં માર્યા ગયા. તો વર્ષ ૨૦૧૭માં આશરે ૧.૪૬ લાખ લોકોએ રોડ એક્સીડન્ટમાં પોતાના જીવ ગુમાવ્યાં. કોઇ પણ દેશમાં થતું આ સૌથી વધારે માનવ સંસાધનનું નુકસાન છે. આંતરરાષ્ટ્રીય માર્ગ સંસ્થાના અહેવાલ અનુસાર દુનિયાભરના કુલ વાહનોની સંખ્યાનો માત્ર ૩ ટકા જેટલો હિસ્સો જ ભારતમાં છે તેમ છતાં દેશમાં થતા માર્ગ અકસ્માતો અને તેમાં જીવ ગુમાવનારાઓના મામલે ભારતનો હિસ્સો ૧૨.૦૬ ટકા જેટલો મોટો છે. આ આંકડો જ દર્શાવે છે કે ભારતમાં સડકો પર વાહન હંકારવા કેટલા જોખમી બની ગયા છે. 

દુર્ઘટનાઓ ટાળવા સડકો સારી હાલતમાં હોવી જરૂરી છે. ખસ્તાહાલ સડકોના કારણે થતા અકસ્માતોના કારણે અનેક વખત સવાલો ઊભા થયા છે. રોડ પર પડેલા નાના મોટા ખાડા અને આડેધડ રચેલા સ્પીડ બ્રેકરના કારણે પણ મોટી સંખ્યામાં અકસ્માતો થાય છે. જાણકારોના મતે સડક નિર્માણમાં થતા ભ્રષ્ટાચાર અને સડક બની ગયા પછી જાળવણીમાં થતી બેદરકારીના કારણે સડકોની સ્થિતિ સતત બગડતી જ રહે છે. આ જંજાળને તોડવા માટે કોન્ટ્રાક્ટરો, સરકારી અધિકારીઓ અને રાજકારણીઓની જવાબદારી નક્કી કર્યા વગર સારી સડકો બનવી શક્ય નથી. તંત્રના જુદા જુદા વિભાગોમાં તાલમેલ ન હોવાના કારણે પણ સડકો ઉબડખાબડ બને છે. 

ખરાબ સડકો ઉપરાંત વાહનોની તેજ સ્પીડ અને ટાયર ફાટવાના કારણે થતા અકસ્માતોની સંખ્યા પણ ઘણી મોટી છે. ઉપરાંત બેદરકારીથી વાહન ચલાવવા અને નશો કરીને વાહન હંકારવાના કારણે પણ મોટી સંખ્યામાં અકસ્માતો સર્જાય છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાના કારણે પણ અકસ્માતો થાય છે. બીજું એક કારણ તાજેતરમાં સામે આવ્યું છે એ છે ઓછી ઉંમરના વાહન ચાલકોનો અધીરો સ્વભાવ. હાલના સમયમાં મનુષ્યનો હિંસક બની રહેલો સ્વભાવ પણ ઘણાં અકસ્માતો માટે જવાબદાર છે. રોડરેજ અને હિટ એન્ડ રનના વધી રહેલા કેસો આ બાબતની સાબિતી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા અનુસાર છેલ્લા થોડા વર્ષોથી આવા બનાવોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. હેલમેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવાની મનોવૃત્તિ પણ જોખમી છે. અનેક અકસ્માતોમાં વાહન ચાલકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોને ભોગ બનવાનો વારો આવે છે. 

દેશભરના રાજમાર્ગો પર વધી રહેલા અકસ્માતો સરકાર અને તંત્રની ખામીઓ પણ ઉજાગર કરે છે. સડકો પર પુરપાટ દોડતા વાહનોને સાચી જાણકારી આપતા સાઇન બોર્ડની વ્યવસ્થા સુધારવાની જરૂર છે. કેટલાક સ્થળોએ તો આવા સાઇન બોર્ડ પર જ ખાનગી જાહેરાતો ચોંટાડેલી હોય છે જેને લઇને તંત્ર આંખ આડા કાન કરતું હોય છે. ઘણી વખત તો સાઇન બોર્ડ ખરી જગ્યાએ લાગેલા જ નથી હોતા. બીજું એ કે સાઇન બોર્ડ પર સૂચના એટલા ઝીણા અક્ષરોમાં લખાયેલી હોય છે કે તેજ ગતિથી આગળ વધી રહેલા વાહનોના ચાલકો તે સ્પષ્ટ વાંચી શકતા નથી. વળાંકો ઉપર માર્ગદર્શન માટે ફ્લોરોસેન્ટ નિશાન કરવા પણ ઔજરૂરી છે. 

કમનસીબીની વાત એ છે કે હજુ આજે પણ દેશમાં હાઇવે કે એક્સપ્રેસ વે પર લૅન ડ્રાઇવિંગ સુનિશ્ચિત નથી થઇ શક્યું. વિદેશોમાં દરેક લૅન માટે ચોક્કસ સ્પીડ નક્કી હોય છે અને યોગ્ય સિગ્નલ આપ્યા વગર લૅન બદલી શકાતી નથી. ભારતમાં આવી કોઇ વ્યવસ્થા નથી. કેટલાય વાહનચાલકો લૅન સિસ્ટમ ફોલો કરતા નથી જેના પરિણામે દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. 

ભારતમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને લઇને યૂ.એન. પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે. દેશમાં રોજ રોડ એક્સિડન્ટમાં ૪૦૦થી વધારે લોકોના મૃત્યુ થઇ રહ્યાં હોય એ ગંભીર બાબત છે. આ પરિસ્થિતિ રાતોરાત તો બદલાઇ શકે એમ નથી પરંતુ એ દિશામાં વિચાર કરીને નકકર પગલાં લેવાની શરૂઆત તો થઇ શકે છે.

Tags :