Get The App

એક્ઝિટ પોલની પારદર્શકતા અને વિશ્વસનિયતા સામે સવાલ

- લોકસભાની ચૂંટણીના પરિણામો આવતા પહેલાં ચારે તરફ એક્ઝિટ પોલના દાવાઓનો શોર મચી ગયો છે

Updated: May 21st, 2019

GS TEAM

Google News
Google News

- ચૂંટણીના પરિણામો જાહેર થયા અગાઉ આવેલા એક્ઝિટ પોલ સત્તાધારી ભાજપનો વિશ્વાસ વધારી રહ્યાં છે તો વિપક્ષને ચિંતામાં મૂકી દીધાં છે જોકે છેલ્લી ઘણી ચૂંટણીઓમાં જોવામાં આવ્યું છે કે એક્ઝિટ પોલના વર્તારા ખોટા સાબિત થતા હોય છે

એક્ઝિટ પોલની પારદર્શકતા અને વિશ્વસનિયતા સામે સવાલ 1 - image

લોકસભાની ચૂંટણી પૂરી થતા જ કોની સરકાર બનશે એ સવાલ સર્વત્ર ચર્ચાવા લાગ્યો છે. એમાંયે ચૂંટણી પૂરી થતાં જ ન્યૂઝ ચેનલો અને મીડિયામાં એક્ઝિટ પોલનો રાફડો ફાટયો છે. આવા એક્ઝિટ પોલ ઉપરાંત અનેક જુદી જુદી એજન્સીઓ, સ્વતંત્ર સંગઠનો અને રાજકીય પક્ષોના આંતરિક સર્વે પણ છે. ચૂંટણીના પરિણામો જાહેર થવાને હજુ બે-ત્રણ દિવસની વાર છે ત્યારે આવા એક્ઝિટ પોલ જનતા અને ખાસ કરીને રાજકીય પક્ષો તેમજ તેમના સમર્થકોમાં ભારે રોમાંચ પેદા કરી રહ્યાં છે. 

લગભગ તમામ એક્ઝિટ પોલ્સમાં ભાજપની આગેવાની હેઠળના મોરચા એનડીએને ભારે બહુમતિ મળતી હોવાનો વર્તારો છે. કોંગ્રેસની આગેવાની હેઠળના યૂપીએને સત્તાની રેસમાં ઘણો પાછળ દર્શાવવામાં આવી રહ્યો છે. તો ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી ના મહાગઠબંધનને પણ નુકસાન થવાની આગાહી છે. એ જ રીતે બિહારમાં કોંગ્રેસ-આરજેડી ગઠબંધનને ફટકો પડવાની શક્યતા છે. તો આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડૂ અને પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસને મોટો ઝાટકો વાગવાની સંભાવના જણાઇ રહી છે. 

એક તરફ એક્ઝિટ પોલની આગાહી બાદ સત્તાધારી ભાજપમાં ખુશીની લહેર દોડી ગઇ છે. તો બીજી તરફ ભાજપવિરોધી દળો એક્ઝિટ પોલ બાદ દિગ્મૂઢ થઇ ગયા હોવાનું જણાઇ રહ્યું છે. તમામ વિપક્ષી દળોએ એક અવાજે એક્ઝિટ પોલને નકારી કાઢ્યાં છે. વિપક્ષી એકતાના સૂત્રધાર બનવા મથી રહેલા મમતા બેનરજી તેમજ ચંદ્રબાબુ નાયડૂ તો એક્ઝિટ પોલને ફગાવી દેવાની સાથે સાથે તમામ વિપક્ષી દળોને એકજૂથ રહેવા માટે અપીલ કરી રહ્યાં છે. બીજી બાજુ ભાજપ અને સહયોગીઓ આક્ષેપ કરી રહ્યાં છે કે વિપક્ષી પાર્ટીઓ હાર ભાળી ગઇ હોવાથી રોષમાં છે. છેલ્લા ઘણાં વર્ષોથી દેશમાં તમામ ચૂંટણીઓમાં ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલની બોલબાલા વધી છે. ચૂંટણી પહેલા પ્રી-પોલ અને ચૂંટણી બાદ પોસ્ટ-પોલ સર્વે કરવામાં આવે છે. જોકે આવા તમામ પોલની કામગીરીને લઇને કાયમ શંકાનો માહોલ રહ્યો છે. ખાસ કરીને એક્ઝિટ પોલની પારદર્શકતા અને વિશ્વસનિયતા સામે હંમેશા સવાલ થતાં આવ્યાં છે. અગાઉ એવું બનતું હતું કે ચૂંટણી ચાલુ હોય એ દરમિયાન જ અવનવા વર્તારા ચાલુ થઇ જતાં હતાં. જોકે આ પ્રકારની કાર્યવાહી મતદારના માનસને અસર કરતી હોવાની દલીલ સાથે ચૂંટણી પૂરી થતા પહેલા તમામ પોલ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો. વર્ષ ૨૦૧૦માં ઘડાયેલા કાયદા અનુસાર વોટિંગ ખતમ થયા પહેલાં એક્ઝિટ પોલના પ્રકાશન અને પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેનું ઉલ્લંઘન કરવા પર જેલ અને દંડની જોગવાઇ પણ છે. સામાન્ય રીતે વોટિંગની પ્રક્રિયા દરમિયાન મત આપીને મતદાન મથકની બહાર નીકળેલા મતદારને સર્વે કરતી એજન્સીઓના કર્મચારીઓ રોકીને સવાલ પૂછે છે અને એના આધારે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે કેટલા ટકા મતદારોએ કઇ પાર્ટીના નિશાન સામે ઇવીએમનું બટન દબાવ્યું હશે. કયા મતદારોને સવાલ પૂછવામાં આવ્યાં છે એ વિશે એજન્સીઓ સ્પષ્ટતા કરતી નથી. એક્ઝિટ પોલ માટે રેન્ડમ સેમ્પલ એટલે કે અણધાર્યા મતદારોને રોકીને સવાલ પૂછવામાં આવ્યાં છે એ વિશે પણ અસ્પષ્ટતા પ્રવર્તે છે. 

આવા રેન્ડમ સેમ્પલની ભૂગોળ શી છે મતલબ કે જે-તે વિસ્તારોમાં મતદારોનું વલણ કેવું છે એ વિશે ઝાઝી માહિતી નથી હોતી. જ્યાં આવા સેમ્પલ લેવામાં આવ્યાં હોય એ વિસ્તારમાં પહેલાં કોઇ ખાસ પાર્ટી કે ઉમેદવારનો પ્રભાવ હતો કે નહીં એ જોવામાં આવ્યું છે કે નહીં એ વિશે માહિતી હોતી નથી. એકંદરે મતદારે કોને મત આપ્યો એ નક્કી કરવામાં ઘણાં બધાં પરિબળો કામ કરતા હોય છે. આવા સર્વેક્ષણોમાં સાઇલેન્ટ વોટર તરીકે ઓળખાતા મતદારો બાકાત હોય એ સ્વાભાવિક છે. મતદાન એ ગુપ્ત પ્રક્રિયા છે અને મોટા ભાગના મતદારો પોતે કોને વોટ આપ્યો છે એ વિશે ખુલ્લા મને બોલતા હોતા નથી. કદાચ મતદાન મથકની બહાર આવીને મતદારો કોઇ ખાસ પક્ષની તરફેણમાં બટન દબાવ્યું હોવાનું કહેવા છતાં તેમની એ વાતમાં સત્યતા કેટલી એ ચકાસવાની કોઇ શક્યતા નથી. સ્વાભાવિક છે કે આ તમામ સંજોગોને ધ્યાનમાં લેવામાં આવે તો આવા એક્ઝિટ પોલના ચોક્કસ આકલનના દાવાઓ ડગુમગુ જણાવા લાગે છે.

અલબત્ત, સર્વેક્ષણ કરતી એજન્સીઓ સેમ્પલિંગના ગણિત અને વિજ્ઞાાન પર બારીકાઇપૂર્વક ધ્યાન આપતી હોય છે. પરંતુ પોતાના સવાલોમાં તે કયા પરિબળો ધ્યાનમાં લે છે એ સ્પષ્ટ થતું નથી. મોટા ભાગના એક્ઝિટ પોલમાં ટીવી સ્ક્રીન પર આંકડાઓની ભરમાર જોવા મળે છે. એ સાથે જ સામાન્ય દર્શકોને ન સમજાય એવા ગ્રાફિક્સ સાથે બહુમતિ કે લઘુમતિના દાવા કરવામાં આવે છે. એ સાથે જ પેનલિસ્ટો વચ્ચે ગરમાગરમ દલીલબાજીઓનો દોર શરૂ થઇ જાય છે. આ તમામ વચ્ચે એ વાત દબાઇ જાય છે કે સેમ્પલ ક્યાંથી લેવામાં આવ્યાં છે.

જે સેમ્પલ લેવામાં આવ્યાં એ કોઇ રાજકીય પાર્ટી કે નેતાથી પ્રભાવિત છે કે નહીં એ પણ બહાર પડતું નથી. ભારતમાં આશરે ૯૦ કરોડ મતદારોમાંથી ૬૭ ટકા કરતા થોડા વધારે મતદારોએ વોટિંગ કર્યું છે મતલબ કે આશરે ૬૦ કરોડ લોકોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો છે. ગત લોકસભાની ચૂંટણીમાં ૩૬ હજાર લોકોના સેમ્પલ ડેટાની સરખામણીમાં આ વખતની ચૂંટણીમાં એક્ઝિટ પોલ કરી રહેલી ઘણી ખરી એજન્સીઓએ ૨૦ ગણો વધારે મતલબ કે આઠ લાખ લોકોના સેમ્પલ ડેટા લીધા હોવાના દાવા કર્યાં છે.

મતદારોની મોટી સંખ્યા જોતા સેમ્પલ ડેટાનો આંકડો ક્યાંય નાનો જણાય છે. એક્ઝિટ પોલમાં કદાચ કોને મત મળ્યાં હશે એનો અંદાજ કદાચ મેળવી શકાય પરંતુ આ મતદાનને બેઠકોમાં રૂપાંતરિત કરવા માટે આંકડાશાસ્ત્રીય કુશળતા તેમજ નિષ્ણાંતોની આવશ્યકતા રહે છે. આવા મામલામાં જ એક્ઝિટ પોલ કરતી એજન્સીઓ પારદર્શકતા દર્શાવતી નથી.

એકંદરે એક્ઝિટ પોલ માત્ર અનુમાન દર્શાવે છે એ જ કારણ છે કે છેલ્લા થોડા વર્ષોનો ઇતિહાસ તપાસીએ તો મોટા ભાગના એક્ઝિટ પોલ નિષ્ફળ ગયાં છે. ૧૯૯૮થી લઇને ૨૦૧૪ સુધીની છેલ્લી પાંચ લોકસભાની ચૂંટણીઓ ધ્યાનમાં લઇએ તો ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીને બાદ કરતા તમામ ચૂંટણીઓમાં એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતાં.

૧૯૯૮ની ચૂંટણીમાં એનડીએને બહુમતિ મળવાની આગાહી કરવામાં આવી હતી પરંતુ રચાઇ હતી ત્રિશંકુ સંસદ. પરિણામે અટલ બિહારી વાજપેયીના નેતૃત્ત્વમાં એનડીએની સરકાર બની તો ખરી પરંતુ માત્ર ૧૩ મહિનામાં પડી ગઇ હતી. એ પછી ૧૯૯૯માં એનડીએને ભારે બહુમતિ મળવાનો વર્તારો જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ એક્ઝિટ પોલ અને વાસ્તવિક પરિણામોમાં મોટું અઁતર જોવા મળ્યું હતું.

૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં તો પરિણામ એક્ઝિટ પોલ કરતા સાવ ઉલટા જોવા મળ્યાં હતાં. એ વર્ષે તમામ એક્ઝિટ પોલની સરેરાશ કાઢતા એનડીએના ફાળે ૨૫૨ બેઠકો જતી હતી પરંતુ વાસ્તવિક પરિણામમાં આ આંકડો માત્ર ૧૮૭ રહ્યો હતો. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ સાવ ખોટા સાબિત થયા હતાં. એનડીએને ૧૮૭ અને અને યૂપીએને ૧૯૬ બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી પરંતુ પરિણામ આવ્યાં ત્યારે યૂપીએને ૨૬૨ અને એનડીએને ૧૫૯ બેઠકો મળી હતી.

બિહારમાં ૨૦૧૫માં બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને જેડીયૂ, આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધન વચ્ચે આકરી પ્રતિસ્પર્ધા હોવાની આગાહી થઇ હતી પરંતુ પરિણામ જાહેર થયા ત્યારે મહાગઠબંધને ૨૪૩ વિધાનસભા બેઠકોમાંથી ૧૭૮ બેઠકો અંકે કરી હતી અને ભાજપ માત્ર ૫૩ બેઠકો પર સંકોચાઇ ગઇ હતી. 

માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં અનેક ઠેકાણે એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. તાજું ઉદાહરમ ઓસ્ટ્રેલિયાની ચૂંટણીનું છે. ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી બાદ જુદી જુદી ૫૬ એજન્સીઓએ એક્ઝિટ પોલ જાહેર કર્યાં પરંતુ તમામ પોલ ખોટા સાબિત થયા છે. અગાઉ યુરોપિયન યુનિયનથી બ્રિટનના અલગ થવાના એટલે કે બ્રેક્ઝિટ મામલે પણ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતાં.

એ જ રીતે અમેરિકામાં ૨૦૧૬માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ તમામ વર્તારા ખોટા નીવડયાં હતાં. તમામ એક્ઝિટ પોલ હિલેરી ક્લિન્ટનને વિજેતા બનતા દર્શાવતા હતાં પરંતુ પરિણામ આવ્યું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વિજયી બનીને બહાર આવ્યાં હતાં. 

જાણકારોને એ સંદેહ રહે છે કે આવા એક્ઝિટ પોલ અમુક ખાસ રાજકીય ઝુકાવ ધરાવતા આંકડા આપી શકે છે. ખાસ કરીને વાસ્તવિક પરિણામ આવે એ પહેલાં રાજકીય દબાણનો માહોલ ઊભો કરવામાં એક્ઝિટ પોલ મોટી ભૂમિકા ભજવી શકે છે. હાલના એક્ઝિટ પોલ બાદ પણ આવું જોવા મળ્યું છે. અત્યાર સુધી કોની સાથે જોડાવું એ વિશે મૂક રહેનાર ઓડિશાના મુખ્યમંત્રી બીજેડીના અધ્યક્ષ નવીન પટનાયકે ભાજપ સાથે જોડાવાના સંકેત આપ્યાં છે.

બીજી બાજુ વિપક્ષી દળો આક્ષેપ કરી રહ્યાં છે કે ઈવીએમમાં ચેડા થઇ શકે એ માટે ભાજપની જીતના દાવા એક્ઝિટ પોલમાં કરવામાં આવ્યાં છે.  ખરેખર તો એક્ઝિટ પોલ નિષ્પક્ષ અને પારદર્શક રહે એ માટે ચૂંટણી પંચ કોઇ ભૂમિકા ભજવી શકે કે કેમ એ સવાલ થઇ રહ્યો છે.

જોકે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચની વિશ્વસનિયતા સામે જે મોટા પાયે સવાલો થયા છે એ અગાઉ કોઇ રાજકીય એજન્સી માટે નથી થયા. એવામાં એક્ઝિટ પોલના મામલે પણ ચૂંટણી પંચ કોઇ નક્કર પગલાં લે એ જણાતું નથી. જો એક્ઝિટ પોલના દાવા સાચા સાબિત થયાં તો આગામી સમયમાં ચેનલો પર ક્રેડિટ લેવાની હોડ મચશે, પરંતુ જો એક્ઝિટ પોલના દાવા ખોટા સાબિત થયા તો એજન્સીઓ આગામી ચૂંટણી સુધી અલોપ થઇ જશે.

Tags :