શિયાળો એટલે સ્વાસ્થ્યવર્ધક ઋતુ
- યોગ-પ્રાણાયામ કસરતો કરવાથી શિયાળામાં તન-મનની તાજગી અનુભવશો
- શિયાળામાં દમ, અસ્થમા, ન્યુમોનિયાથી સાવધાન રહેવું જરૂરી
- તાજા શાકભાજી-ફળો અને વિવિધ પાકોને ખોરકમાં સમાવવા હિતાવહ
- ગરમ પાણીની વરાળનો નાસ નિયમિત લેવો જોઈએ
શિયાળો એટલે સ્વાસ્થ્યપ્રદ ઋતુ ! વિન્ટરની સીઝનને વંડર સીઝન કહેવામાં આવે છે. પ્રકૃતિમાં નવી ઊર્જાનો સંચાર થતો જણાય છે. ઋતુ પરિવર્તિત થતાં ગરમી અને વરસાદ બાદ જ્યારથી ઠંડીનું આગમન થાય ત્યારથી જ આપણા શરીરમાં અનેરી સ્ફૂર્તિ જોવા મળે છે. શિયાળાની શરૂઆતથી લઈને આપણા દેશમાં ઉજવાતા વિવિધ તહેવારો નવરાત્રી , દિવાળી, ક્રિસમસ, મકરસંક્રાતિ વગેરે આપણા તન- મનના સ્વાસ્થ્યને તરોતાજા કરીને જાણે આખા વર્ષ માટે આપણને તૈયાર કરી દે છે. ખરું ને !!
શિયાળાની ઋતુના અનેક ફાયદા આપણા સ્વાસ્થ્ય સાથે સીધા જોડાયેલા છે. આહારમાં અનેક પ્રકારની વેરાઇટીઝ મળે છે. વિવિધ શાકભાજી, વસાણાં વિગેરે શરીરને ચુસ્ત અને સ્વસ્થ રાખવા માટે વિશેષ ઉપયોગમાં લેવાય છે. ભોજનની સાથે વિવિધ કસરતો અને શારીરિક વ્યાયામ પર પણ શિયાળામાં વિશેષ ભાર મૂકવામાં આવે છે. શહેરીજનો મોર્નિંગ વોક, જોગિંગ, સાઇક્લીંગ, વોકેથોન- મેરેથોન જેવી પ્રતિસ્પર્ધાઓ યોજે છે. એક રીતે જોઈએ તો, શરીરને સ્વસ્થ અને વ્યસ્ત રાખવા માટે શિયાળામાં આપણે સૌથી વધુ પ્રયાસો કરીએ છીએ.
ઠંડીની આ ઋતુમાં એક તરફ આપણે સ્વસ્થ રહેવાના પ્રયાસો કરીએ છીએ પરંતુ ઠંડીની ઋતુમાં સાવચેતી પણ એટલી જ આવશ્યક છે. શિયાળાની જમાવટ થતા જ શ્વસન અને ફેફસાં સંબંધિત સમસ્યાઓ વધવાની સંભાવના પણ એટલી જ વધારે છે. શિયાળામાં દમ, અસ્થમા, ફાઇબ્રોસીસ, ન્યુમોનિયા જેવી તકલીફો વધી જતી જોવા મળે છે. વારે- તહેવારે કે દિવાળીમાં ફોડવામાં આવતા ફટાકડાંનો ધુમાડો, ઘર- ફળિયા કે ખેતરોમાં કરાતા તાપણાં કે પરાળ બાળવાથી થતો ધુમાડો અત્યંત પ્રદૂષણ અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડનાર દુશ્મનનું કાર્ય કરે છે શહેરોમાં તેના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્ષ ખૂબ નીચો આવી જાય છે. આવા પ્રકારના ધુમાડા અને કચરો બાળવાથી બાળકો, વૃદ્ધજનો અને સ્વસ્થ વ્યક્તિઓના સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. આંખોમાં તીવ્ર બળતરા, પાણી આવવું, ગળામાં દુઃખાવો, ઉધરસ- ખાંસી, શ્વસનમાં તકલીફ થવા લાગે છે. આ સિવાય જેઓને દમ, અસ્થમાના દર્દીઓ છે અથવા જેમની સારવાર ચાલુ છે તેમને આવા ધુમાડાની અતિ ગંભીર અસરો જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં તો ઇમરજન્સીમાં દર્દીને દાખલ કરવાની ફરજ પડે છે. આવા પરિણામોની ગંભીર અસરોથી બચવા વાતાવરણ શુદ્ધ રાખવું ખૂબ જરૂરી છે. જાહેરમાં આવા કોઈ પ્રકારનો કચરો બાળવો, પ્રદૂષણ કરવું નહીં.
શિયાળા દરમિયાન વાયરલ ઇન્ફેક્શનના કેસિસ પણ વધતા હોય છે. સામાન્ય શરદી- ખાંસી, કફ અને ઉધરસ થઈ જાય છે. ઘણી વખત આ તકલીફ વધતાં ફેફસામાં ન્યુમોનિયા પણ કરતી હોય છે. આ બધી સમસ્યાઓથી બચવું જોઈએ અને સ્વસ્થ રહેવા માટે થોડી વિશેષ સાવચેતી રાખવી જોઈએ.
શિયાળામાં શક્ય હોય તેટલું હવાનું પ્રદૂષણ ટાળવું જોઈએ. જ્યારે ઘરની બહાર નીકળીએ ત્યારે કાન, નાક, છાતી વ્યવસ્થિત ઢંકાય એવા ગરમ કપડાં પહેરવા જોઈએ. ગરમ પાણીની વરાળનો નાસ નિયમિત લેવો જોઈએ. યોગ, પ્રાણાયામ અને શ્વસન સંબંધિત હળવી કસરતો કરવી જોઈએ. ફેફસાની સમસ્યા ધરાવતા લોકોએ નિયમિત દવાઓ લેવી જોઈએ. કોઈપણ તકલીફમાં યોગ્ય નિષ્ણાત પાસે જઈ તેનું નિદાન કરાવી લેવું હિતાવહ છે.
નિરોગી સ્વસ્થ તન અને પ્રસન્ન મન એ ઉત્તમ સ્વાસ્થ્યની નિશાની છે. થોડી કાળજી રાખવાથી આપણે શિયાળાનો ઉત્તમ ઉપયોગ આપણા સ્વાસ્થ્યને ગુણવત્તા પ્રદાન કરવામાં વિતાવી શકીએ છીએ. અલબત્ત શિયાળો એ તન અને મનને પુષ્ટિ આપનાર ઋતુ કહેવાય છે. સ્વાસ્થ્યની થોડી સાવચેતી આ ઋતુને ઉત્સવરૂપે મનાવવામાં આપણને મદદરૂપ થાય છે. આ શિયાળામાં સ્વસ્થ રહો અને તેને મન ભરીને માણો તેવી શુભકામનાઓ !
ડૉ. અમરીશ પટેલ
બાળકોના નિરોગી સ્વાસ્થ્ય માટે શિયાળામાં આટલું કરો
બદલાતી ઋતુની અસર બાળકો ઉપર તુરંત થાય છે. સ્કીનથી લઈને વાયરલ ઈન્ફેક્શન સુધીની તકેદારી રાખવી જરૂરી છે. પણ તકેદારીમાં શું કરવું જોઈએ? - એવો સવાલ થતો હોય છે. અહીં કેટલાક પાયાના સૂચનો છે, જે બાળકોની સંભાળમાં ઉપયોગી નીવડશે.
ફળ અને શાકભાજી ખવડાવોઃ શિયાળામાં વિપુલમાત્રામાં ફળ અને શાકભાજી માર્કેટમાં આવે છે. શિયાળો શાકભાજીની ઋતુ છે. બાળકોને ભાવતી હોય એવી શાકભાજી ઉપરાંત નવી નવી શાકભાજી ખવડાવવાથી શરીરને જરૂરી તત્વો મળી રહેશે. તે સિવાય ચિકી, વિવિધ પાક અને કચરિયું વગેરે પણ ખવડાવવું જોઈએ. ૧૦ વર્ષ સુધીના બાળકોને ફળો-શાકભાજીમાંથી બનેલી વાનગીઓ ખવડાવવાથી ગુણકારી સાબિત થાય છે.
પૂરતી ઊંઘઃ ૫થી ૧૩ વર્ષના બાળકોને ૯થી ૧૧ કલાકની ઊંઘ જરૂરી છે. શિયાળામાં આમેય ઊંઘ વધારે આવતી હોય છે અને આ ઊંઘથી તેનો માનસિક વિકાસ ઝડપી બને છે. શિયાળાની ઊંઘ ઈમ્યૂનિટી વધારે છે અને બાળકને નિરોગી રાખવામાં મદદરૂપ બને છે.
ગરમ કપડાંઃ સામાન્ય રીતે બાળકોને ગરમ કપડાં પહેરવા ગમતા નથી હોતા. ટોપી કે સ્વેટર પહેરાવ્યા પછી વારંવાર કાઢી નાખવાની ફરિયાદ રહે છે, તેમ છતાં થોડીક તકેદારી રાખીને ગરમ કપડાં પહેરાવી રાખવા જોઈએ. ખાસ તો માથું અને કાન ઢંકાય એવા કપડાંથી વાયરલ ઈન્ફેક્શન ખાળી શકાય છે.
રમતો-કસરતોઃ સાત-આઠ વર્ષથી લઈને ૧૪-૧૫ વર્ષ સુધીના બાળકોને શિયાળામાં કસરતો કરાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. કસરતો કરવાથી ઓક્સિજન વધારે મળે છે અને તેના કારણે ઈમ્યૂનિટી બહેતર થાય છે. વધુ ખોરાક આપવાની સાથે સાથે બાળકોને રમતો રમવા પ્રેરવા જોઈએ. શિયાળામાં રમતો રમે કે કસરતો કરે તો ઋતુના ચેપથી તો બચાવી જ શકાય છે, પરંતુ લાંબાંગાળે તેનામાં કસરતો અને રમતો પ્રત્યે રૂચિ જાગે છે.
સ્કીનકેરઃ બાળકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે. હજુ તો શિયાળો શરૂ થયો હોય ત્યારથી મોં, હાથ પગના ભાગમાં તેની અસર થવા લાગે છે. બાળકોના શરીરમાં જે ભાગ ખુલ્લો રહેતો હોય તે શિયાળામાં ડ્રાય થઈ જાય છે. આવું ન થાય તે માટે દિવસમાં ઓછામાં ઓછું બે વખત લોશન લગાડવું જોઈએ. હુંફાળા પાણીથી નવડાવ્યા પછી એક વખત અને એક વખત રાતે સૂતા પહેલાં લોશન લગાવવું જોઈએ. દિવસમાં એક વખત મસાજ કરવાથી ૧૦ વર્ષ સુધીના બાળકોના હાડકા મજબૂત બને છે.
શિયાળાનો કૂણો તડકો શરીર માટે લાભકારી
શરીરમાં વિટામીન ડીનું બહુ જ મહત્વ છે. ખાસ તો શહેરોમાં રહેતા લોકોને તડકામાં નીકળવાનું ઓછું બને છે. નિયમિત ઓફિસનો સમય એવો હોય છે કે એમાં ખાસ તડકો ખાવાનો રહેતો નથી, પરંતુ શિયાળાનો કૂણો તડકો શરીર માટે ખૂબ જ લાભકારક છે. બેડમાંથી ઉઠયા પછી ઘરના જે ખૂણામાં તડકો આવતો હોય એ ખૂણામાં બેઠાં બેઠાં ચા-નાસ્તો કરવાની કે ન્યૂઝ પેપર વાંચવાની કે પછી ઓનલાઈન મેસેજ-રીડિંગની પ્રવૃત્તિ કરવી જોઈએ. બ્રિટિશ વિજ્ઞાાની ડૉ. ડબલ્યૂ એમ ફ્રેઝરે ટેકસ્ટ બુક ઓફ પબ્લિક હેલ્થમાં લખ્યું છે કે સૂર્યકિરણો જીવાણુનો નાશ કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે અને શરીરની ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવાની શક્તિ ધરાવે છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે સૂર્યનો તાપ સીધો જે દેશોમાં પડે છે ત્યાંના લોકોની રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાનું કારણ સૂર્યકિરણો છે. વિજ્ઞાાનિકો તો ત્યાં સુધી કહે છે કે શિયાળામાં કૂણા તડકામાં ચાલવા કે દોડવા જવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે. જે લોકોને તાપથી શરીરમાં ખંજવાળ આવતી હોય કે લાલ ચકામા પડી જતા હોય તેમણે એક્સપર્ટની સલાહ લઈને સૂર્યતાપમાં બેસવું જોઈએ.
આટલું ધ્યાન રાખો
પ્રદૂષણ એ રોગ નથી પરંતુ રોગોને જન્મ આપનારૂં કારણ છે. પૃથ્વી પરના ગ્રીન કવરનો નાશ છેલ્લા કેટલાય વર્ષોથી થઈ રહ્યો છે. જે આપણા માટે ખતરારૂપ છે. પ્રદૂષણને અટકાવવા આવો આપણે સંકલ્પ લઈએ.
* હું મારી આસપાસના વાતાવરણને ચોખ્ખું રાખીશ.
* હું જાહેરમાં કચરો કે ધુમાડો થાય તેવી ચીજ બાળીશ નહીં.
* વધુમાં વધુ વૃક્ષારોપણ કરીશ અને કરાવીશ.
* ફેક્ટરી કે ઔદ્યોગિક ધુમાડાનો યોગ્ય નિકાલ કરીશ
* મારું શહેર, મારો દેશ હરિયાળો બનાવીશ
* હું પ્રદૂષણયુક્ત સ્થાનો પર માસ્ક અવશ્ય પહેરીશ.
* શરીર સ્વચ્છ રાખીશ, આંખો- મોં- હાથપગ બરાબર સાફ રાખીશ.
* ધુમ્રપાન કરીશ નહીં અને બીજાને પણ ધુમ્રપાન કરતા રોકીશ
* શક્ય તેટલા બધા જ પ્રયત્નો દ્વારા પ્રદૂષણ ટાળીશ.