મુસીબતો હજાર છે, પણ આપણી ભીતર શક્તિઓય અપાર છેઃ પડયા ત્યાંથી ઊભા થઈને મુવ ઓન થઈએ
- તોફાન જિંદગીના પાછા ફરી જવાના
- આ દુઃખમાં એક ધરપત છે, આપણે એકલા નથી
- ઇતિહાસ કહે છે મહામારીઓ અને યુદ્ધોના ગયા પછી માણસ વધુ તાકાત સાથે ઊભો થયો છે
- માણસ પૃથ્વીનો સમ્રાટ તો હજારો વર્ષોથી બની ગયો છે તોય તે બેસી નથી રહ્યો કારણે કે...
સમજણા થઈએ ત્યારથી આપણે આયોજન કરીએ છીએ. પહેલા આ કરવું છે, પછી આ કરવું છે, પછી આ.... પછી આમ કરવું છે ને ત્યાર બાદ તેમ... ને અચાનક કશુંક એવું થાય કે બધા જ આયોજનો ધરાશાયી થઈ જાય. જેમ કે પ્લે સ્ટેશન પર ગેઇમ રમતા હતા, માંડ ખેલ જામ્યો હતો ત્યાં લાઇટ જતી રહી. હવે નવેસરથી રમવું પડશે અને તે પણ લાઇટ આવે ત્યારે. આમ તો આવું કોઈને કોઈના જીવનમાં બનતું જ હોય છે, પણ કોવિડ-૧૯ મહામારી ત્રાટકતા કરોડો લોકોના જીવનમાં એક સાથે બન્યું છે.
આપણે ગેઇમ રમતા હોઈએ અને અચાનક લાઇટ જતી રહે તો ગુસ્સો આવી જવો સ્વાભાવિક છે, પણ પછી એ ગુસ્સાને ખંખેરીએ નહીં તો? તો જાણે કે આપણે એ ક્ષણમાં પોઝ થઈ ગયા. વીડિયો ચોંટી જાય તેમ ચોંટી ગયા. આયોજનો જ્યારે પડી ભાંગે ત્યારે સ્વયં ન પડી ભાંગીએ તે સૌથી આવશ્યક છે. ખરાબ સંજોગો ઘણી વખત આપણને જે આપણામાં ખૂટતું હોય તે આપવા માટે આવેલા હોય છે. અત્યારનો આ સમય આપણને શું આપવા આવ્યો છે? જવાબ છે અપાર ધીરજ. આ સમયમાં અપાર ધીરજ વિના ચાલે તેમ નથી. જો ધૈર્ય ધારણ નહીં કરીએ તો આજે જે ખાડામાં પડયા છીએ તેના કરતા પણ વધુ ઊંડા ખાડામાં પડી ગયા સમજો. ને ધૈર્ય ધારણ કરી લીધું તો જાણે કે આ મુસીબત ક્યારેય આવી જ નહોતી. કેવી રીતે? સમજીએ.
ઋષિ કપૂર જતા રહ્યા ત્યારે એક સમાચાર એવા આવ્યા કે કપૂર ખાનદાનની ૧૦૨ વર્ષ જૂની હવેલી આજની તારીખે પાકિસ્તાનમાં સલામત ઊભી છે. ઋષિ કપૂર તેને જોવા પાકિસ્તાન જવા માગતા હતા. કમનસીબે ન જઈ શક્યા. વિચારો એવા કેટલા લોકો હશે જેની પાકિસ્તાનમાં મોટી-મોટી સંપત્તિઓ હશે અને તે મૂકીને તેમને ભારત આવી જવું પડયું હશે. વિચારો એવી કેટલી સંપત્તિ હશે જે મૂકીને કેટલાય લોકો ભારતથી પાકિસ્તાન જતા રહ્યા હશે. શું તેમના મન પર કંઈ નહીં વીતી હોય? પણ પછી...?
પછી જોવા એ મળ્યું કે ભાગલા પડતા પાકિસ્તાનથી ખાલી ખીસે ભારત આવેલા પરિવારો થોડા વર્ષોમાં ભારતમાં વધારે પૈસાદાર બની ગયા. તેમણે પોતાની મહેનત અને બુદ્ધિશક્તિથી એટલી જ સંપત્તિ જેટલી તેઓ છોડીના આવ્યા હતા અથવા એનાથી વધારે ઊભી કરી લીધી. વિભાજનની પીડાએ તેમને જાણે કે સબક આપ્યો હતો. જાણે તેમનામાં કેટલાક નવા ગુણો ઉમેર્યા હતા જે તેમનામાં પહેલા નહોતા.
ખબર છે કે બેંકોના હપ્તા ચડી ગયા છે, પગાર અડધો થઈ ગયો છે, નોકરી જતી રહી છે, ધંધો ઠપ થઈ ગયો છે. ખબર છે, પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની જરૃર છે. ના, ખાલી શ્રદ્ધા રાખીને ખૂણામાં બેસી નથી રહેવાનું. કશુંક નવું વિચારવાની જરૃર છે. અનેક એવા લોકો પણ આ દુનિયામાં છે જેની નોકરી જતી રહી તો તેમણે ધંધો કર્યો અને જબરદસ્ત ઊંચા આવી ગયા. નોકરી જતી રહી તેની સાથે ખોટું નથી થયું એવી વાત નથી, એક રસ્તો શોધવાની વાત છે. ગયેલી નોકરી માટે લડવું જોઈએ. કારણ કે પીએમે પોતે નોકરીદાતાઓને આદેશ આપેલો કે તમે તમારા કર્મચારીઓને નોકરીમાંથી ન કાઢતા. તમારી કંપની સામે લડો. કાયદાકીય ફાઇટ આપો, પણ ભાંગી પડો મા. એટલું જ . થોડી હિંમત કરો તો ઈશ્વરે આપણને જેમ આ મુશ્કેલી આપી તેમ તેમાંથી નીકળવાનો માર્ગ પણ આપશે.
માણસની આદત છે કે તે તેની ખુશીઓના ફોટોગ્રાફ્સ જ સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે ક્યારેય દુઃખની તસવીરો જાહેર કરતો નથી. આ આદત તેને આદિકાળથી છે. નહીં તો આપણને જ્ઞાાત હોત કે અત્યાર સુધીમાં આપણે આનાથી પણ વધારે મોટી મહામારીઓ વેઠી ચૂક્યા છીએ અને તેમાંથી બહાર આવીને વધારે શક્તિશાળી બન્યા છીએ.
બીજી સદીમાં એન્ટીનાઇન પ્લેગ ફેલાયેલો, પાંચમી સદીમાં જસ્ટિનાઇન પ્લેગ વાઇરલ થયેલો અને ૧૪મી સદીમાં બ્યુબોનિક પ્લેગ ફાટી નીકળ્યો. ૧૪મી સદીમાં બ્યુબોનિક પ્લેગમાં તો યુરોપની ૬૭ ટકા વસ્તી સાફ થઈ ગયેલી. તોય તે પછી યુરોપિયન દેશો કેવા ઊંચા આવ્યા. કેટલા સમૃદ્ધ બન્યા. કોવિડ-૧૯માં ૧૪મી સદી જેટલું તો ખરાબ નથી જ થવાનું. સવાલ બસ એટલો જ છે કે આપણે આ અણધાર્યો માર જીરવી લઈએ. સહન કરી લઈએ. ધીરજ ધરીને રસ્તો કાઢવાની કોશિશ કરીએ.
૧૯મી સદીમાં આપણે શીતળા અને સ્પેનિશ ફ્લૂ જોયાં. ૨૦મી સદીમાં તો સ્વાઇનફ્લૂ, એચઆઈવી, હીપેટાઇટીસ, ઇબોલા, નીપા, જીકા વગેરે વાઇરસનો પ્રકોપ સહન કરતા કરતા જ આપણે સફળતાને નવી વ્યાખ્યા આપી છે, નવા શિખર સર નથી કર્યા, ચણ્યા છે. ઊભા કર્યા છે. આકાશમાં ગોબા પાડયા છે. આ બધું આપણે કેમ ભૂલી જઈએ છીએ?
આપણે કેમ ભૂલી જઈએ છીએ કે ગુલામી પ્રથા, ઉપનિવેશવાદ, યુદ્ધો, વિશ્વયુદ્ધો, ગૃહયુદ્ધો, જાતિવાદ, વંશવાદના કળણ ખૂંદતા-ખૂંદતા પણ છેક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લગી પહોંચી ગયા છીએ. પોલિયો સામે લડતા-લડતા પણ આપણે સાત પગલાં અવકાશમાં પાડી દીધાં છે. વામનના ત્રણ ડગલાની જેમ આપણે પ્રથમ ડગલું ભૂતકાળ, બીજું વર્તમાનમાં અને ત્રીજું ભવિષ્ય પર મૂકીને કાળના ત્રણે ભુવનો પ્રાપ્ત કરવાની કોશિશ કરી છે. આ કોશિશને સલામ છે. આ કોશિશ જ આપણને જીવાડવાની છે અને જીતાડવાની છે.
ખબર છે કે ખીસામાં કાવડિયા ખૂટી ગયા છે, ખબર છે કે ભવિષ્ય અનિશ્ચિત છે, ખબર છે કે ઘણી બધી જવાબદારીઓ છે, કિંતુ ભાંગી પડવાની જરૃર નથી. જરૃર છે પોતાની અંદરના એ મનુષ્યને જગાડવાની જે સહસ્ત્રાબ્દીઓથી લડત આપીને અહીં સુધી પહોંચ્યો છે. જે અહીં થંભી જવાનો નથી, બીજા લાખો વર્ષોની સફર ખેડવાનો છે.
ખબર છે કે સરકાર તેનાથી બનતું કરી રહી છે, પણ પૂરું પડી રહ્યું નથી, ખબર છે કે એક સાંધો ત્યાં તેર તૂટી રહ્યા છે, ખબર છે કે વ્યવસ્થાઓ ટાંચી છે, ખબર છે કે મિસકોમ્યુનિકેશન વધતું જાય છે. ખબર છે કે ઘણાને અન્યાયનો ભોગ બનવું પડી રહ્યું છે, પરંતુ ભાંગી પડવાનું નથી. આપણને લડવાની, આપણી અંદરની છૂપી શક્તિને બહાર લાવવાની તક મળી છે. પરિસ્થિતિથી ભાગી જવાને બદલે પરિસ્થિતિને મેનેજ કરવાની છે, જેમ રથિ મહારથિઓ કાળની કબરમાં પોઢી ગયા તેમ આ ખરાબ સમય પણ ક્યાં ખોવાઈ જશે ખબર પડવાની નથી. ટકી રહેવું અને ઝઝૂમતા રહેવું મસ્ટ છે.
હજારો નેગેટિવિટીની વચ્ચે પણ પોઝિટીવ રહેવું જરૃરી છે. આંખ આડા કાન કરવાની વાત નથી. દુઃખને હસી કાઢવાની વાત છે. હળવા થવાની વાત છે. મરીઝ એના શેરમાં હાસ્ય નિસ્પન્ન કરીને સ્ટ્રેસ કાઢતાઃ આંસુ ઢળીને હોઠ પર આવી ગયા મરીઝ, પીવાને કાજે મારું રુદન હોવું જોઈએ. કોઈ જોક વાંચી શકાય, વ્યંગ કરી શકાય. શું ન થઈ શકે?મહાત્મા ગાંધીને પણ ખરાબમાં ખરાબ સંજોગોમાં હાસ્યએ અને વિનોદવૃત્તિએ જ તો જીવાડયા હતા.
ધંધો નવેસરથી ઊભો કરવા, નવી નોકરી મેળવવા, કપાયેલા પગારને સરભર કરવા, સિસ્ટમ સામે લડવા ક્રિએટીવ આઇડિયા લગાડવા જોઈએ. સંભવ છે કે ગઈ કાલ કરતા આવતીકાલ ઓર ઉજ્જવળ થઈ જાય. રાજા બનવા જઈ રહેલા રામ વનમાં ગયા તો ૧૪ વર્ષ પછી પાછા ફરીને રાજા બન્યા જને. સફળતા ડીલે થઈ શકે છે, ડીલીટ થઈ શકતી નથી.
લોકડાઉન પૂરો થવામાં હવે ઝાઝો સમય બચ્યો નથી. આ સમયનો ઉપયોગ પિક્ચર જોવા, વેબસીરિઝ જોવાને બદલે હવે કઈ રીતે નવી એનર્જી સાથે આગળ વધીશું તેના આયોજન માટે કરી શકાય છે, નવું શીખી શકાય છે, ચાર્જ અપ થઈ શકાય છે, સ્કિલને ધાર કાઢી શકાય છે.
માણસ પૃથ્વીનો સમ્રાટ તો હજારો વર્ષો પહેલા બની ગયો હતો. તે પછી પણ ઉત્તરોત્તર પ્રગતિ એટલા માટે કરતો ગયો કેમ કે હજારો વખત હેઠો પડીને પણ તે ઊભો થયો, મુવ ઓન થયો. મુવ ઓન થવું ફરજિયાત.
એક વખત બે શિષ્યો નદી પાર કરી રહ્યા હતા. ગુરુજીએ તેમને સ્ત્રીને સ્પર્શ કરવાનો ઈનકાર કરેલો. તેઓ નદી ઓળંગી રહ્યા હતા ત્યાં અચાનક કોઈ સ્ત્રીએ બુમ પાડી. બચાવો. જોયું તો તે પાણીમાં ડૂબી રહી હતી. તરત જ એક શિષ્યે તેની તરફ જઈને તેને પોતાના ખભે ઊંચકી નદીમાંથી બહાર કાઢી. બીજા શિષ્યના મનમાં થયું, આને ગુરુજીના વચનનો ભંગ કર્યો. ગુરુજીએ ના પાડી હતી કે સ્ત્રીને સ્પર્શ ન કરતા. તોય આણે કર્યો. બંને ચાલીને જતા હતા. આશ્રમ પહોંચ્યા. બીજા શિષ્યે ગુરુજીને ફરિયાદ કરી કે પેલાએ સ્ત્રીને ઊંચકી નદીમાંથી બહાર કાઢી.
ગુરુજીએ કહ્યું, એણે તો તે સ્ત્રીને કિનારે જ ઉતારી દીધેલી. તું હજુ સુધી કેમ ઊંચકીને ફરી રહ્યો છે?
આ વાત છે. લોકડાઉનને કારણે આપણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ. અણધારી મુશ્કેલીમાં. એ મુશ્કેલીમાં કે જેને આપણે ખભે ઊંચકવાની નહોતી, જેને આપણે ખભે ઊંચકવા માગતા નહોતા, પણ હવે મુવ ઓન થઈ જવાનું છે. હવે સતત તેને માથે લઈને ફરવાનું નથી. જ્યાં પડયા છીએ ત્યાંથી ઊભા થઈને, કપડાં ખંખેરીને બહેતર આવતીકાલ માટે દોટ મૂકવાની છે. અમૃત ઘાયલનો શેર યાદ રાખવા જેવો છેઃ તોફાન જિંદગીના પાછા ફરી જવાના, એ શું કરી શક્યા છે? એ શું કરી જવાના?
મેમરી લેન
ઋષિ કપૂરના કેટલાક યાદગાર ડાયલોગ્સ
- નવાઝિશ, કરમ, શુક્રિયા, મહરબાની,
મુઝે બખ્શ દી આપને ઝિંદગાની. (લૈલા મજનૂ)
- હમ દિલ્લીવાલે મુલ્ક કે સાથસાથ દિલ પર ભી હુકૂમત કરના જાનતે હૈ. (ચાંદની)
- પ્રેમ તો વો રોગ હૈ જો આસાની સે લગતા હૈ, લેકિન જબ લગતા હૈ ફિર કભી મિટતા નહીં. (પ્રેમરોગ)
- રીત રિવાઝ ઇન્સાન કી સહુલિયત કે લિયે બનાયે જાતે હૈ. ઇન્સાન રીત રિવાઝો કે લિયે નહીં. (પ્રેમરોગ)
- પ્યાર કરનેવાલે એતબાર કા સર્ટિફિકેટ નહીં માંગતે. (કર્ઝ)
- મરને સે પહલે મેં ચાહતા હૂં કિ મેરા પરિવાર કે સાથ એક ફેમિલી ફોટો હો, જિસકે નીચે ટાઇટલ હોગા, કપૂર એન્ડ સન્સ સિન્સ ૧૯૨૧. (કપૂર એન્ડ સન્સ)
- અમાં, કભી તો લપટ બનો યા અંદર હી અંદર સુલગતે રહોગે? (દિલ્લી-૬)
- એક મુલ્ક કાગઝ પે નક્શો કી લકીરો સે નહીં બનતા (મુલ્ક)
- વો ઔર હમ મુલ્ક કો નહીં બનાતે, હમ મુલ્ક કો બનાતે હૈ. (મુલ્ક)
- બિંદી રકમ કે આગે લગે તો રકમ દસ ગુના બઢ જાતી હૈ ઔર લડકી કે માથે પે લગે તો ઉસકી ખૂબસુરતી હઝાર ગુના બઢ જાતી હૈ. (પ્રેમગ્રંથ)
આજની નવી જોક
છગન (મગનને) : કોરોના જાય એટલે ચીનને બરાબરનો પાઠ ભણાવવો છે.
મગનઃ કેવી રીતે?
છગનઃ ઝૂમ એપ પર ચાઇનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કારનો વેબિનાર ગોઠવવો છે.
મગનઃ વાહ, ઉચ્ચ વિચાર. હું તારી આ ઝૂંબેશ માટે પેટીએમ થકી ડોનેશન ઉઘરાવીશ.
છગનઃ હેં!?