Get The App

વસ્તી ગીચતાવાળા શહેરો કોરોનાના સુપર સ્પ્રેડર છેઃ હવે આપણે નાના શહેરો બનાવવા પડશે (ધોલેરા જેવા મોટા શહેરો નહીં હો!)

- વૈશ્વિકરણના આત્માને ઈશ્વર શાંતિ આપે

Updated: May 20th, 2020

GS TEAM

Google News
Google News
વસ્તી ગીચતાવાળા શહેરો કોરોનાના સુપર સ્પ્રેડર છેઃ હવે આપણે નાના શહેરો બનાવવા પડશે  (ધોલેરા જેવા મોટા શહેરો નહીં હો!) 1 - image


- વિદેશીઓને ઇમિગ્રન્ટ્સ નથી જોઇતા ને આપણે માઇગ્રન્ટ્સ

- સ્વાર્થનો કોઈ ઇન્ડેક્સ હોત તો અત્યારે ઑલ ટાઇમ હાઈ હોત

- ગ્લોબલાઈઝેશન આમ તો પહેલેથી બીમાર હતું, ને વળી કોરોનાનો ચેપ લાગ્યો

આપણે શાકવાળા પાસેથી શાક લઈએ તો તે આપણને લીમડાની ડાળખી ફ્રીમાં આપે. ક્યારેક આદુનો એકાદો ગાંઠિયો ફ્રી આપી દે. તમે શોરૂમમાં ટેલિવિઝન લેવા જાવ તો દુકાનવાળો તમને બે હજારનું ગિફ્ટ વાઉચર આપે. આપણે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડિત હોઇએ અને ડૉક્ટર તે મટાડી દે તો આપણે તેમને ફી ઉપરાંત કોઈ ભેટ પણ આપીએ. હવે માની લો કે પેલો શાકવાળો એમ કહે કહે કે મેં તમને લીમડાનું કે આદુના ગાંઠિયાનું દાન કર્યું તો કેવું લાગે? શોરૂમનો ઑનર એમ કહે કે મેં તમને ગિફ્ટ વાઉચરનું દાન કર્યું અને આપણે ડૉક્ટરને એમ કહીએ કે મેં તમને ફલાણી અથવા ઢીંકડી ચીજનું દાન કર્યું. તો ખરેખર ખરાબ લાગે. પણ કહે છે ને કે ક્યારેક શબ્દો વ્યક્તિનું ચરિત્ર ખુલ્લું કરી દે છે.

દાનવીર કર્ણ ડૉનલ્ડ ટ્રમ્પે એવી ટ્વીટ કરી કે, અમે ભારતને વેન્ટીલેટર્સનું દાન કરશું. આ તેની સામંતી માનસિકતા છતી કરે છે. તેમની આ ટ્વીટે ભારતે પીએલ ૭૭ હેઠળ ખાધેલા અમેરિકાના મફત ચોખાની યાદ દેવડાવી દીધી. એ યાદ દેવડાવી દીધું કે આપણે કઈ કક્ષાના વિશ્વગુરુ છીએ. ને એ પણ યાદ દેવડાવી દીધું કે અમેરિકા કઈ કક્ષાનું સુપર પાવર છે. મહામારીના સમયમાં કોઈ દેશ હાઇડ્રોક્લોરોક્વીન આપે નહીં, એવા સમયે ઉદાર ભારતે અમેરિકાને ૫ કરોડ હાઇડ્રોક્લોરોક્વીન વેચી. કોવિડ-૧૯ની પ્રોપર દવા ન શોધાય ત્યાં સુધી હાઇડ્રોક્લોરોક્વીન જ તારણહાર છે. તેનાથી ખુશ થઈને અમેરિકા આપણને થોડા વેન્ટિલેટર્સ મફતમાં આપી દે તો તે ગિફ્ટ કહેવાય. દાન થોડું કહેવાય! આ જ દુનિયાનો અસલી ચહેરો છે. તેઓ પોતાનો હાથ ઉપર રાખવા માગે છે. આ માટે માનવતાને નીચાજોણું કરાવવું પડે તો તેમાંય તેમને સંકોચ થતો નથી. 

ભારત દર વર્ષે અબજો ડોલરનો માલ અમેરિકાને વેચે છે. અમેરિકા દર વર્ષે અબજો ડોલરનો માલ ભારતને વેચે છે. એમાં કોઈ થોડું ઘણું ફ્રી આપી દે તો એ ઑફર કહેવાય. એ ગિફ્ટ કહેવાય. દાન શેનું ભાઈ? ખરેખર ટ્રમ્પને દાન કરવું હોય તો અમેરિકામાં રહેતા ભારતીય ઇમિગ્રન્ટ્સને સાચવે. અમેરિકા વસાહતીઓનો દેશ કહેવાય છે. વસાહતીઓએ જ વૈતરું કરીને તેને આટલું ઉજ્જવળ બનાવ્યું છે. યુએસ માટે આ ઋણ ચૂકવવાનો અવસર છે. તે ઇમિગ્રન્ટ્સની કોઈ પણ અમેરિકન નાગરિક જેટલી જ શુશ્રૂષા કરે. અને જો તેઓ ઇંડિયા ન આવવા માગતા હોય તો તેમને અમેરિકામાં જ શાંતિથી જીવી શકે તેવી વ્યવસ્થા અને વાતાવરણ પૂરાં પાડે. 

પણ ના, ટ્રમ્પભાઈ તો ઇમિગ્રન્ટ્સને તેમના દેશ રવાના કરવા ખરડો પસાર કરવા અધીરા બન્યા છે. આવો ખરડો પસાર કરી તેઓ અમેરિકન નાગરિકોમાં રાષ્ટ્ર ઝનૂન ભરવા માગે છે અને ફરીથી સત્તામાં આવવા માગે છે. કોઈ ફ્રેન્ડ-બ્રેન્ડ નથી આપણું. બધી કહેવાની વાત છે. આપણા જટિયા લોકડાઉનમાં ઓલરેડી મોટા થઈ ગયા છે એવા સમયે આપણને ચોટલી ઉગાડવાનો આ પ્રયાસ ઘોર નિષ્ફળ છે.

ટ્રમ્પ જેવા ટૂંકી દૃષ્ટિના નેતાને કારણે જ આજે વૈશ્વિકરણનો અકાળે અંત આવી ગયો છે. સૌથી પહેલા તો વૈશ્વિકરણ એટલે શું એ જ યાદ કરવું પડશે. વૈશ્વિકરણ એટલે એક જગ્યાએ જન્મેલો માણસ બીજી જગ્યાએ જઈને કામ કરી શકે. ભારતીયનું અમેરિકામાં જવાની જેમ મધ્ય પ્રદેશના વતનીનું રાજકોટ આવવું પણ ગ્લોબલાઇઝેશનનો જ હિસ્સો છે. મજૂરોને અહીં મજૂરી મળી રહી ન હોવાથી તેઓ વતન ઊપડયા છે અને એનઆરઆઈ વિદેશમાં એકાએક પરાયા થઈ ગયા હોવાથી તેઓ પણ પાછા આવી રહ્યા છે. 

આખા વિશ્વમાં કુલ ૨૭ કરોડ ઇમિગ્રન્ટ્સ છે. તેમાંથી બે કરોડ ભારતીય છે. આ બધા બહેતર ભવિષ્યની કામના સાથે પરદેશ ગયા હતા. આમાંથી મોટા ભાગનાને ત્યાંની સરકારે  આવકાર્યા હતા. કારણ કે તેમના આવવાથી તેમના દેશની કોલેજો ચાલતી હતી. તેમના આવવાથી તેમના દેશની કંપનીઓને સસ્તા કર્ચમારીઓ મળતા હતા. ત્યારે તેમને આ ઇમિગ્રન્ટ્સ ખૂંચતા નહોતા.

આ ઇમિગ્રન્ટ્સ અમેરિકનોની નોકરી લેવા માંડયા અને જ્યારે અમેરિકનોને ભારતીય સાહેબના હાથ નીચે કામ કરવું પડે એવી સ્થિતિ થવા માંડી ત્યારે અમેરિકનોને ઇમિગ્રન્ટ્સ ખૂંચવા લાગ્યા. અહીંથી ગ્લોબલાઇઝેશન વિરોધી પવન ફુંકાવો શરૂ થયો.

કોરોનાએ આ પવનને વાવાઝોડામાં ફેરવી નાખ્યો છે. ફેક્ટરીમાં કામ કરતા હતા ત્યારે કામદાર હતા તે હવે એકાએક પરપ્રાંતીય બની ગયા છે. પોતાના નફા સરભર કરવા તેમનું વેતન બંધ કરી દેવામાં આવ્યું છે. ને તેઓ વતન ભણી જઈ રહ્યા છે તો તેમને કોરોના સુપર સ્પ્રેડર કહેવામાં આવી રહ્યા છે. આવા માણસોના સ્વાર્થને તો ભગવાન જ પહોંચે!

 જે ઇમિગ્રન્ટ્સથી વિવિધ દેશોની ઇકોનોમી દે ધનાધન ધમધમતી હતી, ઝગમગતી હતી તે ઇમિગ્રન્ટ્સને હવે તેમના દેશમાં હડધૂત કરવામાં આવી રહ્યા છે. તેમની સાથે પરાયા જેવું વર્તન કરાય છે. હવે તેમને ઇમિગ્રન્ટ્સ નથી જોઈતા. તેમને તેમના દેશ પરત મોકલી દેવા છે. સ્વાર્થનો જો કોઈ સેન્સેક્સ હોત તો તે અત્યારે ઓલટાઇમ હાઇ સપાટીએ હોત. પહેલા પણ દુનિયા ભેદભાવ ભરી હતી. હવે વધારે ભેદભાવ ભરી બની ગઈ છે. લોકો વધુને વધુ માત્રામાં અમે અને તમે, અપને ઔર બેગાને કરવા માંડયા છે. રાજનેતાઓ આ તિરાડને અડી-અડીને પહોળી કરી રહ્યા છે. પોતાની અક્ષમતા છુપાવવા, પોતાનો રાજકીય રાજભોગ પકાવવા.

ગ્લોબલાઇઝેશનનું અકાળે અવસાન થયું છે. આમ તો તે પહેલેથી બીમાર હતું. ને ઉપરથી કોરોનાનો ચેપ લાગ્યો. તબીબો સાચું જ કહે છે જે પહેલેથી બીમાર હોય એનું ખાસ ધ્યાન રાખો. તેમને કોરોનાનો ચેપ જીવલેણ નીવડી શકે છે. વૈશ્વિકરણનું બિલકુલ એવું જ થયું. હવે જ્યાં સુધી નવી વિશ્વ વ્યવસ્થા નહીં આવે ત્યાં સુધી સંઘર્ષનો અને ઘર્ષણનો માહોલ રહેશે.

થયું છે એવું કે આપણે આટલું ભણીને પણ કશું ભણ્યા નથી. આપણને બીમારી બીજી છે અને ઇલાજ બીજો કરી રહ્યા છીએ. અમેરિકામાં જેટલો કોરોના ફેલાયો છે તેના કરતા પાંચ ગણી વધુ અસર ન્યુયોર્ક શહેરમાં થઈ છે. ગુજરાતમાં અમદાવાદનું પણ એવું જ છે. બાકીના ગુજરાતમાં જેટલા કેસ છે તેના કરતા લગભગ ચાર ગણા કેસ એકલા અમદાવાદમાં છે. કોરોના એવા વિસ્તારોમાં વધુ ફેલાયો છે જ્યાં વસ્તી ગીચતા છે.

મિઝોરમ, ગોવા જેવા રાજ્યો હોય કે ફિનલેન્ડ, ડેન્માર્ક જેવા દેશો જ્યાં વસ્તી ગીચતા ઓછી છે ત્યાં કોરોના ઓછો ફેલાયો છે. મતલબ ભીડભાડમાં રહેવું એ પોતે એક રોગ છે. એના દૂષ્પરિણામ અશુદ્ધ હવા, ટ્રાફિક, ગંદકી રૂપે તો આપણે વર્ષોથી ભોગવતા જ હતા કોરોનાએ તેનો ગુણાકાર કરી નાખ્યો. એનઆરઆઈ ભારત આવી જાય કે મજૂરો તેમના વતન જતા રહે તેનાથી કોરોનાનો અંત આવવાનો નથી. ઊલટો વધશે. કેમ કે તેઓ સંભવતઃ ચેપ લઈને આમથી તેમ થઈ રહ્યા છે.

માનવજાતનો ઇતિહાસ સ્થળાંતરનો ઈતિહાસ છે. આર્યો મધ્ય એશિયામાંથી ભારત આવ્યા હોવાનું કહેવાય છે. બ્રિટનના કેદીઓને  એક નિર્જન ખંડ પર મોકલવામાં આવ્યા તે આજનું ઓસ્ટ્રેલિયા, બ્રિટિશરો ૧૬મી સદીમાં ઇંગ્લેન્ડથી અમેરિકા ગયા. ત્યાંના મૂળનિવાસીઓને વીણી-વીણીને સાફ કરી નાખ્યા અને પોતે બાપ બની ગયા. આજે એ મૂળ નિવાસી રેડ ઇંડિયન્સ ગોરા અમેરિકનોને તેમના અમેરિકામાંથી બહાર કાઢે તો તેમને કેવી પીડા થાય? પરપ્રાંતીઓને કે પરદેશીઓને રવાના કરી દેવા એ કોઈ ઉકેલ નથી. જે ઇચ્છાથી જવા માગે છે તેની અહીં વાત જ નથી.

કોરોના ભગાડવો હોય અને ભવિષ્યમાં આવનારી મહામારીનો સક્ષમતાપૂર્વક સામનો કરવો હોય તો ગીચ શહેરને હળવા કરો. મુંબઈ, અમદાવાદ, કોલકાતા જેવા ગીચ શહેરોમાં રહેતા લોકોને નાના શહેરોમાં જવાનું આકર્ષણ આપો. ત્યાં તેમને સસ્તા મકાન, ફ્રી ઇન્ટરનેટ, જરૂરી બધી જ સુવિધા આપો. નાના-નાના નવા શહેરો પણ વસાવવા જોઈએ. સાહેબે ધોલેરા વસાવ્યું છે એવું મોટું શહેર નહીં હોકે! દિલ્હી કરતા બમણું મોટું!, શાંઘાઈ કરતા છ ગણું મોટું!. સ્કેલ અને સ્પીડનો તેમનો મામલો હંમેશા કૂકરી ગાંડી કરે છે. બાય ધ વે, ધોલેરાના કેટલા રહિશોને કોરોના થયો!? અધધધ રૂા.૨,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦નું બજેટ પણ તદ્દન ધોલેરા શહેર જેવું છે. 

વિશ્વભરમાં હવે નાના શહેરોનો જમાનો આવશે. ને ભારતનેય ધોલેરા જેવા મોટા નહીં, પણ નાના-નાના શહેરોની જરૂર છે. ગામડે રહેવા જવામાં મુશ્કેલી છે. ત્યાં પાકી સડક નથી, ઇન્ટરનેટ ધીમું આવે છે. તેના કરતા નાના-નાના શહેરો બનાવવામાં આવે અને તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તો એ શહેરો કોરોના જેવી મહામારીના ફેલાવાને પાવર બ્રેક મારી શકે છે.

ગ્લોબલાઇઝેશનનો અંત આવતા વતન જતા રહેલા મજૂરો અને વિદેશથી ભારત આવી ગયેલા યુવક-યુવતીઓ ભવિષ્યમાં કઈ રીતે કામ કરશે તે પણ વિચારવાનું છે. આઉટસોર્સિંગથી આઇટીનું વર્ક થઈ શકે, ઇમારત બાંધકામ નહીં. સિવિલ એન્જિનિયરને કે એરોનોટિકલ એન્જિનિયરને સ્થળ પર જવું જ પડે. બધું જ ઑનલાઇન ન થઈ શકે અને તોય આખી દુનિયામાં કરોડોની વતન વાપસીનો વેવ શરૂ થયો છે તો આ બધા શું કામ કરશે? તે પ્રશ્ન જડબું ફાડીને ઊભો છે.

જો આત્મનિર્ભર જ બનવાનું છે તો પછી ફેસબુક, એમેઝોન વોટ્સએપને ક્યારે રવાના કરવામાં આવશે? તેને ટક્કર મારે એવી ભારતીય કંપનીઓ ક્યાં? મનમોહનસિંહે જ્યારે એલપીજી (લિબ્રરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન)ના સુધારા લાગુ કર્યા ત્યારે એવી ટીકા થતી હતી કે ભારતમાં ફરી વિદેશીઓનું રાજ આવી જશે. ભારતની કંપનીઓ વિરોધ કરતી હતી. તેવું થયું? ન થયું. ઊલટું શું થયું? ભારતની બ્રાન્ડ્સ વધારે સારી બની, મજબૂત બની, વિદેશી કંપનીઓને ટક્કર મારનારી તેમને હંફાવનારી બની. હવે  સરકાર ગ્લોબલાઇઝેશન વિરોધી પગલું લઈ વિદેશી કંપનીઓને જાકારો આપશે તો શું ફરી સ્કૂટર અને ટેલિફોન લખાવ્યા પછી મહિનાઓ સુધી રાહ જોવાના દિવસો આવશે? આ પ્રશ્ન માત્ર ભારત માટે નથી. એન્ટિ ગ્લોબલિસ્ટ બની ગયેલા બધા દેશો માટે છે.

 અમેરિકાને હવે માત્ર પોતાનું કરવું છે. ચીન રહસ્યમય અને પચાવી પાડવાની વૃત્તિવાળું હોવાથી દુનિયા તેની નેતાગીરી સ્વીકારી શકે નહીં. એવામાં ગ્લોબલાઇઝેશન પછી શુંની સાથોસાથ અમેરિકા પછી કોણનો પણ સવાલ જવાબ વિના લટકી રહ્યો છે. જવાબ ન મળે ત્યાં સુધી આપણે અરાજકતાનો સામનો કરવાનો છે.

કોરોના એક મહાપ્રશ્ન છે. તેને નાથવામાં મળી રહેલી નિષ્ફળતા છુપાવવા વિશ્વનેતાઓએ ઘૃણાની રાજનીતિ રમવાનું શરૂ કરી દીધું. સરકાર સામે વિફરેલું ટોળું વાહનોની તોડફોડ કરવા માંડે એટલી જ બિનતાર્કિકતાથી કોરોનાને ભગાડવાને બદલે ઇમિગ્રન્ટ્સ અને માઇગ્રન્ટ્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ભાવનાની રાજનીતિ નવા પ્રશ્નોને જણનારી બની રહેશે. તે ક્યારેય પ્રેક્ટિકલ ઉકેલને જન્મ આપી શકશે નહીં.

આજની નવી જોક

છગન મોબાઇલ લઈને બાથરૂમમાં ઊપડયો.

લીલીઃ મોબાઈલ લઈને ક્યાં હાલ્યા?

છગનઃ નહાવા.

લીલીઃ બાથરૂમમાં મોબાઈલનું શું કરશો?

છગનઃ બાલ્ટી ભરાય ત્યાં સુધી ટાઇમ તો કાઢવોને.

લીલઃ હેં!?

Tags :