Get The App

અંગ્રેજ નામની મહામારી સામે લડનારા પ્લેગ વોરિયર્સ

- ભારતના ઈતિહાસમાં અનેક હીરામોતીઓ પડેલાં છે

Updated: May 15th, 2020

GS TEAM

Google News
Google News
અંગ્રેજ નામની મહામારી સામે લડનારા પ્લેગ વોરિયર્સ 1 - image


- ચાપેકર બંધુઓએ પુણેમાં પ્લેગના નામે જનતા પર અત્યાચાર કરતા આઇસીએસ અધિકારી રેન્ડની હત્યા કરેલી

- અંગ્રેજોના સૈૈનિકો પ્લેગ રોકવાના નામે  લોકોના જાહેરમાં કપડાં ઊતરાવતા, લૂંટફાટ કરતા, બળાત્કાર કરતા

- સાવિત્રિ બાઈ ફુલે અને તેમના દત્તક પુત્ર યશવંત પણ પ્લેગના દરદીઓની સારવાર કરતા શહીદ થયેલાં

ભારતના ઈતિહાસમાં અનેક હીરામોતીઓ પડેલાં છે. કોરોનાની સિઝન ચાલે છે ત્યારે આપણે નેટવર્કમાં સ્પેનિશ ફ્લૂ, પ્લેગ અને બીજા કેટલાય રોગચાળાના ઈતિહાસની વાત કરી. આ બધું  વાંચતા-વાંચતા એવું પ્રકરણ હાથમાં ચડી આવ્યું છે, જે અંગ્રેજો સામેની આઝાદીની લડતનું સોનેરી સોપાન સિદ્ધ થયું છે. એ ચાપેકર બંધુઓ, શું તેમની શૂરવીરતા અને શું તેમનું સાહસ! ૧૮૯૭માં જ્યારે ભારતમાં  પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે અંગ્રેજોએ રોગ અટકાવવા માટેના પગલાંના નામે ભારતીયો પર દમન શરૃ કરેલું. એ દમનનો બદલો લઈ શહાદત વહોરનારા ચાપેકર બંધુઓ ઈતિહાસમાં અમર થઈ ગયા.

પુણેના ચિંચવાડ વિસ્તારમાં ચાપેકર બંધુનું ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું છે. (લેખની તસવીરમાં દૃશ્યમાન થઈ રહ્યું છે.) પુણે પાસે જ એક ગામડું છે, ચાપા. ત્યાંના વતનીઓ એટલે ચાપેકર. ગોંડલિયા, અમરેલિયા, પડધરિયા જેવી જ આ અટક. તો હવે વાત કરીએ કે શું થયું? ને કેમ થયું?

૧૮૯૬ની વાત છે. મુંબઈથી પુણે વચ્ચે આવરો-જાવરો સામાન્ય થઈ ગયો હતો. ખાસ કરીને વ્યાપારના ઉદ્દેશથી. માલની મોટાપાયે હેરફેર થાય. એ અરસામાં ચાઇનામાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. ચીનથી એક માલવાહક જહાજ હોંગકોંગ થઈને મુંબઈ આવ્યું. જહાજના ખલાસીઓ ચેપગ્રસ્ત હતા. ને વળી કેટલાક ઉંદર પણ હતા તેમાં. ત્યાંથી પ્લેગ મુંબઈમાં પ્રવેશ્યો અને મુંબઈથી પુણે પહોંચ્યો.

લોકો ટપોટપ મરવા લાગ્યા. સાવિત્રિબાઈ ફુલે અને તેમનો દીકરો યશવંત જીવન-મરણની ફિકર કર્યા વિના પ્લેગના દરદીઓની સારવારમાં લાગી ગયાં. શહીદ થયાં. વેપાર ન અટકે એટલા માટે અંગ્રેજોએ પ્રારંભમાં તો સ્વીકાર્યું જ નહીં કે પુણેમાં પ્લેગ આવ્યો છે. બાદમાં આગ ઘર સુધી પહોંચી જવાની બીક લાગતા તેઓ અડધી નિંદરમાંથી જાગ્યા. 

૧૮૯૭માં બ્રિટિશ ઇંડિયાની સરકારે એપિડેમિક ડિસીઝ એક્ટ પાસ કર્યો. આ કાયદા પ્રમાણે સ્થાનિક અધિકારીઓ ઇચ્છે તેવા પગલાં લેવા સક્ષમ હતા. તેમની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ શકે નહીં. પુણેમાં ત્યારે એક જલ્લાદ આઈસીએસ ઑફિસર હતો. તેનું નામ હતું વોલ્ટર રેન્ડ. પુણેમાં સ્પેશિયલ પ્લેગ કમિટી બનાવવામાં આવી અને રેન્ડ તેમનો ચેરમેન. સૈન્ય ટુકડી બોલાવાઈ અને તેને પ્લેગ ડયુટીમાં લગાડવામાં આવી.

સૈનિકો ગમે ત્યારે ગમે તેના ઘરમાં ઘૂસી જતા અને ઘરની ઝડતી લેતા. પૂજાઘરમાં કે રસોડામાં બૂટ પહેરીને ઘૂસી જતા. બંદૂકની અણીએ તલાશી લેતા. હિંદુ માન્યતા પ્રમાણે પૂજા ઘરમાં અને રસોડામાં ચંપલ પહેરીને ન જવાય. આથી સૈનિકોનું આ વર્તન જનતાને ખૂંચતું. સૈનિકો શંકાસ્પદ જણાય તેને બધાની સામે કપડાં ઉતારવાનું કહેતા. જેથી તેમના શરીરમાં ક્યાંય પ્લેગના ચીહ્નો છે કે નહીં તે જોઈ શકાય. બહાનું પ્લેગનું હતું. તેના નામે એ સૈનિકો બધું જ કરતા. હપ્તાખોરી, લૂંટ, બળાત્કાર બધું જ. (ત્યારે ગેરકાયદે પાન-માવા વેચ્યા હતા કે તેના વેચાણમાં સૈનિકો પોતાનો ભાગ રખાવતા એ વિશે કોઈ વિગતો મળતી નથી!)

પ્લેગના દરદીઓનું મૃત્યુ ચોપડે ન નોંધાય ત્યાં સુધી તેમના અગ્નિ સંસ્કાર ગેરકાયદે જાહેર કરી દેવાયા. પ્લેગના દરદીઓના અગ્નિ સંસ્કાર માટે શહેરથી દૂર આઘે જગ્યા ફાળવવામાં આવી. જે ઘરમાંથી પ્લેગનો દરદી મળી આવે તેનું આખું ઘર નષ્ટ કરી નાખવામાં 

આવતું હતું. અર્થાત તમારા ઘરમાં કોઈને પ્લેગ થાય તો તમારી બધી સંપત્તિ સ્વાહા થઈ જાય. તેને સૈનિકો ચાઉ કરી જાય તોય તમે કંઈ બોલી શકો નહીં. આવો જુલમ વેઠીને લોકો અંદરથી સમસમી ગયા હતા, કિંતુ અંગ્રેજો સામે બોલી શકતા નહોતા.

પુણેના તત્કાલીન રાજકીય નેતા ગોપાલકૃષ્ણ ગોખલે અને બાળગંગાધર તિલકે નોંધ્યું કે અંગ્રોજી પ્રશાસન ખૂબ કડક હાથે અને આક્રમકતાથી કામ લઈ રહ્યું હતું. તિલકે રેન્ડને  શંકાસ્પદ, અતડા અને જુલમી અધિકારી ગણાવ્યા. ગોખલેએ નોંધ્યું કે, સૈનિકોએ બે મહિલા પર બળાત્કાર કર્યા છે. તેમાંની એક મહિલાએ આપઘાત કરી લીધો છે.

અંગ્રેજી હકૂમતના સૈનિકો દ્વારા કરાતો અત્યાચાર કરીને દામોદર હરિ ચાપેકર, બાલકૃષ્ણ હરિ ચાપેકર અને વાસુદેવ હરિ ચાપેકર આ ત્રણે ભાઈઓનું લોહી ઉકળી ઊઠયું. એક સમયે તેમનો પરિવાર ખૂબ ધનાઢ્ય હતો. દાદાને ધંધામાં નુકસાન થતા ગરીબ થઈ ગયા. પિતા ગાયક હતા અને આ ત્રણેય ભાઈઓ પણ તેમની સાથે ગાવા જતા.  તેમણે તેમણે તિલક અને ગોખલેની જેમ પદ્ધતિસરનું શિક્ષણ લીધું નહોતું. દામોદર ચાપેકર તો એમ જ માનતા કે અંગ્રેજી શિક્ષણ આપણી સંસ્કૃતિ ભુલાવીને ધર્માંતરણ કરવાનું ષડયંત્ર છે. તેઓ તિલકના તેજાબી વિચારોથી પ્રભાવિત હતા.

૨૨મી જૂન ૧૮૯૭ના રોજ લંડનમાં મહારાણી વિક્ટોરિયાની હીરક જયંતી નિમિત્તે ભવ્ય સરઘસ યોજાયું. તેમાં મોટી સંખ્યામાં બ્રિટનવાસીઓ જોડાયેલા. કીડી ખાંડના દાણા તરફ આકર્ષાય એમ બધાને તેનો શાહી ઠાઠ આકર્ષી રહ્યો હતો. દુનિયાના અનેક દેશોએ રાણીના સન્માનમાં તેમના સૈનિકો મોકલ્યા હતા, જે આ સરઘસની શોભા હતા. આ બાજુ પુણેના ગવર્નમેન્ટ હાઉસમાં પણ રાણીની હીરક જયંતીના માનમાં ભવ્ય ઉજવણી ચાલી રહી હતી. શહેરનો એલિટ વર્ગ એ સાંધ્ય સેલિબ્રેશનમાં સામેલ થયો હતો.

આ બાજુ ચાપેકર બંધુ કોઈ મોટી તૈયારી કરીને બેઠા હતા. સમારોહ પૂરો થયો અને ઘોડાગાડીઓ ઘર તરફ રવાના થઈ. એક ઘોડાગાડીમાં વોલ્ટર રેન્ડ બેઠા હતા અને બીજીમાં લેફ્ટિનન્ટ આયર્સ્ટ તેમને એસ્કોર્ટ કરી રહ્યા હતા. બંને ઘોડાગાડીઓ ગણેશખિંડ રોડ (આજના સેનાપતિ બાપત રોડ) પર દોડી રહી હતી. વર્તમાન પુણેનો આ મુખ્ય વિસ્તાર ગણાય છે. રસ્તાની બંને બાજુ ઝાડની હારમાળા હતી. તેની પાછળ છુપાયેલા હતા ચાપેકર ભાઈઓ. જેવી ઘોડાગાડી નજીક આવી કે દામોદર ચાપેકરે બૂમ પાડી, ગોંદ્યા આલા રે. 

બાલકૃષ્ણ ઝાડ પાછળથી બહાર આવ્યો  અને ઘોડાગાડી પાછળ દોડવા લાગ્યો. એક ઘોડાગાડી પર ચડીને અંદર બેઠેલાને ઠાર કરી દીધો. તેનાથી ભૂલ થઈ ગઈ હતી. એ રેન્ડ નહીં, પણ તેનો લેફ્ટિનન્ટ આયર્સ્ટ હતો. વાસુદેવ ચાપેકર બીજી ઘોડાગાડી પાછળ દોડી રહ્યા હતા. દામોદર પણ તેમની સાથે જોડાયા. તેઓ ઘોડાગાડીની આગળ નીકળી ગયા અને બાદમાં પડદો ઉઠાવી અંદર બેઠેલી વ્યક્તિને ગોળી ધરબી દીધી. આ વખતે તીર નિશાના પર લાગ્યું હતું.

જલ્લાદ આઇસીએસ રેન્ડની હત્યા કરવાનું તેમનું ષડયંત્ર સફળ થઈ ગયું હતું. પ્લેગના નામે આ રીતે જનતા પર અત્યાચાર આચરી રહેલા અધિકારીનો વધ કરીને તેમણે હજારો પુણેવાસીઓની પીડાને શાતા આપી હતી.

દામોદરની તરત જ ધરપકડ થઈ ગઈ. ચાપેકરના પરિચિત દ્રવિડ બંધુઓએ અંગ્રેજોને તેમની બાતમી આપેલી. ૧૮મી એપ્રિલ ૧૮૯૯માં દામોદરને ફાંસી આપી દેવાઈ. છુપાતા ફરતા બાલકૃષ્ણ ચાપેકરની ધરપકડ જાન્યુઆરી ૧૮૯૯ના થઈ. તેમની બાતમી પણ એક મિત્રએ જ આપી હતી. 

વાસુદેવ ચાપેકર, મહાદેવ રાનડે અને અને ખાંડો વિષ્ણુ સાથેએ દ્રવિડ બંધુઓની હત્યા કરી. વાસુદેવ ચાપેકર, મહાદેવ રાનડે અને ખાંડો વિષ્ણુ સાથેની પણ ધરપકડ થઈ. સાથે સગીર હોવાથી તેને ૧૦ વર્ષની જેલની સજા કરવામાં આવી અને બાકીના ત્રણેને મે ૧૮૯૯માં બબ્બે દિવસના  અંતરે ફાંસી અપાઈ.

તેમનામાંથી પછી તો કેટલાય ક્રાંતિકારીઓએ પ્રેરણા લીધી. ઉધમસિંહે માઇકલ ઓડ્વેરની હત્યા કરી, ભગતસિંહે જૉન સોન્ડર્સની હત્યા કરી. ચાપેકર બંધુઓને ભારતનો ઈતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં. વીર દામોદર સાવરકરે ચાપેકર બંધુઓ પર કવિતા લખેલી અને તે વાંચતા તેઓ આખી રાત રડેલા. ચાપેકર બંધુઓ શાસકો દ્વારા જનતા પર કરાતા અત્યાચાર સામે ઊઠેલા વિદ્રોહનું પ્રતીક છે.

મહાત્મા ગાંધીની અહિંસક લડતને જેવીરીતે દેશવાસીઓ સલામ કરે છે એ જ રીતે હિંસક આંદોલનકારીઓની શહાદત પણ આપણા હૃદયમાં શિલાલેખની જેમ કોતરાયેલી છે. આ શિલાલેખ કાળાતીત છે. અમીટ છે.

જીકે જંકશન

- ફ્રાંસ શબ્દની ઉત્પત્તિ ફ્રાંસવા શબ્દ પરથી થઈ છે. તેનો અર્થ થાય છે ફ્રેન્ક જમીન અને સામ્રાજ્ય. વિસ્તારની દૃષ્ટિએ ફ્રાંસ યુરોપનો સૌથી મોટો દેશ છે. તેનું ક્ષેત્રફળ ૨,૪૮,૫૭૩ મીટર વર્ગ છે. આમાં ફ્રેન્ચ ગુયાના બીચ, બુર્દેલો, મયોટ્ટ અને રીયુનિયન આઇલેન્ડનો પણ સમાવેશ થાય છે.

- ફ્રાંસનું સૌથી ઊંચું શિખર છે મોન્ટ બ્લાન્ક. તે યુરોપનું પણ સર્વોચ્ચ શિખર છે. તેની ઊંચાઈ ૧૫,૭૭૧ ફુટ છે. ફ્રાંસમાં જે પરિવાર તેના બાળકોને ગૌરવ સાથે અને સફળતાપૂર્વક મોટા કરે છે તેમને સરકાર લા ફેમિલી ફ્રાંસ અવોર્ડ આપે છે. 

- આખા પેરિસ શહેરમાં કેવળ એક જ સ્ટોપ સિગ્નલ છે. ફાંસમાં દર પાંચમાંથી એક વ્યક્તિ ડિપ્રેશનથી પીડિત છે. ફ્રાંસમાં ડિપ્રેસ્ડ લોકોની સંખ્યા દુનિયામાં સૌથી ઝાઝી છે.  ફ્રાંસના લોકો સૌથી વધુ સેક્સ માણે છે. ફ્રાંસમાં કોઈ પણ વ્યક્તિ મૃતક સાથે પણ કાયદેસર લગ્ન કરી શકે છે.

- જીન દુજર્દીન એક માત્ર ફ્રેન્ચ એક્ટર છે જેને ૨૦૧૧માં ધ આર્ટીસ્ટ ફિલ્મમાં અભિનય કરવા બદલ બેસ્ટ એક્ટરનો એકેડમી અવોર્ડ આપવામાં આવ્યો હતો. તે યુએનની સુરક્ષા સમિતિનું કાયમી સભ્ય છે. ત્યાંના નાગરિકોનું અપેક્ષિત આયુષ્ય યુરોપિયન યુનિયનના દેશોમાં સર્વાધિક છે. 

- ૧૯૯૮નો સોકર વર્લ્ડકપ ફ્રાંસમાં આજ સુધીમાં યોજાયેલો સૌથી મોટો ખેલ મહોત્સવ છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ચાર્લ્સ દ ગોલની હત્યાના ૩૨ વખત પ્રયત્નો થયા હતા અને દરેક વખતે તેઓ બચી નીકળ્યા. આ માટે તેમનું નામ ગિનેસ બુકમાં નોંધાયેલું છે.

- ડિજિટલ ઘડિયાળ, હોટ એર બલૂન, પેરાશૂટ, બ્રેઇલ લિપિ, નકલી માખણ, ગ્રાં પ્રી રેસિંગ અને સાર્વજનિક ઇન્ટરેક્ટિવ કોમ્પ્યુટરનું શોધક ફ્રાંસ છે.

આજની નવી જોક

છગન (લીલીને): તું માસ્ક કેમ નથી પહેરતી?

લીલીઃ પછી તમને ખબર કેમ પડશે કે હું મોં ફુલાવીને ફરી રહી છું.

છગનઃ હેં!?

Tags :