સિંધુ ખીણની સભ્યતાના લોકો ઈરાન અને અફઘાનિસ્તાન સાથે વેપાર કરતા
- રાજસ્થાનના પ્રાચીન નગરમાંથી કાળી બંગળીઓ મળતા નામ પડયું કાલીબંગા
પ્રાચીન ભારત (લેખાંક-૪)
- મિસરના લોકો જેમ નાઇલની દેવી આઇસીસની પૂજા કરતા તેમ હડપ્પીય સભ્યતાના નિવાસીઓ ધરતીની પૂજા કરતા
ધીમે-ધીમે માણસ સુઘડ બનવા લાગ્યો. તેના જીવનમાં વિજ્ઞાાન આવ્યું, વ્યવસ્થા આવી. પરિણામે સભ્યતા અસ્તિત્ત્વમાં આવી. ભારતમાં સર્વપ્રથમ જો કોઈ મહાન સભ્યતા અસ્તિત્ત્વમાં આવી હોય તો તે સિંધુ ખીણની સભ્યતા. ૧૯૨૧માં પશ્ચિમ પંજાબ પ્રાંતમાં (જે હવે પાકિસ્તાનમાં છે) એક પ્રાચીન શહેર મળી આવ્યું, જેનું નામ હડપ્પા. સિંધુ ખીણની સભ્યતામાં અનેક નગરો હતા, પણ આ સભ્યતા હડપ્પીય સભ્યતા તરીકે એટલા માટે કહેવાય છે કેમ કે સૌથી પહેલ-વહેલું મળી આવેલું નગર તે હતું.
હડપ્પાની સાઇટ પશ્ચિમ પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલી છે. સિંધુ ખીણની સભ્યતા પશ્ચિમ ભારતથી ઉત્તર ભારત લગી વિસ્તરેલી હતી. હરિયાણા, પંજાબ, સિંધ, રાજસ્થાન,ગુજરાત, બલૂચિસ્તાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ. સિંધુ ખીણની સંસ્કૃતિ વિસ્તારની દૃષ્ટિએ મેસોપોટામિયાની સંસ્કૃતિ કરતા પણ મોટી હતી. હડપ્પા સભ્યતા જ્યારે અસ્તિત્ત્વમાં હતી ત્યારે આખી પૃથ્વી પર તેના જેવડી બીજી કોઈ સભ્યતા નહોતી.
નગરની ચારેબાજુ દીવાલો ચણીને કિલ્લેબંધી કરવામાં આવતી. આ દીવાલોમાં પકાવેલી ઈંટનો ઉપયોગ થતો. મિસરની સંસ્કૃતિનું સિંચન જેવી રીતે નાઇલ નદીએ કર્યું એવી જ રીતે સિંધુ ખીણની સંસ્કૃતિ સિંધુ નદી તથા તેની પેટા નદીઓના કાંઠે ઊગી નીકળી.
હડપ્પાના ટેકરાનો સૌપ્રથમ ઉલ્લેખ ચાર્લ્સ મેસને કરેલો. ૧૮૨૧માં દયારામ સાહનીએ હડપ્પા સભ્યતાની શોધ કરી. ૧૮૨૨માં રાખલદાસ બેનરજીએ બે સ્થળોએ ખનન કરતા ભવ્ય પુરાતન નગર મળી આવ્યું. આ સભ્યતા ઇ. પૂ.૪૦૦૦ની આસપાસની હોવાનું અનુમાન લગાવાયું. તે વેદકાલીન સભ્યતા કરતા પણ પ્રાચીન હતી.
હડપ્પીય સભ્યતાનું નિર્માણ કોણે કર્યું હતું તે વિશે મત-મતાંતર છે. વિદ્વાનોનો એક વર્ગ એવું માને છે કે આર્યોએ આ સભ્યતા રચી. બીજો વર્ગ કહે છે દ્રવિડોએ. બીજો વર્ગ એવી દલીલ કરે છે કે વૈદિક સભ્યતા આર્યોની હતી. વૈદિક સભ્યતા અને હડપ્પીય સભ્યતા વચ્ચે એટલું બધું અંતર છે કે તે બંને કોઈ એકે રચી હોવાનું ગળે ઊતરી શકે નહીં. ત્રીજું જૂથ એમ કહે છે કે હડપ્પીય સભ્યતાના લોકો સુમેરિયન જાતિના હતા. ચોથું એમ કહે છે કે વેદોમાં જેને અસુર કહેવામાં આવ્યા છે તેઓ જ હતા હડપ્પીય સભ્યતાના નિર્માતા.
હડપ્પીય સભ્યતાના નિવાસીઓ દ્રવિડ હોવાનું અનુમાન વધુ નિકટવર્તી એટલા માટે પ્રતિત થાય છે કેમ કે દ્રવિડોના આભૂષણો તેમજ વાસણો અને હડપ્પીય સંસ્કૃતિના નિવાસીઓના આભૂષણો તથા વાસણો એકબીજા સાથે મળતા આવે છે. ખોદકામ દરમિયાન જે હાડકાં મળ્યા છે તે વિભિન્ન જાતિના હતા. આથી અંતે એવા તારણ પર પહોંચાય છે કે હડપ્પીય લોકો મિશ્ર જાતિના હતા.
ઇ. પૂ. ૩૫૦૦માં સિંધુ ખીણની સંસ્કૃતિની આધારશીલા મુકાઈ. ઘણા વિદ્વાનો હડપ્પા કાલીન સભ્યતાને ૭,૦૦૦થી ૮,૦૦૦ વર્ષ જૂની પણ માને છે. તેને કુલ ત્રણ તબક્કામાં વહેચવામાં આવી છે. ૧) પ્રારંભિક કાળ (ઇ.પૂ.૩૫૦૦થી ઇ.પૂ.૨૮૦૦), ૨) મધ્ય કાળ (ઇ.પૂ.૨૮૦૦થી ઇ.પૂ.૨૨૦૦) અને ૩) ઉત્તર કાળ (ઇ.પૂ.૨૨૦૦થી ઈ.પૂ.૧૫૦૦). આ સભ્યતાના લોકો તાંબાને બદલે કાંસાનો ઉપયોગ કરતા હતા. આથી તે કાસ્ય કાલીન સભ્યતા કહેવાઈ.
પરિવહન વધારે સુગમ બન્યું હતું. બળદગાડા અને નૌકાનો ઉપયોગ થતો. અરબ સાગરમાં નૌકાઓ ચાલતી. વિદેશ વ્યાપાર પણ થતો. સોના, ચાંદી અહીં બનતા નહોતા. અફઘાનિસ્તાન તથા ઈરાનથી મંગાવાતા. હડપ્પાવાસીઓ તાંબુ રાજસ્થાનથી મંગાવતા. શંખ અને છીપલા કાઠીયાવાડના દરિયાકાંઠેથી તથા દેવદારનું લાકડું હિમાલયમાંથી પ્રાપ્ત કરતા હતા.
મેસોપોટામિયાના દજલા અને ફરાતથી હડપ્પીય યુગની છાપ મળી છે. તેનો અર્થ એ થયો કે એ સમયે ભારતના લોકોને ઈરાન સાથે વ્યાપારી સંબંધો હતા. મેસોપોટામિયાથી શ્રુંગારના સાધનો ભારતમાં આવતા, જેનો ઉપયોગ હડપ્પીય સંસ્કૃતિના લોકો કરતા. મેસોપોટામિયાના ઇ.પૂ.૨૩૫૦ આસપાસના શીલાલેખો પર લખ્યું છે કે તેમને મેલુહા સાથે વ્યાપારી સંબંધો હતા. મેલુહા સિંધ પ્રદેશનું પ્રાચીન નામ હોવાનું અનુમાન છે.
પશ્ચિમ પંજાબ સ્થિત હડપ્પા પછી સૌથી મહત્ત્વનું નગર હતું, સિંધ પ્રાન્તનું મોહન જો ડેરો. તેને મોહેં જો ડેરો પણ લખાય છે. (પ્રથમ બંને જોડણી ભગવદ્ગોમંડળ પ્રમાણે છે. મોહેનજોદડો હિંદીમાં લખાય છે.) ત્રીજું મહત્ત્વનું નગર ચહુન્દડો. ચોથું મહત્ત્વનું નગર ખંભાતની ખાડી સમીપ આવેલું લોથલ. પાંચમું રાજસ્થાનમાં આવેલું કાલીબંગા, છઠ્ઠું હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલું બનવાલી. કાલીબંગા અને બનવાલીમાં હડપ્પીય સભ્યતાના પ્રારંભિક કાળના દર્શન થાય છે. સુત્કાંડગોર અને સુરકોટડામાં મધ્યકાળની નગર રચના જોવા મળે છે. કાઠીયાવાડના રંગપુર અને રોજડી તથા કચ્છમાં ધોળાવીરા ખાતે સિંધુ ખીણની સંસ્કૃતિના ઉત્તર કાળનો અણસાર મળે છે.
હડપ્પા નગરની વિશેષતા શી? કાંસુ, માટી અને તાંબાના સાધનો, પકાવેલી ઈંટો, અલગ અલગ આકારની છાપ, તાંબાની બનેલી ઇક્કાગાડી (યાને એક ઘોડા વડે ચાલતી ઘોડાગાડી). મોહેં જો ડેરોમાંથી સ્ત્રીઓની મૂર્તિ વધુ મળી છે જ્યારે હડપ્પા ખાતેથી પુરુષોની મૂર્તિ અધિક મળી આવી છે.
મોહન જો ડેરો ગુજરાતીમાં સાચી રીતે કેમ લખાય તે તો આપણે જોયું, પણ તેનો સાચો અર્થ શો? મોહન જો ડેરો એટલે મરેલાઓનો ઢગલો. મૂળે આ સિંધી શબ્દ છે. રાખલદાસ બેનરજીએ ૧૯૨૨માં તેની શોધ કરી હતી. એ જમાનામાં અહીં સ્વિમિંગપુલની સુવિધા હતી. અન્નનો કોઠાર હતો. સભાગૃહ હતું. તદુપરાંત નગ્ન નૃત્યાંગનાની કાંસાની પ્રતિમા મળી આવી છે.
રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં આવેલી કાલીબંગા સાઇટ ખાતેથી ખેડાયેલા ખેતરો મળી આવ્યા છે. હડપ્પીય યુગમાં અન્ય એકેય શહેરમાં આ રીતે ખેતી થતી નહોતી. મણકાનું કારખાનું બનતું. બીજા નગરોની જેમ અહીં પણ સ્વિમિંગપૂલ, અન્નાગાર અને સભા ગૃહ મળી આવે છે. મેસોપોટામિયાની જેમ હડપ્પીય સભ્યતાના લોકોએ પણ લેખનકળા વિકસાવી હતી. લેખના અવશેષો અહીંથી મળ્યા છે.
હડપ્પા લિપિ જમણેથી ડાબે લખાતી હતી. ઉર્દૂની જેમ. જોકે આ લિપિ હજુ સુધી ઉકેલી શકાઈ નથી. માટીથી બનેલી અને આગમાં પકાવેલી બંગળીના અવશેષો મળ્યા છે. કાળા રંગની બંગળી પરથી જ આ સાઇટનું નામ કાલીબંગા રાખવામાં આવ્યું.
લોથલ સિંધુ સભ્યતાનું વ્યાપારિક કેન્દ્ર હતું. ૧૯૫૪માં એસ. આર. રાવે તે શોધી કાઢ્યું હતું. તે અમદાવાદથી ૮૦ કિ.મી. દૂર આવેલું છે. તે હડપ્પા યુગનું મહત્ત્વનું વ્યાપારી બંદર હતું. ત્યાંથી વજનિયાં મળી આવ્યાં છે. ૨૧૪ મીટર બાય ૩૬ મીટર બાય ૩.૩ મીટરનું ડોકયાર્ડ મળ્યું છે.
હડપ્પા યુગની સભ્યતા તેની નગર રચના માટે વખણાય છે. શાસકો અન્ય નગરજનોથી અલગ કિલ્લામાં રહેતા. સડકો ઉત્તર-દક્ષિણ અથવા પૂર્વ-પશ્ચિમ દિશામાં એકમેકને કાટખૂણે કાપતી પસાર થતી હતી. મુખ્ય માર્ગ ૩૩ ફૂટ પહોળો રહેતો. મકાન પણ કાટખૂણે જ બનતા. તે બનાવવા પકાવેલી ઈંટનો ઉપયોગ થતો. બે અથવા બેથી વધુ માળના મકાનો બનતા. કૂવામાંથી પાણી મેળવાતું. મોહન જો ડેરોમાં અનાજનો સૌથી મોટો કોઠાર આવેલો છે. સ્નાનાગારોને કૂવાના પાણીથી ભરવામાં આવતા. તેને ભરવા અને ખાલી કરવા માટે નળ રહેતા.
હડપ્પા યુગીન નગરોમાં સૌથી વધુ પ્રભાવિત કરનારી કોઈ બાબત હોય તો તે તેની જળ નિષ્કાસન પ્રણાલી. ઘરની પાણી બહાર ગટરમાં જતું અને ગટરનું પાણી મોટી ગટરમાં. ગટર સડકની વચ્ચોવચ રહેતી. તેને ઇંટ અને પથ્થરથી ઢાંકવામાં આવતી.
ઇંટોને એકબીજા સાથે જોડવા ચૂનાવાળી માટીનો ઉપયોગ થતો. ગંદુ પાણી બહાર કાઢવા માટીના પાઇપનો ઉપયોગ થતો. દરેક ઘરમાં રસોડું અને બાથરૂમ પણ બનાવાતાં. હડપ્પા યુગના લોકો જેટલું સ્વચ્છતાને મહત્ત્વ આપતા એટલું ભાગ્યે જ બીજા કોઈએ આપ્યું હશે.
નગરની ફરતે કિલ્લેબંધી કરવામાં આવતી તેના બે ફાયદા હતા. ૧) પૂર સામે રક્ષણ મળતું અને ૨) શત્રુઓ સામે. લોકોમાં સમાનતાની ભાવના હતી. શાસન પ્રણાલી લોકતાંત્રિક હોવાનો અંદાજ મળે છે. વૈદિક સભ્યતા ગ્રામીણ હતી, હડપ્પા સભ્યતા નગર સંસ્કૃતિ હતી. સમાનતાની ભાવના હોવા છતાં ધનિક અને ગરીબ એવા બે વર્ગ ચોક્કસ હતા. સમાજમાં સ્ત્રી પુરુષનું મહત્ત્વ એકસમાન હતું. પડદા પ્રથા નહોતી. લોકો માતૃદેવીની પૂજા કરતા. આંખ કાનના રોગ મટાડવા માછલાનાં હાડકાંનો ઉપયોગ કરતા. હરણનાં શીંગડાં, મૂંગા તથા લીંબડાના પાનનો ઉપયોગ પણ ઔષધ તરીકે થતો.
હડપ્પા સભ્યતાના લોકો આર્થિક રીતે સદ્ધર હતા. ખેતી, વ્યાપાર અને ઉત્પાદન ત્રણે ક્ષેત્રોમાં કામ કરતા. ચોમાસું પૂરું થાય એટલે નદી કિનારાના મેદાનોમાં ખેતી થતી. ઘઉં, જવ, રાઈ, વટાણા ઉગાડાતા. બનવાલીમાં તલ અને સરસવ ઉગાડાતાં. લોથલમાં ચોખા ખવાતા હતા. ખેડૂતો પાસેથી ટેક્સ રૂપે અનાજ વસૂલવામાં આવતું હતું. પૃથ્વીના પટ પર હડપ્પા સભ્યતાના લોકોએ જ સૌથી પહેલી વખત કપાસની ખેતી કરી. યુનાનીઓએ કપાસને સિન્ડોન નામ આપેલું. તેની વ્યુપત્તિ સિંધુ શબ્દ પરથી થયેલી.
તેમણે હજુ ઊંટ નહોતું પાળ્યું. માત્ર સુરકોટડાના નિવાસીઓએ ઘોડા પાળેલા. તેમના ઓજાર પણ કાંસાના રહેતા. છરી, કુહાડી, આરી. લંબાઈ માપવા માટે ફૂટના માપનો ઉપયોગ થતો. તેઓ દ્વિશક્તિમાં વિશ્વાસ કરતા. પરમ પુરુષ શક્તિ અને પરમ સ્ત્રી શક્તિ. આ રીતે પાર્વતી અને પરમેશ્વરના દર્શન અહીંથી જ પ્રાપ્ત થયું હોવું જોઈએ.
એક એવી છાપ મળી આવી છે જેના પર ત્રણ મુખ અને મોટા શીંગડાવાળા દેવતાનું ચિત્ર દોરેલું છે. તેઓ સિંહાસન પર બિરાજમાન છે અને યોગમુદ્રામાં લીન છે. પગ પર પગ ચડાવીને બેઠા છે. તેમની ફરતે એક હાથી, એક વાઘ અને એક ગેંડો છે. સિંઘાસનની નીચે ભેંસ ઊભેલી છે. પગ નીચે બે હરણ છે. આ ચિત્ર પશુપતિનાથનું હોવાનું પ્રતિત થાય છે.
આવી જ રીતે એક મહાદેવીનું પણ ચિત્ર મળે છે. સિંધુ ખીણના લોકો પ્રજનન શક્તિની ઉપાસના કરતા હતા. કાળાંતરે લિંગપૂજા હિંદુ સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગઈ. ઋગવેદમાં એવા આર્યેતર લોકોનો ઉલ્લેખ છે જેઓ લિંગ પૂજા કરતા. હડપ્પા સંસ્કૃતિના લોકો મૂર્તિપૂજક હતા. એક એવી દેવીની મૂર્તિ મળી છે જેના ગર્ભમાંથી છોડ નીકળી રહ્યો છે. આ ધરતી દેવી છે.
જેવી રીતે મિસરની સંસ્કૃતિના લોકો નાઇલ નદીની દેવી આઇસીસની પૂજા કરતા એવી રીતે હડપ્પા સંસ્કૃતિના લોકો ધરતી દેવીને પૂજતા હતા. ધરતીને ફળદ્રુપતાની દેવી માનતા. લોકો સૂર્ય, અગ્નિ તથા જળની પણ પૂજા કરતા. વૃક્ષોની પૂજા કરતા. મળી આવેલી એક છાપમાં પીપળાના પાંદડામાં દેવતાની તસવીર દર્શાવવામાં આવી છે. કૃષ્ણ ગીતામાં કહે છે વૃક્ષોમાં હું પીપળો છું. પીપળો અને તુલસી હિંદુ સંસ્કૃતિમાં પવિત્ર મનાય છે. (ક્રમશઃ)
આજની નવી જોક
છગનઃ આજના પેપરમાં આવ્યું છે કે એક છોકરો છ મહિના બાદ કોમામાંથી બહાર આવ્યો.
મગનઃ ઓહો! કેવી રીતે?
છગનઃ ગર્લફ્રેન્ડે તેનો મોબાઇલ ટચ કર્યો.
મગનઃ હેં!?