Get The App

વિદેશ ગયેલા ભારત આવે એનો વિરોધ નહીં, મજૂરો વતન જાય એનો વિરોધ

- સામંતો કહે છે અમારી ફેક્ટરીમાં કામ કોણ કરશે!?

Updated: May 8th, 2020

GS TEAM

Google News
Google News
વિદેશ ગયેલા ભારત આવે એનો વિરોધ નહીં, મજૂરો વતન જાય એનો વિરોધ 1 - image


વાંક કોનો?

- શાસકોની ભૂલ હોય ત્યાં પણ તેમની વાહવાહ કરવાનું જે કલ્ચર વિકસ્યું છે તેના કારણે જ આટલી બરબાદી થઈ

- ચીનની જનતા પણ હવે સવાલ કરવા લાગી છે, જોકે ચીન સર્વેલન્સ સ્ટેટ હોવાથી ટીકાકારોના મોં બંધ કરવામાં સફળ

મજૂરો તેમના વતન પાછા ગયા તો સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ્સ ફરતી થઈ કે આ લોકો જતા રહેશે તો આપણે ત્યાં કામ કોણ કરશે? મતલબ, લોકડાઉનમાં પૈસા દેવા નથી, નિયમ પ્રમાણે વેતન ન દેવું પડે એટલા માટે તેમને ક્યારેય ઑન ચોપડે રાખ્યા નથી. ને હવે જ્યારે તેઓ પૈસા, અનાજ ખૂટતા વતન જવા અધીરા બન્યા તો સમાજનો ઉમરાવ વર્ગ દલીલ કરે છે કે આ લોકો જતા રહેશે તો આપણી ફેક્ટરીમાં, આપણા ખેતરોમાં, આપણી મીલોમાં કામ કોણ કરશે? પાકિસ્તાનના દલિતોને જ્યારે હિંદુસ્તાન મોકલવાની વાત ચાલી ત્યારે પાકિસ્તાનના એક નેતાએ એવી દલીલ કરેલી કે આ લોકો જતા રહેશે તો આપણા સંડાસ કોણ સાફ કરશે?

જેટલી હલકી વાત પાકિસ્તાનના નેતાએ કરેલી એટલી જ હલકી વાત અત્યારે ભારતનો એક વર્ગ કરી રહ્યો છે. દેશનો ધનિક માત્ર ખરાબ છે એવી વાત નથી. ઘણા શેઠિયા મનથી પણ ધનવાન છે. તેમણે તેમના કર્મચારીઓને કે ઇવન શ્રમિકોને છુટ્ટા નથી કર્યા. તેમના દાણાપાણીનું ધ્યાન રાખ્યું છે. ને એવાય કેટલાય મજૂર છે જેમને અહીં બધું મળતું હોવા છતાં વતનના મોહવશ વતન જતા રહ્યા છે. તેઓય ખોટા નથી. મોત માથે ઘૂમરા મારતું હોય ત્યારે ઘરે જતા રહેવાની લાગણી થવી સ્વાભાવિક છે. કેમ? એનઆરઆઈઝ દોડી દોડીને ભારત ન આવી ગયા?

 જ્યારે મોતનો પડછાયો શેરીમાં આંટા મારતો હોય ત્યારે દરેકને પોતાનું વતન યાદ આવે એ હ્યુમન સાયકોલોજી છે. જેમના બાળકો અમેરિકા ભણે છે અથવા જેમના મોભીઓ કમાવા માટે વિદેશ ગયા છે તેમણે તેમને પાછા તેડાવી લેવા માટે આકાશ પાતળ એક કર્યા જ છે. મોટા ભાગના મજૂરોને એટલે જ જવું પડયું કેમ કે તેમની પાસે ન તો રોજી હતી, ન રોટી. તેમને ઉપમનુષ્ય ગણવાની આપણી માનસિકતા કોરોનાએ ખુલ્લી પાડી છે. આ માટે કોરોના અભિનંદનનો અધિકારી છે.

૧૯૧૧માં ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિટિશ ઇંડિયામાં એક ખરડો લઈને આવ્યા ત્યારે સૌથી વધુ વિરોધ ભારતના એલિટ ક્લાસે જ કરેલો. ખરડો એવો હતો કે મજૂરોના સંતાનો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરવું.  ભારતના જમીનદાર વર્ગે અરજી મોકલી આ કાયદાનો વિરોધ કર્યો. તેમની અરજીમાં લખ્યું હતું, મજૂરોના છોકરાવ જો ભણશે તો અમારે ત્યાં મજૂરી કોણ કરશે? આ વર્ગમાંથી ઘણા લોકો આજે બદલાઈ ચૂક્યા છે, પણ હજીય એક નાનકડો વર્ગ એવોને એવો છે. તેઓ આજની તારીખેય નથી ઇચ્છતા કે રિક્ષાવાળાનો છકરો આઇએએસ બની જાય. તેઓ નથી ઇચ્છતા કે ફુગ્ગા વેચનારાનો છકરો આઇઆઇટીમાં જાય. તેઓ નથી ઇચ્છતા કે કોઈ રામબિહારીનો છોકરો ફેસબુક જેવી કંપની સ્થાપે. તેઓ ઇચ્છે છે કે બધું અમારા હાથમાં, અમારા સંતાનોના હાથમાં અને એક જ્ઞાાતિવિશેષના હાથમાં જ રહે. આ વર્ગ આમ તો ખુલ્લો પડેલો જ હતો. કોરોનાએ તેને વધુ એક વખત ખુલ્લો પાડયો. 

આ વર્ગ એટલે ગુજરાત મોડલનું બહુ મહત્ત્વનું અંગ. કોરોનાએ ગુજરાત મોડલનો પર્દાફાશ કરી દીધો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત બંને ઔદ્યોગિક રાજ્યો. ને આ જ બંને રાજ્યોમાં કોરોનાનો ઉપદ્રવ સર્વાધિક છે. તેણે આપણને સમજાવી દીધું છે કે ઔદ્યોગિક વિકાસ એ વિકાસનો કોઈ પરિમાણ નથી. ગુજરાત મોડલ વિશે વાત કરતા પહેલા વાત કરીએ એની જેના વાદે વાદે આ શબ્દ લાવવામાં આવ્યો.

મૂળ શબ્દ છે કેરળ મોડલ. તિરુવનંતપુરમ સ્થિત સેન્ટર ફોર ડેવલપમેન્ટ સ્ટડીઝના સંશોધકોએ કેરળના વિકાસનો અભ્યાસ કર્યો. તેને નામ આપ્યું, કેરાલા મોડલ. તેમાં બહાર આવ્યું કે વસ્તી, શિક્ષણ અને સ્વાસ્થ્ય વિષયક માપદંડોમાં કેરળ દુનિયાના ટોચના દેશની હરોળમાં બેસે છે. જનસંખ્યા વૃદ્ધિ, મહિલા શિક્ષણ અને નવજાત મૃત્યુદરમાં તો યુરોપ અને અમેરિકાના પણ કેટલાક વિસ્તારોને માત આપી રહ્યું હતું. 

ગુજરાતીઓની વિકાસની વ્યાખ્યા સાંકડી છે. આપણા માટે વિકાસ એટલે ૬ લેન હાઇવે અને ગગનચુંબી ઈમારતો. વિકસિત દેશો માટે વિકાસ એટલે તમારી તંદુરસ્તી, પોષણ, શિક્ષણ, દીર્ઘાયુષ્ય, ઓછું પ્રદૂષણ, ઓછો નવજાત મૃત્યુદર, ઓછો માતા મૃત્યુ દર, બાળકોનો વિકાસ, ડોક્ટર્સની સંખ્યા, હૉસ્પિટલ બેડ્સની સંખ્યા, સ્વચ્છતા. આ બધા પેરામીટર્સને તેઓ વિકાસ કહે છે, ને આ જ સાચો વિકાસ છે. આપણા માટે આ વિકાસ નથી આવું નથી, પણ આમાંની ઘણી બધી બાબતોની તો આપણને દરકાર જ નથી ને જેની છે તેની છેલ્લા ક્રમે. આપણા માટે પહેલા ક્રમે આવે છે મારો સમાજ, મારો પૈસો, મારી ગાડી, આલીશાન બંગલો, ઊંચા બિલ્ડિંગ અને મોટા રોડ.

કેરળમાં જાતિ અને વર્ગની દીવાલો પણ ધ્વસ્ત થઈ ચૂકી છે. ૧૦૦ ટકા નહીં, પણ ૯૦ ટકા. મરકઝવાળા કેરળ પણ ગયા હતા, પણ તેમના પ્રશાસને હો ગોકીરો કર્યા વિના ચૂપચાપ તેમને ક્વોરન્ટાઇન કરી દીધા. આ લખાઈ રહ્યું છે ત્યારે કેરળમાં ૫૦૩ કેસ છે અને ચાર મૃત્યુ છે. જ્યારે અમદાવાદમાં ૪,૭૧૬ કેસ છે અને ૨૯૮ મોત.

મોદીસાહેબે ૨૦૦૭માં ગુજરાત મોડલ શબ્દ વહેતો કર્યો. તેમણે એવો દાવો કરેલો કે ગુજરાત મોડલ કેરળ મોડલ કરતા પણ વધારે સારું હશે. ગુજરાત મોડલનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ હતો, રોકાણકારોનું સુસ્વાગતમ્. કેરળ રોકાણકારોને આવકારતું નથી. જોકે આ બાબતને તેનો માઇનસ પોઇન્ટ એટલા માટે ન ગણી શકાય કેમ કે તેનો મોટા ભાગનો વિસ્તાર જંગલ છે. કેરળ કુદરતી સંપદાઓથી સમૃદ્ધ છે અને એ જ કારણથી તે ટુરિઝમ માટે આકર્ષણનું કેન્દ્ર.

ગુજરાત મોડલના સામે માઇનસ પોઇન્ટ પણ એટલા જ. સૌથી મોટો માઇનસ પોઇન્ટ એક હથ્થુ શાસન. બીજો માઇનસ પોઇન્ટ વર્ગ ભેદ. ત્રીજું, શિક્ષણ સંસ્થાઓની સ્વાયત્તા ખતમ, ચાથું, વ્યક્તિનો જયજયકાર, પાંચમું ટીકાકારોને વિલન ચીતરવા. ટીકાકારોને વિલન ચીતરવાને કારણે અને વખાણ કરવાનું કલ્ચર પ્રોત્સાહિત કરવાને કારણે એવું થયું કે જ્યાં ક્ષતિ હોય ત્યાં ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલની જ ભાવનાત્મક વાતો થતી રહી. આજે તે આપણને વ્યવસ્થાના અભાવ રૂપે ડંખી રહી છે. ક્યાં-ક્યાં ક્ષતિ છે અને ક્યાં-ક્યાં ઇમ્પ્રોવાઇઝેશનની જરૂર છે તેની આપણે ચર્ચા જ ન કરી.

કેરળે કોઈ દિવસ બેટી બચાવોના નારા લગાવતા રોડ શો અને રેલી નથી યોજ્યાં. તોય ત્યાં આજે ૧૦૦૦ પુરુષે ૧૦૭૦ સ્ત્રીઓ છે. જ્યારે આપણે? આપણે ત્યાં આજેય લિંગ પરીક્ષણ કરીને અબોર્શન કરાવનારાઓનો તોટો નથી. કેરળમાં કોરોના રોકવામાં મળેલી સફળતા માટે પી. વિજયનને ક્રેડિટ ન આપવા એમ કહેવામાં આવે છે કે ત્યાંની જનતા શિક્ષિત છે અને અહીં નથી. અરે?  ૧૯૯૫થી સરકાર તમારા હાથમાં છે. કેમ ગુજરાતને ૧૦૦ ટકા સાક્ષર ન બનાવી દીધું?

ગુજરાતમાં વર્ગભેદ કઈ રીતે છે? અમુક જ્ઞાાતિના લોકોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે. અમુક હદથી પૈસાદાર લોકોને વિશેષ ટ્રીટમેન્ટ મળે. એ વર્ગ બીજા કરતા સરકારની વધુ નજીક હોવાનો અહેસાસ કરે તે છે આપણું ગુજરાત મોડલ. એ મોડલને કારણે આજે આ અવદશા થઈ છે. આપણી સિસ્ટમમાં ખામી તો વર્ષોથી હતી, પણ આપણે ક્યારેય તેની ખુલ્લેઆમ ચર્ચા કરી જ નહીં. તેના કડવા ફળ આપણે આજે ખાઈ રહ્યા છીએ.

આજેય ગુજરાતમાં એવા હજારો વાહનો છે જેના પર નંબર પ્લેટ નથી. તેના પર એમએલએ લખ્યું હોય, નંબર પ્લેટ પર ૫૧૫૧ એવી રીતે લખ્યું હોય કે આપણને ડાડા વંચાય.  આ લોકોનું કોઈ કંઈ બગાડી લેતું નથી એ છે ગુજરાત મોડલ. બીજી બાજુ જેની પાસે પૈસા ખૂટી ગયા છે એ લોકો કામસર ઘરની બહાર નીકળે તો તેમને સુપર સ્પ્રેડર કહેવામાં આવે. આ છે ગુજરાત મોડલ. આની સજા અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ.

ભારતમાં એક વર્ગ એવો રહ્યો છે જેને હંમેશા શાસકો સાથે દોસ્તીનો શોખ રહ્યો છે. આપણે એટલા માટે સૈકાઓ સુધી અંગ્રેજોના ગુલામ રહ્યા કેમ કે એક વર્ગ અંગ્રેજો સાથે દોસ્તી કરીને બેઠો હતો. જેને અંગ્રેજો સામે લડવાનું હતું. ગાંધીજી ધારત તો શું અંગ્રેજો સાથે દોસ્તી કરીને ન બેસી શકત? તેઓ લડયા. તેમની સાથે જનતા પણ લડી એટલે આપણે આઝાદ થયા. જો આપણને વહેલો કોઈ સશક્ત નેતા મળ્યો હોત તો આપણે વહેલા આઝાદ થઈ શકત. ન એટલા માટે મળ્યો કેમ કે જેમણે આપણું નેતૃત્વ કરવાનું હતું તેઓ અંગ્રેજો સાથે દોસ્તી કરીને બેઠા હતા. આજે પણ એ જ સ્થિતિ છે. કેવળ ગોરાને બદલે આજે કાળા સત્તામાં છે એટલું જ. શાસકો સાથે મૈત્રી રાખી પોતાના અંગત લાભ રળતો આ વર્ગ શાસકોની જયજયકાર કરતો રહે છે અને કરાવતો રહે છે. જનતા બિચારી ભોગવતી રહે છે.

ઘણા મૂર્ધન્યો તો એવું લખે છે કે આપણો શાસક બહુ સારો માણસ છે. તેમની નિષ્ઠા પર શંકા ન કરી શકાય. બહુ કરી. ચરિત્રથી રાજકાજ ચાલે? નહેરું પણ સજ્જન હતા, પણ શું આપણે ચીન સામે તેમણે ખાધેલી થાપની ટીકા નથી કરતા? શાસક માટે સારું હોવું કે ખરાબ હોવું તે ગૌણ છે, મહત્ત્વનું એ છે કે તે કેવું શાસન આપે છે. આપણને આલા દરજ્જાનો એડમિનિસ્ટ્રેટર હોય, રાજ્યનો સંતુલિત વિકાસ કરી શકતો હોય તો તે એના અંગત જીવનમાં સારો હોય કે ખરાબ આપણે શું?

આ લોકોથી ચેતવા જેવું છે. ખોટેખોટી વાહવાહી કરતા રહેતા લોકોથી ચેતવા જેવું છે. એ રીતે પહેલા ગોરાઓની અને હવે કાળાઓની ગુલામી તરફ દોરી જતા લોકોથી ચેતવા જેવું છે. ચીનની હાલ જોઈએ તો બધું વધારે સારી રીતે સમજાઈ જાય છે. 

૧૯૮૯માં ચીનમાં મોંઘવારી ફાટીને ધુમાડે જતા વિદ્યાર્થીઓએ લોકશાહી તરફી આંદોલન કરતા ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓને મારી નાખી આંદોલન ચગદી નાખવામાં આવેલું. આજે જેમ દુનિયાભરમાંથી કોરોના વાઇરસ વિશે ચીનને સવાલ પુછાઈ રહ્યા છે તેમ ચીનમાંય પુછાઈ રહ્યા છે. ચીન શું કરી રહ્યું છે? સામ, દામ, દંડ, ભેદ થકી ટીકાકારોના મોઢા બંધ કરી રહ્યું છે. ચીન એક સર્વેલન્સ સ્ટેટ છે. ટેકનોલોજીના આધારે નાગરિકની દરેક હિલચાલ પર નજર રાખી શકે છે અને જરૂર પડે ત્યારે તેને પાઠ પણ ભણાવી શકે છે. ભારતમાં પણ આવું સર્વેલન્સ સ્ટેટ ઊભું ન થાય તે માટે જનતાએ પોતાના અધિકારની સાથોસાથ ટેકનોલોજી વિશે પણ જાગૃત બનવું પડે.

ભારતમાં કોરોના ફેલાતો અટકાવવા માટે એ જ કરવું જોઈએ જે દુનિયાના સફળ દેશો અને આપણું કેરળ રાજ્ય કરી રહ્યા છે. ૧) ભારતની વસ્તી જેટલી છે એ પ્રમાણે જોતા રોજના કમસેકમ પાંચથી ૧૦ લાખ ટેસ્ટ થવા જરૂરી. ૨) આર્થિક પ્રવૃત્તિ વિના લોકોને ભૂખે ન મરવા દેવાય. તેમને બહાર નીકળવા દો, પણ વ્યક્તિ જેવી બાર નીકળે એટલે તેને કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત. ટોલ નાકાની જેમ કોરોના ટેસ્ટિંગ નાકું. (દક્ષિણ કોરિયાએ આ જ કર્યું છે. ૪) ટ્રેન કે બસ મારફતે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગયેલા શ્રમિક માત્રનું ટેસ્ટિંગ થવું જોઈએ અને તેમને ક્વોરન્ટાઇન કરવા જોઈએ. ૩)  જેનો કોરોના પોઝીટીવ આવે અથવા લક્ષણ જણાય એને ક્વોરન્ટાઇન કરી દો. બાકી મહેરબાની કરીને લોન ઉપર જીવતા લોકોને અને જેમની પાસે કાવડિયાં ખૂટી પડયાં છે તેમને કામ માટે બહાર નીકળવા દેવા જોઈએ.

આજની નવી જોક

છગન (મગનને) : યાર, જલ્દી લોકડાઉન ખૂલે તો સારું. ભલે બે-ચાર દિવસો માટે, પણ ખૂલવું જોઈએ.

મગનઃ કેમ?

છગનઃ ૪૫ દિવસથી બરમુડા પહેરું છું. હવે નવા લેવો લેવો પડે એમ છે.

મગનઃ હેં!?

Tags :