For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નવી ક્યુબન ક્રાંતિ? : નાનકડા લેટિનો દેશનું મોટું નામ એટલે ક્યુબા

Updated: Jul 18th, 2021

Article Content Image

- દવા અને ખોરાકની અછતને પગલે લોકો સડક પર ઊતર્યા છે અને વર્તમાન રાષ્ટ્રપતિને હટાવવાની માગણી કરી રહ્યા છે

- ફિદેલ કાસ્ત્રો ગયા અને શાસન પણ ખાડે ગયું, ઉત્તરાધિકારી તૈયાર ન કરવામાં આવે ત્યારે આવું થવું સ્વાભાવિક છે

- ૧૯૯૪માં પણ ક્યુબામાં વિરોધ પ્રદર્શનો થયેલાં, પણ ત્યારે ઇન્ટરનેટ ન હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પહોંચ બહુ સીમિત હતી

સપનું ગમે તેટલું સારું હોય, સવાર પડે એટલે જાગવું પડે છે. ગમે તેટલો દેખાવડો અભિનેતા પણ એક દિવસ ઘરડો થઈ જાય છે.  લોકશાહી, સામ્યવાદી શાસન કે રાજાશાહી કોઈ પણ શાસન પદ્ધતિ હોય, રાજ્ય ત્યાં સુધી જ સ્થિર રહે છે જ્યાં સુધી રાજ્યકર્તા મજબૂત હોય. જેવો મજબૂત નેતા, મજબૂત સત્તાધીશ ગયો કે હલબલાટ અને કલબાલટ શરૂ થઈ જાય છે. ક્યુબામાં આજકાલ કંઈક આવું જ ચાલે છે. જેવા ફિદેલા કાસ્ત્રો ગયા કે ત્યાંનું શાસન ખાડે ગયું છે. કોરોનામાં આ અવ્યવસ્થા ઓર વકરી છે. તેનાથી ત્રસ્ત લોકો સત્તાપલ્ટાની માગણી કરતા સડક પર ઊતરી આવ્યા છે. ક્યુબન ક્રાંતિ બીજા વિશ્વયુદ્ધ પછીનો બહુ મહત્ત્વપૂર્ણ અને રોમાંચકારી ઈતિહાસ છે. આજકાલ એક નવી ક્યુબન ક્રાંતિનું રણશિંગુ ફુંકાયું છે.

બહુ ઓછા દેશોમાં સમાજવાદને આર્થિક સફળતા મળી, તેમાં નાનકડા લેટિનો દેશનું મોટું નામ એટલે ક્યુબા. તેના ડોક્ટર્સ, તેની વેક્સિન જગતભરમાં વખણાતા. છેલ્લા થોડા વર્ષોમાં ત્યાં ઠીક-ઠીક ખાનગીકરણ પણ થયું. અમેરિકાના આર્થિક પ્રતિબંધો છતાં તેણે વિકાસમાં સફળતા મેળવેલી, પણ ફિદેલ કાસ્ત્રો નિવૃત્ત થયા પછી તેમના ભાઈ રાઉલ કાસ્ત્રોએ સત્તા સંભાળેલી અને તે પછી મિગેલ ડિયાઝ-કનેલે સંભાળેલી. સત્તા હસ્તાંતરણની સાથોસાથ તેનો ચળકાટ પણ ઝાખો પડવા લાગ્યો. ક્યુબા છેલ્લા બે વર્ષથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દવા અને અનાજની જબરદસ્ત અછત ઊભી થઈ ગઈ છે. હૉસ્પિટલોમાં એસ્પ્રિન જેવી સામાન્ય દવાઓ પણ ઉપલબ્ધ નથી. જ્યારે સરકારના ટીકાકારો એવું કહે છે કે શાસકીય અક્ષમતાને કારણે આ સંકટ આવ્યું છે. સ્થાનિક સ્તરે લાગુ પ્રતિબંધ, ચીજવસ્તુઓનો અભાવ અને મહામારીમાં ઠપ થઈ ગયેલા ટુરિઝમે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ગયા વર્ષે ક્યુબાની ઇકોનોમી ૧૦.૯ ટકા સંકોચાઈ હતી. એકલા જૂન ૨૦૨૧માં બે ટકા કરમાઈ છે.

૧૧મી જુલાઈએ ક્યુબામાં વિરોધ પ્રદર્શનના મંડાણ થયાં. દાયકાઓ બાદ ક્યુબન જનતા સડક પર પ્રદર્શન કરવા ઊમટી છે. એકબાજુ ભોજન અને દવાની અછત છે તો બીજી તરફ કોસ્ટ ઑફ લિવિંગ વધતુ જાય છે. આ મુદ્દે ક્યુબાની જનતાએ આક્રોશ ઠાલવ્યો. પ્રથમ દિવસે રાજધાની હવાનામાં પ્રદર્શન થયા. ત્રીજે દિવસે આગ આખા ક્યુબામાં ફેલાઈ ગઈ. આમ લોકો અલગ-અલગ વિસ્તારોમાં સરકાર વિરોધી નારેબાજી પર ઊતરી આવ્યા. 

લોકશાહીમાં પણ પોલીસ દમન થઈ જતું હોય તો ક્યુબામાં તો એકપક્ષીય શાસન છે. તો પોલીસ કેવો અત્યાચાર કરતી હશે, વિચારો. સરકારના વિરોધીઓની સાથોસાથ સમર્થકો પણ સડક પર ઊતર્યા છે. પ્રદર્શનકારીઓ તથા પોલીસની જેમ વિરોધીઓ અને સમર્થકો વચ્ચે પણ અથડામણ થઈ રહી છે. દેશના પ્રમુખ મિગેલ ડિયાઝ-કનેલ કહે છે, વિરોધ પ્રદર્શન માટે અમેરિકા જવાબદાર છે. તેઓ સામાજિક અશાંતિ પેદા કરવા માટે અમને આર્થિક રીતે રૂંધવાની નીતિ અપનાવી રહ્યા છે. તેઓ પ્રદર્શનકારીઓને સીઆઈએના એજન્ટ ગણાવે છે. ને સરકારના સમર્થકોને સડક પર ઊતરવા અપીલ પણ કરે છે. 

ઇન્ટરનેશનલ ઇન્ટરનેટ વૉચડોગ નેટબ્લોક્સની અપડેટ્સ પ્રમાણે, સરકારી અધિકારીઓએ ફેસબુુક અને વોટ્સએપ સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકાએ ક્યુબાને ઑનલાઇન અને ઑફલાઇન બંને પ્રકારની સંચારબંધી ખોલી નાખવા તથા જનતાની લાગણીઓનો આદર કરવા વિનંતી કરી છે.  ક્યુબામાં જે થઈ રહ્યું છે તે બેશક નિંદનીય છે, પણ આવી ડાહી શિખામણ આપતું અમેરિકા ક્યુબા પરના પ્રતિબંધો કેમ હટાવતું નથી? સિમ્પલ. જગતના સૌથી મોટા મૂડવાદી દેશને સમાજવાદી વિચારધારા સફળ થઈ જાય તેમાં હમેશા ભય અનુભવાતો રહ્યો છે.

ક્યુબાના નાગરિકો, આઝાદી-આઝાદી તથા , ડિયાઝ કનેલ પદ છોડો, જેવા નારા લગાવી રહ્યા છે તો સરકાર સમર્થકો તેની સામે, ફિદેલ ફિદેલ, નારેબાજી કરી રહ્યા છે. ક્યુબામાં રાશન કાર્ડને લિબ્રેટા કહે છે, અમેરિકાના પ્રતિબંધો, કોરોના મહામારી, વર્તમાન શાસકોનું મિસ મેનેજમેન્ટ અને પડોશી દેશ વેનેઝુએલામાં રાજકીય અસ્થિરતાને કારણે ક્યુબામાં અનાજની તાતી અછત થઈ ગઈ છે. રાશનમાં પણ અનાજ મળવાના ફાંફાં છે. વર્તમાન સરકાર નાના વેપારીઓ પાસેથી ઊંચો ટેક્સ વસૂલી રહી છે. તેનું ચલણી નાણું પેસો વિશ્વસનીયતા ગુમાવી રહ્યું હોવાથી વેપારીઓ વિદેશી ચલણમાં વેપાર કરવા લાગ્યા છે.

કોઈ પણ મોટામાં મોટી ક્રાંતિ હોય અંતે તેને રાખ બાઝી જાય છે. ખાસ કરીને તમે જ્યારે તમારો ઉત્તરાધિકારી તૈયાર ન કર્યો હોય ત્યારે. કાસ્ત્રો મજૂબત શાસક હતા એ સાચું, પણ તાનાશાહ તો હતા જ. તેમણે ઉત્તરાધિકારી તૈયાર ન કર્યો જ્યારે પોતે કામ કરવા લાયક ન રહ્યા ત્યારે કહ્યાગરા ભાઈને બેસાડી દીધો. તેના બદલે તેમણે ઉત્તરાધિકારી તૈયાર કર્યો હોત, એક ટ્રેડિશન ઊભી કરી હોત તો કદાચ આજે જે સ્થિતિ છે તે ઊભી ન થાત.

કોવિડને કારણે ત્યાં ઘણી જાનહાનિ થઈ છે. પબ્લિકની ફરિયાદ એવી છે કે સરકાર આંકડા છુપાવી રહી છે. પોતાનું ખરાબ ન દેખાય એટલા માટે. કોવિડથી થયેલા મોતને અન્ય કારણથી દર્શાવી રહી છે. ત્યાં પણ ઘણા ખરા મૃત્યુ સારવાર અને દવા ન મળવાને કારણે થયા છે.

અગાઉ ફિદેલ કાસ્ત્રોએ ક્યુબામાં અમેરિકન ડોલરની રોકડ લેવડ-દેવડ પર પ્રતિબંધ મૂકેલો. વર્તમાન સરકારે પણ એવું જ પગલું ભરતા લોકોના પૈસા ફસાઈ ગયા છે. બીજી બાજુ મોંઘવારી ૫૦૦થી ૯૦૦ ટકા વધી જતા લોકોની હાડમારી વધી છે. ૧૯૯૪માં ફિદેલ કાસ્ત્રો સામે વિરોધ પ્રદર્શનો થયેલા, પરંતુ આ વખતે ઇન્ટરનેટ હોવાથી આંદોલનની પહોંચ બહુ વધારે છે. ક્યુબાની જનતા નિર્ભિક બનીને સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહી છે. 

આજે ત્યાંની બહુધા વસ્તી ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. યુવાઓ સોશિયલ મીડિયા પર વધારે સક્રિય છે. તેમણે ઉઠાવેલા સવાલના ઘણી વખત સરકારી અધિકારીઓને જવાબ આપવા પડયા છે.  

એક સામ્યવાદી શાસનમાં આ રીતે અધિકારીઓ જવાબ આપવા મજબૂર બને એ બહુ મોટી વાત કહેવાય. ઇન્ટરનેટની સીમાઓ વિસ્તારવાનું કામ ફિદેલ કાસ્ત્રોના ભાઈ રાઉલ કાસ્ત્રોએ કર્યું. ઇન્ટરનેટના વિકાસને કારણે ત્યાં સ્વતંત્ર મીડિયાનો ઉદય થયો છે. આ મીડિયા સંસ્થાઓ એવી-એવી ઘટનાઓનું રીપોર્ટિંગ કરી રહી છે જેની નોંધ સરકારી મીડિયા ક્યારેય લેતું નથી. 

આમ જુઓ તો આખી દુનિયામાં અત્યારે અલગ પ્રકારનો જ માહોલ છે. આ બાજુ ચીનમાં લાઇંગ ફ્લેટ આંદોલન ચાલી રહ્યું છે. બીજી બાજુ મ્યાંમારમાં મિલિટરી સરકાર સામે આંદોલન ચાલી રહ્યું છે. ક્યુબામાં પણ લોકો આઝાદીની માગણી સાથે ઘરની બહાર આવ્યા છે. મહામારી ફુંફાડા મારી રહી છે, સરકારો વધુને વધુ તાનાશાહ બનતી જાય છે. ભવિષ્ય કઈ બાજુ જશે એનો કોઈ અંદાજ આવતો નથી. ક્યુબામાં નવી ક્રાંતિના મશાલચીઓ નવું અજવાળું લાવશે કે એ મશાલની આગમાં રાખ થઈ જશે એ તો ભવિષ્યના ગર્ભમાં છુપાયેલું ટોપ સીક્રેટ છે.

આજની નવી જોક

શિક્ષકઃ ૧,૦૦૦ કિલો બરાબર એક ટન તો ૫,૦૦૦ કિલો બરાબર કેટલા ટન?

લલ્લુઃ ટન ટન ટન ટન ટન.

શિક્ષકઃ હેં!?

જીકે જંકશન

- ભારતની પ્રસિદ્ધ બેડમિંટન પ્લેયર સાનિયા મિર્ઝાને યુએઈ સરકાર દ્વારા ૧૦ વર્ષનો ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. હરિયાણાના પર્વતીય અને જગલ વિસ્તારમાં એક ઠેકાણે ગુફાચિત્રો મળી આવ્યા છે.

- તાજેતરમાં અભિનેત્રી સુરેખા સિકરીનું અવસાન થયું હતું. તેમણે અનેક યાદગાર પાત્રો ભજવ્યા હતા. શ્યાઓમી દુનિયામાં બીજા ક્રમની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની બની છે.

- પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ સૌથી ઝડપથી ૧૪ સેન્ચુરી ફટકારનારા બેટ્સમેન બન્યા છે. અમેરિકાએ ચીનના ઝિંગયાંગ પ્રાન્તના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. 

- સિંગાપોરમાં દુનિયાના સૌથી મોટા તરતા સોલાર ફાર્મનું અનાવરણ કરવામાં આવ્યું છે. આસામમાં ગૌવંશ સંરક્ષણ વિધેયક ૨૦૨૧ રજૂ કરવામાં આવ્યું હતું.

- આંધ્ર પ્રદેશ રાજ્ય સરકારે નવી રીટેલ પાર્ક નીતિ જાહેર કરી છે. મુંબઈમાં નૌસેના અભ્યાસ એક્સરસાઇઝ શીલ્ડ યોજાયો હતો.

- દિલ્હી રાજ્ય સરકારે યાત્રાળુંઓને બસની રિયલ ટાઇમ માહિતી આપવા માટે ગૂગલ સાથે ભાગીદારી કરી છે. દર વર્ષે ૧૨મી જુલાઈએ વિશ્વ મલાલા દિવસ મનાવવામાં આવે છે.

- હરિયાણામાં ખેલો ઇંડિયા યુથ ગેમ્સ સ્થગિત કરવામાં આવી છે. નાગપુરમાં ભારતના સર્વપ્રથમ એલએનજી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

- શેર બહાદુર ડેઉબા નેપાળના નવા વડા પ્રધાન બન્યા છે. તાજેતરમાં મિમિક્રી આર્ટીસ્ટ માધવ મોઘેનું નિધન થયું હતું. 

- ભારતના સર્વપ્રથમ ક્રિપ્ટોગેમિક ગાર્ડનનું ઉદ્ઘાટન દેહરાદુનમાં કરવામાં આવ્યું હતું. સહેલાણીઓ માટે વિશ્વનો સૌથી ઊંડો પૂલ દુબઈમાં બનાવવામાં આવ્યો છે. 

- અબી અહમદ ઇથિયોપિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. બાંગ્લાદેશના ક્રિકેટર મહમૂદુતુલ્લાહે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.

- સમીર બેનરજી વિમ્બલ્ડન જુનિયર મેન ચેમ્પિયનશિપના વિજેતા બન્યા હતા. જર્મનીમાંથી દુનિયાનું સૌથી પ્રાચીન આભૂષણ મળી આવ્યું છે.


Gujarat