Get The App

સાવિત્રીબાઈ ફૂલે: ભારતનાં ખરાં રાષ્ટ્રમાતા

જ્યોતિબા-સાવિત્રીબાઈનો વિરોધ કરનારા બ્રાહ્મણો હતા અને તેમને મદદ પણ બ્રાહ્મણોએ જ કરેલી

મનુસ્મૃતિને કારણે ૨,૦૦૦ વર્ષ સુધી મહિલાઓ પર અત્યાચાર થતા રહ્યા

Updated: Jan 8th, 2019

GS TEAM


Google News
Google News
સાવિત્રીબાઈ ફૂલે: ભારતનાં ખરાં રાષ્ટ્રમાતા 1 - image


તેમણે ૧૭૦ વર્ષ પહેલા બળવો પોકારીને કન્યાશાળા શરૂ ન કરી હોત તો આજે ભારતની સ્ત્રીઓ આટલી આગળ હોત ખરી?

સ્વચ્છ અને સુશોભિત ઘરમાં રહેવું તો બધાને ગમે છે, પણ શું આપણે આ ઘરમાં રહેવાના અધિકારી છીએ એવો સવાલ જાતને પૂછવો જોઈએ. અથવા સૌથી પહેલો અધિકાર કોનો? એવું પૂછવું જોઈએ. સૌથી પહેલો અધિકાર એનો જેણે ઘરને સાફ કર્યું, જેણે તેની ધૂળ શ્વાસમાં જતી હોવા છતાં પોતાના સ્વાસ્થ્યની પરવા ન કરીને ખૂણેખૂણો ચોખ્ખો કર્યો, જેણે ઘરને સજાવ્યું.

આધુનિક ભારતના નારી જીવનને એક ઘર ગણીએ તો તેને સૌથી પહેલા સાફ-સૂથરું કરવાનું, અજવાળવાનું, શણગારવાનું કામ આજથી ૧૭૦ પહેલા સાવિત્રીબાઈ ફૂલેએ શરૂ કર્યું હતું. વર્ટીકલ પિરામિડની જેમ જોઈએ તો ત્યારે ભણેલી કેટલીક ચૂનંદા નારીઓના પગલે-પગલે આજે દેશની કરોડો સ્ત્રીઓ શિક્ષિત બની છે. આ નાતે સાવિત્રીબાઈને રાષ્ટ્રમાતાથી ઓછું બિરુદ આપી શકાય એમ નથી.

કોઈપણ દેશ અથવા સમાજના વિકાસમાં મહિલાઓ મહત્ત્વની ભૂમિકા બાંધે છે. જે દેશ, સમાજ અને ઘરમાં મહિલાઓ ભણેલી હોય છે ત્યાં તેમને નિર્ણય લેવાનો અધિકાર હોય છે. તેની ફળશ્રુતિ નિરંતર વિકાસ રૂપે મળે છે.

જ્યાં સ્ત્રીને ઉપભોગની વસ્તુથી વિશેષ કશું માનવામાં આવતી નથી અને તેના તમામ અધિકારો છીનવી લેવામાં આવે છે તે દેશ હંમેશા ગુલામ રહે છે, સદા પતન પરસ્ત રહે છે. આપણા દેશમાં હજારો વર્ષોથી મહિલાઓ તેમના હકથી વંચિત રાખવામાં આવી રહી હતી. ઢોર, ગમાર, શુદ્ર અરુ નારી, તે સબ તાડન કે અધિકારી-ની વિચારધારા ફેલાવી સ્ત્રીઓ સાથેના પશુ સમ વ્યવહારને રોજિંદા જીવનનો ભાગ બનાવાયો હતો.

બે હજાર વર્ષ સુધી ભારતના સમાજને નિયંત્રિત કરનારું બંધારણ એટલે મનુસ્મૃતિ. તેના નવમા અધ્યાયમાં લખ્યું છે, રાતે કે દિવસે ક્યારેય સ્ત્રીને સ્વતંત્ર રહેવા દેવી જોઈએ નહીં. તેને હંમેશા લૈંગિક સંબંધો દ્વારા પોતાના વશમાં રાખવી જોઈએ. બાળપણમાં પિતા, યુવાવસ્થામાં પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્રએ તેની રક્ષા કરવી. સ્ત્રી સ્વતંત્ર થવાને લાયક નથી.

મનુના સંવિધાનને લીધે સમાજમાં સતી પ્રથા, વિધવાઓનું મુંડન જેવી કુપ્રથાઓ ઘૂસી. તેના લીધે વિધવાઓની હાલત બદથી બદતર બનવા લાગી.

મહિલાઓને પોતાના પર થઈ રહેલા અત્યાચારનો અહેસાસ ન થાય અને જો થાય તો બળવો પોકારવાની હિંમત ન જાગે એ માટે તેને ભણાવવાનું બંધ કરી દેવામાં આવ્યું. વૈદિક કાળમાં અપાલા ભણેલી હતી, ગાર્ગી ભણેલી હતી. પછી શું થયું? સ્ત્રી ગુલામીની સાંકળ તોડી ન નાખે એટલા માટે તેની છબિને વધારે મલિન કરવામાં આવી. તેના ચરિત્ર પર કીચડ ઉછાળવામાં આવ્યો.

મનુસ્મૃતિના બીજા અધ્યાયમાં લખ્યું છે, પુરુષોને બહેકાવવા એ સ્ત્રીઓનો સ્વભાવ હોય છે. આથી બુદ્ધિશાળીઓ કાયમ તેનાથી સાવધાન રહે છે. પુરુષ મૂર્ખ હોય કે વિદ્વાન તેને કામ-ક્રોધથી વશ કરીને ગેરમાર્ગે દોરી જવામાં સ્ત્રીઓ અત્યંત સમર્થ હોય છે. માતા, બહેન કે પુત્રી સાથે પણ એકાંતમાં ન બેસો. તેની ઇન્દ્રિયો એટલી પ્રબળ હોય છે કે વિદ્વાનને પણ તાણી જાય છે.

છેક ૧૯મી સદી સુધી ભારતીય સમાજ પર આ પ્રકારના વિચોરોનો પ્રભાવ હતો. મહિલાઓને ગુલામીની સાંકળમાંથી છોડાવવાનો એક જ રસ્તો હતો. શિક્ષણ. જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈએ ૧ જાન્યુઆરી ૧૮૪૮ની રોજ પુણે જિલ્લાના ભીડેવાડા ગામે છોકરીઓ માટે દેશની પ્રથમ સ્કૂલ શરૂ કરી. આ રીતે તેમણે મનુસ્મૃતિને ચેલન્જ કરી. તેમણે ૧૭૦ વર્ષ પહેલા પ્રયત્નો શરૂ કર્યા અને જુઓ આજની સ્થિતિ. આજે ભારતમાં એવું કયું ક્ષેત્ર છે જેમાં સ્ત્રીઓનું યોગદાન નથી?

પ્રથમ સ્કૂલનો પ્રારંભ કરવાનું તેમના માટે સહેલું નહોતું. આ માટે તેમને મનુના કાનૂનના ઠેકેદારો સાથે લોઢાં લેવાં પડેલાં. તો લીધાં, પણ પોતાને જે કરવું હતું તે કરીને જ રહ્યાં. મહિલાની મુક્તિના દરવાજા ફટાર કરી દીધા. સાવિત્રીબાઈનો જન્મ ત્રીજી જાન્યુઆરી ૧૮૩૧ના રોજ સતારા જિલ્લાના નાયગાંવમાં થયો હતો.

નવ વર્ષની ઉંમરે તેના લગ્ન થઈ ગયાં. જ્યોતિરાવ ફૂલેએ તેમને શિક્ષણ આપ્યું. પતિ પાસેથી તેમને મહિલાઓ માટે લડવાની પ્રેરણા મળી. તેમના આ કાર્યનો બ્રાહ્મણોએ ઉગ્ર વિરોધ કર્યો. યાદ રહે વિરોધ કરનારા બ્રાહ્મણ હતા તો સાવિત્રીબાઈને સ્ત્રી શિક્ષણ માટે મદદ કરનારા પણ બ્રાહ્મણ જ હતા. 

સખારામ યશવંત પરાંજપે, સદાશિવરાવ બલ્લાલ ગોવંડે, મોરો વિટ્વલ બાલ્વેકર, વાપુરાવ માંડે, માનાજી ડેનાલે અને પંડિત મોરેશ્વર શાસ્ત્રી તેમની મદદ માટે આગળ આવેલા. 

૧૭ વર્ષની ઉંમરે સાવિત્રીબાઈ ઘરેથી છોકરીઓને ભણાવવા સ્કૂલે જતાં. રસ્તામાં વિરોધીઓ તેને પરેશાન કરતા. તેમને ગાળો દેતા, પથ્થર મારતા, મળ-મૂત્ર ફેંકતા. તો પણ સાવિત્રીબાઈ પાછીપાની કરતાં નહીં. સાથે એક સાડી એકસ્ટ્રા રાખતાં. મળ-મૂત્રથી ગંદી થયેલી સાડી સ્કૂલે જઈને બદલી નાખતાં અને ઘરે પાછા ફરતી વખતે ફરી એ સાડી પહેરી લેતાં.

જ્યારે મનુના ભક્તોને એમ લાગ્યું કે સાવિત્રીબાઈ અટકવાના નથી તો તેમણે જ્યોતિરાવના પિતા ગોવિંદરાવને દબાવવાનું શરૂ કર્યું, તમારો દીકરો ધર્મની વિરુદ્ધ કામ કરી રહ્યો છે. જો તમે તેને નહીં અટકાવો તો તમારો સામાજિક બહિષ્કાર થશે. પિતાએ તેને ઠપકો આપતા અને તમામ પ્રવૃત્તિઓ આટોપી લેવાનું કહેતા જ્યોતિબાએ ઘર છોડી દીધું, પરંતુ છોકરીઓ અને શુદ્રો (આજના ઓબીસી અને એસસી-એસટી)ને ભણાવવાનું બંધ કર્યું નહીં.

પહેલીવાર વિરોધીઓએ તેમની સ્કૂલ બંધ કરાવી ત્યારે સદાશિવરાવ ગોવંડેએ તેમને શાળા ફરીથી શરૂ કરવા માટે પોતાની જગ્યા આપી. સાવિત્રીબાઈની સાથે વિષ્ણુપંત શત્તે નામના બ્રાહ્મણ પણ ત્યાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા હતા.

સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી અને મોટી જગ્યાની જરૂર પડી ત્યારે મુસલમાન ભાઈ ઉસ્માન શેખે પોતાની જગ્યા આપેલી. આમ રૂઢિવાદી અને પછાત ભારત સામે આધુનિક અને શિક્ષિત ભારતના નિર્માણમાં જ ભાઈચારો અને બિનસાંપ્રદાયિકતા રહેલા છે. કોઈ એક જાતિના કે કોઈ એક ધર્મના નહીં, પણ બધાએ સાથે મળીને કામ કર્યું છે.

રૂઢિવાદીઓના પ્રયત્નો એળે જતા તેમણે કેટલાક ગુંડાઓને જ્યોતિબાની હત્યા માટે તેમના ઘરે મોકલ્યા. જ્યોતિબાએ તેમને સમજાવ્યા હું તમારા સંતાનોને ભણાવું છું અને તમે મને મારવા આવ્યા છો? તેમને પશ્ચાતાપ થયો. તે બંને એટલે ધોંડીરાવ નામદેવ કુંભાર અને રૌદ્રે. તેમાંથી એક કાયમ માટે જ્યોતિબાનો અંગરક્ષક બની ગયો અને બીજો તેમના સત્યશોધક સમાજનો પ્રબળ સમર્થક બની ગયો.

એ જમાનામાં ઘણી બધી છોકરીઓ કેવળ ૧૨-૧૩ વર્ષની ઉંમરે વિધવા બની જતી હતી. ત્યાર બાદ તેના કેશ મૂળમાંથી ખેંચી કાઢી તેને કુરૂપ બનાવી દેવામાં આવતી. જેથી કોઈ પુરુષ તેના તરફ આકર્ષિત થઈ શકે નહીં. આવી વિધવા છોકરીઓ અને મહિલાઓ વ્યભાચારી પુરુષોનો શિકાર બની જતી. તે ગર્ભવતી બની જાય તો સમાજ તેનો બહિષ્કાર કરી દેતો. તેના પર અત્યાચાર કરતો. 

આ અમાનવીય નરસંહારમાંથી મહિલાઓને બહાર કાઢવા માટે જ્યોતિબા અને સાવિત્રીમાઈએ ગર્ભવતી મહિલાઓ માટે પ્રસૂતા ગૃહ શરૂ કરાવ્યું, જેનું નામ રાખવામાં આવ્યું, બાળ હત્યા પ્રતિબંધક ગૃહ. જે સમાજમાંથી ત્યજી દેવામાં આવેલી ગર્ભવતી મહિલાઓનું નવું ઘર બન્યું. સાવિત્રીબાઈએ આ ઘરને સંપૂર્ણ ધીરજ અને કુશળતા સાથે ચલાવ્યું.

ત્યાં જન્મેલા બાળકોને ભણાવીને ઉજ્જ્વળ ભવિષ્ય આપ્યું. વાળંદોની હડતાળ કરાવી તેમને વિધવાઓના વાળ ન ઉતારવા માટે પ્રેરિત કર્યા.  આજે પણ સમાજમાં ત્યજાયેલી ગર્ભવતી મહિલાઓ માટે પ્રસૂતાગૃહ ઊભું કરવાનું કામ કઠીન છે તો આજથી ૧૭૦ વર્ષ પહેલા આ કેટલું મોટું સાહસ હશે તેની કલ્પના કરવી રહી.

એક વખત એક ગર્ભવતી મહિલા આત્મહત્યા કરવા જઈ રહી હતી. જ્યોતિબાએ તેને રોકી. પૂછ્યું, તો કહે મારા પતિએ મને ત્યજી દીધી છે. મારા બાળકને પિતા તરીકે કોનું નામ આપું? જ્યોતિબાએ કહ્યું, મારું નામ આપજો. તેઓ તેમને પોતાના ઘરે લઈને આવ્યા. સાવિત્રીબાઈએ તે મહિલાનો સ્વીકાર કર્યો. તેને સંપૂર્ણ મદદ કરી.

તેમની ઉદારતા જુઓ. બીજી કોઈ સ્ત્રી હોય તો આ રીતે પારકી સ્ત્રીના બાળકના પિતા તરીકે પોતાના પતિનું નામ આપવાની ઉદારતા બતાવી શકે ખરી? આજના જમાનામાં પણ આવી ઉદારતા દુર્લભ છે. જ્યોતિબા અને સાવિત્રીમાઇએ તે બાળકને ભણાવ્યો અને ડોક્ટર બનાવ્યો.

અસ્પૃશ્યતા અને જાતિવાદ જેવી અમાનવીય પરંપરા નષ્ટ કરવાના કાર્યમાં સાવિત્રીબાઈએ જ્યોતિબા સાથે ખબેખભો મિલાવ્યો. અસ્પૃશ્યોને પાણી પીવડાવવા માટે ઘરનું જળાશય આપી દીધું. ખેડૂતો, મજૂરોની સમસ્યાઓ માટે સંઘર્ષ કર્યો.

જ્યોતિબાના મૃત્યુ પછી સાવિત્રીમાઈએ તેમની ચિતાને આગ લગાડી. પતિની ચિતાને આગ લગાડનારી તે દેશની પ્રથમ મહિલા હતી. આજેય કોઈ સ્ત્રી તેના પરિવારજનને અગ્નિદાહ આપે તે છાપાંમાં છપાય છે.

તો તે સમયે આ પગલું કેટલું ક્રાંતિકારી હશે! તેઓ જીવ્યાં ત્યાં સુધી જ્યોતિબાનાં આદરેલાં કાર્યો આગળ ધપાવતાં રહ્યાં. તેમણે કાવ્ય ફૂલે અને બાવન કશી સુબોધ રત્નાકર નામના ગ્રંથોનું નિર્માણ કર્યું. આધુનિક જગતમાં પ્રથમ મરાઠી કવયિત્રી બન્યાં.

૧૮૯૭માં પુણેમાં પ્લેગ ફેલાયો હતો. દરમિયાન સાવિત્રીમાઇ દિવસ-રાત દર્દીઓની સેવામાં લાગેલાં હતાં. ગરીબ બાળકો માટે કેમ્પ લગાવ્યો હતો. પાંડુરંગ ગાયકવાડ નામના એક પીડિત બાળકને લઈને જઈ રહ્યાં હતાં ત્યારે તેમને પણ ચેપ લાગી ગયો. ૧૦મી માર્ચ ૧૮૯૭ની રાતે નવ વાગ્યે ક્રાંતિજ્યોતિ સાવિત્રીમાઈનું અવસાન થયું. આખરી શ્વાસ લગી તેઓ માનવતાને પ્રસ્થાપિત કરવા માટે લડતાં રહ્યાં.

મહાત્મા જ્યોતબાએ મરાઠીમાં જે અભંગ લખ્યું છે તે સમજીને જીવનમાં ઉતારવા જેવું છે. માંગ આર્યા મધ્યે પાહૂં જાતા ખૂણ, એક આત્મ જાણ દોધાં મધ્યે. દોધે હી સારીખે સર્વ ખાતી પિતી, ઇચ્છા તી ભોગતી સારખેચ. સર્વ જ્ઞાાના મધ્યે આત્મજ્ઞાાન શ્રેષ્ઠ, કોણી નાહી ભ્રષ્ટ જોતી મ્હાણે.

મહાણ, માંગ અને કથિત આર્યોમાં કોઈ ભેદ નથી. બંનેમાં એક જ આત્માનો નિવાસ છે. બંને સમાન ઢંગથી ખાય-પીવે છે. તેમની ઇચ્છાઓ પણ સમાન હોય છે. જ્યોતિ કહે છે કે તમામ જ્ઞાાનમાં આત્મજ્ઞાાન સૌથી શ્રેષ્ઠ છે અને એટલું જાણી લો કે કોઇપણ ભ્રષ્ટ નથી.

આજની નવી જોક

શિક્ષક (વિદ્યાર્થીઓને): કયું પક્ષી સૌથી તેજ ઊડે છે?

લલ્લુ (આંગળી ઊંચી કરીને): હાથી.

છગન: નાલાયક, તારો બાપ શું કામ કરે છે?

લલ્લુ: દાઉદની ગેન્ગમાં શૂટર છે.

છગન: શાબાશ, લખો બાળકો, સૌથી તેજ ઊડતું પક્ષી હાથી છે!

Tags :