Get The App

આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની દિશામાં દોટ મૂકવાની સદ્બુદ્ધિ આપણને ક્યારે સૂઝશે?

આર્થિક અસમાનતા તો ઠીક બૌદ્ધિક અસામનતા પણ વધી રહી છે

AIમાં ચીન આપણા કરતા ત્રણ ગણું આગળ

Updated: Feb 4th, 2019

GS TEAM

Google News
Google News
આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની દિશામાં દોટ મૂકવાની સદ્બુદ્ધિ આપણને ક્યારે સૂઝશે? 1 - image



શાળાકીય શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય તરીકે દાખલ કરવાની જરૂરઃ અત્યારે નહીં જાગીએ તો ગાડી ચુકાઈ જશે

યુરોપમાં ધર્મ સુધારણા માટેના આંદોલનો શરૂ થયા ત્યારે આપણે ઊંઘતા હતા, નવજાગૃતિનો પવન ફુંકાયો, આપણે ઊંઘતા હતા, ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો પણ આપણે ઊંઘતા હતા. પરિણામ શું આવ્યું? ભારત ગુલામ બની ગયું. અત્યારે વિશ્વના સમૃદ્ધ દેશોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વાવાઝોડુ ફુંકાયું છે અને આપણે ઘસઘસાટ ઊંઘી રહ્યા છીએ. 

એની એ જ ભૂલ કરી રહ્યા છીએ જે ૫૦૦ વર્ષ પહેલાં કરી હતી. અકબરે તેના અડધા જીવન સુધી સમુદ્ર જોયો નહોતો. ગુજરાત જીત્યા બાદ પહેલી વખત જોયેલો. તો એને ક્યાંથી અંદાજ આવે કે આ દરિયામાર્ગે વાસ્કો દ ગામા નામનો એક સ્પેનિશ શખસ કાલિકટ બંદર પર ઊતર્યો છે તેના પગલે-પગલે ભવિષ્યમાં ઉપનિવેશવાદનું સુનામી આવી પડવાનું છે? દુનિયામાં શું થઈ રહ્યું છે તેનાથી બેખબર અકબરને ખાસ વેઠવું ન પડયું, કિન્તુ એની ત્રણ પેઢી પછીના મોગલોને  એટલું વેઠવાનું આવ્યું કે સલ્તનત મરણપથારીએ પડી ગઈ.

ખેર આજથી પાંચ સૈકા પહેલાં પરિવર્તનની ગતિ ધીમી હતી. આજે એટલી વેગવાન છે કે જો સમય વર્તે સાવધાન ન થઈએ તો નજીકના ભવિષ્યમાં જ બરબાદી વેઠવાનો વારો આવી શકે છે. કૃત્રિમ બુદ્ધિમત્તા એટલી બધી કૃત્રિમ કે અસલ બુદ્ધિમત્તાનું એની પાસે પાંચિયું પણ ન આવે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશેની આપણી સમજ માનવ આકારના રોબોથી વધારે નથી.  રોબોમાંય ખાલી આપણને હોલિવુડ ફિલ્મોએ સમજાવ્યું એટલું જ સમજાય છે. માણસે બનાવેલા રોબો તેને જ મારવાનું શરૂ કરી દે છે. માનવ અને રોબો વચ્ચે મહાયુદ્ધ થાય છે અને અંતે હીરો રોબોને ખતમ કરી પૃથ્વી પર માનવ જાતિને લુપ્ત થતી બચાવી લે છે.

રોબો એટલે માણસના દુશ્મન એવા પાયામાંથી જ ખોટા હોલીવુડિયન વિચારે માણસને અજ્ઞાાતપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રત્યે છૂપો અણગમો રાખતા કરી દીધા છે. ગમે તેવું કોમ્પ્યુટર હોયને એની મદદથી આકાશમાં દેખાતા તારા ન ગણી શકાય એવા ડાયરાછાપ ડાયલોગ ફટકારનારા કલાકારોને જ આપણી  પ્રજા સુપ્રીમ માની રહી છે.

જ્યારે હકીકત એ છે કે આજના જમાનામાં કમ્પ્યુટરની શક્તિ કાળા ચંદરવામાં ટમટમતા આભલા ઉપરાંત ન દેખાતા તારોલિયાઓને પણ ગણી બતાવવા જેટલી વિકસી, વિસ્તરી ચૂકી છે. કથાઓ અને ધાર્મિક મેળવડાઓમાં સલામતી અનુભવી રહેલા આપણે સાયન્ટિફિક ટેમ્પ્રામેન્ટ નથી કેળવી શક્યા, કિન્તુ નવી પેઢીનેય તેનાથી વિમુખ રાખવામાં સફળ થઈ ચૂક્યા છીએ.

પોરસના સૈનિકોને હાથી પર બેઠેલા જોઈને સિકંદરની સેનાના ગાત્રો શિથિલ થઈ ગયા હતા. તે મેદાન છોડીને ભાગી ગઈ હતી. જ્યારે તેને ખબર પડી કે આમાં ડરવા જેવું નથી, આપણે જે ઘોડા પર સવાર છીએ તે યુદ્ધ મેદાનમાં હાથી કરતા અનેક ગણા ચડિયાતા છે ત્યારે તે ફરી ટકરાઈ અને જીતી ગઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પણ એવું જ છે. તેનાથી ડરવાને બદલે તેનો અભ્યાસ કરવાની, તેમાં ઊંડા ઊતરવાની જરૂર છે. જગતની ટોચની અર્થવ્યવસ્થાઓ આ કામ કરી રહી છે.

યુરોપ અને અમેરિકા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સર્વાધિક આગળ છે તો ચીને રોબો એન્કર મારફતે બુલેટિન પ્રસારિત કરીને દેખાડી દીધું કે તે એઆઇ થકી પશ્ચિમ સાથે ઝીંક ઝીલવા સક્ષમ બની ચૂક્યું છે.

દુનિયાના ઉપર કહેલા દેશોમાં એઆઇ ક્ષેત્રે જબરદસ્ત પ્રગતિ જોઈને ભારતમાં પણ છેલ્લા કેટલાક સમયથી આ મામલે વિમર્શ કમ ગણગણાટ શરૂ  થયો છે. સેનાધ્યક્ષ બિપિન રાવતે આ મામલે આવકારદાયક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આપણું ઘોર વિરોધી ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાઇબર યુદ્ધ પર જંગી માત્રામાં ખર્ચ કરી રહ્યું છે.

ભારતે આમાં પાછળ ન રહેવું જોઈએ. આ અંગે વિસ્તૃત ડેટા વિશ્લેષણ કરવું જોઈએ અને ટેકનોલોજી પર ધ્યાન દેવું જોઈએ. આગામી સમય ભૂમિ પરના યુદ્ધનો નહીં, સાઇબર યુદ્ધનો છે. તેના માટે ભારતે અત્યારથી તૈયારી કરવી જોઈશે. એઆઈ ટેકનિક પર ભાર મૂકવો પડશે.

આઇઆઇટી હૈદરાબાદે સમયની નાડ પકડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશેનો સ્નાતક કક્ષાનો ફૂલટાઇમ કોર્સ શરૂ કર્યો છે. દુઃખની વાત એ છે કે આવડા મોટા ભારતમાં એક માત્ર શિક્ષણ સંસ્થા સક્રિય બની છે. એઆઇનો રોલ અર્થવ્યવસ્થાના વિવિધ મોરચાથી લઈને દેશની સીમાઓની રક્ષા સુધી રહેવાનો છે. 

ઇન્ફોસિસના ભૂતપૂર્વ સીઈઓ અને સહસ્થાપક ક્રિસ ગોપાલક્રૂષ્ણનની સંશોધન એજન્સી ઈતિહાસાનું એક વિશ્લેષણ કહે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ગુણવત્તાપૂર્ણ સંશોધનો કરવામાં ભારત દુનિયામાં ત્રીજા ક્રમે છે. જોકે ચીનની તુલનાએ ઘણું પાછળ છે. ધ હિંદુના એક અહેવાલ પ્રમાણે ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતા ૧૨,૧૩૫ સંશોધન પત્રો રજૂ થયા. આ જ અવધિમાં ચાઇનામાં પ્રસ્તુત થયેલા શોધ પત્રોની સંખ્યા છે, ૩૭,૯૧૮. ડ્રેગન ભારત કરતા ત્રણ ગણું આગળ છે.

ચીનમાં બાળકોને પ્રાથમિક શાળા કક્ષાએથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભણાવવાનું શરૂ કરી દેવામાં આવે છે. ભારતના શાસકો શાળાકીય અભ્યાસક્રમમાં લાગતા-વળગતા નેતાઓના પાઠ ઘુસાડવામાં બિઝી હોવાથી એઆઈ ભણાવવાનું સૂઝતું નથી. આપણે ત્યાં પાઠયપુસ્તકમાં પરિચિતોના નિબંધો, વાર્તાઓ અને કાવ્યો પાઠય પુસ્તકમાં ઘુસાડવાના રાજકારણમાં એનર્જી ખર્ચાઈ જતી હોવાથી બાળકોમાં વિજ્ઞાાની અભિગમ પેદા કરવાની કવાયત ભુલાઈ જાય છે.

ભારત આઝાદ થયું તેના પછી ટૂંક સમયમાં ઇઝરાયલની રચના થઈ. ત્યારે તે પણ પછાત હતું. કંગાળ હતું, કિન્તુ આજે ટેકનોલોજીની બાબતમાં તે ક્યાં છે અને આપણે ક્યાં છીએ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અન્ય ટેકનોલોજી કરતા પણ મોંઘી છે. એવામાં તેના માટે વિદેશો પર અવલંબન રાખવું પડે તો તે કેટલી વધારે મોંઘી પડે?

તમિલનાડુના બાળકોને એઆઈ ભણાવી રહેલા સુપ્રિયા જણાવે છે, ટેકનોલોજીની દુનિયામાં ભારતનું ભવિષ્ય નિરાશાજનક દેખાઈ રહ્યું છે, અમેરિકામાં હાઇસ્કૂલમાં બાળકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભણાવવામાં આવે છે. ભવિષ્યમાં આ જ હુન્નર ચાલવાનું છે. આપણે ત્યાં શૂન્યાવકાશ છે. ગામડાંના બાળકોેએ રોબો પણ જોયા નથી, તો તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કલ્પના પણ કઈ રીતે કરી શકે?

આપણે મન વિકાસ એટલે જીડીપી. આર્થિક સિવાયના કોઈપણ ક્ષેત્રમાં વિકાસ થંભી ગયો હોય તે આપણા માટે સમસ્યા નથી. તાજેતરમાં પ્રગટ થયેલા ૧૨મા એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રીપોર્ટમાં જણાવાયું છે કે ગામડાંની સ્કૂલોમાં ભણતા ૧૪થી ૧૮ વર્ષના બાળકો ગણિતના સમીકરણો જાતે ઉકેલી શકતા નથી.

તે એવું પણ કહે છે કે પાયાગત શિક્ષણ દ્વારા બાળકોને વિશેષ હુન્નર માટે તૈયાર કરી શકાય છે, પરંતુ આપણે એવું કઈ રીતે કરીશું? કેમ કે આજની તારીખેય દેશના ૧૪ ટકા ગામડાંમાં પ્રાથમિક સ્કૂલ પણ નથી.

વર્તમાન સરકારે ૨૦૧૭માં નીતિ આયોગના નેજા તળે ૧૫ સભ્યોની ટીમ બનાવી  તેમને ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સંભાવના ચકાસવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સરકાર એવું જાણવા માગે છે કે વર્તમાન નોકરીઓ સામે ખતરો ન ઊભો થાય એ ધ્યાનમાં રાખીને કઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવી શકાય.

આ એક ગેરસમજ દૂર કરવાની જરૂર છે. જ્યારે કોઈ જૂની ટેકનોલોજીનું કામ બંધ થતું હોય ત્યારે બેરોજગારી પેદા થતી હોય છે, કિન્તુ એ લાંબુ ટકતી નથી. ઓટોમેશનને લીધે નોકરીઓ જતી હોવાનું પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે, પરંતુ એ જ સ્વચાલન નવી નોકરીઓ ઊભી કરશે, એવું પડદા પાછળનું દૃશ્ય દેખાતું નથી.

સર્વેલન્સ માટે પહેલાં માણસોનો ઉપયોગ થતો, તેની સામે હવે ડ્રોનનો ઉપયોગ થાય છે. અમેરિકામાં એક ડ્રોન ૩૦ નોકરીઓ ઊભી કરી રહ્યું છે. તો આમાં ઓટોમેશને રોજગારી છીનવી? કે નવી સર્જી? અફકોર્સ જ્યાં સુધી પરંપરાગત અપ્રોચ અપનાવવામાં આવશે ત્યાં લગી હાથ હેઠા જ પડવાના. 

દેશને સાયન્સ અને ટેકનોલોજીમાં નવી ઊંચાઈ પર લઈ જવો હોય તો આપણી પાસે વિશ્વકક્ષાની યુનિવર્સિટીમાં ભણેલા અને વૈશ્વિક  વિઝન ધરાવતા નેતા જોઈશે. મહાભારત કાળમાં ઇન્ટરનેટ હતું-ટાઇપના બણગા ફૂંકીને દુનિયા સામે ભારતની કિંમત ઘટાડનારા નેતાઓ નહીં ચાલે.

નીતિ આયોગની ટીમે ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવામાં શાં-શાં અવરોધ છે તેની વિગતવાર છણાવટ પ્રસ્તુત કરી હતી. આથી સરકાર હાલ બેકફુટ પર આવી ગઈ છે. શરમજનક વાત એ છે કે ૧૩૦ કરોડની વસ્તીમાંથી ચાર જ ભારતીય એવા છે કે જેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંતર્ગત ડીપ લર્નિંગ અને ન્યુરલ નેટવર્ક્સ જેવી ઊભરતી તકનિક ઉપર કામ કર્યું છે. ભારતમાં એઆઇ પર પીએચડી કરનારા સ્કોલર્સનો પણ કાળો દુકાળ છે. 

નીતિ આયોગે કયા-કયા અવરોધો દર્શાવ્યા છે? ૧) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અતિશય ખર્ચાળ છે. ૨) તેની તાલીમ આપવા માટે જરૂરી કોમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે નથી. ૩) ખાનગી ક્ષેત્ર અને સરકારી એજન્સીઓને પણ આ તકનિકની પર્યાપ્ત જાણકારી નથી. જાગરુકતાની કમી છે.

મતલબ આ બધી બાધાઓથી ડરી ગયેલી સરકાર પોતાના તરફથી કોઈ કસરત કરવા માગતી નથી. ઇન્ફોટેક અને બાયોટેક, વિજ્ઞાાનની આ બે શાખાઓએ દુનિયામાં મહાપરિવર્તન આરંભ્યું છે. ઓટોમેશનને લીધે ઘટી રહેલી નોકરીઓને કારણે પેદા થતી આર્થિક અસમાનતા વિશે ઘણા બધા વાતો કરે છે, કિન્તુ પ્રવર્તમાન  વૈજ્ઞાાનિક પ્રવાહોની સાથે રહેતા અને તેનાથી વિમુખ રહેતા લોકો વચ્ચે વધતી બૌદ્ધિક અસમાનતા હજુ કોઈના ધ્યાનમાં આવી રહી નથી.

આ એક એવો ગેપ છે જો એક હદને પાર કરી ગયો તો પૂરવો કઠીનતમ બની જશે. ઈઝરાયલી ઈતિહાસકાર યુવાલ નોહ હરારી ચેતવે છે કે પ્રવર્તમાન વૈજ્ઞાાનિક પરિવર્તનોનો હિસ્સો ન બનનારા લોકો કેટલાક શક્તિશાળી હાથનું રમકડું બની જશે અને જેના માટે શોષણ શબ્દ પણ ટૂંકો પડે એવી સ્થિતિનો શિકાર બનશે.

સોશિયલ નેટવર્ક
ગાંધી અમર છે તે જણાવવા બદલ આમનો આભાર

મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનમાં ગાળો દેવામાં આવતી નથી. ભારતમાં અનેક લોકો એવા પડયા છે જે ગાંધીને ગાળો આપે છે. આ બાબતમાં ઝીણા ગાંધી કરતા ભાગ્યશાળી છે. વાત હવે આનાથી પણ આગળ વધી ચૂકી છે. ગાંધી નિર્વાણ દિને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ બન્યો.

અખિલ ભારતીય હિંદુ મહાસભાની રાષ્ટ્રીય સચિવ પૂજા શકુન પાંડે મહાત્મા ગાંધીના પૂતળાને રમકડાની પિસ્તોલથી ગોળી મારતી દેખાડાઈ. એ પછી ત્યાં ઉપસ્થિત લોકો મહાત્મા નાથુરામ ગોડ્સે અમર રહે-નો નારો લગાડતા સંભળાય છે. ટ્વિટ્ટર અને ફેસબુક પર આ વિશે લોક-આઘાત વ્યક્ત થયો.

વરિષ્ઠ પત્રકાર બરખા દત્તે મુદ્દાનો સવાલ પૂછ્યો, શું હિંદુ મહાસભાના આ લોકોને દેશદ્રોહી કહેવામાં આવશે? અથવા શું તેમના પર દેશદ્રોહનો કેસ ચાલશે?

શકુનિ મામા ટ્વિટ્ટર હેન્ડલરે ગજબનો વ્યંગ કર્યો, ગોળી ચલાવતા પહેલા તેઓ ગાંધીને પગે લાગ્યા નહીં. યાને તેઓ એટલા બેઇમાન છે કે ગોડ્સેના પણ સગા થઈ શકતા નથી.

સંકર્ષણ ઠાકુરે લખ્યું, મહાત્માના ધર્માંધ હત્યારા નાથુરામ ગોડ્સેના ઉન્માદી વારસદારોને ન્યૂ ઇંડિયામાં તેમનો અધિકાર મળી ગયો છે. આ સાહસ ચોંકાવનારું છે.

શાહિદ સિદ્ધિકીએ લખ્યું, આજે હિંદુ મહાસભાએ આ હિંમત એટલા માટે દેખાડી છે કેમ કે તેમને ખબર છે કે સરકાર તેમના વિરુદ્ધ કોઈ એક્શન નહીં લે. ઊલટું તેમને પ્રોત્સાહિત કરશે.

સાગરે લખ્યું, હિંદુ મહાસભાએ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યાનું ખુલ્લ્લેઆમ પ્રદર્શન કર્યું. આ સંગઠનને હાંસિયામાં પડેલા હિંદુ સંગઠનને બદલે હિંદુ આતંકી સંગઠન શામાટે ન કહેવું?

શકુનિ મામાએ વધુ એક કટાક્ષ કર્યો, ગાંધી અમર છે એ જણાવવા માટે દેશ આમનો આભારી છે.

આજની નવી જોક

લીલી (છગનને ગુસ્સામાં: તમારા મગજમાં ગોબર ભર્યું છે.

છગનઃ તોય તું ક્યારની ખાઈ રહી છો!

Tags :