મહાત્મા ગાંધીએ કેવા રામરાજ્યની કામના કરી હતી?
તેમણે જ્ઞાાતિના વાડા ખતમ કરવાનું કહેલું, પણ આજે તે વધતા જાય છે
આર્થિક અસમાનતાને રામરાજ્ય માટે ખતરારૂપ ગણાવેલી
તુલસીદાસે રામરાજ્ય વિશે કહ્યું છે, સબ નર કરહિ પરસ્પર પ્રીતિ
રામરાજ્ય એવા શબ્દનો જ્યારે પ્રયોગ કરવામાં આવે છે ત્યારે તેનો સ્થૂળ અર્થ નીકળે છે પ્રજા સુખી હોય એવું રાજ્ય. રામકથા સેંકડો છે તેમ રામરાજ્યની વિભાવના પણ સેંકડો હોવાની.
અનેકો વ્યાખ્યાઓને કારણે સંદિગ્ધ બની ગયેલા આ શબ્દને મહાત્મા ગાંધીએ વ્યાખ્યાયીત કરીને સ્પષ્ટ કરી આપ્યો છે. આપણે જેમને રાષ્ટ્રપિતા માનીએ છીએ તેમની દૃષ્ટિમાં રામરાજ્ય એટલે શું? આવો જાણીએ.
૧૯૩૦ની ૨૦મી જાન્યુઆરીએ ગાંધીજીએ નવજીવનમાં સ્વરાજ્ય અને રામરાજ્ય શીર્ષક સાથે લેખ લખ્યો હતો. તેમણે લખેલું, સ્વરાજ્યના ગમે તેટલા અર્થ થતા હોય તો પણ મારા માટે સૌથી નજીકનો અર્થ એક જ છે. તે છે રામરાજ્ય. જો કોઈને રામરાજ્ય શબ્દ યોગ્ય ન લાગે તો હું કહીશ ધર્મરાજ્ય. રામરાજ્ય શબ્દનો ભાવાર્થ એ છે કે તેમાં ગરીબોની સંપૂર્ણ રક્ષા થશે.
બધું જ કામ ધર્મપૂર્વક કરવામાં આવશે અને લોકમતનો હંમેશા આદર સેવવામાં આવશે. સાચું ચિંતન એ જ છે કે જેમાં રામરાજ્ય માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. રામરાજ્ય સ્થાપિત કરવા માટે પાંડિત્યની કોઈ આવશ્યકતા નથી.
જે ગુણની આવશ્યકતા છે તે તમામ વર્ગના લોકો- સ્ત્રી, પુરુષ, બાળક અને વૃદ્ધ તથા બધા ધર્મના લોકોમાં ઓલરેડી છે. દુઃખ માત્ર એ જ છે કે હજુ સુધી લોકોને તેના અસ્તિત્ત્વનો અહેસાસ થયો નથી. સત્ય, અહિંસા, મર્યાદાપાલન, વીરતા, ક્ષમા, ધૈર્ય આદિ ગુણોનો પરિચય માણસ ધારે તો હમણા જ આપી શકે.
અસહયોગ આંદોલન દરમિયાન ૨૨મી મે ૧૯૨૧ના રોજ પણ ગાંધીજીએ નવજીવનમાં લેખ લખીને રામરાજ્ય સમજાવવાની કોશિશ કરેલી, કેટલાક મિત્રો રામરાજ્યનો અક્ષરાર્થ કરતા પૂછે છે કે જ્યાં સુધી રામ અને દશરથનો પુનઃજન્મ ન થાય ત્યાં સુધી રામરાજ્ય કેવીરીતે મળી શકેે? હું રામરાજ્યનો અર્થ સ્વરાજ્ય, ધર્મરાજ્ય અને લોકરાજ્ય કરું છું. જનતા ધર્મનિષ્ઠ અને વીર્યવાન બને ત્યારે જ એવું રાજ્ય સંભવ છે.
અત્યારે તો એવી હાલત છે કે કોઈ સદ્ગુણી રાજા તમામ બંધનો દૂર કરી દે તો પણ પ્રજા તેની ગુલામ બનીને રહેશે. અમે રાજ્યતંત્ર અને રાજ્યનીતિ બદલવાની કોશિશ કરી રહ્યા છીએ. બાદમાં આપણા સેવક તરીકે અંગ્રેજો રહેશે કે ભારતીયો તેની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. અમે તો અંગ્રેજ જનતાને બદલવાનો પ્રયાસ પણ નથી કરતા. અમે ખુદને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ.
રામરાજ્યના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી અનિવાર્ય ગણાવતા ૧૬ જાન્યુઆરી ૧૯૨૫ના રોજ એક વિશેષ સભામાં તેમણે કહ્યું, હું હંમેશા કહેતો આવ્યો છું કે જ્યાં સુધી ભારતના સાર્વજનિક જીવનમાં સ્ત્રીઓ ભાગ નહીં લે ત્યાં સુધી હિંદુસ્તાનનો ઉદ્ધાર થશે નહીં, પરંતુ તેઓ તન અને મનથી પવિત્ર હશે તો જ સાર્વજનિક જીવનમાં ભાગ લઈ શકશે.
જ્યાં સુધી આવી સ્ત્રીઓ સાર્વજનિક જીવનને પવિત્ર નહીં કરે ત્યાં સુધી રામરાજ્ય અથવા સ્વરાજ્ય સંભવ નથી. જો સ્વરાજ્ય સંભવ બની પણ ગયું તો એમાં સ્ત્રીઓનો હિસ્સો હશે નહીં. અને તે સ્વરાજ મારા માટે નકામું હશે. (એટલે કે ગાંધીજી મહિલા સશક્તિકરણને રામરાજ્યનું અંગ ગણતા હતા.)
ગાંધી જાતિ વ્યવસ્થાને રામરાજ્ય માટે સૌથી ઘાતક સમજતા હતા. ૨૪ જાન્યુઆરી ૧૯૨૮ના રોજ મોરબીના રાજાની ઉપસ્થિતિમાં મોઢવાણિયા જ્ઞાાતિના આગેવાનોએ ગાંધીજીને સન્માનપત્ર એનાયત કર્યું. આ એ જ મોઢવાણિયા જ્ઞાાતિના લોકો હતા જેણે ગાંધીજી લંડન ભણવા ગયા ત્યારે નાત બહાર કર્યા હતા.
પ્રશસ્તિ પત્ર મેળવતી વખતે ગાંધીજીએ રામરાજ્ય અને સ્વરાજ્ય માટે સમગ્ર જાતિ વ્યવસ્થાને ઘાતક જણાવતા કહેલું, હું માનું છું કે (જ્ઞાાતિના) આવા નાના-નાના વાડાઓનો નાશ થવો જોઈએ. મને એ વાતમાં કોઈ શંકા નથી કે હિંદુ ધર્મમાં જાતિ માટે કોઈ જગ્યા નથી.
મોઢ અથવા બીજી જે પણ જ્ઞાાતિઓ હોય તેમને ધ્યાનમાં રાખીને હું આ વાત કરી રહ્યો છું. તમને બધાને મોઢ જ્ઞાાતિ બાબતમાં કહેવા માગું છું કે જ્ઞાાતિના વાડા ભૂલી જાવ. આજે જે જ્ઞાાતિઓ છે તેનો યજ્ઞાની આહુતિ રૂપે ઉપયોગ કરીને સ્વાહા કરો અને નવી જ્ઞાાતિ ન બનવા દો.
આગળ કહ્યું, તમે આ નાના-નાના વાડાના ખાડામાં પડેલા રહેશો તો તેમાંથી દુર્ગંધ ઊઠશે. ડોક્ટર ખાડા બૂરી દેવાની સલાહ આપે છે. એ મુજબ એ પણ સમજી લેવું જોઈએ કે જ્ઞાાતિના વાડા મનુષ્ય માટે ઘાતક છે.
સમજી લો કે ઈશ્વર ક્યારેય આવી ઘાતક રચના કરતો નથી. (જાતિના બચાવમાં ચાલી રહેલી) દલીલો અને અજ્ઞાાનને જ્ઞાાન ન કહો. આજે દુનિયામાં જુદા-જુદા ધર્મોનો મુકાબલો થઈ રહ્યો છે, પરંતુ જો આપણે ખુલ્લા મને જોશું તો જણાશે કે આપણી જ્ઞાાતિ આપણી પ્રગતિને, (વાસ્તવિક માનવ) ધર્મને, સ્વરાજ્યને અને રામરાજ્યને રોકવાનું કાર્ય કરે છે. હું તો આ વાડા તોડવાના પ્રયત્નો સઘન બનાવવા માગું છું. તમને જાણ નહીં હોય કે મેં મારા એક દીકરાના લગ્ન જ્ઞાાતિની બહાર કર્યા છે.
આજે રામરાજ્ય શબ્દને ખૂબ સંકુચિત અર્થમાં મૂકવામાં આવી રહ્યું છે. આવા પ્રયાસો ભૂતકાળમાં પણ ખૂબ થઈ ચૂક્યા છે. આ સંદર્ભે ૨૬ ફેબુ્રઆરી ૧૯૪૭ની પ્રાર્થના સભામાં બાપુએ કહેલું, જે માણસ માત્ર પોતાના સંપ્રદાય માટે જ કુરબાન થવા માગે છે તે પોતે તો સ્વાર્થી છે જ, પરંતુ સાથોસાથ પોતાના સંપ્રદાયને પણ સ્વાર્થી બનાવે છે. મેં મારા આદર્શ સમાજને રામરાજ્યનું નામ આપ્યું છે.
કોઈ એવું સમજવાની ભૂલ ન કરે કે રામરાજ્ય એટલે હિંદુઓનું શાસન. મારો રામ એ ખુદા અથવા ગોડનું જ બીજું નામ છે. હું ખુદાઈ રાજ ઈચ્છું છું. જેનો અર્થ છે ધરતી પર પરમાત્માનું રાજ્ય. એવા રાજ્યની સ્થાપનાથી ન માત્ર ભારતની જનતા બલ્કે સમગ્ર સંસારનું કલ્યાણ થશે.
૨૫મી મે ૧૯૪૭ના રોજ એક ઇન્ટરવ્યૂમાં તેમણે અસમાનતાને રામરાજ્ય માટે ખતરારૂપ ગણાવતા કહેલું, આજે આર્થિક અસમાનતા છે. સમાજવાદના મૂળમાં આર્થિક અસમાનતા છે.
થોડાને કરોડો અને બાકીના લોકોને સૂકી રોટલી પણ નહીં. આવી ભયાનક અસમાનતામાં રામરાજ્યના દર્શન કરવાની આશા ક્યારેય ન રાખવી જોઈએ. મેં દક્ષિણ આફ્રિકામાં સમાજવાદ સ્વીકારી લીધો હતો. સમાજવાદીઓ અને બીજાઓ સાથે મારે એ જ વિરોધ છે કે તમામ સુધારા માટે હું સત્ય અને અહિંસાને જ સર્વોપરિ સાધન માનું છું.
રામરાજ્ય વિશેના ગાંધીજીના વિચારો એ ખરેખર તુલસીદાસની ચોપાઈના સમર્થનમાં કરવામાં આવેલા દસ્તખત છે.
દૈહિક દૈવિક ભૌતિક તાપા,
રામ રાજ્ય નહીં કાહુહિ વ્યાપા.
સબ નર કરહિ પરસ્પર પ્રીતિ,
ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ.
રામરાજ્યમાં કોઈપણ મનુષ્યને દૈહિક, દૈવિક અને ભૌતિક સમસ્યાથી પરેશાન થવું પડતું નથી. તમામ મનુષ્યો પરસ્પર પ્રેમથી રહે છે. નીતિ અને મર્યાદામાં તત્પર રહીને પોતપોતાના મનુષ્યોચિત ધર્મ(ફરજ)નું પાલન કરે છે.
બહુ કેવાય
એક વેપારીની લાલસામાંથી જન્મી હતી ફટાકડા ફોડવાની પરંપરા
દિવાળીમાં પહેલા કેવળ દીપ પ્રગટાવવાનો મહિમા હતો. ફટાકડા ફોડવાની પ્રથા હતી નહીં.
૧. ફટાકડા ફોડવાની પરંપરા મોગલ સામ્રાજ્યમાં જરાતરા શરૂ થયેલી. ગુજરાતમાં ક્યાંક-ક્યાંક દારૂખાનું ફોડવામાં આવતું. બાકીનું ભારત હજુ ફટાકડાથી અજાણ હતું. ૧૬૬૭માં ઓરંગઝેબે દિવાળીએ દીવા સળગાવવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકેલો. મોગલો બાદ અંગ્રેજોએ એક્સપ્લોઝિવ એક્ટ પસાર કર્યો ને ફટાકડાનો કાચો માલ વેચવા તથા ફટાકડા બનાવવા પર પ્રતિબંધ લગાવી દીધો.
૨. ૧૯૨૩માં તમિલનાડુના અય્યા નાદર અને શનમુગા નાદર નામના બે ભાઈઓ રોજીરોટીની શોધમાં કલકત્તા ગયા અને ત્યાં બાકસની ફેક્ટરીમાં કામ કરવાના આરંભ કર્યો. થોડા વર્ષો પછી બેય પોતાના વતન શિવકાશી પરત ફર્યા અને ત્યાં બાકસનું કારખાનું સ્થાપ્યું.
૩. ૧૯૪૦માં એક્સપ્લોઝિવ એક્ટમાં સુધારો થયો. અમુક હદ સુધીની તીવ્રતાવાળા ફટાકડા પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો. નાદર બંધુઓએ મોકાનો ફાયદો ઉઠાવ્યો. ૧૯૪૦માં ફટાકડાનું પ્રથમ કારખાનું સ્થાપ્યું. તેમણે ફટાકડા અને દિવાળીનું કનક્શન જોડવાની કોશિશ કરી.
તેઓ માચીસનું કારખાનું ધરાવતા હોવાથી એક પ્લેટફોર્મ તેમની પાસે પહેલેથી જ હતું. દિવાળીમાં દીપ પ્રાગટયના મહાત્મ્યને ફટાકડા સુધી લઈ જવાનો પ્રયત્ન અને તડાફડીની વાટ સળગાવ્યા પછી જેમ ટેટા ધડાધડ ફૂટે તેટલી ઝડપથી તેમનો વિચાર ફેલાયો. ૧૯૮૦ આવતા સુધીમાં શિવકાશીમાં ફટાકડાના કારખાનીની સંખ્યા ૧૮૯ થઈ ગઈ. આમ ફટાકડા ફોડવાનો કુરીવાજ હજુ ૧૦૦ વર્ષ જેટલો પણ જૂનો થયો નથી.
૪. ફટાકડા ફોડવા માટે એક વૈજ્ઞાાનિક જુઠ્ઠાણું ચલાવવામાં આવ્યું. ચોમાસા દરમિયાન પેદા થયેલી જીવાતોનો નાશ કરવા માટે ફટાકડા ફોડવા જરૂરી છે. આ વાત સાવ ખોટી છે. મોસમ બદલાય એટલે જે જીવાતો નાશ પામવાની હોય તે આપોઆપ પામી જાય છે અને જે જમીનમાં ઢબુરાઈ જવાની હોય તે સુષુપ્તાવસ્થામાં સરી જાય છે. એના માટે ફટાકડા ફોડવાની કોઈ જરૂર નથી. આ એક માર્કેટિંગ ગિમીક છે. ફટાકડાની તરફેણ કરતા લોકો આજ સુધી આ પ્રકારની દલીલ કરતા આવ્યા છે.
૫. ફટકાડના સમર્થકો બીજી દલીલ એવી પણ કરે છે કે પ્રદૂષણ તો પેટ્રોલ-ડીઝલથી પણ થાય છે. જો પ્રદૂષણના ફેલાવાના કારણસર ફટાકડા બંધ કરવા હોય તો પેટ્રોલ-ડીઝલનો વપરાશ પણ બંધ કરી દેવો જોઈએ. આમને સમજાવવા એના કરતા બહેતર છે કે તેમને ફટાકડા ફોડવા દેવામાં આવે.
૬. આ બધા વચ્ચે દુઃખની વાત એ છે કે લાલસુ ફેક્ટરી માલિકો સસ્તા ભાવે ફટાકડા બને એ માટે બાળકોને જ કામ પર રાખે છે. શિવકાશીમાં હજારો બાળકોનું બચપણ ફટાકડાના કારખાનામાં ફૂટી જાય છે. ચાઇલ્ડ લેબર એક બહુ જ મોટો મુદ્દો બની ગયો છે.
૭. જો તમને એમ લાગતું હોય કે ક્લાઇમેટ બચાવવામાં આપણે આપણી ક્ષમતા મુજબ નાનું-સરખું યોગદાન આપવું છે તો આપણે બાઇક કે કાર ચલાવવાનું બંધ નથી કરી શકવાના પણ કમસેકમ ફટાકડા ફોડવાનું બંધ કરી દેવું જોઈએ. જે લોકો સુપ્રીમ કોર્ટના કેવળ બે કલાક ફટાકડા ફોડવાની મંજૂરીના ચૂકાદાનો વિરોધ કરે છે તેમણે દિવાળીએ દિલ્હી જઈ આવવું અને ત્યાંની હવા કેટલી પ્રદૂષિત થાય છે તેનો અંદાજ મેળવી લેવો.
જો તમને એમ લાગતું હોય કે બાળ શ્રમિકોને કારખાનામાંથી છોડાવવા છે તો ફટાકડા ફોડવાનું બંધ કરવું જોઈએ. આગળ તમારી મરજી.
આજની નવી જોક
છગન (મગનને)હમણા તારા ભાભીના હાથની રસોઈમાં જરાય મજા નથી આવતી.
મગન (છાપું વાંચતા-વાંચતા) ભાભીનું નામ બદલી નાખ.