Get The App

રામ તારી માયા .

ભારતમાં જુદી-જુદી ભાષામાં ૧૦૦૦થી વધુ ગ્રંથોમાં રામકથા કહેવાઈ છે

ચૂંટણી નજીક આવે ત્યારે જ કેમ રામ મંદિર યાદ આવે છે?

Updated: Oct 22nd, 2018

GS TEAM

Google News
Google News

આઠમી સદીમાં સૌપ્રથમ વખત અષ્ટાવક્ર ગીતામાં આત્મારામ એવો શબ્દપ્રયોગ થયો હતો

રામ તારી માયા                                . 1 - imageહરિના નામ હજાર છે એમ રામના રૂપ હજાર છે. બ્રહ્મવાદીઓના તે બ્રહ્મ છે. નિર્ગુણવાદી સંતોનો આતમરામ છે. ઈશ્વરવાદીઓના ઈશ્વર છે. અવતારવાદીઓના અવતાર છે. વૈદિક સાહિત્યમાં તેઓ કોઈ એક રૂપે આવ્યા છે તો બૌદ્ધ જાતક કથાઓમાં બિલકુલ જુદા રૂપે.

વાલ્મિકી રામાયણમાં જુદા સ્વરૂપમાં જોવા મળ્યા છે અને તેમણે જ રચેલા ગ્રંથ યોગવસિષ્ઠમાં તદ્દન અલગ સ્વરૂપમાં. કમ્બ રામાયણમમાં તે દક્ષિણ ભારતીય જનમાનસને ભાવવિભોર કરી દે છે તો તુલસી કૃત રામચરિત માનસ થકી તે ઉત્તર ભારતમાં ઘરે-ઘરે ગૂંજવા લાગે છે. 

પિતા તેમનામાં આજ્ઞાાકારી પુત્ર જોવે છે, વિવાહ વાંછુક યૌવના તેમનામાં સૌમ્ય પતિના દર્શન કરે છે અને પ્રજા તેમને આદર્શ રાજા તરીકે જુએ છે. લોકબોલીમાં રામના કેટલા અર્થ છે! રામ-રામ એટલે હેપી ન્યૂ ઈયર. રામબાણ એટલે અક્સીર.

રમતા રામ એટલે મસ્ત મૌલા માણસ. દીવો રામ થઈ ગયો એટલે દીવો ઠરી ગયો. રામ રાજ્ય એટલે જ્યાં નાનામાં નાના માણસને પોતાનો અભિપ્રાય આપવાની નિર્ભિક સ્વતંત્રતા હોય એવું રાજ્ય. રામ ભરોસે એટલે સરકારના હોવા છતાં જનતાની જે હાલત હોય છે તે! રામ બોલો ભાઈ રામ એટલે... સમજી ગયાને?

આજથી સાડા ત્રણ હજાર વર્ષ પહેલા વિશ્વના પ્રથમ પુસ્તક ઋગવેદની રચના થઈ. ભારતમાં લેખિત સાહિત્યના ઈતિહાસમાં રામકથા પર ૧,૦૦૦થી વધુ ગ્રંથો લખાયા છે.  તિબ્બતીથી ખોતાની લગી અને સિંહલીથી ફારસી સુધીની ભાષાઓમાં રામાયણ લખાઈ છે. રામ ખાલી હિંદુઓના નથી, પ્રત્યેક હિંદુસ્તાનીના છે. ઇસ ૧૮૦૦ આસપાસ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના મુલ્લા મસીહ ફારસીએ રામાયણનો ફારસીમાં સમશ્લોકી અનુવાદ કર્યો હતો. 

રામના પાત્રને લઈને કથા લખનારા સર્જકોએ મૂળ વાર્તામાં હદ બાર છૂટછાટ લીધી છે. કોઈએ શંબુકના કાનમાં સિસુ રેડાવ્યું તો કોઈએ રામને શૃંગાર રસમાં ભિંજાતા દર્શાવ્યા. આનંદ રામાયણ અને સંગીત રઘુનંદનમાં લગ્ન પહેલા રાસલીલા રમતા રામનું વર્ણન છે. જૈન સંપ્રદાયના ગ્રંથ પઉમચરિયંમાં એવી કથા કહેવાઈ છે કે રામને ૮,૦૦૦ અને લક્ષ્મણને ૧૬,૦૦૦ પત્ની હતી.  બધાએ પોતપોતાની કલ્પનાશક્તિ, પાત્રતા અને સમજણ પ્રમાણે રામને જોયા, ગાયા અને ભજ્યા.

આત્મારામ એવો સૌપ્રથમ શબ્દપ્રયોગ ઇસ ૮૦૦મી સદીમાં રચાયેલી અષ્ટાવક્ર ગીતામાં સૌપ્રથમ વખત થયો. આત્મારામસ્ય ધીરસ્ય, શીતલાચ્છતરાત્મન. અર્થાત્ નિરંતર આત્મામાં રમણ કરતા આત્મારામ શીતળ અને સ્વચ્છ હૃદયના ધૈર્યવાન સંત છે. અષ્ટાવક્ર ગીતા અદ્વૈત વેદાન્તનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે.

અષ્ટાવક્ર અને જનક વચ્ચેના અદ્ભૂત સંવાદને કારણે તેને મહાગીતા(ગીતાથી પણ ચડિયાતો ગ્રંથ) કહેવામાં આવ્યો છે. અહો... આશ્ચર્યમ... ! મેરા મુજકો નમસ્કાર. અષ્ટાવક્ર ગીતામાં જાતિ, વર્ણ, સંપ્રદાય, બ્રહ્મચર્ય, સંન્યાસ વગેરેથી ઊપજતા મિથ્યાભિમાન અથવા હીનતાબોધથી સ્વયંને દૂર રાખવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.- 

ન ત્વં વિપ્રાદિકો વર્ણોનાશ્રમિ નાક્ષગોચરઃ,

અસગ્નોસિ નિરાકારો વિશ્વસાક્ષી સુખી ભવ. 

(તું ન તો બ્રાહ્મણ કે ક્ષત્રિય એવો વર્ણ છે, ન તો તું બ્રહ્મચારી અથવા સંન્યાસી છે. ન તો તું આંખ, કાન, નાક, જીભ, ત્વચા આદિ ઈન્દ્રીયોથી ગ્રહણ થતી ચીજ છે. તું એકલો છે. અદૃશ્ય અને વિશ્વનો દૃષ્ટા છે. એટલું સમજીને સુખી થા.)

ભક્તિયુગના આદ્યસ્થાપક શંકરાચાર્યના શિષ્ય દ્વારા રચિત અષ્ટાવક્ર ગીતામાં આત્મારામનો ગુંજારવ સંભળાયો હતો. તેના સૈકાઓ પછી ભક્તિયુગના મધ્યાહ્ને કબીર, રૈદાસ અને નાનકની વાણીમાં પુનઃ આત્મારામના દર્શન થયા. તુલસીદાસજી કહે છે, રામ હિ ન સકહિં, નામ ગુન ગાહિ. રામ એટલા સમર્થ નથી કે પોતાના ગુણગાન ગાઈ શકે. 

કબીર તેનાથી જુદી વાત કરે છે. 

દસરથ સુત તિહું લોક બખાના, 

રામ નામ કા મરમ હૈ આના. (લોકો દશરથના દીકરા રામને ભજે છે, પણ રામ નામનો અર્થ કંઈક બીજો જ છે.) હરિ તારા નામ છે હજાર... તો શું એક નામ અલ્લાહ કે બીજું નામ ગોડ ન હોઈ શકે?

રામના નામે એકબીજાને લડાવીને ચૂંટણી લડતા લોકો પર કબીરે ગજબ કટાક્ષ કર્યો છે.

રામ ગુણ ન્યારો-ન્યારો-ન્યારો, 

અબુઝા લોગ કહાં લોં બૂઝે, બૂઝનહાર વિચારો. 

કેતેહિ મુનિજન ગોરખ કહિયે, તિન્હ ભી અંત ન પાયા. 

જાકી ગતિ બ્રહ્મૈ નહિં જાની, શિવ સનકાદિક હારે. 

તાકે ગુણ નર કૈસક પૈહો, કકહિં કબીર પુકારે.

પરસ્પર ઝઘડતા હિંદુ-મુસલમાનને કબીર સમજાવે છે, રામ રહીમા એકૈ હૈ રે, કાહે કરો લડાઈ. વળી પાછા કહે છે. 

રામ રહીમા એક હૈ, નામ ધરાયા દોઈ, 

કહે કબીર દુઈ નામ સુનિ, ભરમ પરો મત કોઈ. 

આટલેથી પણ ન સમજે એને કબીર હતાશ થયા વિણ વધુ એક વખત સમજાવે છે, રામ રમૈયા ઘટ-ઘટ વાસી. એટલે કે રામ હર મનુષ્યની ભીતર છે. 

રઘુપતિ રાઘવ રાજા રામ ગાનારા ગાંધી પણ એ જ કબીરાઈ રામની વાત કરતા હતા. ૨૨મી જાન્યુઆરી ૧૯૨૧ના રોજ તેમણે યંગ ઇંડિયામાં રામ નામ સુમિરનનો મર્મ લખ્યો, મારા માટે રામ, અલ્લાહ અને ગોડ બધા એક જ અર્થ ધરાવતા શબ્દ છે.

રામ, કૃષ્ણ અને બુદ્ધને અવતાર ગણવા કે નહીં એવા એક સવાલના જવાબમાં વિનોબાએ કહેલું, વિચારનો પણ અવતાર હોય છે. બલ્કે વિચારનો જ અવતાર હોય છે. લોકો સમજે છે કે રામચંદ્ર અવતાર હતા. કૃષ્ણ અને બુદ્ધ અવતાર હતા. ખરેખર આપણે તેમને અવતાર બનાવ્યા છે. તેઓ તો મારા અને તમારા જેવા મનુષ્ય હતા.

આપણે પ્રાર્થના સમયે લોકોને સત્ય, પ્રેમ અને કરુણાનું ચિંતન કરવાનું કહીએ છીએ. ભગવાન કોઈને કોઈ ગુણ અથવા વિચારના રૂપમાં અવતાર લે છે. જે ગુણ અથવા વિચારને મૂર્ત સ્વરૂપ આપવામાં વધુમાં વધુ સમય લાગે છે તેને જનતા અવતાર માની લે છે. અવતાર વ્યક્તિનો નહીં, વિચારનો હોય છે. મનુષ્ય વિચારના વાહક તરીકે કામ કરે છે. કોઈ યુગમાં રામ રૂપે સત્યનો મહિમા થયો, કોઈ બીજા યુગમાં કૃષ્ણ રૂપે પ્રેમનો મહિમા થયો અને કોઈ અન્ય સમયમાં બુદ્ધના રૂપમાં કરુણાનો.

આધુનિક સમયમાં ઘણાએ રામ નામને પોતાની રીતે નગદ કરવાની કોશિશ કરી. ૧૯૮૮માં રામ-અવતાર નામની એક ફિલ્મ આવી હતી. ગામડાંના ભલા-ભોળા ભારતીયોને થયું કે ભગવાન રામ પરનું ચલચિત્ર છે. સિનેમાની બહાર વાહનોના થપ્પા લાગવા માંડયા. લોકો મોટી સંખ્યામાં ઠલવવા લાગ્યા, પરંતુ તેઓ થિયેટરની અંદર જઈને જોતા તો છેતરપિંડીનો અનુભવ કરતા. રામ-અવતાર ફિલ્મમાં તેમણે શું જોયું? નાયક પોતાની કારના રેડિયેટર પર લઘુશંકા કરી રહ્યો છે.

રામના નામે ગુરમીત રામરહિમથી લઈ આશારામ સુધીના પથ્થર તર્યા છે. રાજકીય પક્ષ રચાયો છે. દર વખતે ચૂંટણી સમયે તેમના મુખમાં રામ વસે છે. અલ્ઝાઇમર્સના પેશન્ટને ઓચિંતું કશુંક યાદ આવી જાય તેમ તેમને રામ મંદિર યાદ આવી જાય છે.

રામ મંદિરનો મુદ્દો ઢાલ છે. પોતે પાંચ વર્ષમાં કરી શકેલા કામનો હિસાબ આપવામાંથી ભાગી છૂટવાની છટકબારી છે. બિલોરી કાચની મદદથી જેમ સૂર્યકિરણોનું કેન્દ્રીકરણ થાય તેમ રામ મંદિરને મુદ્દો બનાવી મતોનું ધુ્રવીકરણ કરવામાં આવે છે.

રામ મંદિર મામલે કાયદો બનાવવા જે સરકાર પાસે સાડા ચાર વર્ષ હતા તેમને હવે જ કેમ આ બધું સુઝાડવામાં આવે છે? જવાબ છે. પાંચ રાજ્યોની ચૂંટણી નિકટ આવી રહી છે અને પછી સામાન્ય ચૂંટણી છે. સત્તામાં રહીને કોઈ એવું કામ થઈ શક્યું નથી જેના આધારે પુનઃચૂંટાઈ આવવા માટે પર્યાપ્ત મત મેળવી શકાય. તો પછી શું કરવું? શોધી કાઢો કોઈ રામબાણ મુદ્દો. ને શોધી કાઢ્યો.

રામ મંદિર કોને બનાવવું છે? અહીં તો માત્ર ચૂંટણી પૂરતી જ વાત છે. જાતિના નામે વિભાજિત થઈ જતા મતોને ધર્મના નામે એકીકૃત કરવા માટેનું શક્તિશાળી ચુંબક છે આ. શ્વાનને તમે રોટલી દેખાડો એટલે તે તરત જ દોડતો તમારી પાસે આવે છે. તમે એને રોટલી દેખાડીને પિંજરામાં પૂરી શકો છો. બીજી વખત ફરી એ શ્વાનને તમે રોટલી દેખાડશો તો એ તમારી પાસે દોડતો આવશે. 

એ પોતાના ભૂતકાળના અનુભવમાંથી શીખશે નહીં કે આવા પ્રલોભન પાછળ ન દોડાય. પિંજરામાં પુરાઈ જવાય. માણસ એ શ્વાન નથી. માણસ પોતાના અનુભવમાંથી સતત શીખતો ગયો છે.

એટલે જ બીજા પ્રાણીઓ ઝાઝા ન બદલાયા અને માણસે વાનરમાંથી હનુમાન કૂદકો લગાવ્યો. મતદાર એ શ્વાન નથી. માણસ છે. એ ગઈકાલે છેતરાયો હતો. એની પહેલા છેતરાયો હતો. હવે નહીં છેતરાય. તે વારંવાર પડયા-આખડયા બાદ પોતાના અનુભવોમાંથી શીખી રહ્યો છે. શીખશે.

રાજકીય પક્ષો ભલે ૨૦૧૯ની ચૂંટણીને કોમી દંગલ બનાવવી કોશિશ કરે, પણ ભારતનો સમજું નાગરિક જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળની ભ્રાન્તિમાં પડયા વિના શિક્ષણ, રોજગાર, આર્થિક સ્થિતિ, ભ્રષ્ટાચાર, મૂળભૂત સુવિધાઓ, વચન અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર વગેરે મુદ્દા ઉપર ચિંતન-મનન કરીને જ મત આપશે.

જ્યારે નેતાઓ પોતે વાંકમાં હોય ત્યારે નિવેદનથી બચવા માટે મેટર કોર્ટમાં છે એમ કહીને છટકી જતા હોય છે. આ વખતે જ્યારે મતલાલસુઓ રામ મંદિરના મુદ્દે પ્રચાર રથ દોડાવશે ત્યારે જનતા પણ એ જ કહેશે, મેટર સુપ્રીમ કોર્ટમાં છે. ઇન્શાલ્લાહ રામ મંદિર બનશે જ! તમે તમારો હિસાબ આપો.

મશહૂર શાયર અલ્લામા ઇકબાલનો શેર છે.

હૈ રામ કે વજૂદ પે હિંદોસ્તાં કો નાઝ,

અહલે નઝર સમઝતે હૈ ઉસકો ઇમામ-એ-હિંદ.

રામ અને કૃષ્ણ ભારતીય સંસ્કૃતિની આધારશીલા છે. તેમના નામ નથી તો ભારત નથી. પણ આ નામ એટલા સસ્તા નથી કે વટાવી ખાવામાં આવે. એટલા હાથવગા નથી કે તેનો ઉપયોગ પોતાની અક્ષમતા છુપાવવા માટે કરવામાં આવે. સબકો સન્મતિ દે ભગવાન.

દર્શન

રાજનીતિ પરના કેટલાક અદ્ભૂત ક્વોટ્સ...

- યુક્રેનિયન બિઝનેસમેન વિક્ટર પિન્ચુકે કહેલું, કળા, સ્વતંત્રતા અને સર્જનશીલતા સમાજને રાજનીતિ કરતા વધુ ઝડપથી બદલશે.

- અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્હોન એડમ્સે માર્મિક વાત કરેલી,  જેવીરીતે મારા સંતાનોને ગણિત અને દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવાની સ્વતંત્રતા છે તેમ જ મારે રાજનીતિ અને યુદ્ધનો અભ્યાસ કરવો જોઈએ.

- અમેરિકાના અભિનેતા વિલ રોજર્સે વેધક સત્ય ઉચ્ચારેલું, હું ક્યારેય જોક્સ કરતો નથી. માત્ર સરકારને જોવું છું અને હકીકત બયાન કરું છું.

- અમેરિકન પ્રમુખ ફ્રેન્ક્લિન ડી. રુઝવેલ્ટે વિધાન કરેલું, રાજનીતિમાં કશું જ આકસ્મિક બનતું નથી. અહીં અકસ્માત પણ સુનિયોજિત હોય છે.

- યુએસના જનસેવક વિલિયમ જે. સાયમને જે કટાક્ષ કર્યો છે તે સમજવામાં વાળ ખેંચાઈ જાય એવું છે. તેણે કહ્યું છે, સારા માણસો મત ન આપીને ખરાબ માણસોને વોશિંગ્ટન મોકલે છે! (અહીં વોશિંગ્ટનની જગ્યાએ તમને દિલ્હી લખવાની તમને છૂટ છે.) 

આજની નવી જોક

છગન (મગનને) એક વખત રાવણ ડિસ્કો ગયો.

મગનઃ પછી?

છગનઃ ત્યાં બેહોશ થઈ ગયો.

મગનઃ કેવીરીતે?

છગનઃ ડિસ્કો પબની બહાર લખ્યું હતું, એન્ટ્રી ફી પર હેડ રૂા.૨૫૦૦!


Tags :